મણિપુરમાં જે થયું તે આઘાતજનક પણ તેના પર રાજકારણ શરમજનક : અમિત શાહ

- મોદી આજે અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપશે
- બીરેનસિંહ અમારા કોઇ પણ પગલા સાથે સહમત ન થયા હોત તો મુખ્યમંત્રી બદલી નાખ્યા હોત : ગૃહમંત્રી
- વિપક્ષનું મહાગઠબંધન ભ્રષ્ટાચારી પક્ષોથી ભરેલુ છે, જનતાને વર્તમાન સરકાર પર પુરો વિશ્વાસ છે તેવો દાવો
નવી દિલ્હી : રાહુલ ગાંધીએ લોકસભામાં મણિપુર હિંસાનો મામલો ઉઠાવ્યો હતો. જે બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ભાષણ આપ્યું હતું. અમિત શાહે કહ્યું હતું કે મણિપુરમાં જે કઇ થયું તે અત્યંત શરમજનક છે પણ મણિપુર હિંસા મુદ્દે રાજકારણ કરવું તે એનાથી પણ વધુ શરમજનક છે. અમિત શાહે કહ્યું હતું કે પરિસ્થિતિને કારણે હિંસા ભડકી હતી, જેને રાજકારણનો મુદ્દો ના બનાવવો જોઇએ. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવિશ્વાસ પ્રસ્તાવનો ગુરૂવારે સંસદમાં જવાબ આપશે.
અમિત શાહે દાવો કર્યો હતો કે ત્રણ મેના રોજ મણિપુરમાં હિંસા ફાટી નીકળી હતી, જેના બીજા દિવસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક્ટિવ થઇ ગયા હતા. ત્રણ મેના રોજ રાત્રે ચાર વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને ફોન કર્યો હતો. અને મણિપુર હિંસા મુદ્દે મારી સાથે વાતચીત કરી હતી. બાદમાં બીજા દિવસે સવારે ૬.૩૦ વાગ્યે મારા પર ફરી વડાપ્રધાનનો ફોન આવ્યો હતો અને ફરી આ મુદ્દો ઉઠાવીને મારી સાથે ચર્ચા કરી હતી. ત્રણ દિવસ સુધી સતત અમે મણિપુર મુદ્દે કામ કર્યું. ૧૬ વીડિયો કોન્ફરંસ કરી, એરફોર્સની મદદ લીધી. એટલુ જ નહીં રાજ્યના ડીજીપી પણ બદલી નાખ્યા.
મણિપુરમાં મુખ્યમંત્રી બીરેનસિંહને કેમ હટાવવામાં નથી આવી રહ્યા તેવો સવાલ વિપક્ષ દ્વારા સતત ઉઠાવવામાં આવી રહ્યો છે. જેનો જવાબ આપતા અમિત શાહે કહ્યું હતું કે વિપક્ષ કહે છે કે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન કેમ નથી લગાવવામાં આવી રહ્યું? આવુ પગલુ ત્યારે લેવાનું હોય જ્યારે રાજ્ય સરકાર સહયોગ ના કરતી હોય, અમે ડીજીપી બદલ્યા તો રાજ્ય સરકારે તેનો સ્વીકાર કર્યો, બાદમાં અમે મુખ્ય સચિવ બદલ્યા, મુખ્યમંત્રી ત્યારે બદલવામાં આવે છે જ્યારે તેઓ સહયોગ ના કરતા હોય, મણિપુરના મુખ્યમંત્રી સહયોગ કરી રહ્યા છે. સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે વિપક્ષની વાત સાથે સહમત છું કે મણિપુરમાં હિંસાનું તાંડવ થયું, અમને પણ દુ:ખ છે. જે ઘટનાઓ સામે આવી તે અત્યંત શરમજનક છે, પરંતુ તેના પર રાજકારણ કરવું યોગ્ય નથી. અમિત શાહે સાથે જ વિપક્ષના ગઠબંધન ઇન્ડિયા પર ટોણો મારતા કહ્યું હતું કે ભ્રષ્ટાચારી પક્ષો દ્વારા ગઠબંધન કરાયું છે, વિપક્ષને વર્તમાન સરકાર પર વિશ્વાસ હોય કે ના હોય પણ જનતાને પુરો વિશ્વાસ છે.
Comments
Post a Comment