દિલ્હીની વાત : આર્થિક પેકેજની જાહેરાત મોદી પોતે કરશે
આર્થિક પેકેજની જાહેરાત મોદી પોતે કરશે
નવીદિલ્હી, તા.29 એપ્રિલ 2020, બુધવાર
નરેન્દ્ર મોદી લોકડાઉન લંબાવશે કે નહીં તેની અટકળો વચ્ચે મોદી શનિવારે સવારે રાષ્ટ્રને સંબોધન કરે તેવી શક્યતા છે.
સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોદીએ માહિતી અને પ્રસારણ મંત્રાલયને આ માટેની તૈયારી કરવા કહી દીધું છે. પ્રસારણનો સમય એકાદ દિવસમાં નક્કી થઈ જશે અને એ પછી સત્તાવાર જાહેરાત કરાશે. બીજા તબક્કાના લોકડાઉનની મુદત ૩ મેના રોજ પૂરી થાય છે.
મોદી તેમના સંબોધનમાં કેટલીક છૂટછાટો સાથે લોકડાઉન લંબાવવાની જાહેરાત કરે તેવી શક્યતા છે. આ સૂત્રોનો દાવો છે કે, મોદી આ વખતના સંબોધનમાં માત્ર લોકડાઉનની વાત નહીં કરે પણ આથક મુદ્દે પણ વાત કરશે.
નિર્મલા સીતારામન સાથે મોદી શુક્રવારે આથક પેકેજ અંગે ચર્ચા કરવાના છે. આ પેકેજના મુખ્ય મુદ્દાની જાહેરાત મોદી રાષ્ટ્રજોગ પ્રવચનમાં કરશે જ્યારે વિસ્તૃત જાહેરાતો માટે નિર્મલા એ પછી તરત વીડિયો કોન્ફરન્સિંગથી પત્રકાર પરિષદ કરશે. મોદી આથક પેકેજની સાથે બીજાં કેટલાકં આકરાં પગલાંની જાહેરાત પણ કરી શકે છે.
ટ્રમ્પના વ્હાઈટ હાઉસે મોદીને અનફોલો કર્યા
અમેરિકાના વ્હાઈટ હાઉસે ત્રણ અઠવાડિયાં સુધી ટ્વિટર પર ફોલો કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમઓને અનફોલો કરી દીધા છે. અમેરિકાએ એ રીતે ગરજ સરી એટલે વૈદ વેરી જેવું વલણ બતાવ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના સામે લડવા ભારત પાસે હાયડ્રોક્સિક્લોરોક્વિન માંગી હતી. ભારતે કોઈ નિર્ણય ના લેતાં ટ્રમ્પે ધમકી આપતાં ભારતે આ દવા મોકલી આપી હતી. એ પછી ૧૦ એપ્રિલે વ્હાઈટ હાઉસે મોદીના પર્સનલ ટ્વિટર એકાઉન્ટ તથા રાષ્ટ્રપતિના એકાઉન્ટને ફોલો કરવાનું શરૂ કરીને ઈતિહાસ રચ્યો હતો. વ્હાઈટ હાઉસ વિશ્વના કોઈ નેતાને ફોલો કરે એવું પહેલી વાર બન્યું હતું. વ્હાઈટ હાઉસે વોશિંગ્ટન ડીસીની ભારતીય એમ્બેસીને પણ ફોલો કરવા માંડી હતી. હવે વ્હાઈટ હાઉસે અચાનક જ ચારેયને અનફોલો કરી દીધા છે.
અમેરિકા પોતાના સ્વાર્થ માટે ગમે તેના પગમાં આળોટી જાય ને પોતાની ગરજ પતે એટલે તેને ફેંકી દેતાં પણ વાર નથી કરતું. વ્હાઈટ હાઉસે આ નિર્ણય દ્વારા અમેરિકાની આ સ્વાર્થી વૃત્તિને છતી કરી દીધી છે.
શરાબના વેચાણ મુદ્દે કેન્દ્ર-રાજ્યો સામસામે
લોકડાઉન દરમિયાન શરાબના વેચાણ પર પ્રતિબંધના કારણે કેન્દ્ર અને રાજ્યો સામસામે આવી ગયાં છે. જે રાજ્યોમાં દારૂબંધી નથી એ રાજ્યોમાં શરાબ પરનો કર, મિલકતોના ખરીદ-વેચાણ પર લાગતી સ્ટેમ્પ ડયુટી અને પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સ એ ત્રણ આવકના મુખ્ય સ્ત્રોત છે. અત્યારે આથક પ્રવૃત્તિ ઠપ્પ હોવાથી સ્ટેમ્પ ડયુટી અને પેટ્રોલ-ડીઝલના ટેક્સની આવક લગભગ બંધ જેવી છે. આ આવક હમણાં શરૂ થાય એવા સંજોગો પણ નથી તેથી રાજ્યો દારૂનું વેચાણ શરૂ કરવા દેવાની મંજૂરી માંગી રહ્યાં છે. જો કે મોદી કોઈ પણ સંજોગોમાં આ મંજૂરી આપવા તૈયાર નથી તેથી સંઘર્ષ સર્જાયો છે.
રાજ્યોની દલીલ છે કે, લોકડાઉ હટે પછી પણ રીયલ એસ્ટેટમાં મંદી રહેવાની એ જોતાં સ્ટેમ્પ ડયુટીની આવક થવાની જ નથી. કેન્દ્ર પણ જીએસટીમાં રાજ્યોના હિસ્સાનાં નાણાં હમણાં આપતી નથી. રાજ્યોની રોકડ ખૂટવા આવી છે ત્યારે રાજ્યોને રોજિંદો વ્યવહાર ચલાવવા માટે દારૂના વેચાણને મંજૂરી મળવી જોઈએ.
રાહુલની ટ્વિટે નિર્મલાને ઉજાગરો કરાવી દીધો
દેશની બેંકોએ ટોચના ૫૦ વિલફુલ ડીફોલ્ટર્સ પાસેથી લેવાનાં નિકળતા ૬૮, ૬૦૭ કરોડ રૂપિયા 'રાઈટ ઓફ' કરી દીધા એ મુદ્દે રાજકીય જંગ શરૂ થઈ ગયો છે. આ યાદીમાં મેહુલ ચોકસી, નિરવ મોદી જેવા ઘણા વગોવાયેલા લોકો છે.
રાહુલ ગાંધીએ મોદી સરકારે પોતાના માનીતાઓની લોન માફ કરી દીધી હોવાનો આક્ષેપ કર્યો તેની સામે નિર્મલા સીતારામને રાહુલ જૂઠાણાં ફેલાવતા હોવાનો વળતો આક્ષેપ કર્યો. નિર્મલાનું કહેવું છે કે, આ નાણાં સરકારે માફ નથી કર્યાં કે તેની ઉઘરાણી માંડી નથી વાળી. પ્રકાશ જાવડેકરે તો રાહુલને ચિદંબરમ પાસેથી ટયુશન લઈને 'રાઈટ ઓફ' અને 'વેઈવ ઓફ'નો ભેદ સમજવા પણ સલાહ આપી.
રાહુલની ટ્વિટે નિર્મલાને દોડતાં કરી દીધાં એ સ્પષ્ટ છે. રાહુલે બપોરે ત્રણ વાગ્યે કરેલી ટ્વિટનો નિર્મલાએ રાત્રે છેક ૧૧ વાગ્યે જવાબ આપ્યો. એ પછી તેમણે ઉપરાછાપરી ૧૩ ટ્વિટ કરી તેના પરથી સ્પષ્ટ છે કે, રાહુલની ટ્વિટ પછી તેનો જવાબ આપવા એ બપોરથી કામે લાગી ગયાં હશે.
સોશિયલ મીડિયા પર લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે, રાહુલે વિલફુલ ડીફોલ્ટર્સની યાદી માંગી ત્યારે કેમ જાહેર નહોતી કરાઈ ? સરકાર અને રીઝર્વ બેંક અત્યારે ટેકનિકલ મુદ્દો ગણાવીને ભલે બચાવ કરે પણ દાળમાં કંઈક કાળું તો છે જ.
મુસ્લિમ નેતાની કોમેન્ટ બદલ કેજરીવાલ સામે આક્રોશ
અરવિંદ કેજરીવાલ સામે સોશિયલ મીડિયામાં આક્રોશ ઠલવાઈ રહ્યો છે. તેનું કારણ દિલ્હી લઘુમતી પંચના ચેરમેન ઝફરુલ ઈસ્લામ ખાન છે. ખાને પોતાના ફેસબુક પેજ પર લખ્યું કે, ભારતમાં થઈ રહેલા અત્યાચારો અંગે મુસ્લિમો જે દિવસે આરબ રાષ્ટ્રોને ફરિયાદ કરશે એ દિવસે પ્રલય થઈ જશે. ખાને કુવૈતનાં વખાણ કરીને હિંદુવાદીઓ પર પ્રહારો કર્યા છે અને તેમને મુસ્લિમો સામે નફરતપૂર્ણ અભિયાનો, હત્યાઓ અને રમખાણો માટે દોષિત ગણાવ્યા છે.
આ પંચ દિલ્હી સરકારના તાબા હેઠળ આવે છે તેથી સોશિયલ મીડિયા પર ખાનની સાથે સાથે કેજરીવાલ પણ અડફેટે ચડી ગયા છે. કેજરીવાલે દેશને ધમકી આપનારા અને દેશની ખોટી તસવીર દુનિયા સામે રજૂ કરનારા ખાનને હજુ સુધી કેમ તગેડી નથી મૂક્યા એવા સવાલો લોકો કરી રહ્યા છે. ભારતમાં મુસ્લિમો પર અત્યાચારો થાય છે એવો કુપ્રચાર કરવા બદલ ખાન સામે દેશદ્રોહનો કેસ કરીને તેમને જેલમાં ધકેલવાની માંગ પણ કેટલાક યુઝર્સે કરી છે.
'હાઈ કેસ લોડ' શહેરોનો કંટ્રોલ કેન્દ્ર લેશે
મોદી સરકાર અમદાવાદ સહિત દેશનાં સાત શહેરોમાં કોરોનાને કાબૂમાં લેવા માટે ખાસ ટીમો મોકલવા વિચારી રહી છે. મોદી સરકારે કોરોનાના કેસો વધારે છે એવાં રાજ્યોમાં ટીમો મોકલી હતી. આ ટીમોએ આપેલા રીપોર્ટના આધારે દેશનાં ૧૫ શહેરોને 'હાઈ કેસ લોડ' જાહેર કરાયાં છે. આ પૈકી હૈદરાબાદ, પૂણે, જયપુર, ઈન્દોર, અમદાવાદ, મુંબઈ અને દિલ્હીમાં સ્થિતી વધારે ગંભીર હોવાના ટીમોના તારણના પગલે મોદી સરકારે સ્થાનિક તંત્રને મદદ કરવા ખાસ ટીમો મોકલવા વિચારણા શરૂ કરી છે.
સરકારનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ટીમોમાં એનસીડીસી, એઈમ્સ અને આઈસીએમઆરના મેડિકલ નિષ્ણાતો હશે. આ ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ તથા ગૃહ મંત્રાલયના અધિકારીઓ પણ હશે. મેડિકલ નિષ્ણાતો ટેસ્ટિંગ અને સેનિટાઈઝ કરવા સહિતનાં પગલાંમાં ઝડપ લાવવાની કામગીરી કરશે જ્યારે અન્ય નિષ્ણાતો લોકડાઉનના અસરકારક અમલ અંગે માર્ગદર્શન આપશે. બાકી રહેલાં આઠ શહેરો પર પણ નજર રખાશે. આ શહેરોમાં કેસો ભયજનક રીતે વધતા લાગશે તો ત્યાં પણ આ જ વ્યૂહરચના અમલમાં મૂકાશે.
***
રેપિડ ટેસ્ટ કિટના ઉત્પાદન મુદ્દે સ્થાનિક કંપનીઓ અવઢવમાં
ચીનની રેપિડ ટેસ્ટ કિટ નહોતી આવી ત્યારે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચે સ્થાનિક કંપનીઓને રેપિડ ટેસ્ટ કિટનું ઉત્પાદન કરવાનું આમત્રણ આપ્યું હતું. એ પછી ચીની કંપનીએ રેપિડ ટેસ્ટ કિટ મોકલી આપી, પરંતુ એમાં પણ ગુણવત્તાનો પ્રશ્ન ઉદ્ભવ્યો. રાજ્યોએ તેની ગુણવત્તા મુદ્દે ફરિયાદો કરી, પછી ફરીથી સરકાર સ્થાનિક ઉત્પાદકો તરફ ધ્યાન કેન્દ્રિત કરશે એમ મનાતું હતું. પરંતુ સરકારે હજુ સુધી એ મુદ્દે કોઈ જ સ્પષ્ટતા કરી ન હોવાથી સ્થાનિક ઉત્પાદકો ભારે મૂંઝવણમાં મૂકાયા છે. સરકારે સ્પષ્ટતા કરી ન હોવાથી રેપિડ ટેસ્ટ કિટનું રીસર્ચ અને ઉત્પાદન કરવું કે ન કરવું તે નક્કી ન કરી શકતી સ્થાનિક કંપનીઓના અધિકારીઓએ આ બાબતે અકળામણ વ્યક્ત કરતા કહ્યું હતું કે સરકારે ઓછા સમયમાં કિટનું ઉત્પાદન કરવાનું જણાવ્યું હતું, પણ પછી એ બાબતે કોઈ જ નવું અપડેટ આપ્યું નથી. જો સરકાર વહેલી તકે સ્પષ્ટતા કરે તો ઉત્પાદન આગળ વધારીશું નહીંતર હાલ પૂરતું ઉત્પાદનનું કામ અટકાવી દેશું એવું સ્થાનિક કંપનીઓએ કહ્યું હતું.
કોરોનાના દર્દીઓની સારવાર ન કરવાં છતાં મેડિકલ સ્ટાફના રીપોર્ટ પોઝિટિવ
દિલ્હીની સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે એવા ૨૦૦ મેડિકલ પ્રોફેશનલ્સના રીપોર્ટ પોઝિટિવ આવ્યાં હતા કે જેમની કામગીરી નોન કોરોના વોર્ડમાં હતી. કોરોના સિવાયના દર્દીઓની સારવાર કરતા ડોક્ટર્સ અને નર્સમાં કોરોના થવાનું પ્રમાણ વધી રહ્યું છે. દિલ્હીની જે હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યાં તૈનાત સ્ટાફને કોરોના ઓછો થાય છે, પરંતુ જ્યાં કોરોનાના દર્દીઓને બદલે અન્ય બીમારીના દર્દીઓ છે એવા વોર્ડમાં તૈનાત મેડિકલ સ્ટાફને કોરોના થવાનું પ્રમાણ વધ્યું છે. દિલ્હીની સરકાર માટે આ ટ્રેન્ડ ચિંતાજનક બન્યો હોવાનું પણ આરોગ્ય મંત્રીએ કહ્યું હતું.
દિલ્હી સહિત દેશના ૧૫ વિસ્તારમાં કોરોનાના ૬૦ ટકા દર્દીઓ
સરકારે એવા ૧૫ વિસ્તાર ઓળખી કાઢ્યા છે, જ્યાં કોરોનાના ૬૦ ટકા દર્દીઓ છે. દિલ્હી સહિતના એવા ૧૫ વિસ્તારો છે જે કોરોનાના હોટ સ્પોટ બન્યા છે. નીતિ આયોગના અમિતાભ કાંતે કહ્યું હતું કે સતત મોનિટરિંગના આધારે એવું તારણ કાઢવામાં આવ્યું છે કે દેશમાં કોરોનાના ૧૫ હોટ સ્પોટ છે. દિલ્હી, મુંબઈ, ઈન્દોર, અમદાવાદ જેવા સ્થળોનો આ યાદીમાં સમાવેશ થતો હતો. એ સિવાયના દેશના ૩૩ જિલ્લા એવાં છે જ્યાં ૧૦૦ કે તેથી વધુ કેસ નોંધાયા છે.
સીઆરપીએફમાં કોરોનાથી પ્રથમ મોત થતાં સૈન્યદળો ઉપર જોખમ વધ્યું
સીઆરપીએફમાં એક ૫૫ વર્ષના સૈનિકનું મોત થયું હતું. કોઈ સૈન્યદળમાં કોરોનાનું આ પ્રથમ મોત હોવાથી તમામ દળોને સાવધાન કરાયા છે. સીઆરપીએફની ૩૧મી બટાલિયનના અધિકારીના મોત પછી આખી બટાલિયન ઉપર પણ જોખમ છે. બટાલિયનના ૨૩ને ક્વોરન્ટાઈન કરાયા છે. સીઆરપીએફની એ બટાલિયનને સીલ કરી દેવામાં આવી હોવાની જાહેરાત થઈ હતી.બટાલિયનના ૧૦૦ સભ્યોને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. ગૃહ મંત્રાલયે રીપોર્ટ માગ્યો છે. સૈન્ય દળોમાં કોરોના ન ફેલાય તે માટે પ્રયાસો હાથ ધરાયા છે. સીઆરપીએફના ૪૬ જવાનોના રીપોર્ટ પોઝિટિવ આવી ચૂક્યા છે અને ૨૫૭ના રીપોર્ટનું પરિણામ હવે આવશે.
દેશમાં મોબાઈલ ઈન્ટરનેટની સ્પીડ છેલ્લાં બે વર્ષમાં સૌથી ઓછી
દેશમાં જ્યારથી લોકડાઉન લાગું પડયું છે ત્યારથી મોબાઈલ ઈન્ટરનેટનો વપરાશ વધ્યો છે. વર્ક ફ્રોમ હોમ કે પછી ઘરમાં જ રહેવાના કારણે ઈન્ટરનેટનો વપરાશ જેમ જેમ વધતો જાય છે તેમ તેમ ઝડપ ઘટતી જાય છે. સરકારની માયસ્પીડ એપના ડેટા એનાલિસિસમાં જણાયું હતું કે તમામ ટેલિકોમ ઓપરેટર્સની ઝડપ ખૂબ જ ધીમી થઈ ગઈ છે. માર્ચમાં મીડિયમ ડાઉનલોડ સ્પીડ ૨.૮ મેગાબાઈટ પ્રતિ સેકન્ડ હતી. એ છેલ્લાં બે વર્ષમાં સૌથી ઓછી હતી. ૨૦૧૮માં એપ્રિલ માસમાં મીડિયમ ડાઉનલોડ સ્પીડ ૧.૯ એમબીપીએસ હતી. એ પછી આટલી સરેરાશ સ્પીડ ક્યારેય નોંધાઈ નથી.
- ઈન્દર સાહની
Comments
Post a Comment