કોઇ પણ માંદગી સામે લડવાનું એક રામબાણ શસ્ત્ર એટલે મુક્ત હાસ્ય : નોર્મન કઝિન્સે પુરવાર કરેલું


'હાર્ટી લાફ્ટર ઇઝ અ ગૂડ વે ટુ જોગ ઇન્ટર્નલી વીધાઉટ હેવીંગ ટુ ગો આઉટસાઇડ...'  સાવ સરળ ભાષામાં આ વાક્યનો તરજુમો કરીએ તો મુક્ત હાસ્ય ઘરની નીકળ્યા વગર થતું આંતરિક જોગિંગ છે. જગવિખ્યાત પત્રકાર નોર્મન અમેરિકી પત્રકાર, લેખક, અધ્યાપક અને વિશ્વશાંતિના પ્રચારક હતા. પ્રૌઢાવસ્થામાં એમને એન્કીલુઝિંગ સ્પોનોન્ડીલાઇસિસ નામે રોગ થયેલો. આ રોગ વકરે ત્યારે કરોડરજ્જુને ગંભીર નુકસાન કરે છે. એક પછી એક મણકો નિષ્ક્રીય થતો જાય છે. નોર્મન કઝિન્સને આ રોગના પરિણામે હૃદય પર પણ ગંભીર અસર થયેલી. સામાન્ય રીતે તરવરિયા અને થનગનતા દેખાતા નોર્મન પથારીવશ થઇ ગયેલા અને એમની સારવાર કરી રહેલા ડોક્ટરોએ આશા મૂકી દીધી હતી. નોર્મનની રોગ પ્રતિકાર શક્તિ શૂન્ય જેવી થઇ ગઇ હતી. ડોક્ટરો એમને રોજની ૩૮ ગોળી એસ્પિરીનની અને એટલીજ ગોળી ફેન્લીબુટાઝોન નામની દવાની આપતા. પલંગ પર નોર્મન પોટલાની જેમ પડયા રહેતા. કેટલોક સમય એ મૂંઝવણમાં રહેતા કે શું કરવું અને શું ન કરવું ? સતત દવાઓ ક્યાં સુધી ખાધે રાખવી?

પરંતુ એમનું મનોબળ પૂરેપુરું ખંડિત થયું નહોતું. એક મિત્રે મજાકમાં કરેલા સૂચનને અપનાવીને નોર્મને હોલિવૂડના લોરેલ એન્ડ હાર્ડી અને ચાર્લી ચેપ્લીનની ફિલ્મોની સાથોસાથ હોલિવુડની તમામ કોમેડી ફિલ્મો મંગાવી. લાયબ્રેરીમાંથી મળ્યાં તેટલાં બધાં જોક્સનાં પુસ્તકો મંગાવ્યાં. ખડખડાટ હસાવે એવ ફિલ્મો, ટીવી સિરિયલ્સ માણવા માંડી. જોક્સનાં પુસ્તકો વાંચવા માંડયાં. પોતાના જીવનમાં બની ગયેલી રમૂજી ઘટનાઓ યાદ કરીને હસવા માંડયાં. વિધાયક વિચારો (પોઝિટિવ થીન્કીંગ) શરુ કરવા માંડયા. 

રોજ સવારે પ્રાર્થના કરતી વેળા ઓટો-સજેશન (સ્વસંમોહન) દ્વારા પોતાની જાતને કહેતા કે હું સાજો સારો છું. મને કશું થયું નથી. થોડા દિવસમાં હું નોર્મલ જીવન જીવતો થઇ જવાનો છું. મને કોઇ બીમારી નથી, મને પ્રભુકૃપાથી સરસ શરીર મળ્યું છે.. ધીમે ધીમે નોર્મને તમામ દવાઓ બંધ કરી દીધી. ડોક્ટરોને લાગ્યું કે ગંભીર બીમારીના પગલે નોર્મનનું ચસકી ગયું છે. એ પાગલ થઇ ગયો છે. આટલી ગંભીર સ્થિતિમાં દવા બંધ શી રીતે કરી દેવાય ?  

અને સાચું માનજો, દુનિયાભરના ડોક્ટરો નવાઇ પામે એ રીતે નોર્મન સાજા થયા. મેડિકલ વિશ્વમાં આ એક ચમત્કાર હતો. ત્યારબાદ પોતાના અનુભવોને વર્ણવતું એક પુસ્તક નોર્મને લખ્યું- હિલિંગ ધ હાર્ટ આ પુસ્તક પશ્ચિમના દેશોમાં બેસ્ટ સેલર સાબિત થયું. ગુજરાતીમાં આ પુસ્તક હૃદયને હેમખેમ રાખો ટાઇટલ સાથે પ્રગટ થયાનું  સાંભરે છે. એમણે બીજાં પણ પુસ્તકો લખ્યાં છે.  

આ ઘટના અત્યારે યાદ આવવાનું કારણ કોરોના છે. અત્યારે કોરોનાથી થતી બીમારી કરતાં કોરોનાનો ડર વધુ છે. અખબારો યોગ્ય રીતે કહે છે કે જેટલાં મરણ થયાં છે એમાં કોરોનાના પગલે ફક્ત ૧૮ ટકા મરણ થયાં છે. આમ છતાં પોતાને સર્વજ્ઞાાની સમજતા એક સનદી અમલદારે એવું વાહિયાત વિધાન કર્યું કે ૩૧મી મે સુધીમાં એકલા અમદાવાદમાં કોરોનાના આઠથી દસ લાખ કેસ થઇ જશે. આમ આદમીને ગભરાવી દે અને હતાશા (ડિપ્રેશન)ના કેસ વધી જાય એવું આ વિધાન ગણાય. ઉચ્ચ હોદ્દા પર બેઠેલા અમલદારોએ સમજી વિચારીને વિધાનો કરવાં જોઇએ.

અત્યારે સૌથી વધુ જરૂર પોઝિટિવ વિચારો ફેલાવવાની છે. સાથોસાથ અનેક તકલીફો વચ્ચે પણ નાગરિકો હસતાં રહે એ અનિવાર્ય છે. આવા સમયે પડોશન કે ચલતી કા નામ ગાડી જેવી ખડખડાટ હસાવતી ફિલ્મો દેખાડવાની જરૂર છે. 

હવામાં પ્રદૂષણ નહીંવત્ થયું છે એટલે બારેમાસ જોગિંગ કરતા લોકોને સવારે બહાર નીકળવાની ઇચ્છા જાગે એ સમજી શકાય એવી વાત છે. પરંતુ સ્વચ્છ અને પ્રદૂષણ-મુક્ત હવામાં ઘરની અંદર પણ જોગિંગ કરી શકાય. સાથોસાથ નોર્મન કઝિન્સનું લેખના આરંભે જણાવેલું ક્વોટ પણ અમલમાં મૂકી શકાય. દરેકના જીવનમાં ક્યારેક ને ક્યારેક રમૂજી ઘટના બની હોય છે. એ યાદ કરીને હસતાં રહેવાથી પણ સાજાસારા રહી શકાય.

મેડિકલ જગતમાં એક વાક્ય સદા બોલાય છે- પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર- સારવાર કરતાં સાવચેતી (અગમચેતી) વધુ સારી. નકારાત્મક વિચારોથી દૂર રહીએ. ઘરમાં રહીએ અને સ્વસ્થ રહીએ. હસો અને હસાવો. ઘરમાં જ રોજ નિયમિત ૫૦૦થી ૧૦૦૦ ડગલાં ચાલો. સાજા-સારા રહેવા માટે આટલું પૂરતું છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે