દિવાળીઃ તુમ આ ગયે હો તો નૂર આ ગયા હૈ

- આ ન્યૂઇયર પર લેવા જેવા કેટલાક રીઝોલ્યુશન્સ આ રહ્યા


નહી તો ચરાગો સે જા રહી થી... ઘણા બધા લોકોના ગયા પછી આ પહેલી દિવાળી છે. સદીની સૌથી મોટી મહામારી આવી અને ઘરની છતની વચ્ચોવચ ઝળહળતા સૂરજને ઉઠાવી ગઈ. સાંજ પડવાની પણ રાહ ન જોઈ. કોઈના ગયા પછી આવતો પહેલો ઉત્સવ ઉજવવો કેમ? ઉજવવો પડશે. કારણ કે ઘરમાં જે નાના-નાના ફૂલ જેવા ચહેરાઓ છે તેના પર સ્મિતના દીપ પ્રગટાવવાના છે. તેમને જોઈએ તો થાય છે કે ગયેલું નૂર કોઈ બીજા સ્વરૂપે પાછું આવી રહ્યું છે.

એક સૂરજના જતા રહેવાના અને દીવા તરીકે ફરી પ્રગટ થવાના આ ચક્રીય ઉપક્રમને કારણે જ પેલો ઊર્જાનો નિયમ શોધાયો હશેઃ ઊર્જાનો ક્યારેય નાશ કે સર્જન થતાં નથી, માત્ર એક સ્વરૂપમાંથી બીજામાં રૂપાંતર થાય છે. દિવાળી આપણી ઊર્જાનો ઉત્સવ છે. આપણી આશા, આકાંક્ષા, સામર્થ્ય અને ધીરજનું પ્રકાશ ઊર્જામાં રૂપાંતર.

ધમનીઓમાં જેમ લોહી ધસે એમ બજારમાં ખરીદી માટે ધસારો જોવા મળી રહ્યો છે તે દર્શાવે છે કે માણસ ઘાયલ થયો છે, હાર્યો નથી. મુવ ઑન થઈ રહ્યો છે. તૂટીને પણ જોડાતા શીખી ગયો છે. પથ્થરને પાટું મારીને ખુશી બહાર કાઢતા શીખી ગયો છે. એણે ફરીથી આંગણામાં ચિરોડી સપનાંની ભાત પાડવાનું શરૂ કરી દીધું છે. ચીજવસ્તુઓની ખરીદી કરી કેવળ ખુશાલીમાં વધારો નથી કર્યો, પૈસો બજારમાં ફરતો કરી આગોતરું લક્ષ્મી પૂજન કર્યું છે. એક રૂપિયો આપીને શ્રીસવા મેળવ્યું છે. અને શ્રી સવા આપનારો સમાય નહીં એટલું બધું પામી ગયો છે.

દિવાળી એટલે રીટર્ન ઑફ લાઇટ. રામ જે રીતે વનવાસમાંથી પાછા એવેલા એમ આપણો ગયેલો ઉત્સાહ, ઉલ્લાસ પણ આજે પાછો આવી રહ્યો છે. તેના પગરવ ફટાકડાના ધ્વનિ સાથે ભળી જાય છે, તેના પગલાં દીવાના અજવાસમાં સ્પષ્ટ જોઈ શકાય છે. ઊર્જાના બદલાતા સ્વરૂપોની જેમ આ રોપલાઇટ, આ હેન્ગિન્ગ લાઇટ્સ, આ શેન્ડિલિયર્સ પણ દીવા જ ને. કોડિયામાં મૂકેલો દીવો જાણે ચાપ દબાવોને પ્રગટી ઊઠે છે.

ઘરમાં સભ્ય ઓછા થયા હોય એ ઘરમાં પણ દીવા ઓછા થવા ન જોઈએ. એક દીવો કોઈ વતી કરવો જોઈએ. એક દીવો એટલા માટે કરવો જોઈએ જેથી ઉત્સવને ઓછું ન આવી જાય. કમસેકમ એક દીવો જરૂર કરવો જોઈએ. ને આ બધા દીવાની આગ ક્યારેય ન હોલવાતા કોઈ દીવા પાસેથી ઉછીની લેવી જોઈએ. જેથી તેની સંગતમાં તેમને પણ અખંડ રહેવાની આદત પડી જાય. 

દીવાળી સુખ સે સુખ જલેની મોસમ છે. એક દીવાને બીજો દીવો અડકાડો અને બીજો ઝળહળી ઊઠે તેમ એકના સુખને બીજાના સુખની નજીક લઈ જાવ કે તે તરત ઝળહળી ઊઠે છે. ખારવા સમુદાયનો એક રીવાજ બહુ સુંદર છે. દરિયાઈ પૂનમે તેઓ દરિયાને સાકર ધરાવે છે. ખારા સમુદ્ર પાસે તેઓ મીઠાશની માગણી કરે છે.

દિવાળીમાં કરવામાં આવતું મીઠું મોઢું ખરેખર તો નવા વર્ષને કરાવવામાં આવતું મીઠું મોઢું છે. અન્નમ બ્રહ્મમ્મને કરવામાં આવતી એવી પ્રાર્થના છે કે મારા આવનારા વર્ષને પણ તારા જેવું ગળચટ્ટું બનાવજે.

આ દિવાળીના ચોપડા પૂજનમાં માત્ર હિસાબ-કિતાબના નહીં, આપણા પુસ્તકો પણ મૂકવા જેવા. સાહિત્યના પુસ્તક, સાહિત્યેતર પુસ્તક, વ્યક્તિત્વ વિકાસના પુસ્તકો, પાઠય પુસ્તક બધા જ. હે મા સરસ્વતી! તું અમને સવાયું જ્ઞાાન આપજે. આથી અમે સમાજને, દેશને, માનવતાને બમણા ઉપયોગી બની શકીએ. ને એક વખત કોઈ કવિતાના પુસ્તક પર શ્રી સવા લખવું જોઈએ, સંભવ છે કે કવિ પર લક્ષ્મીની કૃપા વરસી જાય. ચોપડા પૂજન શા માટે હિસાબી ચોપડા પૂરતું જ સીમિત રાખીએ?

ને જેઓ દર વખતે મેસેજ કરે છે કે આ દિવાળીએ અંતરનો દીવો સળગાવો, મનમાં અજવાળું કરો, એ મેસેજ ફોરવર્ડિયાઓને હાથ જોડીને કહેવાનું, રહેવા દ્યો હવે, મનમાં અને અંતરમાં ઓવરલાઇટ થઈ ગઈ છે. આંખો અંજાઈ જાય એટલી લાઇટ પણ એક પ્રકારનો અંધાર જ છે. હે શ્રીમાન! તમે તમારી એલઇડીની શગને સંકોરો અથવા રેગ્યુલેટર વડે તમારા દીવાની લાઇટ ડીમ કરો. ઉપદેશ આપતા મેસેજ ફોરવર્ડ ન કરવાની કૃપા કરો નહીં તો તમારા કોડિયાના દીવા વાટને બદલે મેન્ટોસથી પ્રગટાવવા પડશે.

આ રીતે હસતા-હસાવતા, ખુશ કરતા, ખુશ થતા નવું વર્ષ આવી જાય છે. હાસ્યની સાથે થોડું ગાંભીર્ય પણ જરૂરી છે જેથી હસવાનો મહિમા જળવાઈ રહે અને આપણું હાસ્ય ચિરંતન બની રહે. ખાસ કરીને વેસ્ટમાં ન્યૂઇયર રીઝોલ્યુશનનો ટ્રેન્ડ છે. કોઈ સિગારેટ ન પીવાની પ્રતિજ્ઞાા લે છે. કોઈ ડ્રિંક ન કરવાની. કોઈ જીમ જવાની પ્રતિજ્ઞાા લે છે.

કોઈ કંઈની. કેટલાક તો જાણે પ્રતિજ્ઞાા લેવાની પ્રતિજ્ઞાા લઈ લે છે. રીઝોલ્યુશન લીધા પછી પૂરા ન કરો તો પણ ટોકનારું કોઈ નથી. કારણ કે અહીં આપણે જ આપણા ઈશ્વર અને આપણે જ આપણા સીસીટીવી છીએ. તેનું ટેપિંગ કોઈ હાર્ડ ડિસ્કમાંથી ભુંસાઈ જાય તોય ક્યાં ચિંતા છે! 

જે પરિસ્થિતિમાંથી આપણે ૨૦૨૦માંથી પસાર થયા છીએ અને જે ઉત્સાહથી આપણે દિવાળી ઉજવી છે તે બંનેને ધ્યાનમાં રાખીને કેટલાક ન્યૂઇયર રીઝોલ્યુશન્સ લેવા જેવા છે.  કમસેકમ તેના પર વિચાર કરવા જેવો છે.

૧) પાણી બચાવોઃ આપણી આદત એવી છે કે પાણી પીવાનો આખો ગ્લાસ ભરીએ. બે ઘૂટા પીધા બાદ બાકીનું પાણી બેસિનમાં નાખી દઈએ. સારામાં સારા માણસ, સજ્જનમાં સજ્જન માણસને આ આદત હોય છે. વ્યવહારની બારીકિમાં જઈએ તો સમજાશે કે આપણે કોઈ ગુનેગાર સરીખું કૃત્ય કરી રહ્યા છીએ. દુનિયામાં અત્યારે શુદ્ધ પાણીની અવેલેબિલિટી દિવસે-દિવસે ઘટતી જાય છે. એટલે જ પાણી વેચનારાના નફા વધતા જાય છે.

પ્યોરિફાયરના ધંધા વધતા જાય છે. કોઈના ધંધા વધે એમાં આપણને વાંધો નથી, પણ પાણીની કાળી અછત થતી જાય તે સત્ય સ્વીકાર્યા વિના છૂટકો નથી. ભૂગર્ભ જળ સપાટી બલિના સામ્રાજ્યમાં પહોંચી ગઈ છે.  આપણા દેશમાં બોર ખોદવા પર કોઈ નિયંત્રણ નથી. જો હોય તો અંદાજ આવે કે બોર દિવસે-દિવસે કેટલા વધુ ઊંડા ખોદવા પડે છે.

આજે આપણને પાણી પ્રાપ્ય છે એટલે આની કિંમત આપણને ખબર નથી, પણ આવનારી પેઢીને આની બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. તે ચૂકવી નહીં શકે. તે ચૂકવણું કરવામાં બેવડી વળી જશે તોય ભરપાઈ નહીં થાય. તેમની દિવાળી વિશેય કંઈક વિચારીએ.

૨) પર્યાવરણ બચાવોઃ છેલ્લી સદીમાં જેટલા પણ નવા-નવા રોગ આવ્યા તે બધા જંગલમાંથી આવેલા છે. જંગલની જીવ સૃષ્ટિ આજે પણ આપણા માટે અતાગ છે. વૃક્ષો કાપવા એ કોઠીમાંના પાણી ઉલેચવા જેવું છે.  વિજ્ઞાાનીઓ કહે છે કે વૃક્ષો કપાશે તેમ કોરોના કરતા પણ વધારે ખતરનાક વાઇરસ બહાર આવશે અને આપણને ફાડી ખાશે. 

પર્યાવરણ એટલે આપણી આસપાસનું. આપણી આસપાસનું વિશ્વ એટલું મોટું છે કે બે હાથ વચ્ચે તેને સમાવી શકાય એમ નથી. તોય વૃક્ષને ચીપકીએ તેમ આ પર્યાવરણને ભેટી લેવાની જરૂર છે. પૃથ્વી જેવી છે એને એવી રાખવાની જવાબદારી ઉપાડવી પડશે. જમતા-જમતા મોંમાં કાંકરો ન આવી જાય એનું ધ્યાન રાખીએ તેમ પૃથ્વીના પેટમાં પ્લાસ્ટિક ન જાય તેનું ધ્યાન રાખવું પડશે.

ગાર્બેજ કલેક્શન અને ગાર્બેજ મેનેજમેન્ટ આજે સૌથી મહત્ત્વનો વિષય છે. ખુલ્લા પટમાં કચરો ફેંકી આવવાથી નહીં ચાલે. તે કચરાની ગાડીમાં જ નાખવો પડશે. ગમે ત્યાં ન ફેંકાય. પૃથ્વી મારા બાપની છે એવી માનસિકતા કેળવવી પડશે અને બાપિકી મિલકતનું જતન કરીએ એમ તેને સાચવવી પડશે.

૩) આરોગ્ય જાળવીશઃ કોરોના આવવાથી એક સારી વાત એ બની કે ઘરે-ઘરે ઇમ્યુનિટી શબ્દ પહોંચી ગયો. ગામડાંના ભાભાને પણ આજે સેનિટાઇઝર, ઇમ્યુનિટી અને માસ્ક આ ત્રણે વિશે ખબર છે. ઇમ્યુનિટી દવા કરતા ઉપરની ચીજ છે. ને ઇમ્યુનિટી જાળવવા શું કરવું પડે તે હવે બધાને ખબર પડી ગઈ છે. મોતના ભયથી આપણે ઇમ્યુનિટી સુધારી છે તો હવે આને જ આદત કેમ ન બનાવી નાખીએ? દરેક વ્યક્તિ પોતાની હેલ્થ માટે મહેનત કરશે તો જાહેર આરોગ્ય આપોઆપ ઊંચું આવશે. જાહેર આરોગ્ય સેવાઓ પરનું ભારણ ઘટશે. ઇટ્સ નીડ ઓફ અવર.

૪) બીજાને નફરત નહીં કરુંઃ છેલ્લા કેટલાક વર્ષથી હું અને તું, મારું અને તારું વધી ગયું છે. નફરત વધી ગઈ છે. જંગલમાં જો લાખો પ્રજાતિઓ સહઅસ્તિત્ત્વ ધરાવતી હોય તો માનવ સભ્યતા એકસંપ બનીને કેમ ન રહી શકે? નફરત ન તો કોરોનાને મટાડવામાં કામ લાગવાની છે, ન તો જીવન સુધારવામાં. આમાં ફાયદો કેવળ ભાગ પડાવનારને થાય છે, ઝઘડા કરાવનારને થાય છે. કોઈને નફરત કરીને આપણે આપણી જ જાતને અંદરથી ઘાયલ કરીએ છીએ.

આપણા આધ્યાત્મિક વર્તૂળને ખલેલ પહોંચાડીએ છીએ. બધાને પ્રેમ કરીએ અને બધાને ક્ષમા કરીએ એ જ ઉન્નત માનવતાનું લક્ષ્ય હોઈ શકે છે. તે આધ્યાત્મિક જીવનનું પણ સમાધાન છે અને સામાજિક જીવનનું પણ. વર્તમાન સમય અવસર, એજ્યુકેશન, વિકાસ, વિજ્ઞાાન અને સુખાકારીનો છે. આ બધી પ્રવૃત્તિમાં પૂરતું ધ્યાન આપવું હોય તો ફાલતૂ ચીજોને પાછળ છોડવી રહી.

૫) ફેઇક ન્યૂઝથી બચીશઃ વર્તમાન સમય માહિતીના અતિરેકનો છે. માહિતિના અભાવ કરતા માહિતીનો અતિરેક માણસને વધારે મિસગાઇડ કરી રહ્યો છે. આજે દરેકના હાથમાં સોશિયલ મીડિયા છે ત્યારે દરેકની ફરજ બને છે કે તે માહિતી કન્ફર્મ કર્યા વિના ફોરવર્ડ ન કરે. શેર ન કરે.

એક નાનકડી ચૂક પેટ્રોલના ટાંકામાં તણખો પુરવાર થઈ શકે છે. એક નાનકડી નાસમજદારી ફેંકેલા બથ્થરને બાઉન્સ બેક કરી શકે છે. કોઈ પણ ફોરવર્ડ મેસેજને સાચો ન માની લેવાની કોમનસેન્સ પણ ભગવાન પાસે માગવા જેવી છે.

સિગારેટ, દારૂ છોડવામાં આવે તો સારું, કિંન્તુ આવા રીઝોલ્યુશન્સ સિવાયના કહ્યા એ વિશે પણ મગજને જોર દેવા જેવું છે. આપણામાં આવતો નાનો ચેન્જ બહુ મોટી શક્તિ પુરવાર થઈ શકે છે. ડોન્ટ અંડરએસ્ટિમેટ યોરસેલ્ફ. હેપી ન્યુઇયર.

આજની નવી જોક

છગન (મગનને): જરૂરી નથી કે પત્ની પોતાનો ગુસ્સો લડી-ઝઘડીને જ કાઢે.

મગનઃ તે શું કરે?

છગનઃ તે શાકમાં મીઠું ન નાખીને, રોટલી કાચી રાખીને પણ ગુસ્સો ઠાલવે છે.

મગનઃ હેં!?

Comments

Popular posts from this blog

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .