દિલ્હીની વાત : મોદીનો નીતિશ માટે આગ્રહ, ભય વિના પ્રીત નહીં

નવીદિલ્હી, તા.12 નવેમ્બર 2020, ગુરુવાર
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જેડીયુના શરમજનક દેખાવ પછી પણ ભાજપે નીતિશ કુમારને જ મુખ્યમંત્રી બનાવવાનું નક્કી કર્યું છે. નરેન્દ્ર મોદીએ બુધવારે વિજય સંદેશમાં આ વાત સ્પષ્ટ કરી દીધી. નીતિશ કુમાર સુધી આ વાત પહોંચાડી દેવાઈ છે અને ૧૬ નવેમ્બરે ભાઈ બીજના દિવસે નીતિશના મુખ્યમંત્રીપદે શપથ થઈ જાય તેવી શક્યતા છે.
ભાજપ નીતિશને મુખ્યમંત્રી બનાવવા માટે ચૂંટણી પહેલાં તેણે આપેલા વચનની દુહાઈ આપે છે પણ વાસ્તવમાં ભાજપ ડરના કારણે નીતિશને ટેકો આપી રહ્યો છે. જેડીયુમાં ભાજપ સામે ભારે આક્રોશ છે અને નીતિશ પણ નારાજ છે. ભાજપે પોતાનું રાજકીય વર્ચસ્વ વધારવા ચિરાગ પાસવાનને આગળ કરીને જેડીયુને નુકસાન કર્યું હોવાનું જેડીયુ માને છે.
ભાજપને ડર છે કે, નીતિશને મુખ્યમંત્રી નહીં બનાવાય તો જેડીયુ ભાજપ સામે પડશે. જેડીયુ પાસે ૪૩ ધારાસભ્યો છે એ જોતાં ૧૫ ધારાસભ્યો સામે પડીને તેજસ્વીને ટેકો આપે તો તેજસ્વી ગાદી પર બેસી જાય. ભાજપનો મુખ્યમંત્રી બનાવવાની લ્હાયમાં તેજસ્વીને ફાયદો થઈ જાય તેથી ભાજપનો નીતિશને ગાદી પર બેસાડયા વિના છૂટકો નથી.
દીવાળી પછી મોદી કેબિનેટમાં જેડીયુની એન્ટ્રી
બિહારનાં પરિણામો જાહેર થતાં જ હવે મોદી સરકારના વિસ્તરણની કામગીરી હાથ ધરાઈ છે. ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, સંસદના શિયાળુ સત્ર પહેલાં મોદી સરકારનું વિસ્તરણ કરાશે. નવા વિસ્તરણમાં જેડીયુના ચાર સાંસદોને પ્રધાન બનાવાય તેવી શક્યતા છે.
બિહારમાં તેજસ્વી યાદવ જેડીયુમાં ભાંગફોડ કરીને પોતાની સરકાર બનાવવામાં સફળ ના થાય એટલે મોદી જેડીયુ સાથેના સંબંધો વધારે મજબૂત કરવા માટે તેને પ્રધાનમંડળમાં સ્થાન આપવા માગે છે. આ પૈકી બે પ્રધાનો કેબિનેટ રેન્કના હશે. મોદીએ રામવિલાસ પાસવાનના સ્થાને ચિરાગ પાસવાનને લેવા કે નહીં એ અંગે નિર્ણય નથી લીધો પણ નીતિશ પાસવાનને નથી ઈચ્છતા એ જોતાં પાસવાનનાં મંત્રાલય જેડીયુને આપી દેવાય એવી શક્યતા છે.
મોદી ભાજપ સંગઠનમાંથી પડતા મૂકાયેલા અમિત શાહની ટીમના ત્રણેક નેતાને પણ કેબિનેટમાં સ્થાન આપશે. મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપને ભવ્ય જીત અપાવી છે એ જોતાં સિંધિયાની એન્ટ્રી પણ થઈ શકે છે. ભાજપનાં સૂત્રોના મતે, બિહારની શપથવિધી પછી તરત મંત્રીમંડળના વિસ્તરણનો મુદ્દો હાથ પર લેવાશે.
મોદી દેશને સત્તાવાર રીતે મંદીગ્રસ્ત બનાવશે
મોદી સરકાર આથક મોરચે નવો ઈતિહાસ રચવા તરફ આગળ વધી રહી છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના મંથલી બુલેટિનમાં દાવો કરાયો છે કે, જુલાઈ-સપ્ટેમ્બરના બીજા ત્રિમાસિક ગાળામાં પણ ભારતનો જીડીપી વિકાસ દર માઈનસ ૮.૬ ટકાની આસપાસ રહેશે.
આ નાણાંકીય વરસના પહેલા ત્રિમાસિક ગાળામાં માઈનસ ૨૪ ટકાની આસપાસ જીડીપી વિકાસ દર નોંધાયા પછી સતત બીજા ક્વાર્ટરમાં પણ નેગેટિવ ગ્રોથ રેટ નોંધાશે તો ભારતનું અર્થતંત્ર સત્તાવાર રીતે મંદીગ્રસ્ત જાહેર થશે. દેશ આઝાદ થયો ત્યારથી ભારતનું અર્થતંત્ર સત્તાવાર રીતે કદી મંદીગ્રસ્ત જાહેર થયું નથી. મોદીના શાસનમાં દેશ આ દિવસો પણ જોઈ લેશે. રીઝર્વ બેંકના રીપોર્ટમાં દાવો કરાયો છે કે, આ નાણાંકીય વર્ષમાં તમામ ક્વાર્ટરમાં દેશનો અર્થતંત્રનો વિકાસ દર નેગેટિવ જ રહેશે. ત્રીજા ક્વાર્ટરમાં થોડો સુધારો થશે પણ વિકાસ દર પોઝિટિવ નહીં થાય.
મોદી સરકાર આ નેગેટિવ રેકોર્ડ પોતાના નામે નથી ઈચ્છતી પણ સ્થિત તેના નિયંત્રણમાં નથી એ જોતાં છ મહિના માટે દેશનું અર્થતંત્ર સત્તાવાર રીતે મંદીગ્રસ્ત રહેશે જ.
મમતા બેનરજી સામે ચાર પ્રધાનોનો બળવો
અમિત શાહની પશ્ચિમ બંગાળની યાત્રાનાં પરિણામ દેખાવા માંડયાં હોય એમ મમતા બેનરજી સામે ચાર મંત્રીઓએ બગાવત કરી છે. આ મંત્રીઓમાં શુભેંદુ અધિકારી પણ છે કે જે મમતા કેબિનેટમાં નંબર ટુ મનાય છે. શુભેંદુ ઉપરાંત રાજીવ બંધોપાધ્યાય, ગૌતમ દેવ અને રવિંદ્રનાથ ઘોષ બગાવતના મૂડમાં છે. આ ચારેય પ્રધાને ગુરૂવારે કેબિનેટની બેઠકમાં હાજરી ના આપી ખુલ્લો બળવો પોકાર્યો છે.
મમતા બેનરજી પોતાના ભત્રીજા અભિષેક બેનરજીને આગળ કરી રહ્યાં છે તેના કારણે શુભેંદુ નારાજ છે. મમતા બેનરજીએ નંદીગ્રામ આંદોલન દ્વારા ડાબેરી સરકારના પાયા હચમચાવીને સત્તા કબજે કરી હતી. શુભેંદુ નંદીગ્રામ આંદોલનના અસલી સૂત્રધાર હતા. મમતા સાથે પહેલેથી જોડાયેલા શુભેંદુના પિતા શિશિર અધિકારી સાંસદ છે અને મનમોહનસિંહ સરકારમાં પ્રધાન હતા તેથી તેમનો પરિવાર ભારે વગદાર મનાય છે.
ભાજપની શુભેંદુને ખુલ્લી ઓફર છે તેના કારણે શુભેંદુ ભાજપમાં જોડાઈ જશે એવી અટકળો ચાલી રહી છે. ભાજપનાં સૂત્રોના મતે, શાહની બંગાળ યાત્રા દરમિયાન શુભેંદુની શાહ સાથે મુલાકાત થઈ તેમાં જ આ તખ્તો ઘડાઈ ગયો હતો.
મથુરા મુદ્દે કેન્દ્રની હાલત સૂડી વચ્ચે સોપારી
ઉત્તર પ્રદેશના મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ સંકુલ મુદ્દે મોદી સરકારની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થતી જાય છે. આ સ્થિતીથી બચવા ભાજપે બે સંગઠનોને મેદાનમાં ઉતારવાં પડયાં છે.
સંકુલમાં આવેલા કટેશ કેશવ મંદિરને અડીને આવેલી શાહી ઈદગાહ મસ્જિદ હટાવવા માટે ભગવાન શ્રીકૃષ્ણ વિરાજમાન તરફથી અરજી થઈ છે. આ અરજી પર આવતા અઠવાડિયે સુનાવણી છે. કોર્ટે કેન્દ્રને પણ નોટિસ ફટકારી છે. કોંગ્રેસ સરકારે ૧૯૯૩માં પસાર કરેલા કાયદા પ્રમાણે, દેશમાં આઝાદી સમયે તમામ ધર્મસ્થળોની સ્થિતીમાં કોઈ ફેરફાર નહીં થાય.
મોદી સરકાર આ કાયદાનો હવાલો આપીને એફિડેવિટ કરે તો આ અરજીનો નિકાલ થઈ જાય પણ તેના કારણે મોદી સરકાર હિંદુ વિરોધી હોવાનો પ્રચાર શરૂ થઈ જાય. આ સ્થિતીથી બચવા માટે અખિલ ભારતીય તીર્થ પુરોહિત મહાસભા અને માથુર ચતુર્વેશ પરિષદ નામનાં બે સંગઠને મસ્જિદ હટાવવાની અરજીની ટીકા કરતી અરજી કરી છે. આ મુદ્દે કોમી તણાવ પેદા થાય તેમ છે તેથી અરજી ફગાવી દેવા પણ વિનંતી કરાઈ છે. આ અરજીની તરફેણમાં ચુકાદો લાવીને ટાઢા પાણીએ ખસ કાઢવાની મોદી સરકારની યોજના છે.
યુઝર્સનો સવાલ, કોંગ્રેસના નેતા નામ બદલશે ?
મધ્ય પ્રદેશમાં કારમી હાર પછી કોંગ્રેસના નેતા જીતુ પટવારીનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં પટવારી સાંવરે વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી સભામાં હુંકાર કરી રહ્યા છે કે, ભાજપના ઉમેદવાર જીતી જશે તો હું મારુ નામ બદલી દઈશ. બલ્કે કોંગ્રેસના ઉમેદવાર ૨૦ હજાર કરતાં વધારે મતે ના જીતે તો પણ હું મારું નામ બદલી નાંખીશ.
આ બેઠક પર જ્યોતિરાદિત્ય સિંધિયાના ખાસ માણસ તુલસી સિલાવટ અને કોંગ્રેસના પ્રેમચંદ ગુડ્ડુ વચ્ચે જંગ હતો જેમાં સિલાવટ ૪૦ હજારથી વધારે મતે જીત્યા છે. પટવારીનો વીડિયો વાયરલ કરીને લોકો સવાલ કરી રહ્યા છે કે, પટવારી મરદની જેમ પોતાનું નામ બદલશે ?
મધ્ય પ્રદેશમાં બીજો એક વીડિયો પણ વાયરલ થયો છે. કોંગ્રેસના નેતા હરપાલ ઠાકુર વીડિયોમાં કમલનાથ અને દિગ્વિજયસિંહના રાજીનામાની માગણી કરી રહ્યા છે. મજાની વાત એ છે કે, હરપાલે રાહુલ ગાંધીનું ઉદાહરણ આપ્યું છે. લોકસભાની ચૂંટણીમાં હારની જવાબદારી સ્વીકારીને રાહુલે રાજીનામું આપેલું એ રીતે કમલ-દિગ્ગીએ પણ રાજીનામું આપવું જોઈએ એવી તેમની માંગ છે.
***
ચિરાગ પાસવાનની મુશ્કેલીઓનો અંત નથી
પિતા રામ વિલાસ પાસવાનની જેમ કિંગ મેકર બનવાના સપના જોનાર એલજેપીના વડા ચિરાગ પાસવાને ભલે પોતાની જાતને 'વડા પ્રધાનનો હનુમાન'ગણાવ્યો હોય છતાં પણ તેને કેન્દ્રની સરકારમાં સ્થાન મળે એની શક્યતા અત્યંત ઓછી છે. ઉપરાંત તેના પિતા જ્યાં વર્ષોથી રહ્યા હતા તે ૧૨ જનપથ ખાતેનો બંગલો પણ એને ખાલી કરવું પડશે, એવું એક દલિત આગેવાને કહ્યું હતું. આ બંગ્લો સોનિયા ગાંધીના દસ જનપથની નજીક છે. કોંગ્રેસના કેટલાક નેતાઓ એ વાતને યાદ કરે છે કે કેવી રીતે સોનિયા ગાંધી ૨૦૧૪માં યુપીએ સરકારને ટેકો આપવા માટે રામવિલાસ પાસવાનના ઘરે ગયા હતા.સત્તાવાર સૂત્રો અનુસાર પાસવાન પરિવાર હજુ એક મહિના સુધી આ બંગેલો પોતાની પાસે રાખી શકશે.
ભાજપના સૂત્રો અનુસાર, મોદી ચિરાગને પોતાના મંત્રી મંડળમાં પણ જગ્યા નહીં આપે. ચિરાગના પિતા મૃત્ય સુધી મંત્રી મંડળમાં હતા.' હાલમાં પક્ષ એ વાતે સ્પષ્ટ છે કે બિહારમાં નીતિશ કુમાર અમારા ભાગીદાર છે અને ચિરાગે જદયુ સામે પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા તે જોંતા ચિરાગનું મંત્રી બનવું મુશ્કેલ છે'એમ ભાજપના એક નેતાએ કહીને ઉમેર્યું હતું કે ચિરાગે હવે પોતાના પક્ષ પર ધ્યાન આપવું જોઇએ.
બંગાળમાં ડાબેરીઓએ ભાજપને પોતાનો દુશ્મન ગણવો જોઇએ
નવી દિલ્હી ખાતેના ભાજપના વડા મથકે સમર્થકોને સંબોધતા વડા પ્રધાન મોદીએ બંગાળમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીનો ઉલ્લેખ કર્યો હતો.બિહારમાં ડાબેરીઓનો શ્રેષ્ઠ દેખાવ પછી સીપીઆઇ-એમએલના નેતા દિપાંકર બનેર્જીએ બંગાળમાં તૃઁણમુલ વિરૂધ્ધ ડાબેરીઓ અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો.
'ડાબેરીઓએ બંગાળમાં ભાજપને હરિફ સમજવો જોઇએ અને મમતા બેનર્જીના તૃણમુલને નહીં.અત્યાર સુધી લેફટના અનેક નેતાઓ મમતાને પોતાનો હરિફ માનતા હતા, પણ બંગાળમાં ભાજપનું જોર વધી રહ્યું છે.ભાજપ અને તૃણમુલ સાથે બરાબર અંતર રાખતા અલીમુદ્દિન સ્ટ્રીટને આ વાત પચી નથી.'આ ખુબજ હાસ્યસ્પદ વાત છે. માત્ર બિહારમાં સારા દેખાવના આધારે આવા નિવેદનો આપવા ના જોઇએ'એમ સીપીએમ મધ્યસ્થ સમિતિના એક સભ્યે કહ્યું હતું.
બિહારમાં ઓવૈસીની સફળતા આશ્ચયજનક
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં સૌથી આશ્ચર્યજનક વાત એ રહી હતી કે ત્યાં ઓલ ઇન્ડિયા મજલીસ એ ઇત્તેહાદ એ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ)ને પાંચ બેઠકો પર જીત મળી હતી.માત્ર હૈદરાબાદ શહેરમાં જ પોતાના મૂળિયા ધરાવતી આ અસદદુદ્દીન ઓવૈસીના નાનકડી પાર્ટીએ બિહારના સીમાંચલમાં પોતાના આધાર વધાર્યો હતો. ખાસ તો કિશનગંજમાં જ્યાં બહુમતી મુસ્લિમોની છે. તેઓ છેલ્લા પાચ વર્ષથી પક્ષના વિકાસ માટે પ્રયાસો કરતા હતા.ગયા વર્ષે પેટા ચૂંટણીમાં તેમને સફળતા મળી હતી.આ વખતે પણ ઓવૈસીની મોટા સફળતા મળી હતી.
નિષ્ણાંતો કહે છે કે બિહાર અને મહારાષ્ટ્રમાં તેમની વધતી જતી લોકપ્રિયાનું એક કારણ એ છે કે દેશની વિભાજનની પીડા પછી મુસ્લિમોએ માત્ર સેક્યુલર પાર્ટીઓ પર જ વિશ્વાસ મૂક્યો હતો અને મુખ્ય પ્રવાહના લાકતાંત્રિક મૂલ્યોને પકડી રાખ્યા હતા. પરંતુ ભાજપનું કદ વધતા તેઓ સેક્યુલર પક્ષોથી વિમુખ થતા ગયા. તેમને લાગ્યું કે આવા અને અન્ય કથિત પક્ષો ભાજપના ધાર્મિક એજન્ડા સામે ટકી શકશે નહીં. પરિણામે તેઓ કોઇ વિકલ્પ શોધતા હતા જે તેમને ઓવૈસીના પક્ષમાં મળ્યું છે.
- ઇન્દર સાહની
Comments
Post a Comment