કોરોના વાયરસના ફેલાવા મુદ્દે ચામાચીડિયાઓ અને જંગલવાસીઓ વચ્ચે ઘર્ષણ


વોટ્સએપ અને ફેસબુકમાં પોસ્ટ વાયરલ થઈ : 'ચામાચીડિયાઓએ આપણાં જંગલમાં કોરોના વાયરસ ફેલાવ્યો છે. કોરોનાગ્રસ્ત આખાય ચામાચીડિયા સમાજનો બહિષ્કાર કરો. જંગલના હિતમાં જાગૃત થાવ. આજે તમે બધા એક નહીં થાવ તો આખાય જંગલનો વિનાશ થઈ જશે. આ ચામાચીડિયાઓ વિદેશી શક્તિના ઈશારે આપણાં જંગલને નુકસાન પહોંચાડી રહ્યાં છે. ચામાચીડિયાને જંગલવટો આપો અને જંગલનું કલ્યાણ કરો.'

આક્રમક ભાષામાં લખાયેલી અનામી પોસ્ટ પછી આખાય ચામાચીડિયા સમાજ પ્રત્યે જંગલમાં રોષ ફાટી નીકળ્યો. ઠેક-ઠેકાણે ચામાચીડિયાઓ ઉપર હુમલાના બનાવો વધી ગયા.

અફવાને પ્રોત્સાહન આપવું તે ઘણાખરા જંગલવાસીઓની ગમતી પ્રવૃત્તિ હતી. જંગલવાસીઓ સોશિયલ મીડિયામાં સક્રિય થયા પછી અફવાને વધારે પાંખો ફૂટી. સોશિયલ મીડિયામાં અનામી મેસેજ ફરતા થાય એને આગળ વધારવા તે જંગલવાસીઓનો નિયમિત ધર્મ બની ગયો હતો.

જંગલવાસીઓની એક ખાસિયત એ હતી કે આવા કોઈ પણ મેસેજ કે ધડમાથા વગરની પોસ્ટ બાબતે ક્રોસચેક કરવાની પળોજણમાં એ પડતા ન હતા. કોઈએ મોકલ્યું હોય એ સત્ય જ હોયને? એમાં વળી શું શંકા કરવાની? કોઈ આટલી મહેનત કરીને ખોટું થોડું લખે? એવી નીતિ મોટાભાગના જંગલવાસીઓએ અપનાવી લીધી હતી. એના કારણે પોસ્ટ વાયરલ કરનારને પણ સત્ય શોધવાની મથામણ રહેતી ન હતી.

જંગલમાં ધર્મ બચાવવાના, પરંપરા બચાવવાના, જંગલ બચાવવાના અને એવાં તો કેવા કેવા અનામી મેસેજ વાયરલ થતાં રહેતાં અને જંગલવાસીઓ હોંશેહોંશે એ ફોરવર્ડ કરીને કંઈક મોટું કાર્ય કર્યું હોય એવો સંતોષ વ્યક્ત કરતા. આવા મેસેજ ફોરવર્ડ કરવાથી જંગલભક્તિનું સર્ટિફિકેટ સહેજે મળી જતું. ઘર બેઠાં, કોઈ પણ પ્રકારના કોર્સ વગર આવું સર્ટિફિકેટ મળતું હોય તો કોને લેવું ન ગમે?

જંગલભક્તિનું પ્રમાણપત્ર મેળવવાની આવી જ તક આ વખતે ચામાચીડિયાઓએ આપી દીધી હતી. જંગલમાં ક્યાંકથી કોરોના વાયરસ ફેલાયો હતો. અગાઉ આવો જ વાયરસ ચામાચીડિયાના કારણે ફેલાયો હતો એવું નિદાન થયું હતું. એ પછી આ વખતે પણ વાયરસ ચામાચીડિયાઓએ જ ફેલાવ્યો છે એવું મોટાભાગના જંગલવાસીઓ માનતા હતા. કોરોનાનો એટલો ભય ફેલાયો હતો કે જંગલવાસીઓ ક્યાંક બહાર નીકળી શકતા ન હતા. પંખીઓને ઉડવા ઉપર પ્રતિબંધ મૂકાયો હતો, પ્રાણીઓને ચાલવા ઉપર પ્રતિબંધ મૂકાયો હતો, સરીસૃપોને ઘસડાવા ઉપર પ્રતિબંધ મૂકાયો હતો. દરિયાઈ સજીવોને કાંઠે નીકળવા ઉપર પ્રતિબંધ મૂકાયો હતો. આ પ્રતિબંધને લોકડાઉન એવું નામ અપાયું હતું.

લોકડાઉનમાં જંગલવાસીઓ ક્યાંક બહાર નીકળી શકતા ન હતા, પણ હા, બેસીને મેસેજ ફોરવર્ડ કરી શકતા હતા. એ કામ જંગલવાસીઓએ બખૂબી ઉપાડી લીધું. ચામાચીડિયાના વિરોધીઓએ કોરોના માટે ચામાચીડિયાને જવાબદાર ગણાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તો ચામાચીડિયા સમાજે એનો ખાસ વિરોધ ન ઉઠાવ્યો. જંગલની સરકાર ચામાચીડિયાઓને ગમે ત્યારે ઉપાડીને હોસ્પિટલમાં દાખલ કરી દેતી. સરકારી અધિકારીઓ ચામાચીડિયાને ગમે ત્યાંથી ગોતી કાઢતા અને અડધી રાતે ય ઉઠાવી જતાં. તેમને એકલા રહેવાની સજા મળતી. ચામાચીડિયાઓને લાગ્યું કે અગાઉના આવા રોગ માટે આપણે જવાબદાર હતા, તો કદાચ આ વખતે પણ તેમના સમાજમાં કોઈ ચેપી રોગ આવ્યો હશે. ચામાચીડિયા લોહી પીવાના શોખીન હોવાથી રોગની શક્યતા નકારી શકાતી ન હતી.

પરંતુ ચામાચીડિયાના વિરોધનો બીજો તબક્કો સોશિયલ મીડિયામાં શરૂ થયો. ચામાચીડિયાના વિરોધીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ ફરતી કરી. ચામાચીડિયા આખાય જંગલમાં કોરોના ફેલાવવા માટે જવાબદાર છે એવો પ્રચાર થયો. બીજા જંગલવાસીઓ પણ એ કેમ્પેઈનમાં જોડાયા. આવી પોસ્ટમાં એવા એવા સંશોધનો ટાંકવામાં આવ્યા કે જે ક્યારેય થયા ન હતા. એવાં એવાં આંકડાંઓ રજૂ થયા કે જેનું કોઈ અસ્તિત્વ જ ન હતું.

ચામાચીડિયાઓએ કોરોના ફેલાવ્યો એ પોસ્ટ જંગલવાસીઓ ફોરવર્ડ કરી રહ્યા હતાં ત્યાં જ એવી જ બીજી પોસ્ટ્સ આવવા લાગી, જેમાં ઉદાહરણો આપીને સમજાવાયું હતું કે ચામાચીડિયા જંગલ માટે કેવી રીતે ઘાતક છે? ચામાચીડિયા ન હોય તો જંગલ કેટલું સુખેથી રહી શકે તેમ છે? જંગલની સમસ્યાના મૂળમાં ચામાચીડિયા જ છે એવું થોડાક દિવસમાં જ પ્રસ્થાપિત થઈ ગયું. ચામાચીડિયાનો ઈતિહાસ, ચામાચીડિયા પરના સંશોધનોને એવી રીતે રજૂ કરાયા હતા કે જંગલવાસીઓને એ વાત બરાબર ગળે ઉતરી ગઈ કે આખાય જંગલના દુ:ખનું મૂળ આ ચામાચીડિયાઓ જ છે. હવે આ ચામાચીડિયાઓ જંગલમાં ન જોઈએ એટલે ન જોઈએ.

***

જંગલવાસીઓના હૃદયમાં ચામાચીડિયાઓ માટે આક્રોશ હતો. એ આક્રોશ હુમલા સ્વરૂપે બહાર નીકળવા લાગ્યો. જે ચામાચીડિયાઓ અન્ય પ્રાણી-પંખીઓની વસતિ વધારે હોય ત્યાંથી નીકળતા તેને માર ખાવો જ પડતો. કોરોના જેવી બીમારીઓ ફેલાવવાની સજા જંગલવાસીઓ એક સાથે જ ચામાચીડિયાઓને આપી દેતા. જંગલવાસીઓએ ચામાચીડિયાનો સામુહિક બહિષ્કાર શરૂ કર્યો. ચામાચીડિયા સાથે બધો જ વહેવાર બંધ થવા માંડયો.

જંગલવાસીઓના ભેદભાવભર્યા વર્તનથી ત્રાસેલા ચામાચીડિયા સમાજે એક દિવસ બેઠક કરી. સમાજના પ્રમુખ ચામાચીડિયાભાઈ ચીડચીડિયાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં રજૂઆતો થવા લાગી.

છૂટક મજૂરી કરતા એક ચામાચીડિયાએ કહ્યું : 'કોરોના ફેલાવતો હોવાની શંકાના આધારે કાગડાઓએ ખૂબ માર્યો હતો. હું પોલીસ અધિકારી બબ્બનભાઈ બિલાડા પાસે ફરિયાદ કરવા ગયો હતો, પરંતુ તેમણે મારી ફરિયાદ નોંધવાની ના પાડી દીધી.'

વિદેશી જંગલમાં તાલીમ મેળવીને ઉદ્યોગ શરૂ કરનારા એક ચામાચીડિયાએ રજૂઆત કરી : 'મારી પ્રોડક્ટ લેવાની આસપાસના તમામ જંગલવાસીઓ હવે ના પાડે છે. મારો ધંધો પડી ભાંગ્યો છે. વિદેશી જંગલમાં સાવ આવું કલ્ચર નથી, ત્યાં બધા જ જંગલવાસીઓને સમાન હકો મળે છે.'

ઝાડ-પાનનો ગલ્લો ધરાવતા એક સભ્યએ કહ્યું : 'મારાં ઝાડ-પાનના ગલ્લાને કૂતરાંઓનાં ટોળાંએ આગ લગાવી દીધી. મેં પોલીસ ફરિયાદ કરી છે, પરંતુ હજુ સુધી એકેય કૂતરાની ધરપકડ થઈ નથી. તમે કંઈક કરો. મારા વિસ્તારમાં કૂતરાઓની બહુમતી છે. કાલે ઉઠીને મને સળગાવી દેશે તો?'

ચામાચીડિયા સમાજના પ્રમુખ ચામાચીડિયાભાઈ ચીડચીડિયાએ બધાની રજૂઆતો સાંભળી. એ ખુદ ૧૪ દિવસ ક્વોરન્ટાઈન થઈને આવ્યા હોવાથી ભારે ચીડાયેલા હતા. સમાજની આવી રજૂઆતો સાંભળ્યા પછી એણે ગુસ્સામાં ઉકેલ આપ્યો : 'અત્યાર સુધી જંગલવાસીઓ તમારા પર માત્ર શંકા કરે છે, હવે એને સાચી પાડવાનો સમય આવી ગયો છે!'

વિદેશી જંગલમાં તાલીમ પામેલાં ચામાચીડિયાએ વચ્ચે જ પૂછ્યું : 'એક મિનિટ, એક મિનિટ. એટલે તમે એમ કહો છો કે અમે ખરેખર એવું કરીએ? ના. ના. એવું ન કરાય. ગમે તેમ પણ આ આપણું જંગલ છે અને જંગલવાસીઓ આપણાં જ સાથીદારો છે. વિદેશીજંગલમાં આવું બિલકુલ નથી ચાલતું.'

ચામાચીડિયાભાઈ ચીડચીડિયાએ ગુસ્સાથી ફાટફાટ થતાં ત્રાડ પાડી : ચુપ! એ બધું બીજાં જંગલમાં ચાલતું હશે. અહીં તો જેવા સાથે તેવા જ થવું પડે. તમે બધા જંગલવાસીઓ સાથે લડો અને બીમારીઓ ફેલાવો. આ મારો આદેશ છે. અત્યારે જ રવાના થાવ. ફરી વળો.'

મોટાભાગના ચામાચીડિયાઓ ચિચિયારીઓ પાડીને નીકળી પડયાં. કોરોનાગ્રસ્ત ચામાચીડિયાઓ પણ વાયરસ ફેલાવવા રવાના થયા.

***

બરાબર એ જ વખતે રાજકીય સલાહકાર મંકી મંદમતિએ આવીને સંસદસભ્ય ગેંડાભાઈ ગુમાનીને આ ઘટનાની જાણકારી આપી. મંકી મંદમતિએ કહ્યું, 'ગેંડાભાઈ, કોરોનાના સંકટ વચ્ચે આ ઘર્ષણ અટકાવવું જોઈએ.'

સાંસદ ગેંડાભાઈ ગુમાનીએ અઠંગ રાજકારણીની અદાથી નફ્ફટ થઈને કહ્યું : 'ચામાચીડિયાઓ પરંપરાગત રીતે જ મારા મતદારો નથી. ભલેને થોડાંક ઓછા થતાં. મને તો ફાયદો જ છેને!'

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો