કોરોના મહામારી : વધુ 82નાં મોત, નવા 2000 કેસ સાથે કુલ કેસ 34660ને પાર

- દેશમાં સાજા થનારા દર્દીનો દર 13 ટકાથી વધીને 25 ટકા થયો

- 60,000થી વધુ વિદેશી નાગરિકોને સ્વદેશ મોકલાયા, વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા ચર્ચા ચાલુ



નવી દિલ્હી, તા.30 એપ્રિલ 2020, ગુરુવાર

કોરોના સામેની લડાઈમાં ભારતને છેલ્લા કેટલાક દિવસમાં નોંધપાત્ર સફળતા મળી છે. ભારતમાં કોરોના વાઈરસનો રિકવરી રેટ એટલે કે હોસ્પિટલમાંથી સારવાર પછી રજા અપાઈ હોય તેવા દર્દીઓનો દર ૨૫.૧૩ ટકા થયો છે, જે ૧૪ દિવસ અગાઉ ૧૩ ટકા નોંધાયો હતો. વધુમાં કોવિડ-૧૯ના કેસ હવે ૧૧ દિવસે બમણા થઈ રહ્યા છે. રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લાગુ થયું તે પહેલાં દેશમાં ૩.૪ દિવસમાં કેસ બમણા થઈ રહ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ૮૬૬૪ દર્દી સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨,૦૦૪ કેસ સાથે કુલ કેસ ૩૪૬૬૧ થયા છે જ્યારે ૮૨નાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૧૧૪૬ થયો છે.  

ભારતમાં કોરોનાના કેસ અને મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ કોવિડ-૧૯ના કેસ બમણા થવાનો દર અમેરિકા, ઈટાલી, સ્પેન અને બ્રિટન જેવા વિકસિત દેશોની સરખામણીમાં ધીમો છે. અમેરિકા અને યુરોપના આ દેશોમાં કોવિડ-૧૯ મહામારીથી સૌથી વધુ સંખ્યામાં લોકો માર્યા ગયા છે. મૃત્યુદરના સંદર્ભમાં ભારત વિકસિત દેશોની સરખામણીમાં ઘણી સારી સ્થિતિમાં છે.

સ્વાસ્થ્ય મંત્રાલય અને વર્લ્ડઓમીટરના આંકડા મુજબ ભારતમાં કોરોના વાઈરસના કેસ પાંચ દિવસમાં ૫૦૦થી બમણા થઈને ૧,૦૦૦ થયા હતા. ત્યાર પછી તે માત્ર ચાર દિવસમાં ૨,૦૦૦ થયા હતા. દેશમાં કોરોના વાઈરસના કેસ માત્ર ત્રણ દિવસમાં બમણા થઈને ૪,૦૦૦ થઈ ગયા હતા, પરંતુ ત્યાર પછી કોરોના કેસ બમણા થઈને ૮,૦૦૦ થતાં છ દિવસ લાગ્યા હતા. ત્યાર પછી આઠ દિવસમાં કેસ બમણા થઈને ૧૬,૦૦૦ થયા અને ૩૨,૦૦૦ કેસ થવા માટે ૧૦ દિવસનો સમય લાગ્યો હતો. જ્યારે વિકસિત દેશોમાં કોરોનાના કેસ બમણા થવાનો દર ભારત કરતાં વધાર છે. માત્ર કેનેડામાં ભારત કરતાં સારી સ્થિતિ જોવા મળે છે. 

ભારતમાં હાલ કોવિડ-૧૯નો મૃત્યુદર ૩.૨ ટકા છે. મૃત્યુપામેલામાંથી ૬૫ ટકા પુરુષો અને ૩૫ ટકા મહિલાઓ છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે દેશમાં કોરોના વાઈરસના પ્રસારની સ્થિતિમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઓડિશા, રાજસ્થાન, તામિલનાડુ અને પંજાબની સ્થિતિ ગંભીર છે. અહીં ૧૧થી ૨૦ દિવસમાં કોરોનાના કેસ બમણા થઈ રહ્યા છે.

કર્ણાટક, લદ્દાખ, હરિયાણા, ઉત્તરાખંડ અને કેરળમાં આ દર ૨૦થી ૪૦ દિવસનો છે. તેમણે ઉમેર્યું કે વયના સંદર્ભમાં મૃત્યુદર જોઈએ તો કોરોના ૬૦ વર્ષથી વધુ વયના વૃદ્ધો માટે જોખમી છે. કોરોનાથી મૃત્યુ પામેલા લોકોમાં ૬૦ વર્ષથી વધુ વયના લોકો ૫૧.૨ ટકા હતા જ્યારે ૩૪.૮ ટકા લોકોની વય ૪૫થી ૬૦ વર્ષની હતી. ૪૫થી ઓછી વયના લોકોમાં કોરોનાનો મૃત્યુદર ૧૪ ટકા હતો.

સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે દેશમાં ૨૫મી માર્ચથી લાગુ થયેલા રાષ્ટ્રવ્યાપી લૉકડાઉને કોરોનાનો અસાધારણ ફેલાવો અટકાવ્યો છે. નીતિ આયોગના ચીફ એક્ઝિક્યુટિવ અમિતાભ કાંતે જણાવ્યું હતું કે દેશમાં કોરોના પોઝિટિવ કેસ અને મૃત્યુદર સતત ઘટી રહ્યો છે. વડાપ્રધાન મોદી ૩જી મે પછી રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લંબાવવું કે નહીં તે અંગે ટૂંક સમયમાં નિર્ણય લેશે તેમ મનાય છે. સરકારનું કહેવું છે કે કોરોનાની ગંભીર સ્થિતિ છે તેવા જિલ્લાઓમાં લૉકડાઉન ચાલુ રહી શકે છે જ્યારે કોરોનાના કેસ ન હોય તેવા વિસ્તારોમાં છૂટછાટ અપાઈ શકે છે.

દિલ્હી, મુંબઈ, અમદાવાદ જેવા મોટા શહેરો કે જે ભારતના અર્થતંત્રના ચાલકબળ છે ત્યાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વિસ્તારોમાં કોરોના મહામારીથી રાહત મળવાના કોઈ સંકેતો જોવા મળતા નથી તેમ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું હતું. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ૭૨ દેશોના ૬૦,૦૦૦થી વધુ વિદેશી નાગરિકોને ભારતમાંથી સ્વદેશ પરત મોકલાયા છે જ્યારે અન્ય દેશોમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા અંગે સંબંધિત દેશો સાથે ચર્ચા ચાલુ છે. 

દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રાલયે ગુરુવારે સ્પષ્ટતા કરી હતી કે લૉકડાઉન દરમિયાન ગૂડ્સ લઈ જતી ટ્રકો અથવા ડિલિવરી કરીને પાછી ફરતી ટ્રકોના આંતર-રાજ્ય પરિવહન માટે અલગથી કોઈ પાસની જરૂર નથી. ટ્રકોના પરિવહનમાં કોઈ સમસ્યા ન આવે તે માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપતાં કેન્દ્રિય ગૃહ સચિવ અજય ભલ્લાએ જણાવ્યું હતું કે દેશના વિવિધ ભાગોમાં વિવિધ રાજ્યોની સરહદો પર ટ્રકોના પરિવહનને મંજૂરી આપવામા ંઆવતી નથી અને સ્થાનિક તંત્ર દ્વારા તેમની પાસે અલગ પાસની માગણી કરવામાં આવે છે. 

અજય ભલ્લાએ જણાવ્યું કે ગૃહમંત્રાલય દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ ખાલી ટ્રકો સહિત ટ્રકો અને ગૂડ્સ કેરિયરના પરિવહન માટે કોઈ અલગ પાસની જરૂર નથી. કોરોના સામેની લડાઈમાં લૉકડાઉન દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો