લશ્કરી ખર્ચના મામલે ભારત પહેલી વખત ટોચના ત્રણ દેશોમાં સામેલ


- વર્ષ ૨૦૧૯માં ભારતનો લશ્કરી ખર્ચ આશરે ૭૧ અબજ ડોલર રહ્યો જે વર્ષ ૨૦૧૮ની સરખામણીમાં ૬.૮ ટકા વધારે

- કોરોના મહામારીના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા ભયંકર મંદીમાં સપડાઇ શકે છે ત્યારે હવે દુનિયાના દેશોએ લશ્કરી ખર્ચને ઘટાડીને સ્વાસ્થ્ય અને શિક્ષણ ઉપર ખર્ચ વધારવાની જરૂરિયાત ઊભી થશે એટલા માટે આવતા ત્રણેક વર્ષ સુધી લશ્કરી ખર્ચમાં કાપ મૂકાય એવી શક્યતા છે

કહેવાતા શાંતિકાળ દરમિયાન પણ દુનિયાના કોઇક ને કોઇક સ્થળે કાયમ લશ્કરી સંઘર્ષ ચાલી જ રહ્યો હોય છે અને પરિણામે જુદાં જુદાં દેશો પોતાના લશ્કરી ખર્ચમાં વધારો કરતા રહે છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટીટયૂટ (સિપરી)ના નવા રિપોર્ટ અનુસાર ૨૦૧૯ના વર્ષમાં દુનિયાના દેશોએ પોતપોતાની લશ્કરી જરૂરિયાતો પર ખર્ચ કરવામાં જેટલી વૃદ્ધિ કરી એ છેલ્લા એક દાયકામાં સૌથી વધારે હતી. ૨૦૧૯માં તમામ દેશોએ મળીને ૧૯૦૦ અબજ ડોલર લશ્કરી ખર્ચ કર્યો જે ૨૦૧૮માં કરવામાં આવેલા લશ્કરી ખર્ચ કરતા ૩.૬ ટકા વધારે હતો. સિપરીના જણાવ્યા અનુસાર શીત યુદ્ધ બાદ આ સૌથી મોટો લશ્કરી ખર્ચ છે. 

સ્વીડનની સંસદે ૧૯૬૬માં સિપરીના ટૂંકા નામે ઓળખાતી સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટીટયૂટની રચના કરી ત્યારથી આ સંસ્થા દુનિયાભરના લશ્કરી ખર્ચ અને હથિયારોના વેપાર પર નજર રાખે છે. ઇતિહાસમાં પહેલી વખત ભારત અને ચીન દુનિયામાં સૌથી વધારે લશ્કરી ખર્ચ કરનારા ટોચના દેશોમાં સામેલ થયા છે. પહેલી વખત એવું બન્યું છે કે સૌથી વધારે લશ્કરી ખર્ચ કરનારા પહેલા ત્રણ દેશોમાં બે દેશો એશિયાના છે. અનુમાન છે કે વર્ષ ૨૦૧૯માં ભારતનો લશ્કરી ખર્ચ આશરે ૭૧ અબજ ડોલર રહ્યો જે વર્ષ ૨૦૧૮ની સરખામણીમાં ૬.૮ ટકા વધારે હતો. 

યાદીમાં બીજા નંબરે રહેલા ચીને આશરે ૨૬૧ અબજ ડોલરનો લશ્કરી ખર્ચ કર્યો જે વર્ષ ૨૦૧૮ની સરખામણીમાં ૫.૧ ટકા વધારે હતો. પહેલા સ્થાને સ્વાભાવિક રીતે જગત જમાદાર અમેરિકા છે જેણે આશરે ૭૩૨ અબજ ડોલર લશ્કરી ખર્ચ કર્યો જે વર્ષ ૨૦૧૮માં કરવામાં આવેલા લશ્કરી ખર્ચ કરતા ૫.૩ ટકા વધારે છે અને આખી દુનિયાના લશ્કરી ખર્ચના ૩૮ ટકા જેટલો છે. છેલ્લા બે વર્ષથી અમેરિકાના લશ્કરી ખર્ચમાં વધારો થઇ રહ્યો છે. એ પહેલા સાત વર્ષ દરમિયાન અમેરિકાના સૈન્ય ખર્ચમાં ઘટાડો જોવા મળ્યો હતો.  છેલ્લા બે દાયકાથી ચીનનો લશ્કરી ખર્ચ તેની અર્થવ્યવસ્થાના વ્યાપની સાથે સાથે વધ્યો છે. ચીન જે રીતે ખર્ચ કરી રહ્યું છે એ તેની વિશ્વસ્તરની સેના બનવાની મહત્ત્વાકાંક્ષા દર્શાવે છે. ચીને સ્વીકાર પણ કર્યો છે કે તે સૈન્ય મહાસત્તાના રૂપમાં અમેરિકા સાથે સ્પર્ધામાં ઉતરવા માંગે છે. શી જિનપિંગના નેતૃત્ત્વ હેઠળ ચીનના રક્ષા બજેટમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. ચીન પોતાનું બીજુ વિમાનવાહક જહાજ દરિયામાં ઉતારવા ધારે છે. એ ઉપરાંત ચીની વાયુ સેનામાં રડારની નજરોથી બચી શકતા ફાઇટર પ્લેન તેમજ હવા અને પાણીમાં લાંબા અંતર સુધી વાર કરી શકતી અત્યાધુનિક મિસાઇલો પણ સેનામાં સમાવવાની ગણતરી છે. સંખ્યાની દૃષ્ટિએ જોતા ચીન પાસે દુનિયાની સૌથી મોટી ફોજ છે. જાણકારોના મતે ચીન લશ્કરી ક્ષમતા વધારવા કરતા સેનાના આધુનિકીકરણ અને ઉચ્ચકક્ષાની ટેકનોલોજી વિકસાવવા પાછળ વધારે ધ્યાન આપી રહ્યું છે. 

છેલ્લા એક દાયકામાં ભારતના લશ્કરી ખર્ચમાં લગભગ પચાસ ટકાનો માતબર વધારો થયો છે. ભારતના પાકિસ્તાન અને ચીન સાથે સરહદી તણાવના વધી રહેલા બનાવોને કારણે દેશના સુરક્ષા બજેટમાં વધારો કરવો અનિવાર્ય બની ગયો છે. પાકિસ્તાન અને ચીનની સતત આડોડાઇના પરિણામે ભારતે પોતાના સૈન્ય બળ તેમજ હથિયારોના આધુનિકીકરણ કરવાની ફરજ પડી રહી છે. જોકે એક તરફ સરકાર મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ ભારતમાં ઉત્પાદન વધારવાની વાતો કરે છે પરંતુ હકીકત એ છે કે શસ્ત્રોના મામલે ભારતની બીજા દેશો પરની નિર્ભરતા ઘટવાના બદલે વધી રહી છે. વર્ષોથી સ્વદેશી ફાઇટર વિમાન બનાવવા મથી રહેલું ભારત હજુ પણ એ દિશામાં નોંધકારક પ્રગતિ કરી શક્યું નથી. એ જ હાલ અન્ય શસ્ત્રોના મામલે છે પરિણામે સેનાને આધુનિક બનાવવા અને નવા શસ્ત્રો વસાવવા માટે પશ્ચિમના દેશો તરફ જ નજર કરવાની રહે છે.  લશ્કરી ખર્ચ સામે સ્વાસ્થ્ય બજેટની વાત કરવામાં આવે તો ભારતની સ્થિતિ સારી કહેવાય એવી નથી. સ્વાસ્થ્ય બજેટ માટે વર્ષ ૨૦૨૦-૨૧ માટે ભારત સરકારે કુલ ૬૯ હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે જેમાં આયુષ્યમાન યોજના માટેના ૪૦૦ કરોડ રૂપિયા પણ સામેલ છે. જોકે ભારતની કુલ વસતીના પ્રમાણમાં હેલ્થ બજેટનો ખર્ચ ગણવામાં આવે તો દેશના દરેક નાગરિકના સ્વાસ્થ્ય પાછળ વાર્ષિક ૫૦૦ રૂપિયાથી પણ ઓછો ખર્ચ બેસે છે. લશ્કરી ખર્ચમાં પહેલા સ્થાને રહેલા અમેરિકા સાથે સરખામણી કરવામાં આવે તો અમેરિકાનું હેલ્થ બજેટ ૧૨૪૮ અબજ ડોલર છે. 

ભારત કરતા અમેરિકાનું રક્ષા બજેટ દસ ગણું વધારે છે પરંતુ સ્વાસ્થ્ય બજેટ ભારત કરતા ૧૨૮ ગણું વધારે છે. મતલબ કે અમેરિકા શસ્ત્રોની સાથે સાથે લોકોના સ્વાસ્થ્ય પાછળ પણ જંગી ખર્ચ કરે છે. એક અંદાજ મુજબ અમેરિકા તેના દરેક નાગરિકોના સ્વાસ્થ્ય પાછળ માટે ૧૦ હજાર ડોલર પ્રતિ વ્યક્તિ ખર્ચ કરે છે. તો ચીને ઓક્ટોબર ૨૦૧૯ સુધી સ્વાસ્થ્ય સેવા પાછળ ૧ લાખ ૪૬ હજાર કરોડ રૂપિયા એટલે કે ભારત કરતા લગભગ અઢી ગણો વધારે ખર્ચ કર્યો હતો. 

બીજી બાજુ અમેરિકા સાથેની પરમાણુ સંધિ રદ્ થયા બાદ ઇરાન પણ નવેસરથી શસ્ત્રો બનાવવામાં મચી પડયું છે. આમ તો ઇરાન અગાઉથી જ પરમાણુ શસ્ત્રો વિકસાવી રહ્યું હોવાની શંકા હતી પરંતુ અમેરિકા અને યુરોપી દેશો સાથે કરાર બાદ ઇરાનના પરમાણુ કાર્યક્રમમાં ઓટ આવી હતી પરંતુ ટ્રમ્પને આશંકા હતી કે ઇરાન છૂપી રીતે પરમાણુ ક્ષમતા વધારી રહ્યું છે. પરિણામે ટ્રમ્પે સંધિ ફોક કરી દીધી અને છંછેડાયેલા ઇરાને ફરી પાછી પોતાની લશ્કરી તાકાત વધારવાની શરૂ કરી દીધી છે. અમેરિકા સાથેની શાંતિવાર્તા ખોરંભે ચડયા બાદ ઉત્તર કોરિયાએ ફરી વખત માથું ઉચક્યું છે અને એક પછી એક મિસાઇલ પરીક્ષણો કરી રહ્યું છે. 

હકીકતમાં દુનિયાના માથે સૌથી મોટો ખતરો તો પરમાણુ શસ્ત્રોને લઇને છે. ખાસ કરીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓના કારણે પરમાણુ શસ્ત્રોની નવેસરથી હોડ જામવાની વકી છે. અત્યાર સુધીના અમેરિકી રાષ્ટ્રપતિઓની નીતિ એવી રહી હતી કે પરમાણુ શસ્ત્રોનો જંગી ભંડાર ઘટાડવો અને શસ્ત્ર નિયંત્રણના નવા કરાર કરવા. જ્યારે ટ્રમ્પનું માનવું છે કે પરમાણુ શસ્ત્રોના જોખમને કાબુમાં રાખવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે શસ્ત્રોના ભંડારો વધારવા અને નવા નવા આધુનિક શસ્ત્રો વિકસાવવા. આમ તો છેક આઇઝનહોવરના જમાનાથી અમેરિકી રાષ્ટ્રપતિઓ પરમાણુ યુદ્ધ ટાળવાની વાતો કરતા આવ્યાં છે પરંતુ ટ્રમ્પના તેવર સાવ અલગ છે. 

હકીકતમાં પરમાણુ શસ્ત્રોની દુનિયામાં પોતાનો દબદબો જાળવી રાખવાની અમેરિકાની મહેચ્છા જગજાહેર છે. હથિયારોના બળે જ અમેરિકા આખી દુનિયા ઉપર દાદાગીરી કરે છે. પરંતુ છેલ્લા થોડા સમયથી રશિયા અને ચીન જેવા સામ્યવાદી દેશો તેના માટે પડકાર ઊભો કરી રહ્યાં છે. રશિયા અને ચીનને નિશાન ઉપર લેતા અમેરિકાએ એક રિપોર્ટમાં કહ્યું હતું કે ચીન પોતાના પરમાણુ હથિયારોના ભંડારમાં વધારો કરી રહ્યું છે તો રશિયા પણ પોતાના અણુશસ્ત્રોના ભંડારમાં ઘટાડો કરવા તૈયાર નથી. એ વખત રશિયા અને ચીને ઉલટું અમેરિકાને સાણસામાં લેતા કહ્યું હતું કે પહેલા અમેરિકાએ પોતાના પરમાણુ શસ્ત્રોના ભંડારમાં ઘટાડો કરવાની જરૂર છે. એક અનુમાન પ્રમાણે માત્ર રશિયા અને અમેરિકા પાસે મળીને જ ૧૪ હજાર જેટલા પરમાણુ શસ્ત્રો છે જે દુનિયાનો અનેક વખત વિનાશ કરવા માટે પૂરતા છે. 

 જોકે સિપરીના જણાવ્યા અનુસાર કોરોના મહામારીના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા ભયંકર મંદીમાં સપડાઇ શકે છે ત્યારે હવે દુનિયાના દેશોએ લશ્કરી ખર્ચને ઘટાડીને સ્વાસ્થ્ય અને શિક્ષણ ઉપર ખર્ચ વધારવાની જરૂરિયાત ઊભી થશે. જોકે લશ્કરી ખર્ચમાં ઘટાડો લાંબો સમય નહીં ચાલે. અગાઉ વર્ષ ૨૦૦૮માં વૈશ્વિક મંદી આવી ત્યારે થોડા વર્ષો સુધી લશ્કરી ખર્ચમાં ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ એ પછી ફરી પાછો લશ્કરી ખર્ચ વધવા લાગ્યો. જાણકારોના મતે આવતા ત્રણેક વર્ષ સુધી લશ્કરી ખર્ચમાં કાપ મૂકવો પડે એવી શક્યતા છે અને એ પછી પાછી શસ્ત્રોની વૈશ્વિક દોટ શરૂ થઇ જશે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો