કોરોના સામેની લડતમાં વેક્સિનની દિશામાં આશા જન્મી


ભલે દુનિયા કોરોનાની વેક્સિનની રાહ જોઇ રહી હોય પરંતુ એ વેક્સિન કંઇ જાદુઇ નહીં હોય, દરેક દવાની જેમ તેની પણ આડઅસરો હોઇ શકે છે, જોકે જરૂરી નથી કે દરેક વ્યક્તિ પર એ ખરાબ અસર કરે પરંતુ અમુક એલર્જી ધરાવતા લોકો પર વિપરિત અસર કરી શકે છે

દુનિયાભરમાં કોરોનાના સંક્રમણમાં ફરી વખત વધારો થઇ રહ્યો છે. કોરોનાની આ બીજી લહેર વધારે આકરી નીવડવાની આશંકા છે ત્યારે લોકો કોરોનાની વેક્સિનની કાગડોળે વાટ જોઇ રહ્યાં છે. એવામાં અમેરિકાની કંપની ફાઇઝર અને જર્મન કંપની બાયોએનટેક સાથે મળીને બનાવી રહેલી વેક્સિન કોવિડ-૧૯ને રોકવામાં ૯૦ ટકા કરતા વધારે સફળ હોવાના દાવાથી લોકોમાં આશા જન્મી છે. વેક્સિનની દિશામાં મળેલા આ સમાચારને કોરોના વિરુદ્ધના જંગમાં વિજય તરીકે નિહાળવામાં આવી રહ્યાં છે.

કોરોના મહામારીના કારણે દસ લાખ કરતા વધારે લોકોના મૃત્યુ નીપજી ચૂક્યાં છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થાની હાલત ખરાબ છે અને તમામ લોકોના જીવન પણ ખરાબ રીતે અસર પામ્યા છે. વેક્સિન ટ્રાયલ કરનારી બંને કંપનીઓનું કહેવું છે કે વેક્સિન મામલે અત્યાર સુધી કોઇ ગંભીર સુરક્ષાનો મુદ્દો જણાયો નથી. હવે તેઓ વેક્સિનના ઇમરજન્સી ઉપયોગ માટે અમેરિકાના સત્તાવાળાઓની પરવાનગી માંગવાની દિશામાં કામ કરી રહ્યાં છે. હાલ આ વેક્સિનનું અમેરિકા અને બીજા દેશોમાં આશરે ૪૪ હજાર લોકો પર ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. 

કોરોનાની વેક્સિન બનાવવાની પ્રક્રિયા જટિલ હોવાની સાથે સાથે ધીરજ માંગી લે એવી છે. જોકે અત્યારે કોરોનાની વેક્સિન બનાવવાની કામગીરી જે રીતે પૂરજોશમાં ચાલી રહી છે એ જોતાં આ વર્ષના અંત સુધીમાં અથવા તો નવા વર્ષની શરૂઆતે કોરોનાની વેક્સિન લૉન્ચ થવાની અપેક્ષા છે. સૌથી તેજ ગતિથી બજારમાં આવનારી વેક્સિન પણ મોટે ભાગે તો ૨૦૨૧માં આવે એવું દુનિયાભરના સંશોધકો માની રહ્યાં છે. સામાન્ય રીતે કોઇ પણ કંપનીને વેક્સિનની જુદાં જુદાં સ્તરે મંજૂરી લેવામાં જ મહિનાઓ લાગી જાય છે અને એક વેક્સિન તૈયાર થવામાં ત્રણથી ચાર વર્ષ કે એનાથી પણ વધારે સમય લાગી જતો હોય છે. જોકે કોરોના વાઇરસે દુનિયાને જે રીતે બેહાલ કરી છે એના કારણે તેની વેક્સિન શોધવાનું કામ ભારે ઝડપથી ચાલી રહ્યું છે. 

વેક્સિન શોધાયા બાદ પણ મનુષ્યો પર તેનો ઉપયોગ કરવો જોખમભર્યો છે. સુરક્ષા મહત્ત્વનો મુદ્દો છે અને સકારાત્મક પરિણામો મળ્યા પહેલાં માણસોને ખતરામાં ન મૂકી શકાય. એટલા માટે કોઇ પણ દવા કે વેક્સિનની સૌથી પહેલા એનિમલ ટેસ્ટિંગ કરવામાં આવે છે. વૈજ્ઞાાનિકો દ્વારા આ ટેસ્ટ લેબોરેટરીમાં મુખ્યત્ત્વે ઉંદર, ગીનીપિગ, સસલા જેવા કર્તરી વર્ગના પ્રાણીઓ પર કરવામાં આવે છે. કેટલીક વખત વધારે ચોકસાઇ માટે વાંદરા ઉપર પણ ટેસ્ટ કરવામાં આવે છે. વેક્સિન ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે. સૌથી પહેલા મિનિમમ ડોઝ આપીને આ પ્રાણીઓની એન્ટીબોડીઝ ઉત્પન્ન કરવાની ક્ષમતા તપાસવામાં આવે છે. મોટે ભાગે એન્ટીબોડીઝ પેદા થવા માટે ૧૫ દિવસનો સમય આપવામાં આવે છે. 

વેક્સિન આપ્યા બાદ એ સુરક્ષિત છે કે નહીં એનો અભ્યાસ કરવામાં આવે છે. વેક્સિન આપવામાં આવી હોય એ પ્રાણીઓનો વ્યવહાર, ખાનપાન અને અન્ય જૈવિક પ્રક્રિયાઓ સામાન્ય રહે તો તેનો અર્થ એ કે વેક્સિન સલામત છે. પ્રાણીઓના તમામ અંગોનો પણ અભ્યાસ કરવામાં આવે છે કે કોઇ અંગ પર વેક્સિનનો દુષ્પ્રભાવ તો નથી પડયો ને? જો પ્રાણી પર વેક્સિનનો કોઇ પણ દુષ્પ્રભાવ જોવા મળે તો વેક્સિનની આગામી ટ્રાયલ પર પ્રશ્નાર્થ લાગી જાય છે. જો પરિણામો સકારાત્મક આવે તો ક્લિનિકિલ ટ્રાયલની અનુમતિ મળે છે. 

વેક્સિન સફળ છે કે નહીં એ નક્કી કરવા માટે હ્યુમન ટ્રાયલ એટલે કે મનુષ્યો પર પરીક્ષણ કરવું અનિવાર્ય છે. પ્રયોગશાળામાં જે પ્રાણીઓ પર વેક્સિનની ટ્રાયલ કરવામાં આવી હોય એ મનુષ્યો કરતા ઘણાં નાના હોય છે. પ્રાણીઓમાં વેક્સિનના જે રિઝલ્ટ જોવા મળ્યા હોય એ મનુષ્યોમાં પણ જોવા મળે એ જરૂરી નથી. બંને પ્રજાતિઓ અલગ હોવાના કારણે વેક્સિનનો પ્રભાવ પણ જુદો હોઇ શકે છે. 

જુદાં જુદાં પ્રાણીઓના શરીરતંત્ર વેક્સિન સાથે જુદો જુદો વ્યવહાર કરે છે. વેક્સિનના કારણે પ્રાણીઓને કોઇ સમસ્યા થઇ હોય તો એનો માત્ર અભ્યાસ જ થઇ શકે છે. પરંતુ માણસો પર વેક્સિનનો પ્રયોગ કરવામાં આવે ત્યારે તે કહી શકે છે કે તેને શી તકલીફ થાય છે. 

હ્યુમન ટ્રાયલના પહેલા તબક્કામાં વેક્સિન સુરક્ષિત છે કે નહીં એની તપાસ કરવામાં આવે છે. આમાં ૬થી ૧૨ વ્યક્તિના ગુ્રપ બને છે જેમને વેક્સિનનો મિનિમમ ડોઝ આપવામાં આવે છે. કેટલીક વ્યક્તિને વેક્સિનનો બનાવટી ડોઝ આપવામાં આવે છે જેને પ્લેસિબો કહે છે. વેક્સિન આપ્યા પછી તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે. વેક્સિનનો ડોઝ આપ્યા પહેલા અને આપ્યાના અમુક સમય બાદ બ્લડ સેમ્પલ લઇને કોઇ આડઅસર તો નથી થઇ રહીને એ જોવામાં આવે છે. વેક્સિનનો પ્રભાવ જોવા માટે બીજો ડોઝ આપવાની પણ જરૂર પડી શકે છે. વેક્સિન આપ્યા બાદ વ્યક્તિના શરીરમાં એન્ડીબોડીઝ તૈયાર થયા કે નહીં એ જોવામાં આવે છે. કોરોનાની વેક્સિન અજમાવતી કેટલીક કંપનીઓ એક કરતા વધારે ડોઝના પ્રયોગ પણ કરી રહી છે. 

પાંચ કે દસ વ્યક્તિ પર વેક્સિન અજમાવ્યા બાદ એના પરિણામોના આધારે લાખો કરોડો લોકોને વેક્સિન ન આપી શકાય. એટલા માટે બીજા તબક્કામાં એક્સોથી એક હજાર લોકો પર વેક્સિનની ટ્રાયલ કરવામાં આવે છે. વેક્સિનના પરીક્ષણ માટે સંપૂર્ણ સ્વસ્થ લોકો પસંદ કરવામાં આવે છે. કોરોના સંક્રમિત કે કોરોના થઇ ચૂક્યો હોય એવા લોકોને વેક્સિન આપવા માટે પસંદ કરવામાં આવતા નથી. વેક્સિન લેવા માટે રાજી થતા વોલન્ટિયર્સને વેક્સિન શા માટે આપવામાં આવી રહી છે અને તેના પરિણામો કેવા આવી શકે છે એ સમજાવવામાં આવે છે. 

એનિમલ ટેસ્ટિંગ સફળ થયા બાદ હ્યુમન ટેસ્ટિંગના પરિણામો સકારાત્મક આવવાની અપેક્ષા હોય છે. એવું ન થાય તો પણ વોલન્ટિયર સુરક્ષિત રહે છે. એન્ટીબોડીઝ બનવા માટે નિયમોના આધારે ત્રણ મહિનાનો સમય આપવો જરૂરી છે. એ સંજોગોમાં કોરોનાની વેક્સિનની હ્યુમન ટ્રાયલ શરૂ કરવામાં આવે તો પણ ૧૫ ઓગસ્ટ સુધીમાં એ અંગેના સંપૂર્ણ ખાતરીબંધ પરિણામો મળવા મુશ્કેલ છે. કોરોનાની ક્લિનિકલ ટ્રાયલ સફળ થાય એ પછી પણ જો દેશના માત્ર દસ ટકા લોકોને આ વેક્સિન આપવાનું નક્કી કરવામાં આવે તો પણ ૧૨ કરોડ ડોઝ તૈયાર કરવા પડે. આટલી મોટી સંખ્યામાં વેક્સિન તૈયાર કરવામાં પણ વર્ષો નહીં તો મહીનાઓ તો જરૂર લાગી જાય.

બીજી બાજુ રશિયાની વેક્સિન સ્પુતનિક-૫ આશાનું કિરણ બનીને સામે આવી છે. રશિયાના વૈજ્ઞાાનિકોએ પણ સ્પુતનિક-૫ વેક્સિન ૯૦ ટકા કરતા વધારે સફળ રહી હોવાનો દાવો કર્યો છે. હકીકતમાં રશિયાની સ્પુતનિક-૫ વેક્સિનની દુનિયાભરમાં ટીકા થઇ હતી કારણ કે ઓગસ્ટમાં પૂરતા ડેટા વગર જ રશિયાએ આ વેક્સિનને લાઇસન્સ આપી દીધું હતું. ઓગસ્ટમાં જ રશિયામાં લોકો પર આ વેક્સિનનો પ્રયોગ ચાલુ પણ કરી દેવામાં આવ્યો હતો. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પુત્રીને પણ સ્પુતનિક-૫ વેક્સિન આપવામાં આવી હોવાની ખબરો પ્રકાશિત થઇ હતી.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) પણ વેક્સિન પર જોરશોરથી કામ કરી રહી છે. એ સાથે જ વિદેશમાં બની રહેલી વેક્સિન ઉપર પણ ભારતની નજર છે. કોરોનાની સારવાર માટે ભારતમાં પ્લાઝ્મા થેરાપીનો પ્રયોગ પણ ચાલી રહ્યો છે. જોકે એક સંશોધનમાં સામે આવ્યું છે કે પ્લાઝ્મા થેરાપી કોવિડ-૧૯ના દર્દીઓના મૃત્યુ થતા રોકવામાં અસરકારક સાબિત નથી થઇ. આઇસીએમઆરએ દેશના ૩૯ હોસ્પિટલોમાં તપાસ બાદ પ્લાઝ્મા થેરાપી અસરકારક ન હોવાનું કહ્યું છે. 

હજુ સુધી કોરોનાની કોઇ અસરકારક વેક્સિન કે દવા શોધાઇ નથી ત્યાં દુનિયાભરમાં કોરોનાનું ફરી વખત સંક્રમણ થવાના મામલા પણ સામે આવી રહ્યાં છે. એવામાં કોરોનાની વેક્સિન શોધાયા પછી પણ કેટલો સમય સુધી અસરકારક રહેશે એ સવાલ તો ઊભો જ છે. વેક્સિનની સાઇડ ઇફેક્ટ અંગે પણ ચિંતા વ્યક્ત થઇ રહી છે. ભલે દુનિયા કોરોનાની વેક્સિનની રાહ જોઇ રહી હોય પરંતુ એ વેક્સિન કંઇ જાદુઇ નહીં હોય. દરેક દવાની જેમ તેની પણ આડઅસરો હોઇ શકે છે. જરૂરી નથી કે દરેક વ્યક્તિ પર એ ખરાબ અસર કરે પરંતુ અમુક એલર્જી ધરાવતા લોકો પર વિપરિત અસર કરી શકે છે.

Comments

Popular posts from this blog

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .