સાઇકલ કોઇનો ભોગ લે કે રોગ લે ?

સાઇકલ મારી સ.... ર.... ર....ર.... જાય ટ્રીન ટ્રીન ટોકરી વગાડતી જાય .... સાઇકલ જેવું જરા પણ પ્રદૂષણ ન ફેલાવે, શરીરને સતત કસરત કરાવે અને ટ્રાફીક જામમાં ન ફસાવે એવું સોંઘુ અને સ્વાસ્થ્યવર્ધક વાહન આખી દુનિયામાં શોધ્યું નહી જડે. એક પૈસાનું ઇંધણ ન વપરાય કોઇને અથડાય તો ઇજા પહોંચાડે પણ જીવ તો ન જ લેને? પણ સરકારે ગયા વર્ષે કયા વાહનના અકસ્માતમાં કેટલા રાહદારીઓનો ભોગ લેવાયો તેની આંકડાવારી બહાર પાડી ત્યારે વાહન-વ્યવહાર ક્ષેત્રના નિષ્ણાતોની આંખો પહોળી થઇ ગઇ. શુ કામ ખબર છે ? રિપોર્ટમાં જણાવ્યા મુજબ ૨૦૧૯માં સાઇકલ અથડાવાને કારણે આઠ રાજ્યોમાં ૧૯૫ વ્યકિતએ જીવ ગુમાવ્યો હતો. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તામિલનાડુ, ગુજરાત અને અરૂણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. સાઇકલ અથડાવાથઈ રાહદારીનું મોત નિપજે એવી વૈશાખનંદન (ગધેડા)ને તાવ આવે એવી વાત કોણ માને ? સાઇકલસવાર જતો હોય અને તેને બીજુ કોઇ વાહન અડફેટે લે ત્યારે સાઇકલીસ્ટની મોતની ઘટના બનતી હોય છે. બાકી રસ્તે ચાલીને જતા રાહદારીના સાઇકલ અથડાવાથી મોત થાય એ માનવા નિષ્ણાતો તૈયાર નથી. આવાં ખોટા આંકડા બહાર પાડવા કરતાં આંકડા ન બહાર પાડવાનું સારૂં. ઇંધણના ભાવ આસમાને જવા માંડયા છે, પોલ્યુશન વધવા માંડયું છે અને મોટર -વાહનોના ભરાવાને લીધે અનેક સમસ્યાઓ સર્જાય છે ત્યારે મોટા શહેરોમાં હવે સાઇકલ પ્રેમીઓની સંખ્યા વધવા માંડી છે. સાઇકલ ક્લબો શરૂ થવા માંડી છે. મુંબઇમાં પાણીની પાઇપલાઇનની લગોલગ કેટલાય કિલોમીટર લાંબો સાઇકલિંગ ટ્રેક તૈયાર થઇ રહ્યો છે. યુરોપના ડેનમાર્કને જેમ સાઇકલસવારોનું સ્વર્ગ ગણવામાં આવે છે તેની જેમ આપણા શહેરોમાં પણ સાઇકલ કલ્ચર વિકસવા માંડયું છે. બોલીવૂડના ફિલ્મસ્ટારો પણ તંદુરસ્તી જળવાય માટે પેડલ મારીને સાઇકલિંગ કરતા સવારે નીકળી પડે છે. કારણ ડ્રગ પેડલિંગ કરતાં સાઇકલ પેડલિંગથી ફાયદો તો થાય જે ને ? આવો સાઇકલમય માહોલ ઉભો જઇ રહ્યો હોય ત્યારે સરકારી ખાતાવાળા શું કામ આવાં ખોટા આંકડા બહાર પાડી પાણીમાં પથરા નાખતા હશે ? સુખી થવું હોય તો આવી આંકડાની માયાજાળમાં ફસાવાને બદલે ચાર - લાઇના રટતા રહેવામં જ મજા છે :
જે સાઇકલિંગ કરે
માંદગી એનાથી ડરે
સાચુ વાહનસુખ ત્યારે મળે
જયારે દેખાશે સાઇકલ ઘરે ઘરે.
** ** ** **
લોકડાઉનની હવામાં શ્વાન, સસલા, બિલાડા ઉડયા
પક્ષીઓ પાંખો ફેલાવી ઉડી શકે પણ શ્વાન, સસલા કે બિલાડી ઉડી શકે ? આવો કોઇ પ્રશ્ન કરે તો કેવી નવાઇ લાગે ? પણ લોકડાઉનની બલીહારી જ કઇ શકાય કે મેના, પોપટ, કાકાકૌઆ વગેરે પક્ષીઓ સાથે શ્વાન, સસલા, બિલાડી-બિલાડા જેવાં પ્રાણીઓ પણ ઉડયા, પણ પ્લેનમાં કેવું વિચિત્ર લાગે ? જે પક્ષીઓ પોતાની પાંખે ઉડી શકે છે તેમણે પણ પીંજરામાં બંધ પાંખે બેસી રહી પ્લેનની પાંખે ઊડવું પડયું. જે ધરતી પર ચાલવા કે દોડવા ટેવાયેલા છે એવાં પાળેલા પ્રાણીઓએ પણ વગર પાંખે ઉડવું પડયું.
લોકડાઉનમાં ઢીલ મૂકાયા પછી મને લાગે છે કે લગભગ ત્રણથી ચાર હજાર પક્ષી અને પ્રાણીઓએ પ્લેનમાં પ્રવાસ કર્યો હતો. અમૂક કિસ્સામાં મોટા શહેરમાં રહેતા શ્રીમંત પરિવારો પોતાને વતન ગયા ત્યારે પાળેલા પ્રાણી-પક્ષીને પણ સાથે લઇ ગયા હતા. કેટલાક કિસ્સામાં તો ગરમીથી છૂટકારો મેળવવા માટે કેટલાય પરિવારો હિલસ્ટેશન પર ગયા હતા એ પોતાના પેટ એનિમલ કે બર્ડ સાથે અટવાઇ ગયા હતા. લોકડાઉનમાં છૂટછાટ અપાવા માંડી અને અનલોકની શરૂઆત થઇ એટલે પ્લેનમાં આંશિક અવરજવર શરૂ થઇ. એક માલેતુજારે તો પોતાના પાળેલા શ્વાન માટે પ્લેન ચાર્ટર્ડ કર્યાનો કિસ્સો છાપે ચડયો હતો. પાળેલા પ્રાણીઓ કે પક્ષીઓને એરકંડિશન વાહનોમાં પહોંચતા કરવાની કામગીરી બજાવતી કંપનીઓને પણ ખરો તડાકો પડયો હતો. બીજી તરફે લોકડાઉન વખતે લાખો લોકો પગે ચાલીને કેટલાય કિલોમીટરનો પંથ કાપી માંડ માંડ ઘરે પહોંચ્યા. આ વિધિની વકતા જોઇ કહેવું પડે કે :
પ્રાણી - પક્ષીને મળે
પ્લેન અને એસી
બીજી બાજુ ટાંટિયા તોડ કરી
હાંફી જાય દેશી
** ** ** **
કોન્સ્ટેબલમાંથી એડિશનલ એસ. પી. ના પદ પર પહોંચી ટીન્કી
પોલીસ ફોર્સમાં કાબેલીયત, કર્મઠતા અને કુનેહની કદર રૂપે બઢતી આપવામાં આવે છે. પરંતુ પોલીસનની ડોગ-સ્કવૉડમાં કોન્સ્ટેબલ તરીકે જોડાઇ પોતાની કાબેલીયતથી છ વર્ષના ગાળામાં અનેક જટીલ ગુના ઉકેલી ઉત્તર પ્રદેશના મુઝફફરનગરની માદા શ્વાન ટીન્કીએ છ વખત બઢતી મેળવી હતી. આમ કોન્સ્ટેબલ તરીકે જોડાયેલી જર્મન શેફર્ડ નસલની ટીન્કીએ છ વખત બઢતી મેળવી એડિશનલ એસ. પી. (સુપ્રરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ)ની રેન્ક મેળવી હતી. હત્યા, લૂટ, ધાડ અને ચોરીના ૪૭થી વધુ કેસ ઉકેલી તેણે ડોગ-સ્કવૉડનું ખરા અર્થમાં નાક રાખ્યું હતું. આઠ આઠ વર્ષ આ રીતે એકધારી ફરજ બજાવી ટીન્કી માંદી પડી એટલે મેરઠની વેટરનરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. થોડા દિવસની સારવાર બાદ મૃત્યુ સામેનો જંગ હારી ગઇ. મુઝફફરનગરના પોલીસ વડા મથકે ટીન્કીના મૃત્યુના આઘાતજનક સમાચાર પહોંચ્યા ત્યારે શોકની છાયા ફરી વળી. તેનો મૃતદેહને મુઝફફરનગર લાવવામાં આવ્યા બાદ સંપૂર્ણ પોલીસ સન્માન અને 'ટીન્કી અમર રહે'ના નારા સાથે ટીન્કીની અંતિમવિધિ કરવામાં આવી હતી. તાલીમ પામેલા શ્વાન પોતાના નાકની સૂંઘવાની શકિતથી અનેક જટીલ ગુના ઉકેલવામાં પોલીસને મદદગાર થાય છે. એટલે જ વર્દીધારીઓ વટથી કહી શકે : જીતે હૈ શાન સે ઔર જીતે હૌ શ્વાન સે...........
** ** ** **
હવે કમળની ખુશ્બૂ
સંગીતના સૂરોને અને સુવાસને કોઇ સીમ નડતી નથી એવુું કહેવાય છે. આ વાત સુવાસ એટલે ખુશ્બૂએ સાચી પાડી છે. એક જમાનામાં સાઉથની સુપ્પર-ડુપ્પર સ્ટાર ખુશ્બૂએ પણ જયારથી રાજકારણમાં ઝંપલાવ્યું ત્યારથી કોઇ પક્ષમાં બંધાઇને નથી રહી. સૌથી પહેલાં કરૂણાનિધિની ડી. એમ. કે.માં જોડાઇ. થોડા વર્ષ પછી ડીએમકે સાથે છેડો ફાડી કોંગ્રેસમાં સામેલ થઇ. કોંગ્રેસમાં લગભગ પાંચ-છ વર્ષના રોકાણ બાદ સોનિયાજીની પાર્ટીને રામ રામ કરી તાજેતરમાં જ ભારતીય જનતા પક્ષમાં જે રામજી કી..... કહીને જોડાઇ ગઇ છે. ખુશ્બૂની એન્ટ્રીને લીધે ભાજપને તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી વખતે લાભ થાય એવી ગણતરી માંડવામાં આવી રહી છે. એક જમાનામાં દક્ષિણની ફિલ્મોમાં ખુશ્બૂનો ડંકો વાગતો. મુંબઇના મુસ્લિમ પરિવારમાં જન્મેલી ખુશ્બૂએ બાળ કલાકાર તરીકે હિન્દી ફિલ્મોમાં કામ શરૂ કર્યું : અમૂક હિન્દી ફિલ્મોમાં કામ કર્યા બાદ દક્ષિણાયન કર્યુ - સાઉથમાં પ્રચંડ લોકપ્રિયતા મેળવી હતી. એ વખતે ખુશ્બૂના નામની જાત જાતની વાનગીઓ અને બીજી અનેક ચીજો વેંચાતી. ખુશ્બૂ ઇડલી ચપોચપ વેંચાતી અન ખવાતી, ખુશ્બૂ શરબત, ખુશ્બૂ કોફી, ખુશ્બૂ સ્નેક્સ ઉપરાંત ખુશ્બૂ સાડીની પણ બોલબાલા હતી. આ અભિનેત્રીએ એટલી લોકપ્રિયતા મેળવી કે તેના ચાહકોએ ખુશ્બૂનું મંદિર બાંદયું અને ખુશ્બૂ-દેવીની પૂજા થવા માંડી હતી. અવારનવાર તે વિવાહના વંટોળ પણ જમાવતી. એક વાર હિન્દુ દેવદેવીઓની તસવીરોવાળી સાડી પહેરીને નીકળતા હિન્દુવાદી સંગઠનોનો રોષ વહારેવો પડયો હતો. આજે એ જ ખુશ્બૂ પક્ષપલ્ટો કરીને ભાજપમાં જોડાઇ છે. આવતા વર્ષે યોજાનારી તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપને વિજયી બનાવવા માટે તે પોતાની પૂરેપૂરી તાકાત કામે લગાડશે એવો ખુશ્બૂ સુંદરે નિર્ધાર વ્યકત કર્યો છે. જોકે તેવી લોકપ્રિયતા વોટપ્રિયતામાં પરિણામે છે કે નહી એ વિશે જાત જાતની અટકળો થિ રહી છે. એટલે જ પક્ષપલ્ટાને જોઇને કહેવું પડે કે :
'હાથ' છોડી ખુશ્બૂએ
હાથમાં લીધું કમળ
જોઇએ કામ આવે છે એની લોકપ્રિયતા
કે સર્જે છે વિવાદનો વમળ.
** ** ** **
માસ્ક વગરના ચાર પોલીસ સસ્પેન્ડ
કોરોના કાળમાં ગામ આખાને માસ્ક પહેરાવતા અને માસ્ક વગરનો દંડ ફટકારતા પોલીસો અને પાલિકાના કર્મચારીઓને બધાએ જોયા જ હશે મુંબઇમાં તો લોકડાઉન દરમિયા માસ્ક વિના ઉઘાડે મોઢે ફરતા લોકોને ઝડપી મુંબઇ મહાપાલિકાએ બેથી અઢી કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો. પરંતુ મહારાષ્ટ્રના લાતૂરમાં એક ઉચ્ચ પોલીસ અધિકારી મુલાકાતે આવ્યા ત્યારે તેમની તહેનાતમાં હાજર થયેલા ચાર પોલીસોએ જ માસ્ક નહોતા પહેર્યા એટલે ચારેયન તત્કાળ સસ્પેન્ડ કરવામાં આવ્યા વાડ જો ચીભડાં ગળે તો કેમ કામમ આવે ? એટલે જ આ ચાર - લાઇના ફટકારવી પડે :
કોરોના કાળમાં જો
વાડ જ ચીભડા ગળે
ત્યારે થઇ જાય સીધા દોર
જો કોઇ માથાનો મળે.
પંચ - વાણી
ટેન્શન મારે
પેન્શન તારે
Comments
Post a Comment