ડિજિટલ પ્લેટફોર્મ પર લગામ કસવાનો આવકારદાયક નિર્ણય

તમામ ઓવર ધ ટોપ એટલે કે ઓટીટી પ્લેટફોર્મ તેમજ ઓનલાઇન ન્યૂઝસહિતના તમામ ડિજિટલ પ્લેટફોર્મ હવે સરકારની દેખરેખ હેઠળ આવી ગયા છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા નોટિફિકેશન અનુસાર તમામ ડિજિટલ પ્લેટફોર્મ હવે માહિતી અને પ્રસારણ ખાતા અંતર્ગત આવશે. ઇન્ટરનેટ પર સમાચાર અને મનોરંજન પ્રસારિત કરતી સેવાઓ પર નજર રાખવા માટે કેબિનેેટે નિયમોમાં ફેરફાર કર્યાં છે અને રાષ્ટ્રપતિએ આ સુધારાને મંજૂરી પણ આપી દીધી છે. હવેથી ઓનલાઇન ન્યૂઝ આપતી વેબસાઇટ્સ અને મનોરંજન કાર્યક્રમ પ્રસારિત કરતી નેટફ્લિક્સ, એમેઝોન અને યૂટયૂબ જેવી સેવાઓ માટે માહિતી અને પ્રસારણ ખાતું દિશાનિર્દેશ જાહેર કરશે અને વેબસાઇટ્સે એનું પાલન કરવું પડશે.
આ ફેરફાર સાથે મોદી સરકારે એક સાથે બે મોટા ક્ષેત્રો પર નિયંત્રણ મૂકવાની શરૂઆત કરી દીધી છે. ભારતમાં ઇન્ટરનેટ પર સમાચાર અને કરન્ટ અફેર્સ તેમજ મનોરંજન બંને પર આધારિત વેબસાઇટ્સ અને એપ પ્રમાણમાં નવા જ કહી શકાય એવા છે. આ સેવાઓને ભારતમાં શરૂ થયે હજુ એક દાયકો પણ વીત્યો નથી.
ભારતમાં સિનેમાગૃહોમાં રિલીઝ થતી ફિલ્મો માટે સેન્સર બોર્ડ, ટેલિવિઝન પર પ્રસારિત થતા કાર્યક્રમો માટે ટ્રાઇ તેમજ માહિતી અને પ્રસારણ ખાતું, ન્યૂઝ ચેનલો માટે ન્યૂઝ બ્રોડકાસ્ટર એસોસિએશન, એડવર્ટાઇઝિંગ માટે એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ અને અખબારો માટે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જેવી નિયામક સંસ્થાઓ છે. પરંતુ હજુ સુધી ઇન્ટરનેટ પર આધારિત આ બંને ક્ષેત્રો પર કોઇનું સીધું નિયંત્રણ નહોતું.
આઇટી મંત્રાલય ઇન્ટરનેટ સંબંધિત મામલાનું ધ્યાન રાખે છે પરંતુ એ મંત્રાલય પાસે પણ વેબસાઇટ્સ પર આવતી સામગ્રી અંગેના માપદંડ નક્કી કરવાની કોઇ વિશેષ સત્તા નહોતી. હવે જો માહિતી અને પ્રસારણ ખાતું ઇન્ટરનેટ પરના મનોરંજન પીરસતા પ્લેટફોર્મ અને એપ્સ માટે માપદંડ ઘડવાની શરૂઆત કરશે તો એની દુરોગામી અસરો નીવડવી નક્કી છે.
તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં એક ન્યૂઝ ચેનલના વિવાદાસ્પદ કાર્યક્રમ અંગે સુનાવણી ચાલી રહી હતી ત્યારે દેશભરમાં મીડિયા રેગ્યુલેશનને લઇને ચર્ચા થવા લાગી હતી. કોર્ટમાં ચર્ચા દરમિયાન કેન્દ્ર સરકારે કહ્યું હતું કે ટીવી અને પ્રિન્ટ મીડિયા પહેલા ડિજિટલ મીડિયા પર કંટ્રોલ કરવાની જરૂર છે. જોકે કોર્ટનું કહેવું હતું કે ડિજિટલ માધ્યમ પર રજૂ થતી સામગ્રીનું મૂલ્યાંકન ગ્રાહક પોતે જ કરી દે છે. એટલા માટે લોકોને પણ તેઓ શું વાંચવા કે જોવા માંગે છે એ નક્કી કરવાની આઝાદી મળવી જોઇએ.
હકીકતમાં સમાજને અસર કરતા કોઇ પણ મીડિયાના કોઇ પણ માધ્યમ ઉપર દેખરેખની વ્યવસ્થા હોવી જ જોઇએ. ઓટીટી પ્લેટફોર્મ અને ન્યૂઝ પોર્ટલ શું પીરસે છે એ ધ્યાન રાખવું જરૂરી છે. આજે તો ઓટીટી પ્લેટફોર્મ અને ન્યૂઝ પોર્ટલો અને સમાજ વચ્ચે ઉત્પાદક અને ગ્રાહક જેવો સંબંધ બની ચૂક્યો છે. હેડલાઇન જ એવી આકર્ષક બનાવવામાં આવે છે કે લોકો ક્લિક કરવા લલચાય છે. પછી ખ્યાલ આવે છે કે હેડલાઇન અને કન્ટેન્ટનું કશું કનેક્શન જ નથી.
ન્યૂઝ ચેનલો પણ ટીઆરપીના ચક્કરમાં અધોગતિ પામવા લાગી છે અને ડિજિટલ પ્લેટફોર્મ પણ વિકૃત સામગ્રી પીરસવા લાગ્યાં છે. વધારેમાં વધારે ક્લિક મેળવવાના ચક્કરમાં અધકચરી માહિતી પીરસવામાં આવે છે. કોઇ સેલિબ્રિટી કે નેતાનું કદ વધારવા કે ઘટાડવા માટે કે કોઇની છબિ ખરડવા માટે ભળતી માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે. ઓટીટી પ્લેટફોર્મ્સ પર પ્રસારિત થતી સીરિયલો અને ફિલ્મોમાં સેક્સ, હિંસા અને અપશબ્દોની ભરમાર હોય છે.
ખરેખર તો આપણા સમાજમાં બેજવાબદારી, નાગરિકકર્મ અંગેના અજ્ઞાાન, બદલાની ભાવના, નફરત ફેલાવવાના વ્યક્તિગત સ્વાર્થ જેવી સક્રિયતા મોજૂદ છે જેની અભિવ્યક્તિ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા પણ થતી રહે છે. જ્યારે માહિતીના માધ્યમો સીમિત હતાં એટલે કે કોઇ પણ ખબરના વ્યાપ માટે અખબાર કે ન્યૂઝ ચેનલો હતાં ત્યાં સુધી આવી અફવાઓ ફેલાવવી સીમિત હતી પરંતુ આજે તો દરેકના હાથમાં સ્માર્ટ ફોન આવી ગયાં છે અને દરેક વ્યક્તિ પોતે પોતાને મનગમતી માહિતીની સત્યતા પારખ્યા વિના જ વહેતી કરી દેતી હોય ત્યારે પ્રમાણિક ખબરોની ચકાસણી કરવી અત્યંત મુશ્કેલ બની ગઇ છે. એક સમયે લોકોને એકબીજા સાથે જોડવાના માધ્યમ તરીકે વિકસેલા ડિજિટલ પ્લેટફોર્મ આજે માહિતીના સ્થાને જૂઠ્ઠાણાં, અર્ધસત્ય, ભ્રમ, અફવાઓ, ચારિત્ર્યહનન અને દ્વેષ ફેલાવવાના માધ્યમ બની રહ્યાં છે.
આધુનિક ટેકનોલોજીના આ જમાનામાં દરેક વ્યક્તિના હાથમાં રમતો સ્માર્ટ ફોન અને સસ્તા દરે મળી રહેલા ડેટા પેકેજિસના કારણે ઇન્ટરનેટ સુધીની પહોંચ સાવ સરળ બની ચૂકી છે, જેના પરિણામે આજના દોરમાં ડિજિટલ મીડિયા એક મોટી તાકાત બની ગયું છે. ડિજિટલ વર્લ્ડના આ દોરમાં એક બાબત તો સ્પષ્ટ છે કે સામાન્ય લોકોની માનસિકતાને અસર કરવામાં ઇન્ટરનેટ મહત્ત્વનો ભાગ ભજવી રહ્યું છે. એટલા માટે લાંબા સમયથી એવી લાગણી ઉદ્ભવી રહી છે કે ડિજિટલ પ્લેટફોર્મ પર કેટલાંક નિયંત્રણો લાદવામાં આવે. ઇન્ટરનેટ એક એવું પ્લેટફોર્મ છે જેના પર નિયંત્રણની વાત કરવી સરળ છે પરંતુ એનો અમલ કરવો એટલો જ મુશ્કેલ છે. એટલા માટે કે ઇન્ટરનેટને દેશોના સીમાડા નડતા નથી અને તેના પર નિયંત્રણ લાદવામાં સૌથી મોટો પડકાર અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના અધિકારના હનનનો આવે છે.
લોકો સમક્ષ સત્ય બહાર આવે એ ઇચ્છનીય છે પરંતુ કોઇ પણ બનાવને તોડીમરોડીને રજૂ કરવાના કારણે મામલા ગુંચવાઇ જાય છે. લોકોની વિચારધારા બદલવાના પ્રયાસ થાય છે જેના કારણે ખોટા ખ્યાલો ઊભા થવા લાગ્યા છે. અનેક મામલાઓમાં તો આભાસી વાસ્તવિકતાને રજૂ કરવામાં આવે છે અને ખરેખરી હકીકત ભૂલાવી દેવામાં આવે છે.
અધૂરું સત્ય રજૂ કરીને સવાલો દાગવામાં આવે છે. ખરેખર તો સવાલો જ એવા તર્કહીન હોય છે કે જેના જવાબ હોતા જ નથી. ડિજિટલ મીડિયા અને સોશિયલ મીડિયા ટોળાશાહીને વિકસિત કરવાનું કામ કરી રહ્યાં છે જે સમાજ અને દેશ માટે આજે નહીં તો કાલે ખતરનાક સાબિત થશે.
ઇન્ટરનેટ પર પીરસાતી સામગ્રી હજુ સુધી કોઇ પણ નિયામક સંસ્થાની નજરથી દૂર છે એટલા માટે તમામ માટે મુક્ત છે. આવા પ્લેટફોર્મ ઉપર એવી બાબતો લખાઇ રહી છે કે બતાવવામાં આવી રહી છે જેનાથી ઘણી વખત સરકાર માટે અસહજ સ્થિતિ પેદા થઇ જાય છે. એટલા માટે ઘણાં લોકોનું માનવું છે કે સરકાર આ માધ્યમો પર અંકુશ લગાવવા માંગે છે.
જોકે એ પણ હકીકત છે કે ઇન્ટરનેટ માધ્યમો પર પીરસવામાં આવતી સામગ્રી દોષમુક્ત નથી. અનેક લોકોનું કહેવું છે કે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ અનેક બાબતો એવી છે જેનાથી યુવાનો પર ખરાબ અસર પડી રહી છે. અશ્લીલતા અને હિંસાના આરોપસર અનેક કાર્યક્રમો પર રોક લગાવવાની જરૂરિયાત પણ અનેક વખત જણાઇ છે.
હકીકતમાં સિનેમા અને ટીવી કાર્યક્રમો પર અનાવશ્યક કાતર ફેરવવાની પ્રવૃત્તિથી તંગ આવીને અનેક ફિલ્મ નિર્માતા નિર્દેશકોએ ઓટીટી પ્લેટફોર્મ પર પોતાની ફિલ્મો અને સીરિયલો પ્રસારિત કરવાનું મુનાસિબ માન્યું. સમાચાર ચેનલો પર પણ પૂરતી આઝાદી ન મળવાના કારણે અનેક પત્રકારોએ સ્વતંત્રરીતે ઇન્ટરનેટ માધ્યમો પર પોતાના વિચારો વ્યક્ત કરવાના શરૂ કરી દીધાં.
હવે જો માહિતી પ્રસારણ ખાતું અહીંયા પણ નજર રાખવાનું શરૂ કરી દેશે તો વિવિધ કલા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અવરોધાવાની આશંકા પણ ઊભી થશે. ખરાબ બાબતોને અટકાવવા માટે સારી નિયત સાથે કામ થાય તો એમાં કોઇને વાંધો ન હોવો જોઇએ. પરંતુ મંશા સાફ ન હોય તો સારી બાબતોને પણ અસર થાય છે.
ફિલ્મ, કળાઓ અને વૈચારિક સંવાદ અભિવ્યક્તિના માધ્યમ છે અને એમાં નિર્માતા, નિર્દેશક, કલાકાર, લેખક અને વિચારક પ્રયોગ કરતા હોય છે અને એના માટે તેઓ પોતે જવાબદાર હોય છે. તેમની અભિવ્યક્તિનું મૂલ્યાંકન દર્શકની નજર કરે છે. એટલા માટે એક મોટા વર્ગનું માનવું છે કે આ માધ્યમો પર નજર રાખવાના બદલે તેમને લોકોની નજર પર છોડી દેવા જોઇએ. વળી, ઇન્ટરનેટ કોઇ દેશની સરહદથી બંધાયેલું ન હોવાના કારણે તેના પર સંપૂર્ણ દેખરેખ રાખવી સરકાર માટે પણ કપરી છે.
અનેક ખરાબ બાબતોને સમાજ પોતે નિયંત્રિત કરતો હોય છે એટલા માટે ઇન્ટરનેટ પર રજૂ થતી બાબતો પણ સમાજ નિયંત્રિત કરી શકે છે. વળી કોઇ વાંધાજનક અભિવ્યક્તિ હોય તો કોર્ટનો સહારો તો લઇ જ શકાય છે. જો માહિતી ખાતું નિરપેક્ષ ભાવે ડિજિટલ માધ્યમો પર દેખરેખ રાખે તો એ આવકાર્ય છે પરંતુ આ અધિકારના દુરુપયોગથી કેવી રીતે બચી શકાય એના પણ ઉપાય હોવા જોઇએ.
Comments
Post a Comment