કાદવમાં કમળ ખીલવવામાં યોગદાન બદલ વિપક્ષનો આભાર : પીએમનો ટોણો


- કોંગ્રેસે 60 વર્ષના રાજમાં 90 સરકારો તોડી

- તેમની પાસે કિચડ હતો, મારી પાસે ગુલાલ, જેની પાસે જે હતું તે ઉછાળ્યું : એકલો જ આખા વિપક્ષ પર ભારે : વડાપ્રધાન

નવી દિલ્હી : અદાણી જૂથ વિરુદ્ધ હિન્ડનબર્ગ રિસર્ચના રિપોર્ટ મુદ્દે વિપક્ષે કેન્દ્ર સરકારને ઘેરતા હોબાળો મચાવેલો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા પછી ગુરુવારે રાજ્યસભામાં પણ વિપક્ષ પર વરસ્યા હતા અને વિપક્ષી સાંસદોના હોબાળા પર નિશાન સાધ્યું હતું. રાજ્યસભામાં પણ શાયરાના અંદાજમાં પીએમ મોદીએ કહ્યું, 'તેમની પાસે કાદવ હતો, મારી પાસે ગુલાલ. જેની પાસે જે હતું તે ઊછાળ્યું. એ સાચી વાત છે કે તમે જેટલો કીચડ ઉછાળશો, કમળ તેટલું જ ખીલશે. કમળ ખીલવામાં વિપક્ષનું પણ મહત્વનું યોગદાન રહ્યું છે.' 

આ સિવાય પીએમ મોદીએ દેશના પહેલાં વડાપ્રધાન જવાહરલાલ નહેરુથી લઈને ઈન્દિરા ગાંધીના નામ ઊછાળ્યા અને યુપીએ સમયમાં થયેલા કૌભાંડોની પણ કોંગ્રેસને યાદ અપાવતા કહ્યું કે પોતે એકલા જ આખા વિપક્ષ પર ભારે છે.

સંસદના સંયુક્ત સત્રને રાષ્ટ્રપતિ મુર્મૂના સંબોધનના આભાર પ્રવચનની ચર્ચા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજ્યસભામાં ૯૦ મિનિટ ભાષણ આપ્યું હતું. લોકસભા પછી ગુરુવારે રાજ્યસભામાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષની ઝાટકણી કાઢી હતી. તેમણે વિપક્ષ પર શાબ્દિક હુમલો કરતા કહ્યું, તેમની પાસે એક સમયે પંચાયતથી લઈને સંસદ સુધીની તાકાત હતી, પરંતુ દેશ માટે કામ કર્યું નહીં. આજે અમારી સરકારની ઓળખ બની છે તો તેનું કારણ અમારો પુરુષાર્થ છે. અમે દરેક મુદ્દે સ્થાયી સમાધાન તરફ વધવાનો પ્રયત્ન કરીએ છીએ. અમે કોઈપણ સમસ્યાને સ્પર્શી ભાગતા નથી.

વડાપ્રધાન મોદીએ ભાષણ શરૂ કરતાં જ કોંગ્રેસ સહિત વિપક્ષે 'અદાણી-મોદી ભાઈ ભાઈ', 'અદાણી અંગે જવાબ આપો'નો સૂત્રોચ્ચાર કર્યો હતો અને ભાષણમાં અવરોધો ઊભા કર્યા હતા. આ સાથે વિપક્ષે અદાણી જૂથ વિરુદ્ધના આરોપોની તપાસ માટે જેપીસીની રચનાની માગણી અંગે વેલમાં ધસી જઈ સૂત્રોચ્ચાર કર્યો હતો. આ હોબાળા વચ્ચે પણ પીએમ મોદીએ ભાષણ ચાલુ રાખ્યું હતું.

વડાપ્રધાને કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું, ૬૦ વર્ષ સુધી કોંગ્રેસે પરિવારના ખાડા જ ખાડા કર્યા હતા. તેઓ ખાડા ખોદી રહ્યા હતા તેમાં છ દાયકા બરબાદ થઈ ગયા. ત્યાં સુધીમાં દુનિયાના નાના-નાના દેશો પણ સફળતાના શીખરે પહોંચી ગયા હતા. પાછલા દાયકાઓમાં બુદ્ધિજીવીઓએ આ ગૃહથી દેશને દિશા બતાવી છે, દેશનું માર્ગદર્શન કર્યું છે. કોંગ્રેસ માત્ર પ્રતીકવાદમાં જ સામેલ રહે છે. દેશની સમસ્યાઓના સ્થાયી ઉકેલ માટે તેણે કોઈ પ્રયત્નો નથી કર્યા.

વડાપ્રધાને કહ્યું કે, કરોડો લોકો સુધી નળથી જળ પહોંચાડી રહ્યા છીએ. અમે સરકારમાં આવ્યા ત્યાં સુધી ૩ કરોડ ઘરો સુધી નળથી જળ મળતું હતું. પરંતુ અમારી સરકાર આવ્યા પછી આ આંકડો ૧૧ કરોડ સુધી પહોંચી ગયો. વધુમાં તેમણે કોંગ્રેસ પર પરિવારવાદનો આક્ષેપ કરવાની સાથે રાજ્યો સાથે ઘર્ષણનો મુદ્દો પણ ઉછાળ્યો હતો. વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસ અમારા પર રાજ્યો સાથે ઘર્ષણનો આરોપ મૂકે છે, પરંતુ આ લોકો સત્તામાં હતા ત્યારે કલમ ૩૫૪નો ઉપયોગ કરીને ૯૦ વખત રાજ્યોની સરકારોને હટાવી દીધી. એકલા ઈન્દિરા ગાંધીએ જ ૫૦ વખત આ નિયમનો ઉપયોગ કરીને રાજ્યોમાં સરકારો તોડી પાડી.

વડાપ્રધાને કહ્યું કે આ સૌથી જૂનો પક્ષ હતો, જેણે બંધારણીય જોગવાઈઓનો સૌથી વધુ દુરુપયોગ કર્યો અને ચૂંટાયેલી સરકારોને તેની ઈચ્છા મુજબ તોડી પાડી. તેમણે અત્યારે કોંગ્રેસનો પક્ષ લેનારા ડાબેરીઓ, એનસીપી સહિતના પક્ષોને પણ આડેહાથ લીધા હતા અને કહ્યું, કેરળમાં ચૂંટાયેલી ડાબેરી સરકાર હોય કે તમિલનાડુમાં એમજીઆર, કરુણાનિધિ જેવા દિગ્ગજો, મહારાષ્ટ્રમાં શરદ પવારની સરકારો તોડી પાડી.

એટલું જ નહીં સરકારી યોજનાઓના નામકરણને પણ મુદ્દો બનાવતા પીએમ મોદીએ કહ્યું કે, મેં વાંચ્યું હતું કે, એક જ પરિવારના લોકોના નામે ૬૦૦ સરકારી યોજનાઓના નામ હતા. અત્યારે કોઈ કાર્યક્રમમાં નહેરુનું નામ ન લેવામાં આવે તો કેટલાક લોકો દુ:ખી થઈ જાય છે. પરંતુ મારો સવાલ છે કે નહેરુ એટલા જ મહાન હતા તો તેમની પેઢીઓ નહેરુ સરનેમ શા માટે નથી રાખી લેતી. તેમને શું શરમ આવે છે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો