રાહુલ ગાંધીનું સાંસદપદ બહાલ, વિપક્ષના નેતાઓએ સ્વાગત કર્યું, નારા લગાવ્યા

- અવિશ્વાસના પ્રસ્તાવ અંગે રાહુલ આજે ચર્ચા શરૂ કરે તેવી શક્યતા
- રાહુલ ગાંધીએ ટ્વિટર બાયોમાં ફેરફાર કરીને ડિસ-ક્વોલિફાઈડ એમપીને બદલે લખ્યું - મેમ્બર ઓફ પાર્લામેન્ટ
નવી દિલ્હી : રાહુલ ગાંધીના સંસદસભ્યપદની માન્યતા ફરીથી મંજૂર થતાં કોંગ્રેસના નેતા લોકસભા પહોંચ્યા હતા. ૧૩૭ દિવસ પછી લોકસભામાં હાજર રહેલા રાહુલને વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાના નેતાઓએ આવકાર્યા હતા અને લોકસભા પરિસરમાં તેમ જ ગૃહમાં રાહુલ ગાંધી જિંદાબાદના નારા લાગ્યા હતા.
અવિશ્વાસના પ્રસ્તાવ અંગે રાહુલ ગાંધી લોકસભામાં નિવેદન આપશે. મોદી અટકના કેસમાં રાહુલને સૂરતની નીચલી કોર્ટે બે વર્ષની સજા ફટકારી તેના કારણે સભ્યપદ રદ્ થયું હતું.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચારેક મહિના પછી ફરીથી લોકસભામાં હાજરી આપી હતી. સભ્યપદ રદ્ થયા પછી સુપ્રીમ કોર્ટમાંથી સજા પર સ્ટે મૂકાયો હોવાથી રાહુલ ગાંધીની સદસ્યતા ફરીથી બહાલ કરવામાં આવી હતી. ૨૪મી માર્ચે રાહુલ ગાંધીને સૂરતની કોર્ટે સજા ફટકારી તે પછી તુરંત નિયમ પ્રમાણે સભ્યપદ રદ્ કરાયું હતું. રાહુલ ગાંધીના સભ્યપદને મંજૂરી આપવા માટે શુક્રવારે જ કોંગ્રેસે સ્પીકરને રજૂઆત કરી હતી. જોકે, જેટલા સમયમાં સભ્યપદ રદ્ થયું એટલા સમયમાં સભ્યપદ બહાલ ન થયાની ફરિયાદ પણ કોંગ્રેસે કરી હતી. સ્પીકર ઓમ બિરલાની મધ્યસ્થી પછી સંસદીય કાર્યની ઓફિસે સભ્યપદ મંજૂરીનો આદેશ આપ્યો હતો.
રાહુલ ગાંધી સંસદ પરિસરમાં હાજર થયા કે ઈન્ડિયા ગઠબંધનના નેતાઓએ નારેબાજી કરીને સ્વાગત કર્યંી હતું. રાહુલે ગાંધીજીની મૂર્તિને વંદન કરીને સંસદભવનમાં પ્રવેશ કર્યો હતો. સંસદમાં રાહુલ હાજર થયા કે ક્રોંગ્રેસ સહિત વિપક્ષના સાંસદોએ રાહુલ ગાંધી જિંદાબાદ, લોકશાહી જિંદાબાદ એવા નારા લગાવ્યા હતા. સંસદના ગેટ પાસે મીઠાઈ વહેંચીને વિપક્ષના સાંસદોએ ઉજવણી કરી હતી. વિશ્વાસના મતના પ્રસ્તાવ અંગે રાહુલ ગાંધી સંસદમાં નિવેદન આપશે.
રાહુલે ટ્વિટરના બાયોમાં એડિટિંગ કર્યું હતું. સજા મળી તે પછી રાહુલે એમાં ડિસક્વોલિફાઈડ એમપી એવું લખ્યું હતું, જે બદલીને મેમ્બર ઓફ પાર્લામેન્ટ કર્યું હતું. તે સિવાય આઝાદપુર શાકમાર્કેટમાં વેપારીઓ અને ગ્રાહકોને મળ્યા તેનો વીડિયો શેર કર્યો હતો અને મોંઘવારી મુદ્દે સરકારની ઝાટકણી કાઢી હતી. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે ગરીબોની વાત સરકાર કાને ધરતી નથી.
વિપક્ષી નેતાઓએ કહ્યું હતું કે રાહુલ ગાંધીના લોકસભામાં પાછા ફરવાથી વિપક્ષ વધુ મજબૂત બનશે અને મણિપુર હિંસા, મોંઘવારી સહિતના મુદ્દે મજબૂતાઈથી પક્ષ રાખશે. વિપક્ષના નેતાઓએ રાહુલ ગાંધીની લોકસભા વાપસીને ટ્વિટરમાં આવકાર્યો હતો.
Comments
Post a Comment