કાબુલમાં ચીન સાથેની બેઠક વખતે જ વિદેશ મંત્રાલય બહાર વિસ્ફોટ : 20નાં મોત


- મંત્રાલય નજીક આત્મઘાતી હુમલામાં અનેક લોકો ઘાયલ

- કાબુલમાં સપ્તાહમાં બે મોટા હુમલામાં 30થી વધુ લોકો માર્યા ગયા, આઇએસ દ્વારા હુમલો કરાયો હોવાની શંકા

કાબુલ : અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મોટો આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયો છે. જેમાં ૨૦થી વધુ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. જ્યારે અનેક લોકો ઘવાયા હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. આ આતંકી હુમલો કાબુલમાં વિદેશ મંત્રાલયની પાસે જ થયો છે. તેથી સુરક્ષામાં પણ મોટી ખામી સામે આવી છે. જ્યારે વિસ્ફોટ થયો ત્યારે વિદેશ મંત્રાલયની અંદર ચીનના અધિકારીઓની સાથે બેઠક ચાલી રહી હતી. 

હજુસુધી આ હુમલાની જવાબદારી કોઇ આતંકી સંગઠને નથી લીધી પણ હાલ અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ આઇએસ દ્વારા હુમલાનું પ્રમાણ વધી ગયું છે. તેથી આ હુમલા પાછળ પણ આઇએસનો હાથ હોવાની શક્યતાઓ છે. ઘટનાને નજરે જોનારા એક સ્થાનિક વ્યક્તિએ મીડિયાને જણાવ્યું હતું કે મારી નજરની સામે જ એક આત્મઘાતી હુમલાખોરે લોકોની વચ્ચે જઇને પોતાને બોમ્બથી ઉડાવી દીધો હતો. ત્રણ દિવસ પહેલા જ કાબુલમાં સૈન્ય એરપોર્ટ પર હુમલો થયો હતો, જેમાં ૧૦ લોકો માર્યા ગયા હતા.

 ગયા મહિને કાબુલમાં જ ચીનના નાગરિકોને ટાર્ગેટ કરીને એક હુમલો કરવામાં આવ્યો હતો. કાબુલમાં ચીનના એક નાગરિકની માલિકી વાળી હોટેલને નિશાન બનાવવામાં આવી હતી. વર્ષ ૨૦૨૧માં ઓગસ્ટ મહિનામાં તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો હતો. જે બાદથી જ ઇસ્લામિક સ્ટેટ એટલે કે આઇએસ નામનું આતંકી સંગઠન અફઘાનિસ્તાનમાં સક્રિય થઇ ગયું છે. હાલ જે હુમલો કરવામાં આવ્યો તેમાં પણ આઇએસનો હાથ હોવાની પુરી શક્યતા છે. અને તાલિબાને કહ્યું છે કે અમે આતંકી હુમલાના એંગલથી જ તપાસ કરી રહ્યા છીએ.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો