જો બાઇડન પાસેથી શું અપેક્ષાઓ છે?


ભૂલો કરવી જરૂરી છે. ભૂલો ન કરીએ તો સાચા અને ખોટા વચ્ચેનો ફરક કેવીરીતે સમજાય. કોઈ સુખમાં ભૂલો કરે છે. કોઈ દુ:ખમાં. ૨૦૧૬નો સમય અમેરિકા માટે સુખનો સમય હતો. ઑબામાના નેતૃત્વના આઠ સોનેરી વર્ષો ભોગવનારા અમેરિકાને પોતાની પાસે જે હતું તેની કિંમત સમજાઈ રહી નહોતી. આથી તે એક સનકી માણસને રાજનીતિમાં લઈ આવી. ને પરિણામ આખી દુનિયાએ જોયું. ભૂલ કરવી એ ગુનો નથી. ભૂલો ન સુધારવી એ ગુનો છે. અમેરિકાની જનતા ગુનો કરતા બચી ગઈ છે.

ખરાબ સમયમાં સારા માણસો સત્તા પર આવી જાય તો એ સમય એટલો ખરાબ રહેતો નથી. બીજા વિશ્વયુદ્ધ પહેલા બ્રિટનમાં ચર્ચિલ અને અમેરિકામાં રુઝવેલ્ટ ન ચૂંટાયા હોત તો આજે દુનિયાનો નાક-નકશો જુદો હોત. પૃથ્વી પણ પોતાનું ભાગ્ય લઈને ચાલે છે. આવનારા દિવસોમાં કશુંક સારું લખાયું હશે એટલે જ આજે જો બાઇડન જેવા કુશળ નેતા જગતની સૌથી મોટી સત્તાના પ્રમુખ પદ પર ચુંટાઈ આવ્યા. દુનિયા ઐતિહાસિક મહામારીમાંથી પસાર થઈ રહી છે ત્યારે બાઇડન ચૂંટાઈ આવ્યા એ ઘટના રસી શોધાયા જેવી ઐતિહાસિક છે. એક સારા ડૉક્ટર મળી જાય તો અડધો રોગ મટી જતો હોય છે. એક સારા નેતા મળી જાય ત્યારે અડધી સમસ્યાઓ આપોઆપ ઉકેલાઈ જતી હોય છે. એમાંય અમેરિકાના પ્રમુખનો રોલ તો વૈશ્વિક હોય છે. આથી બાઇડનના આગમનની પોઝિટીવ ઇફેક્ટ સમસ્ત વિશ્વને મળશે એમાં કોઈ શંકા હોઈ શકે નહીં.

જો બાઇડન અત્યારે ૭૮ વર્ષના છે. સૌથી નાની વયે સેનેટર બનેલા અને સૌથી મોટી ઉંમરે પ્રમુખ બન્યા છે. તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે એક જ ઇનિંગ રમવાના છે. જે કંઈ કરવાનું છે તે એક જ ઇનિંગમાં કરવાનું હોવાથી તેઓ આવનારા ચાર વર્ષને સૌથી યાદગાર બનાવવાની કોશિશ કરશે, પોતાનું શ્રેષ્ઠ આપશે તેમાં કોઈ શંકા નથી.

અમેરિકનો અને દુનિયાવાસીઓ બંનેને જો બાઇડન પાસે અપેક્ષા હોવાની. તેમનું સૌથી પહેલું કામ અમેરિકામાં કોરોના નિયંત્રણમાં લેવાનું હશે. આ માટે તેઓ એક ટાસ્ક ફોર્સ રચી રહ્યા છે જે ૨૦મી જાન્યુઆરીથી કાર્યરત બનશે. પ્રાયોરિટી કોરોના જ હોવી જોઈએ અને કોરોના જ રહેશે તેમાં બે મત નથી. અમેરિકામાં ખરાબ રીતે કોરોના ફેલાતા બીજા દેશોની નબળી સરકારોને આશ્વાસન મળ્યું છે. બીજા દેશના નેતાઓ નિર્લજ્જ થઈને કહી રહ્યા છે, આપણે ત્યાં અમેરિકા કરતા સારી સ્થિતિ છે. અમેરિકાની ટ્રમ્પ જનિત નિષ્ફળતાના અંધકારમાં તેમણે પોતાના પાપ છુપાવવાની કોશિશ કરી છે. યુએસે પણ ખરાબ કામગીરી કરી હોવાથી જનતાની નજરમાં તેમના ગુના માફ થઈ ગયા છે. બાઇડન આવશે તો આ અટકશે એવી અપેક્ષા છે.

રસીના વિતરણમાં પણ બાઇડનની મોટી ભૂમિકા હશે. ઉપરાંત બાઇડને એક અમેરિકન અને બીજા અમેરિકન વચ્ચે જે રીતે અંતર વધારવાનું કામ કર્યું છે તે રીવર્સ પ્રોસેસ કરશે. જ્યોર્જ ફ્લોઇડની હત્યા પછી થયેલા અશ્વેત આંદોલનોએ તેમને ચૂંટવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તે પછીનું તેમનું સૌથી મહત્ત્વપૂર્ણ કામ હશે ચીન અને અમેરિકા વચ્ચે જે ફાટફૂટ પડી છે તે સાંધવાનું. ચીન અને ભારત વચ્ચે જે ઘર્ષણ વર્તમાન સમયમાં વધ્યું છે તેનું પણ એક કારણ ટ્રેડવૉર જ છે. અમેરિકા-ચીન ટ્રેડવૉર સમાપ્ત થશે અને વ્યાપારમાં સૌહાર્દનું વાતાવરણ સર્જાશે તો બે ફાયદા થશે. એક તો મંદીમાંથી પસાર થઈ રહેલી વૈશ્વિક અર્થવ્યવસ્થાને નવો ઑક્સિજન મળશે. બીજું, દુનિયાના વિવિધ દેશો વચ્ચે જે યુદ્ધનું વાતાવરણ ઊભું થયું છે તે પણ શાંત થશે. કોરોનાને કારણે આરોગ્યની સાથોસાથ ધંધા પણ સાફ થઈ ગયા છે. એવા સમયે દુનિયાને ટ્રમ્પ જેવા સનકી નહીં, બાઇડન જેવા શાંત, ડાહ્યા, ઠરેલા અને પરિપક્વ નેતાની જરૂર છે. અલબત્ત રસ્તો બની ગયો છે, હવે તેના પર દોડવાનું જ બાકી રહ્યું છે.

મોટો માણસ કરે એમ આખું ગામ કરે, એ જ રીતે મોટો માણસ કરે તેમ તેના મોટા સાથીદારો પણ કરતા હોય છે. અમેરિકામાં ટ્રમ્પ આવ્યા અને યુરોપ તથા બીજા દેશોમાં પણ કટ્ટર પ્રમુખો સત્તામાં આવતા ગયા. ટ્રમ્પના જવાની સાથે રીવર્સ ચેઇન રીએક્શન પણ શરૂ થાય એવી સંભાવના છે. ટ્રમ્પના આવ્યા પછી બીજા વિશ્વયુદ્ધ બાદ પહેલી વખત અમેરિકા અને યુરોપ જુદી-જુદી ભાષામાં વાત કરતા હતા. ટ્રમ્પ એવી રીતે વર્તતા હતા જાણે અમેરિકા અને યુરોપ દુશ્મન હોય. બાઇડન આ ગેપ નહીંવત્ કરશે એવો અંદાજો છે.

ઓર એક મહત્ત્વનું કામ તેઓ પર્યાવરણ સંદર્ભે કરશે. પેરિસ કરારમાં જોડાઈ અમેરિકામાં પ્રદૂષણ ઘટાડવા વચન બદ્ધ બનશે અને દુનિયાના બીજા દેશોને પણ ફરજ પાડશે. આ બધું જેટલી સરળતાથી લખી રહ્યા છીએ એટલી જ સરળતાથી બધું થઈ જશે એવું નથી. હાઉસ ઑફ કોમન્સમાં ડેમોક્રેટ્સને બહુમતી મળી છે, પણ સેનેટમાં હજુ પણ રિપબ્લિકનોનો દબદબો હોવાથી તેમના પડકારો પણ ઓછા નહીં હોય.  તોય તેમને ઝાઝો વાંધો નહીં આવે કારણ કે બુશના શાસનમાં જ્યારે પણ પડકાર ઊભા થયા ત્યારે તેમણે જ પોતાના ક્રોસ પાર્ટી સંબંધોનો ઉપયોગ કરીને મડાગાંઠ ઉકેલેલી. વિરોધ પક્ષના નેતાઓ સાથે પણ મિત્રતાપૂર્ણ કામ લેતા તેમને આવડે છે. 

ડોનલ્ડ ટ્રમ્પ સાવ નિરર્થક જ હતા એવું નથી. અમેરિકાની રાજનીતિમાં પણ પરિવારવાદ અને ટ્રેડિશનલ રાજકારણીઓનું વર્ચસ હતું. તેઓ એક પ્રકારની જ રાજનીતિ કરતા હતા અને પેધી ગયા હતા. તેની સામે ટ્રમ્પ બિનરાજકીય નેતા તરીકે ઊભરી આવ્યા. અમેરિકાની જનતાએ આ રીતે સંદેશ આપ્યો કે સિઝન્ડ રાજનેતાઓ પણ પેધી જવું નહીં, નહીં તો સબક મળી શકે છે.

ટ્રમ્પની આઇસોલેશનિસ્ટ નીતિને કારણે ચીનને આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં મોકળું મેદાન મળી ગયેલું. બાઇડન પાસે સૌથી મોટી અપેક્ષા એ છે કે તેમના નેતૃત્વ હેઠળ અમેરિકા પહેલાની જેમ જ વિશ્વ રાજકારણમાં ભુમિકા ભજવતું થાય, જવાબદારી નિભાવતું થાય. અમેરિકાનો હજુ તો કોઈ પર્યાય પાક્યો નથી અને આવનારા દાયકાઓ સુધી પાકવાનો નથી. ત્યાં સુધી ચીનની ગુંડાગીરીથી બચવાનો એક જ ઉપાય છે, અમેરિકાની વર્લ્ડ લીડરશિપ.

દક્ષિણ કોરિયા અને જાપાનની જવાબદારી શા માટે અણેરિકાએ ઉપાડવી જોઈએ, તેની પાછળનું ગણિત શું છે એ ટ્રમ્પને નહોતી ખબર, હજુ પણ નહીં ખબર હોય. આ જરૂરી છે. ને તે સમજવા માટે બીજા વિશ્વયુદ્ધથી કોલ્ડવૉર સુધીનો ઈતિહાસ વાંચવો પડે. બાઇડન ટ્રમ્પની ભૂલો સુધારી વિશ્વને વધારે સંતુલિત બનાવશે એવી અપેક્ષા વધારે પડતી નથી.

આમ તો નેતા નીવડયે વખણાય. બાઇડને સરકારમાં દાયકાઓ સુધી કામ કર્યું છે. તેમને જુુદા-જુદા રાજકીય કામનો બહોળો અનુભવ હોવાથી વાંધો આવશે નહીં એવું લાગી રહ્યું છે. 

Comments

Popular posts from this blog

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .