ભારત અને ચીન વચ્ચેનો સ્ટેન્ડ ઓફ ખતમ થવાના અણસાર


ભારત અને ચીન વચ્ચે સરહદી વિવાદ ઉકેલવા માટે મંત્રણાના દોર ચાલી રહ્યાં છે ત્યારે આઠમા તબક્કાની મંત્રણા બાદ પૂર્વ લદ્દાખમાં સેનાઓ પાછી હટવા માટેની શરતો પર સહમતિ સધાઇ ગઇ હોવાના અહેવાલ છે. આ સહમતિ પેન્ગોંગ સો-ચૂશુલ પ્રદેશ સુધી લાગુ થશે. આ વિસ્તારમાંથી સૈનિકો, ટેન્કો, તોપો અને અન્ય લશ્કરી વાહનો દૂર કરવા માટે સંમતિ સધાઇ ગઇ છે. 

સેનાઓ પાછળ હટાવવાની આ કામગીરી પેન્ગોંગ સરોવરના ઉત્તરી કિનારાથી શરૂ થશે. આ વિસ્તારમાં ચીની સેનાએ ગત મે મહિનાથી ફિંગર ચારથી લઇને ફિંગર આઠ પર કબજો જમાવેલો છે. સમજૂતિ એ વાતે થઇ છે કે ચીની સેના પોતાના પહેલાના સ્થાન એટલે કે ફિંગર આઠની પૂર્વ તરફ પાછી ફરશે અને ભારતીય સેના પશ્ચિમની તરફ ફિંગર ટૂ અને થ્રીની વચ્ચે ધનસિંહ થાપા ચોકી પર પાછી ફરશે.

આ કામગીરી અનેક તબક્કામાં ચાલશે અને દરેક તબક્કામાં એક તૃતીયાંશ સૈનિકો પાછા હટશે. ત્યારબાદ ફિંગર ચાર અને આઠ વચ્ચેના વિસ્તારમાં બંનેમાંથી કોઇ પક્ષને પેટ્રોલિંગ કરવાની અનુમતિ નહીં મળે. જોકે આ વિસ્તાર ભારતની હદમાં આવે છે.  આ ઉપરાંત પેન્ગોંગ સરોવરના દક્ષિણ કિનારે ચુશુલ સેક્ટરમાં બંને સેનાઓ પોતાનો શસ્ત્ર સરંજામ પાછો લેશે.

અંતિમ તબક્કામાં બંને સેનાઓ ચુશુલ સેક્ટરમાં કબજામાં કરી ચૂકેલી ચોકીઓ છોડશે. બીજી બાજુ દેપસાંગ વિસ્તારમાં બંને સેનાઓ વચ્ચે જે સંઘર્ષ ચાલી રહ્યો છે એમાં સમાધાન સધાયું નથી. જો બધું બરાબર રહ્યું તો આ મહિનામાં જ આ કામગીરી શરૂ થવાની ધારણા છે. જોકે આ સમજૂતિ ભારત માટે ખોટનો સોદો છે. અગાઉ ગલવાન ખીણમાં પણ આ રીતે જ બફર ઝોન બનાવવામાં આવ્યો છે. સમજૂતિ અનુસાર ચીની સેના તેણે કબજો જમાવેલા પ્રદેશોમાંથી પાછી હટી જશે પરંતુ ભારતને પહેલેથી જે પ્રદેશોમાં પેટ્રોલિંગ કરવાનો અધિકાર હતો એ ગુમાવી દેશે. 

પાંચ મહિના પહેલા પૂર્વ લદ્દાખમાં ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા હિંસક ઘર્ષણમાં ૨૦ જવાનો શહીદ થયા બાદ બંને દેશો વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોચી ગયો હતો. જોકે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવલ અને ચીની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વાંગ યી વચ્ચેના વાર્તાલાપ બાદ ચીને પીછેહઠ કરવાની તૈયારી બતાવી હતી. ચીનની પીછેહઠ છતાં ભારતે સાવચેતી રાખી છે. કારણ કે આ પહેલી વખત નથી કે ચીને પીછેહઠ કરી હોય. અગાઉ દોકલામમાં પણ ચીને આવું જ કર્યું હતું.

એક તરફ મંત્રણા ચાલુ હોવા છતાં ચીન પોતાની હઠ છોડતું નથી અને પેન્ગોંગ સરોવરના વિસ્તારમાં આઠ કિલોમીટર અંદર ઘૂસીને ભારતીય સૈનિક ચોકી ચારથી આઠ સુધી આપણા સૈનિકોના પેટ્રોલિંગમાં અવરોધ ઊભા કરે છે. બંને દેશો વચ્ચેની લશ્કરી અને રાજદ્વારી મંત્રણા દરમિયાન ચીન તણાવ ઘટાડવાની વાતો તો કરે છે પરંતુ દરેક વાતચીત બાદ વર્તમાન સ્થિતિને બદલતું નથી અને દરેક વખતે કોઇક ને કોઇક બહાનુ કરીને પીછેહઠ કરવાનું ટાળ્યા કરે છે.

અગાઉ પેન્ગોંગ ખાતેની ચોકી નંબર ચાર પાસેથી પોતાના સૈનિકો પાછા લેવા માટે તેણે એવી શરત મૂકી હતી કે ભારતે પણ નિયંત્રણ રેખાથી પોતાના સૈનિકો પાછા ખેંચવા પડશે. આ ચીનની દાદાગીરી જ છે કારણ કે મે મહિનાથી અત્યાર સુધીમાં ચીને અનેક ભારતીય ક્ષેત્રોમાં ઘૂસણખોરી કરી છે. જેમાં અક્સાઇ ચીનની પાસે દેપસાંગ ક્ષેત્ર પણ સામેલ છે. આ વિસ્તારમાં ચીની સેના નિયંત્રણ રેખાથી ૧૮ કિલોમીટર અંદર સુધી આવી ગઇ છે.

પેન્ગોગ ક્ષેત્રમાં ફિંગર પાંચથી ફિંગર આઠ વચ્ચેના પાંચ કિલોમીટરના વિસ્તારમાં ચીની સેના ભારે શસ્ત્રસરંજામ સાથે મોજૂદ છે અને આ ક્ષેત્રમાં તે સ્થાયી કબજો જમાવવાની ફિરાકમાં છે. જો લશ્કરી સ્તરની વાટાઘાટો અને રાજદ્વારી વાર્તાલાપથી પણ વિવાદ ન ઉકેલાયો હોત તો ભારત પાસે લશ્કરી કાર્યવાહી સિવાય બીજો કોઇ માર્ગ રહ્યો નહોતો. ભારતીય સેનાએ પણ ચીની સૈનિકોને ખદેડવા માટે પૂરતી તૈયારી કરી લીધી હતી. ભારતના લશ્કરી વડાઓએ ચીન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી કરવાનો સંકેત પણ આપી દીધો હતો. 

ચીનના સૈનિકો ભારતની સરહદમાં ઘૂસણખોરી કરે એ પછી ચીન એવા ખુલાસા કરે છે કે તેના માણસો અજાણતા જ વાસ્તવિક નિયંત્રણ રેખા પાર કરીને ભારત તરફ આવી ગયા હતાં. પરંતુ ચીનની મથરાવટી જોતા તે ભૂલથી આમ કરતું હોય એ ગળે ઉતરે એવી વાત નથી. ચીનનો સરહદી ઉન્માદ સુનિયોજિત છે. તે કશું જ અજાણતા નથી કરતું. દોકલામમાં ઘૂસણખોરી કરવા પાછળ પણ ચીનની વ્યૂહાત્મક નીતિ કારણભૂત હતી.

ભારતની ધીરજની કસોટી લેવી, વ્યૂહાત્મક જગ્યાએ પોતાનું સૈન્ય નિયંત્રણ સ્થાપિત કરવું અને ભારત-ભૂટાન વચ્ચેના સંબંધો ખરાબ કરવા જેવા એક કરતા વધારે ઉદ્દેશો સાથે ચીને દોકલામમાં પગપેસારો કર્યો હતો. પરંતુ ભારતીય સેનાની મક્કમતાના કારણે ચીનના તમામ મનસૂબા ઉપર પાણી ફરી વળ્યું હતું. 

ચીનની વ્યૂહરચના છે કે તે ગુપ્ત રીતે ક્ષેત્રીય ઘૂસણખોરી કરે છે અને જો બીજો દેશ એની આ હિલચાલ પ્રત્યે આંખ આડા કાન કરે તો તેનો પ્રદેશ પચાવી પાડે છે.

આવા નાના નાના અતિક્રમણો દ્વારા ચીન યથાસ્થિતિ બદલવાની કોશિશ કરે છે. ઉપરાંત વાસ્તવિક પરિસ્થિતિ બદલીને નિર્માણ થયેલી નવી પરિસ્થિતિને હકીકત તરીકે સ્વીકારી લેવા દબાણ કરે છે. બંને દેશોના પ્રતિનિધિઓ છેલ્લા છ દાયકામાં જુદાં જુદાં સ્તરે કુલ ૪૫ વખત મંત્રણાના ટેબલ પર આવી ચૂક્યાં છે તેમ છતાં સરહદી વિવાદ ઉકેલાયો નથી. 

લદ્દાખમાં ઘૂસણખોરી કરીને પણ ચીન ફરી વખત ભારતની ધીરજ અને સહનશક્તિની પરીક્ષા લઇ રહ્યું છે. આ રીતે ચોરીછૂપીથી અન્ય દેશના પ્રદેશો ઉપર કબજો જમાવવાની વ્યૂહરચનાને સલામી સ્લાઇસિંગ કહેવામાં આવે છે. આ વ્યૂહરચનાનો પ્રયોગ કરવામાં ચીનને મહારથ હાંસલ છે અને માત્ર ભારતીય સરહદ જ નહીં, ચીની સમુદ્રમાં પણ તે આ જ વ્યૂહરચના હેઠળ અનેક પ્રદેશોને પોતાના કબજામાં લઇ રહ્યું છે.

ચીનની વ્યૂહરચના છે કે તે ગુપ્ત રીતે ક્ષેત્રીય ઘૂસણખોરી કરે છે અને જો બીજો દેશ એની આ હિલચાલ પ્રત્યે આંખ આડા કાન કરે તો તેનો પ્રદેશ પચાવી પાડે છે. આવા નાના નાના અતિક્રમણો દ્વારા ચીન યથાસ્થિતિ બદલવાની કોશિશ કરે છે. ઉપરાંત વાસ્તવિક પરિસ્થિતિ બદલીને નિર્માણ થયેલી નવી પરિસ્થિતિને હકીકત તરીકે સ્વીકારી લેવા દબાણ કરે છે. 

હાલ ભલે ચીન પીછેહઠ કરવા તૈયાર થયું હોય પરંતુ પરંતુ ચીનની કથની અને કરણીમાં હંમેશા અંતર રહ્યું છે. હિન્દી ચીની ભાઇ ભાઇના નારા સાથે ભારતની પીઠમાં છરો ભોંકનાર ચીન ઉપર જરાય વિશ્વાસ કરી શકાય એમ નથી. છેક ૧૯૬૨થી ચીન નવા નવા પેંતરા અજમાવીને ભારત સાથે દગાબાજી કરતું આવ્યું છે.

ભારતના બહાદુર જવાનો ચીનના મનોબળને તોડતા રહ્યાં છે અને વારંવાર તેને પાછું ધકેલતા રહ્યાં છે. ચીન તિબેટ સાથે ૧૯૧૪માં બ્રિટીશ હિંદની સમજૂતિને માનવાનો પણ ઇન્કાર કરતું આવ્યું છે. ચીનની દલીલ છે કે તિબેટ તેનો હિસ્સો છે એટલે તેને બ્રિટીશ હિંદ સાથે સમજૂતિ કરવાનો કોઇ અધિકાર જ નહોતો.

ભારત અને ચીન વચ્ચે વિવાદનું બીજું કારણ છે અક્સાઇ ચીન જેના પર ચીને ૧૯૬૨માં કબજો કરી લીધો હતો. પરંતુ ભારત આ વિસ્તાર પર પોતાનો દાવો છોડવા તૈયાર નથી. ત્ર્વાસ્તવિક નિયંત્રણ રેખાને લઇને બંને દેશો વચ્ચે અસમંજસની સ્થિતિ છે.

આવું એટલા માટે કે હિમાલયન ક્ષેત્ર હોવાના કારણે સરહદસંબંધી સમજૂતિના અભાવના કારણે વાસ્તવિક નિયંત્રણ રેખા પર સ્પષ્ટ સ્થિતિ બની ન શકી એટલા માટે ભારત અને ચીનના સૈનિકો અવારનવાર ઘર્ષણમાં આવી જાય છે. 

ભારત અને ચીન વચ્ચે ૩૪૮૮ કિલોમીટર જેટલી લાંબી સરહદ છે જોકે ચીનના દાવા અનુસાર તો બંને દેશો વચ્ચે માત્ર બે હજાર કિલોમીટર લાંબી સરહદ જ છે. બંને દેશો વચ્ચેની સરહદ ત્રણ હિસ્સામાં વહેંચાયેલી છે. પહેલો હિસ્સો છે ઉત્તરમાં જમ્મુ-કાશ્મીર, તો બીજો હિસ્સો હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં છે અને ત્રીજો હિસ્સો પૂર્વમાં સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં છે. વાસ્તવિક નિયંત્રણ રેખા પર ગ્લેશિયર, બરફાચ્છાદિત પ્રદેશો, પહાડો અને નદીઓ છે જેના કારણે બંને દેશોમાં એવો ભ્રમ પેદા થઇ જાય છે કે તેમની સરહદનું ઉલ્લંઘન થયું છે.

સડકોના નિર્માણ, ટેન્ટ બનાવવા કે પછી અન્ય સૈન્ય ગતિવિધિના કારણે આશંકાઓ વધ્યા કરે છે. અત્યારે ભલે ચીને પીછેહઠ કરવા તૈયાર થયું હોય પરંતુ તેની મેલી મથરાવટી જોતાં ભવિષ્યમાં તે અટકચાળા કરવાનું નહીં ચૂકે એ પણ નક્કી છે.

Comments

Popular posts from this blog

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .