કોરોના રસીની પ્રથમ ' ખેપ' 28મીથી દિલ્હીમાં : 2021થી રસીકરણ

નવી દિલ્હી, તા. 22 ડિસેમ્બર, 2020, મંગળવાર
કોરોના મહામારીથી ત્રસ્ત બ્રિટન અને અમેરિકા પછી અનેક દેશોએ કોરોનાની રસીઓના તાત્કાલિક ઉપયોગને મંજૂરી આપી છે ત્યારે ભારતમાં પણ રસીના આગમનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. આગામી પાંચ દિવસમાં લોકોની આતુરતાનો અંત આવી જશે અને દિલ્હીમાં 28મી ડિસેમ્બરે કોરોનાની રસીની પહેલી ખેપ પહોંચી જશે.
દરમિયાન બોર્ડની પરીક્ષાઓનો સમય નજીક આવતાં વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતા વધી છે. જોકે, શિક્ષણ મંત્રી નિશંક પોખરિયાલે મંગળવારે સ્પષ્ટ કરી દીધું કે ફેબુ્રઆરી સુધીમાં સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ યોજવી શક્ય નથી. જોકે, બોર્ડની પરીક્ષા ઓફલાઈન જ યોજાશે.
દેશમાં કોરોનાનો પ્રસાર ધીમો થયો છે તેવા સમયે વધુ એક સારા સમાચાર મળ્યા છે. ભારતમાં 28મી ડિસેમ્બરે કોરોનાની રસીની પહેલી ખેપ દિલ્હી પહોંચશે. તેના માટે બધી જ તૈયારીઓ કરી લેવાઈ છે. કોરોનાની રસી માટે રાજીવ ગાંધી હોસ્પિટલમાં મોટા ડીપ ફ્રિઝર પહોંચાડી દેવાયા છે.
દિલ્હી એરપોર્ટના સીઈઓ વિદેહકુમાર જયપુરિયાએ મંગળવારે જણાવ્યું હતું કે, 28મી ડિસેમ્બરે કોરોના રસીની પહેલી ખેપ આવશે. અમે દૈનિક80 લાખ વિયાલ હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવીએ છીએ. સમગ્ર દેશમાં કોરોનાની રસી માટે 28,000થી 29,000 કોલ્ડ ચેઈન પોઈન્ટ્સ બનાવાયા છે.
હાલ ભારતમાં કોઈપણ ફાર્મા કંપનીની રસીના તાત્કાલિક ઉપયોગની મંજૂરી અપાઈ નથી. પરંતુ સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, ભારતમાં જાન્યુઆરી સુધીમાં રસીકરણની કામગીરી શરૂ થશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, દિલ્હી સરકારે રાજીવ ગાંધી હોસ્પિટલમાં કેટલાક ડીપ ફ્રિઝર પહોંચાડયા છે અને હજુ વધુ ડીપ ફ્રિઝર પહોંચાડાશે. અહીં 90 ડીપ ફ્રિઝર આવશે. હાલ રાજીવ ગાંધી હોસ્પિટલમાં ફ્રિઝર અને અન્ય ઉપકરણો ઈન્સ્ટોલ કરવાની કામગીરી ચાલુ છે.
દરમિયાન ડિસેમ્બર મહિનો પૂરો થવા આવતાં દેશભરમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ બોર્ડની પરીક્ષાઓના આયોજન અંગે ચિંતિત છે. શિક્ષણ મંત્રી નિશંક પોખરિયાલે મંગળવારે એક વેબિનારમાં જણાવ્યું હતું કે, ભારતમાં ફેબુ્રઆરી સુધીમાં સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ યોજવી શક્ય નથી.
પરીક્ષાની તારીખો અંગે નિષ્ણાતો સાથે ચર્ચા ચાલુ છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, બોર્ડની પરીક્ષા ઓનલાઈન યોજવી પણ શક્ય નથી. આમ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને પૂરતો સમય અપાશે. પરીક્ષાઓ માર્ચમાં કે તે પછી યોજાઈ શકે છે તેમજ તે ઓફલાઈન યોજાશે.
Comments
Post a Comment