આપણા સહુમાં મહાન બનવાની શક્તિ નિહિત છે !


પચીસેક વર્ષ પૂર્વેનું એક સ્મરણ એકાએક ચિત્તમાં જાગી ઊઠયું. ૧૯૯૪ની ૧૨મી નવેમ્બરે અમેરિકાના પ્રવાસ દરમિયાન એ દિવસે ચિત્ત પર શોક અને દુઃખના વાદળો ઘેરાઇ વળ્યાં. આખો દિવસ વિશ્વખ્યાત દોડવીર વિલ્મા રૂડોલ્ફના અવસાનથી શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

એ દિવસે ટેનિસી રાજ્યનો ધ્વજ અડધી કાઠીએ ફરક્યો હતો અને ટેનિસીના ક્લાર્ક વિલેના એજફિલ્ડ મિશનરી બાપ્ટિસ્ટ ચર્ચમાં વિલ્મા રૂડોલ્ફને અંતિમ વિદાય આપવામાં આવી. પાંચ દિવસ પછી આ રાજ્યની યુનિવર્સિટીના એક વિશાળ હોલમાં એની સ્મૃતિમાં મેમોરિયલ સર્વિસ યોજાઇ, ત્યારે અમેરિકન, એશિયન, અશ્વેત - સહુ કોઇએ વિલ્મા રૂડોલ્ફને અશ્રુભરી અંજલિ સાથે વિદાય આપી હતી.

એમ કહેવાય છે કે માણસને સંજોગો ઘડે છે, પરંતુ આ વિલ્મા રૂડોલ્ફે જીવનમાં સંજોગોને પોતાનાં સ્વપ્નો પ્રમાણે ઘડયાં છે એ જન્મી એ દિવસથી જ એના પર આફતો, દુર્ભાગ્ય અને મુશ્કેલીઓ વરસતી રહી અને વિલ્મા રૂડોલ્ફ આ સઘળી મુશ્કેલીઓને મહાત કરીને પોતાની ધ્યેયસિદ્ધિ તરફ આગળ વધતી રહી. ૧૯૪૦ની ૨૩મી જૂને ઘરકામ કરતી માતા બ્લેન્ચને પ્રિમેચ્યોર પ્રસૂતિ થઇ અને વિલ્મા જન્મી ત્યારે એનું વજન માત્ર સાડા ચાર પાઉન્ડનું હતું.

માતાને આ છોકરી જીવશે એવી બહુ ઓછી આશા હતી. વિલ્માના પિતા એ પોર્ટર તરીકે કામ કરતા હતા અને બ્લેચ અઠવાડિયામાં છ દિવસ લોકોના ઘરમાં સફાઇકામ માટે જતાં હતાં. વળી એના પિતા એડ રૂડોલ્ફને પ્રથમ લગ્નથી અગિયાર સંતાનો હતા અને બીજા લગ્નથી આઠ સંતાનો થયાં. જેમાં વિલ્મા એમનું પાંચમું સંતાન હતી.

મજૂરી અને ગરીબી એમનાં ઘરમાં સતત આંટા મારતી હતી અને આટલું દુર્ભાગ્ય ઓછું હોય તેમ નવજાત વિલ્માને ઓરી, ગાલપચોળિયાં, અછબડાં અને ન્યૂમોનિયા થયો, આટલું ઓછું હોય તેમ ચાર વર્ષની વિલ્માને જીવનભર પરેશાન કરતો બાળલકવા થયો, જેને પરિણામે એની નર્વસ સિસ્ટમ પર અસર થઇ અને એના શરીરના યોગ્ય વિકાસમાં અવરોધ ઊભો થયો. પોલિયોના હુમલાને વિલ્માએ પાર કર્યો, પરંતુ એના ડાબા પગ પર એની એટલી બધી અસર થઇ કે જેને  પરિણામે એ ડાબો પગ જમીન પર ટેકવી  શકતી પણ નહોતી.

ચાર વર્ષની વિલ્માને પૌષ્ટિક ખોરાકની તાતી જરૂર હતી, પરંતુ આવો ખોરાક મળે ક્યાંથી ? એના શરીરમાં અશક્તિ વધતી જતી હતી. આવે સમયે આ ગરીબ અશ્વેત કુટુંબને કોણ મદદ કરે ? માંડ માંડ એક અશ્વેત ડૉક્ટર એને સારવાર આપવા તૈયાર થયા.

ડૉક્ટરે કહ્યું, આ છોકરી જિંદગીમાં ક્યારેય જાતે ચાલી શકશે નહીં. જ્યારે વિલ્માની માતાએ વિલ્માને કહ્ંાન કે ગમે તે થાય, તો પણ તને જાતે ચાલતી કરીશ. વિલ્માને ડૉક્ટર કરતાં માતાની વાાતમાં વધુ શ્રદ્ધા હતી. એ ડૉક્ટરે સલાહ આપી કે વિલ્માએ રોજ એનાં આ પક્ષઘાતવાળાં અંગો પર માલિશ કરાવવી પડશે, પરંતુ માલિશઘર ૫૦ માઈલ દૂર હોવાથી એની માતા રોજેરોજ નહીં, પણ અઠવાડિયામાં બે વખત એને સારવાર માટે લઇ જતી હતી.

થોડો સમય આવું ચાલ્યું, એ પછી વિલ્માની માતાએ માલિશ કરવાની થેરપી શીખી લીધી અને પોતાના મોટાં સંતાનોને પણ શીખવી દીધી. એની ત્રણ બહેનો પણ વિલ્માની માલિશ કરવા લાગી. રોજેરોજ એને ચાર વાર માલિશ થવા લાગી. એના પરિણામે એના ડાબા પગમાં ધીરે ધીરે ચેતન આવતું ગયું.

જો કે ક્યારેક ધીમો સુધારો જોઇને એની માતાનો આત્મવિશ્વાસ ડગી જતો હતો. માતાને ચિંતા થતી હતી કે એની દીકરીને કદાચ આખી જિંદગી લાકડાની ઘોડીના સહારે અથવા તો વ્હિલચેર પર પસાર કરવી પડે ને ! ચાર વર્ષની ઉંમરે એના ભાઇ-બહેનો અને શેરીનાં બાળકો જુદી જુદી રમત ખેલતા હતા, ત્યારે વિલ્માને અસહાય બનીને પથારીમાં પડયાં રહેવું પડતું હતું. એ બારી બહારની દુનિયા નિહાળતી અને કોઇને ચાલતાં જોતી, કોઇને રમતાં, કૂદતાં કે હસતા જોતી, ત્યારે વિલ્માને થતું કે મારે પણ ચાલવું-કૂદવું છે અને દોડવું પણ છે અને એમ કરીને જ હું જંપીશ.

બાળલકવાની સારવાર ચાલતી હતી, ત્યાં જ વિલ્માને ડબલ ન્યૂમોનિયા અને સ્કારલેટ ફિવર લાગુ પડયો. શરીર પર આવેલી આપત્તિઓ ઓછી હોય તેમ વળી આપત્તિ આવી. કુટુંબની હૂંફ, સારવાર અને પોતાના મનોબળને કારણે આમાંથી એ બહાર નિકળી. એક દિવસ પોતાના લેગ બેસિસ કાઢ્યા. વિલ્મા પોતાના ઘરના બેક યાર્ડમાં પોતાના ભાઇઓ અને બહેનો સાથે બાસ્કેટ બોલ રમવા માંડી અને પોતાની ઉંમરના બીજા બાળકો સાથે પણ એ આ રમત ખેલવા લાગી. બાસ્કેટ બોલમાં ખેલવાનું હોય અને કૂદવાનું હોય, અને બાર વર્ષની વિલ્મા પોતાની ઉંમરના બાળકો સાથે બરાબર મુકાબલો ખેલવા લાગી. એણે નક્કી કર્યું હતું કે બિમારીની સઘળી વાતો ભૂલીને ખેલાડી તરીકેનું સ્વપ્ન સિદ્ધ કરવું.

વિલ્માએ હાઈસ્કૂલમાં બાસ્કેટ બૉલમાં ભાગ લેવાનું નક્કી કર્યું, પરંતુ હાઈસ્કૂલનો કોચ તેની સાથે સંમત થયો નહીં. છેવટે વિલ્માને માટે એણે કહ્યું કે એ રોજ સવારે દસ મિનિટ એને આ રમત શીખવશે. થોડા સમયમાં જ વિલ્મા કુશળ બાસ્કેટ બૉલ ખેલાડી બની ગઇ. છોકરીઓની બાસ્કેટ બૉલ તરફથી એણે પોતાના રાજ્યમાં વિક્રમ પણ નોંધાવ્યો. દોડના મેદાન પર એણે દોડ લગાવવા માંડી, જે દોડની ગતિ એને બાસ્કેટ બૉલની રમતમાં મદદરૂપ થતી હતી.

પંદરમા વર્ષે વિલ્મા ટેનિસી રાજ્યની ટીમ તરફથી બાસ્કેટ બૉલ ખેલવા લાગી. એકવાર સ્કૂલની બાસ્કેટ બૉલ ટીમ તરફથી ખેલતા ટેનિસી રાજ્યના ટ્રેક એન્ડ ફિલ્ડના કોચ એડ ટેમ્પલરે આ છોકરીની દોડવાની ગતિ જોઇ અને પહેલી નજરે જ એમને લાગ્યું કે દસમા ગ્રેડમાં ભણતી છોકરીમાં દોડવીર તરીકેની નૈસર્ગિક શક્તિ ધરાવે છે, આથી એણે પંદર વર્ષની વિલ્મા રૂડોલ્ફને ટ્રેનિંગ કેમ્પમાં બોલાવી અને માત્ર સોળ વર્ષની હાઈસ્કૂલની આ જુનિયર વિદ્યાર્થિની ઓલમ્પિક માટેની ટ્રાયલમાં પસંદ થઇ અને ૧૯૫૬ની ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં યોજાયેલી ઓલમ્પિકમાં ૨૦૦ મીટરની દોડ માટે એની વરણી કરવામાં આવી. વિલ્માને બધી રમતોમાં દોડની સ્પર્ધા ગમી ગઇ. એમાં એને મુક્ત હવામાં દોડવાનો આનંદ આવતો. એમ લાગતું કે એ અન્ય કોઇ સાથે નહીં, બલ્કે પોતાની સાથે સ્પર્ધા કરી રહી છે !

વિલ્મા અમેરિકાની ઓલિમ્પિક ટીમમાં સૌથી નાની વયની દોડવીર હતી. એકસો મીટરની રીલે દોડમાં સોળ વર્ષની વિલ્માએ ત્રીજા નંબરે આવીને કાંસ્ય ચંદ્રક મળ્યો અને જ્યારે એ પાછી ફરી ત્યારે એની સ્કૂલની સખીઓને એ કાંસ્ય ચંદ્રક બતાવતી હતી અને કહેતી હતી કે હવે એ ઓલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા બન્યા વિના રહેશે નહીં.

વળી એક પછી એક આફતો વિલ્માના જીવનમાં આવતી ગઇ. ૧૮૫૭માં આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓના અભાવે એને પોતાનું હીર કસવાની તક ન મળી, તો વળી એકાદ વર્ષ બાદ અમેરિકા અને રશિયા વચ્ચેની સ્પર્ધામાં વિલ્માનો મસલ્સ ખેંચાઇ ગયો. આ સમયે ઓલિમ્પિક પૂર્વેની સ્પર્ધાઓમાં એણે ભાગ લીધો. પગમાં સખત પીડા થતી હોવા છતાં એકસો મીટરની દોડમાં વિલ્માએ વિજય મેળવ્યો અને પછી ઈટાલીના રોમમાં ૧૯૬૦ની ઓલિમ્પિક સ્પર્ધા યોજાઇ.

આ સમયે એને ગળામાં ટૉન્સિલની તકલીફ પરેશાન કરતી હતી. વીસ વર્ષે, બે મહિના અને સોળ દિવસની આ વિલ્મા બિમારીઓથી ડરનારી નહોતી. આ સમયે ઓલિમ્પિકનું પહેલી વાર ટેલિવિઝન પર સમગ્ર વિશ્વમાં પ્રસારણ થયું, જેને પરિણામે વિલ્મા  રૂડોલ્ફની કામયાબી એ ઘર ઘરની  કહાની બની ગઇ.

એકસો મીટરની દોડ અગિયાર સેકન્ડમાં પૂરી કરીને 'ટોનેર્ડો' કહેવાયેલી વિલ્મા વિશ્વના સૌથી ઝડપી મહિલા દોડવીર બની અને ૧૯૩૬ પછી પહેલી વાર કોઇ અમેરિકન મહિલા ખેલાડીએ વિજય મેળવ્યો. એ પછી બસો મીટરની દોડ ૨૩.૨ સેકન્ડમાં પૂરી કરીને વિલ્માએ ઓલિમ્પિકમાં વિક્રમ સાથે વિજય મેળવ્યો.

એ પછી એકસો મીટરની રીલેમાં વિજય મેળવ્યો. આ વિજય એણે અમેરિકાના વિખ્યાત ખેલકૂદવીર જેસી ઓવેન્સને સમર્પિત કર્યો, જેણે જર્મનીના બર્લિનમાં ૧૯૩૬ની ઓલિમ્પિકમાં દોડવીર તરીકે અદ્વિતીય કામયાબી મેળવી હતી. આ અશ્વેત ખેલાડી જેસી  ઓવેન્સ વિલ્મા રૂડોલ્ફનો આદર્શ હતો.

ઓલિમ્પિકના વિજય બાદ વિલ્મા કેટલાંક દેશોમાં યોજાયેલી સ્પર્ધામાં પોતાનું કૌવત દાખવીને જ્યારે પોતાના ગામ ક્લાર્ક વિલેમાં આવી. આ સમયે અમેરિકાના ટેનિસી રાજ્યના ગવર્નરે એના સ્વાગત-સમારોહનું આયોજન કર્યું, પણ એમાં શ્વેત-અશ્વેતનો ભેદ રાખ્યો હોવાથી વિલ્માએ આ નિમંત્રણનો અસ્વીકાર કર્યો.

જ્યારે જનસમૂહે ૧૯૬૦ની ચોથી ઓકટોબરના દિવસે 'વેલકમ વિલ્મા ડે' તરીકે ઉજવ્યો અને શહેરમાંથી એની વિજય-યાત્રા નીકળી, ત્યારે સહુએ એને વધાવી લીધી. ત્રણ વિશ્વવિક્રમ સાથે ત્રણ-ત્રણ ઓલિમ્પિક સુવર્ણચંદ્રક મેળવનારી વિલ્મા ઓલિમ્પિકની મહારાણી તરીકે પ્રસિદ્ધ થઇ. એ પછી વિલ્મા જુદી જુદી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં વિક્રમો સ્થાપતી હતી, પરંતુ એના મનનો એવો મકસદ હતો કે પોતાના પ્રેરણાદાતા જેસી ઓવેન્સની માફક કારકિર્દીની પરાકાષ્ઠાએ (આપણા વિજય મર્ચનંટ જેમ) નિવૃત્ત થવું અને એ રીતે એણે નિવૃત્તિ જાહેર કરી.

અ પછી એણે સ્કૂલમાં શિક્ષિકાનું કામ શરૂ કર્યું. સ્પોર્ટસ ક્લીનિક સ્થાપ્યું. યુનિવર્સિટીના ખેલાડીઓને કોચિંગ આપ્યું. અશ્વેતોને થતાં અન્યાય સામે એણે અવાજ ઊઠાવ્યો. માત્ર પુરુષોને માટે યોજાતી ખેલકૂદની સ્પર્ધાઓનો વિરોધ કર્યો અને એ ભેદભાવને દૂર કર્યો. વિલ્મા રૂડોલ્ફ ફાઉન્ડેશન દ્વારા યુવાન ખેલાડીઓને તૈયાર કર્યાં. ૧૯૮૮માં એની પાસે તાલીમ પામેલી ફ્લોરેન્સ ગ્રાફીથ જોયનર એની માફક ત્રણ સુવર્ણચંદ્રક જીતનારી મહિલા દોડવીર બની હતી.

બાળલકવાથી પિડિત અને બાળપણમાં લાકડાની ઘોડીની સહારે ચાલનારી સ્ત્રી ૧૯૬૦માં વિશ્વની સૌથી ઝડપી મહિલા દોડવીર બની અને એથીયે વધુ જે આફતો અને આપત્તિઓ સામે જીવનભર એ ઝઝૂમતી રહી, એને કારણે એ માત્ર અશ્વેત કે મહિલા ખેલાડીઓની જ નહીં, પણ વિશ્વભરના ખેલાડીઓને માટે પ્રેરણારૂપ બની રહી. એણે કહ્યું, 'માનવઆત્માની શક્તિ અને સ્વપ્નોની તાકાતને ઓછી આંકશો નહીં. આપણા સહુમાં મહાન બનવાની ક્ષમતા રહેલી છે.'

પ્રસંગકથા

તમારી પાસે જર્મન ખેડૂતનું દિલ અને દિમાગ જોઇએ !

ફ્રાન્સનો વિજય થયો. ફ્રાન્સના લશ્કરે સ્ટુલેસ નામના વૃદ્ધ જર્મન ખેડૂતને કેદ કર્યો.

આ ખેડૂતને ફ્રાન્સની જેલમાં લાવવામાં આવ્યો અને જેલરે ખેડૂતને હુકમ કર્યો.

'એય બુઢ્ઢા ! તારો જર્મન ખેડૂતનો વેશ કાઢ. હવે તારે ફ્રાન્સના કાયદા મુજબ જેલનો આ યુનિફોર્મ પહેરવો પડશે.'

વૃદ્ધ ખેડૂતે કહ્યું, 'સાહેબ ! હું જર્મન ખેડૂત છું. આ મારો હંમેશનો પહેરવેશ છેેે, એમાં કશો ફેરફાર ન થઇ શકે.'

ફ્રેન્ચ જેલરે કહ્યું, 'મફતની પળોજણ મૂક. જેલના કાયદા પ્રમાણે આ યુનિફોર્મ લઇને પહેરી લે.'

જેલરે પોતાના મદદનીશને કહ્યું કે આને યુનિફોર્મ આપો. મદદનીશે યુનિફોર્મ  આપ્યો, તે જર્મન ખેડૂતે પાછો આપ્યો.

આ જોઇને જેલરનો પિત્તો ગયો. એણે ત્રાડ પાડીને કહ્યું, 'અરે, મૂર્ખ ! હવે સમજ, આ જેલ છે. એના કાયદામાં કોઇ ભંગ થઇ શકે નહીં.'

વૃદ્ધ જર્મન ખેડૂત સ્ટુલેસે કહ્યું, 'હા, આ વાત હું બરાબર સમજું છું, પરંતુ આ જેલનો યુનિફોર્મ જર્મનીના કપડાંનો બનેલો હોત તો જરૂર પહેરત.  ફ્રાન્સના  કપડાંનો છે, માટે નહીં પહેરું.'

જેલરે ત્રાડ પાડી, 'બસ, હવે ચૂપ કર, મરવાનો થયો લાગે છે. આ હુકમનો અનાદર કરીશ તો ફાંસીએ ચડવું પડશે.'

જર્મન ખેડૂત બોલ્યો, 'મારી વાતમાં હું મક્કમ છું. મારા દેશના પ્રેમ અને સન્માનને ખાતર મરતાં મને આનંદ થશે.'

ફ્રાન્સના જેલના કાયદાઓ મુજબ વૃદ્ધ ખેડૂત, સ્ટુલેસને ફાંસીની સજા ફરમાવવામાં આવી. ફાંસી આપતાં પૂર્વ જેલરે એને પૂછ્યું, 'સ્ટુલેસ, તારી  આખરી ઇચ્છા શી છે ?'

સ્ટુલેસે કહ્યું, 'મારી એક જ ઇચ્છા છે કે મારા શરીર પર જર્મનીએ બનાવેલાં કપડાનું કફન ઢાંકવામાં આવે. બીજું કોઇ કપડું નહીં. સમજ્યા ને !'

- આ વાત અમને એટલા માટે યાદ આવી કે વેપારી ચીને આખી દુનિયા પર પોતાના વ્યાપારનો પંજો ફેલાવ્યો છે અને કેટલાંયે દેશોને આર્થિક રીતે ગુલામ બનાવ્યા છે, તો કેટલાયને પોતાનાં ઉત્પાદનો સસ્તી કિંમતે ઠાલવીને શરણાગતિએ આવવા મજબૂર કર્યાં છે. વર્ષોથી આપણાં દેશમાં ચીની માલ-સામાન પગપેસારો કરી રહ્યો હતો અને એણે રકમડાંથી માંડીને મોબાઇલ સુધી  બધી ચીજવસ્તુઓ પર પોતાનું પ્રભુત્વ મેળવ્યું હતું.

આપણે ચીની ઉત્પાદનના બહિષ્કારની વાત કરી છે. કેટલીક ચીની ચીજવસ્તુઓનો બહિષ્કાર પણ કર્યો છે, પરંતુ હજુ દેશમાં ખરા દિલથી ચીની બહિષ્કાર ચાલતો નથી. આજે મોબાઇલમાં ચીનની બનાવટના મોબાઇલ દેશમાં સૌથી વધુ વપરાય છે. એમ લાગે છે કે દેશને માટે પેલા જર્મન ખેડૂતનું દિલ જોઇએ. એવું દિલ અને દિલેરી હોય, તો જ આ ચીની ચીજવસ્તુઓનો સફળ બહિષ્કાર થઇ શકે.

Comments

Popular posts from this blog

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .