કોરોનાનો વિસ્તરતો વ્યાપ : દેશમાં વધુ 97ના મોત
- દેશના 80 જિલ્લાઓમાં છેલ્લા સાત દિવસમાં એક પણ કેસ નોંધાયો નથી, 47 જિલ્લા એવા છે જેમાં 14 દિવસથી એક પણ કેસ નહીં
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 29 એપ્રિલ 2020, બુધવાર
દેશમાં આજે કોરોનાને કારણે કુલ ૯૭ લોકોના મોત થયા હતાં. આજે ૨૪૧૨ નવા કેસ નોંધવામાં આવ્યા છે. આજે સાથે જ દેશમાં કોરોનાના કેસોની સંખ્યા વધીને ૩૨૬૫૭ થઇ ગઇ છે. કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૧૦૬૪ થઇ ગયો છે.૮૦૯૧ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. જો કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કોરોના કુલ કેસોની સંખ્યા ૩૧૭૮૭ થઇ છે અને કુલ મૃત્યુઆંક ૧૦૦૮ થયો છે અને ૭૭૯૭ લોકો સાજા થઇને ઘરે પાછા ફર્યા છે.
ેબીજી તરફ એક સારા સમાચાર એ આવ્યા છે કે ૧૫ દિવસ પહેલા કોરોનાના હોટસ્પોટ જિલ્લાઓની સંખ્યા ૧૭૦ હતી જે હવે ઘટીને ૧૨૯ થઇ ગઇ છે. જો કે એની સાથે જ ઇન્ફેકશન મુક્ત જિલ્લાઓ એટલે કે ગ્રીન ઝોન જિલ્લાઓની સંખ્યા પણ ૩૨૫થી ઘટીને ૩૦૭ થઇ ગઇ છે.
આ જ સમયગાળા દરમિયાન નોન હોટસ્પોટ જિલ્લાઓ એટલે કે ઓરેન્જ ઝોનની સંખ્યા ૨૦૭થી વધીને ૨૯૭ થઇ ગઇ છે. ગુજરાતના અમદાવાદ અને વડોદરા સહિતના જિલ્લાઓનો પણ રેડ ઝોનમાં સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ૧૫ એપ્રિલના રોજ દેશના જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને ગ્રીન જિલ્લાઓમાં વહેંચણી કરી હતી. જે જિલ્લાઓમાં કોરોનાના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી તેમને રેડ ઝોનમાં, જ્યાં કેસોની સંખ્યા વધવાની ગતિ ઓછી હતી તેમને ઓરેન્જ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. જે જિલ્લાઓમાં એક પણ કેસ ન હતાં તેમને ગ્રીન ઝોનમાં મૂકવામાં આવ્યા હતાં.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધનના જણાવ્યા અનુસાર દેશના ૮૦ જિલ્લાઓમાં છેલ્લા સાત દિવસમાં એક પણ કેસ નોંધવામાં આવ્યો નથી. જ્યારે ૪૭ જિલ્લા એવા છે કે જેમાં છેલ્લા ૧૪ દિવસમાં એક પણ કેસ નોંધવામાં આવ્યો નથી. ૩૯ જિલ્લા એવા છે કે જેમાં છેલ્લા ૨૧ દિવસથી એક પણ કેસ નોંધવામાં આવ્યા નથી. ૧૭ જિલ્લા એવા છે કે જેમાં છેલ્લા ૨૮દિવસથી એક પણ કેસ નોંધવામાં આવ્યો નથી.
Comments
Post a Comment