સતત બીજા દિવસે પાક.નો ભારે તોપમારો ગ્રામીણ વિસ્તારોમાં મોટાપાયે નુકસાન

પુલવામામાં મદરેસામાંથી આતંકી પકડાતા તંત્ર દોડતું થયું, અન્ય લોકો પણ સામેલ હોવાની શંકા
શ્રીનગર, તા. 22 નવેમ્બર, 2020, રવિવાર
પાકિસ્તાને સતત બીજા દિવસે સરહદે ભારે તોપમારો કર્યો છે. ગ્રામીણ વિસ્તારો અને સૈન્ય ચોકીઓને ટાર્ગેટ કરીને ગોળીબાર કર્યો હતો. આ વર્ષે પાકિસ્તાને અત્યાર સુધીમાં ચાર હજાર વખત શસ્ત્ર વિરામનો ભંગ કર્યો છે જે સૌથી વધુ માનવામાં આવે છે. ભારતીય સૈન્યને પણ એલર્ટ કરી દેવાયું છે અને વળતા જવાબ અપાઇ રહ્યા છે. દરમિયાન એલઓસી પાસે જ એક જવાને પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.
પૂંચ સેક્ટરમાં મેંધાર વિસ્તારમાં એલઓસી પાસે પાકિસ્તાનનું એક ડ્રોન જોવા મળ્યું હતું. જેને પગલે સૈન્ય દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અહીંના બેસોની અને ધરાના વિસ્તારમાં હાલ મોટા પાયે તપાસ અભિયાન ચાલી રહ્યું છે. સામાન્ય રીતે આવા ડ્રોનની મદદથી પાકિસ્તાન સરહદ પાર કરાવી હિથયારો પહોંચતા કરે છે.
બીજી તરફ દક્ષિણ કાશ્મીરમાં એક મદરેસામાંથી આતંકી મળી આવ્યો હતો. અહીંના પુલવામામાં છતપુરા મોહલ્લા વિસ્તારમાં ગુપ્ત રિપોર્ટ બાદ સૈન્ય દ્વારા મોટા પાયે તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન એક વ્યક્તિની પૂછપરછ કરતા તેણે સૃથાનિક મદરેસામાં આતંકી છુપાયો હોવાની જાણકારી આપી હતી, સૈન્યએ મદરેસાને કોર્ડન કરીને આ આતંકીને ઝપડી પાડયો હતો.
હાલ તેની પૂછપરછ ચાલી રહી છે. અને મદરેસામાં તેને કોઇએ મદદ કરી કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે. દરમિયાન પૂંચ સેક્ટરમાં એલઓસી પાસે સૈન્યના એક જવાને પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. હવલદાર રાજીન્દર કુમારે કોઇકારણોસર ડયુટી પર હતા ત્યારે પોતાની રાઇફલથી પોતાને જ ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. જેની વધુ તપાસ ચાલી રહી છે.
નગરોટા એન્કાઉન્ટરની તપાસમાં મોટો ખુલાસો
સરહદે 150 મીટર લાંબી ટનલ મળી, પાક.થી આતંકીઓ ઘુસ્યા હતા
સરહદે 200 જેટલા આતંકીઓ ઘુસવાની ફિરાકમાં
શ્રીનગર, તા. 22 નવેમ્બર, 2020, રવિવાર
નગરોટા એનકાઉંટર બાદ ભારતીય સુરક્ષા જવાનો એલર્ટ થઇ ગયા છે. આંતરરાષ્ટ્રીય સરહદે એક ટનલ મળી આવી છે જેનો ઉપયોગ આતંકીઓએ ઘુસણખોરી માટે કર્યો હોવાની શંકા છે. નગરોટા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીઓ આ 150 મીટર લાંબી ટનલથી જ ઘુસ્યા હોવાની શક્યતાઓ છે.
બીજી તરફ નગરોટા એન્કાઉન્ટરની બહુ જ જીણવટ પૂર્વક તપાસ ચાલી રહી છે. જેમાં સામે આવ્યું છે કે આ આખા આતંકી કાવતરામાં જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર કાસીમ જાન પણ સામેલ હતો. જે પઠાણકોટ હુમલાનો મુખ્ય આરોપી પણ છે. તેના દક્ષિણ કાશ્મીરના અન્ડરગ્રાઉન્ડ આતંકી વર્કરોના સંપર્ક છે.
દરમિયાન એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે એલઓસી પાસે 200 જેટલા આતંકીઓ ભારતમાં ઘુસવાની ફિરાકમાં છે. તેથી સૈન્યને એલર્ટ કરી દેવાયું છે. જમ્મુ કાશ્મીરના સાંબા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદે મોટા પ્રમાણમાં એન્ટી ટનલિંગ ઓપરેશન ચાલી રહ્યું છે. અહીંની આંતરરાષ્ટ્રીય સરહદે એક ટનલ મળી આવી હતી જેનો ઉપયોગ પાકિસ્તાનથી ભારતમાં ઘુસવા માટે આતંકીઓએ કર્યો હોવાની શંકા સૈન્યને છે. બીજી તરફ નગરોટા જેવા હુમલાને રોકવા માટે ફુલ બોડી ટ્રક સ્કેનરની જરૂરીયાત હોવાનું પણ કહ્યું છે.
Comments
Post a Comment