મહારાષ્ટ્ર: નાસિકમાં ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 10ના મોત

- મૃતકોના પરિવારને પાંચ-પાંચ લાખ રૂપિયાના વળતરનું એલાન
- મુખ્યમંત્રી એકનાથ શિંદેએ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
નાસિક, તા. 13 જાન્યુઆરી 2023, શુક્રવાર
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં સિન્નર શિરડી રોડ પર પઠારે નજીક એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે એક ખાનગી લક્ઝરી બસ અને ટ્રક સામસામે અથડાયા હતા. આ બસ અકસ્માત ઈશાનેશ્વર મંદિર પાસે થયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે. નાસિક એસપીના જણાવ્યા પ્રમાણે કુલ 10 લોકોના મોત થયા છે. આ મૃતકોમાં 6 મહિલાઓ, 2 પુરૂષો અને 2 બાળકો સામેલ છે. પોલીસે જણાવ્યું કે 15થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
56 યાત્રીઓ સવાર હતા, મોટા ભાગના ગંભીર રીતે ઘાયલ
જોકે પોલીસનું કહેવું છે કે, આંકડો ઓછો કે વધુ હોઈ શકે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બસમાં કુલ 56 મુસાફરો હતા. જેમાંથી મોટાભાગના લોકો ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાક મુસાફરોને સારવાર માટે શિરડીની સુપર હોસ્પિટલ અને નાસિક ગ્રામીણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે, ઘાયલોના સંપૂર્ણ આંકડા આવવાના બાકી છે. ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ તમામ હોસ્પિટલોમાંથી રિપોર્ટ એકત્ર કરી રહી છે.
नाशिक- शिर्डी महामार्गावर आज पहाटे पाथरे गावाजवळ झालेल्या खासगी बसच्या अपघातासंदर्भात मुख्यमंत्री एकनाथ शिंदे यांनी तीव्र दुःख व्यक्त केले आहे. मृतांच्या कुटुंबियांना प्रत्येकी पाच लाख रुपये देण्याचे आणि जखमींवर शासकीय खर्चाने उपचार करण्याचे निर्देश त्यांनी प्रशासनाला दिले आहेत
— CMO Maharashtra (@CMOMaharashtra) January 13, 2023
વળતરનું કર્યું એલાન
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદન પ્રમાણે નાસિક શિરડી હાઇવે પર અકસ્માતમાં મૃતકોના પરિવારને પાંચ-પાંચલાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે સરકારે આ માર્ગ અકસ્માતની તપાસના પણ આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે આદેશ આપ્યો છે કે, અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને મફત સારવાર કરવામાં આવે.
Comments
Post a Comment