ઇરફાન ખાનઃ કારવાઁ ગુજર ગયા મકબૂલ હોતે હોતે


ફિલ્મોના શોખીન લોકોમાં ભાગ્યે જ કોઇ એવું હશે જેને ઇરફાનની વિદાયની ખબર જાણીને હૃદયની ભીતર કશુંક તૂટી ગયાનો અહેસાસ ન થયો હોય ત્યારે સાહજિક, ગહન અને સંવેદનશીલ અભિનય દ્વારા લાખો લોકોના હૃદયમાં સ્થાન જમાવનાર ઇરફાનને આવનારા સમયમાં એક ઉત્કૃષ્ટ અભિનેતા તરીકે બેશક યાદ કરવામાં આવશે

લાખો લોકોએ મશહૂર અભિનેતા ઇરફાન ખાન મૃત્યુ પામ્યા હોવાના સમાચાર વાંચ્યા હશે ત્યારે તેમના મનમાં એવું જ થયું હશે કે સોશિયલ મીડિયા પર અવારનવાર કોઇ સેલિબ્રિટી કે મોટી હસ્તીના મૃત્યુની અફવા ઊડયા કરતી હોય છે તો આ પણ એક અફવા જ હશે. પરંતુ અફસોસ કે જેને અફવા માનવાનું મન થયા કરે છે એ સમાચાર હકીકત નીકળ્યા છે.

લાબા સમયથી કેન્સરથી પીડિત લાજવાબ અભિનેતા ઇરફાન ખાને ૫૩ વર્ષની વયે આ ફાની દુનિયાને અલવિદા કહી દીધી છે. પેટમાં ઇન્ફેક્શનની તકલીફ સાથે હોસ્પિટલમાં દાખલ થયેલા ઇરફાન ખાનના ૯૫ વર્ષીય માતા સઇદા બેગમ પણ ગયા શનિવારે જ મૃત્યુ પામ્યા હતાં. 

કોરોના વાઇરસના કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના કારણે ઇરફાન તેમના અંતિમ સંસ્કારમાં પણ નહોતા જઇ શક્યાં. હવે તેમનું અકાળે અવસાન થતાં તેમના લાખો ચાહકો પણ તેમના અંતિમ દર્શન નથી કરી શક્યા. 

રાજસ્થાનમાં મુસ્લિમ પશ્તૂન પરિવારમાં જન્મેલા ઇરફાન ખાનનું સપનું તો ક્રિકેટર બનવાનું હતું પરંતુ નસીબ તેમને અભિનયની દુનિયામાં લઇ આવ્યું. બાળપણમાં ઇરફાનનું અભ્યાસમાં ખાસ મન નહોતું લાગતું પરંતુ ક્રિકેટમાં ભારે મજા પડતી. સ્વાભાવિક રીતે ક્રિકેટ પ્રત્યેનો તેમનો લગાવ તેમના ઘરના લોકોને પસંદ નહોતો. નસીબજોગે સી.કે. નાયડૂ ટૂર્નામેન્ટમાં તેમની પસંદગી પણ થઇ ગઇ પરંતુ જયપુરથી અજમેર જવાના પૈસા ન હોવાથી તેમની ક્રિકેટ કારકિર્દી અકાળે અસ્ત પામી. ઘરવાળાના દબાણના કારણે અભ્યાસમાં ધ્યાન આપવું પડયું અને ગ્રેજ્યુએશન પુરું કર્યું. 

જોકે પોસ્ટ ગ્રેજ્યુએશન કરતી વખતે ઇરફાનને એક્ટિંગમાં રસ જાગ્યો. દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં અભિનયના ગુણ શીખ્યા બાદ ઇરફાન નસીબ અજમાવવા માયાનગરી મુંબઇમાં આવી પહોંચ્યાં. પરંતુ સાધારણ દેખાવ હોવાના કારણે ફિલ્મોમાં તેમને તક ન મળી. રોજીરોટી કમાવવા ઇરફાને ટીવી સીરિયલોમાં ઝંપલાવ્યું. એંસી અને નેવુના દાયકામાં ભારત એક ખોજ, સારા જહાં હમારા, બનેગી અપની બાત, ચંદ્રકાન્તા, ચાણક્ય અને શ્રીકાંત જેવી સીરિયલોમાં અભિનય કરતા તેઓ ઘડાતા ગયા. આ દરમિયાન મીરા નાયરની ફિલ્મ સલામ બોમ્બેમાં તેમને નાનકડો રોલ પણ મળ્યો. જોકે બાદમાં એ રોલ પણ કપાઇ ગયો અને ઇરફાનને ઘણો આઘાત લાગ્યો પરંતુ હિંમત હાર્યા વિના તેઓ પ્રયાસ કરતા રહ્યાં. એનએસડીમાં અભ્યાસ કરતી વખતે ઇરફાનની મુલાકાત સુતાપા સિકદર સાથે થઇ. સમય જતાં સુતાપા સાથેની મૈત્રી પ્રેમમાં પરિણમી અને ૧૯૯૫માં બંને જણાએ લગ્ન કરી લીધાં. 

ઇરફાનની પ્રતિભાની સૌપ્રથમ કદર અંગ્રેજી ફિલ્મકાર આસિફ કાપડિયાએ કરી અને તેમને ૨૦૦૧માં વૉરિયર ફિલ્મમાં કામ આપ્યું. જોકે એ પછી પણ ઇરફાનનો સંઘર્ષ તો ચાલુ જ રહ્યો. ટીવીના નાના પડદા પર અભિનયમાં જીવ રેડી દેનારા ઇરફાનને છેવટે મકબૂલ ફિલ્મમાં ટાઇટલ રોલ મળ્યો અને એ સાથે જ લોકોએ ઇરફાનના અભિનયની નોંધ લેવાનું ચાલુ કર્યું. વર્ષ ૨૦૦૫માં આવેલી ફિલ્મ રોગમાં લીડ રોલ કર્યા બાદ હાંસિલ ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવી. ૨૦૧૦માં આવેલી ફિલ્મ પાનસિંહ તોમરે તેમને નેશનલ એવોર્ડ અપાવ્યો. 

મુખ્ય અભિનેતાની સાથે સાથે ઇરફાને તગડા સાઇડ રોલ પણ અનેક કર્યાં. લંચબોક્સ, પિકૂ, કારવાઁ, હિન્દી મીડિયમ, કરીબ કરીબ સિંગલ અને તાજેતરમાં જ આવેલી તેમની અંતિમ ફિલ્મ અંગ્રેજી મીડિયમ જેવી ફિલ્મોમાં તેમની બેજોડ અદાકારી પર દુનિયા વારી ગઇ. 

બોલિવૂડ જ નહીં. ઇરફાને તો હોલિવૂડની મેઇનસ્ટ્રીમ ફિલ્મોમાં પણ જોરદાર એક્ટિંગના જોરે હાજરી નોંધાવી. સ્લમડૉગ મિલિયોનેર, લાઇફ ઓફ પાઇ, ધ નેમસેક અને અમેઝિંગ સ્પાઇડરમેન તેમજ જુરાસિક વર્લ્ડ જેવી ફિલ્મો સાથે હોલિવૂડમાં પણ ઇરફાનની ગણતરી કાબેલ અભિનેતામાં થવા લાગી હતી. 

વર્ષોના સંઘર્ષ બાદ કારકિર્દી અને ખ્યાતિની ટોચે પહોંચેલા ઇરફાન માટે માર્ચ ૨૦૧૮માં ખરાબ સમાચાર આવ્યાં. ઇરફાને પોતે આ સમાચાર લોકો સુધી પહોંચાડતા કહ્યું કે તેમને ન્યૂરોએન્ડોક્રાઇન ટયૂમર નામની બીમારી થઇ છે. ભારે લાગણીશીલ શબ્દોમાં ઇરફાને રજૂ કરેલી વ્યથા જાણીને તેમના કરોડો પ્રશંસકો ગભરાઇ ગયા હતાં. જોકે ઇરફાને કહ્યું હતું કે આસપાસના લોકોના પ્રેમ અને હૂંફના કારણે તેમનામાં લડવાની આશા જન્મી છે. ઇરફાને પોતાના પ્રશંસકોને ખાતરી પણ આપી હતી કે નવા કિસ્સા અને કહાનીઓ સંભળાવવા તેઓ પાછા આવશે. વાયદો પાળવા ઇરફાન પાછા તો આવ્યા અને અંગ્રેજી મીડિયમ જેવી ફિલ્મ આપી પરંતુ એ પછી કાયમ માટે અલવિદા કહી દીધી. 

ઇરફાનના મૃત્યુના સમાચાર કોઇ ખરાબ સપના જેવા છે. હજુ હમણા જ કેન્સરનો જંગ લડીને લંડનથી પાછા ફરેલા ઇરફાનની અંતિમ ફિલ્મ અંગ્રેજી મીડિયમ જોયા બાદ મનમાં એવી ધરપત થઇ હતી કે અનોખા અભિનય અને વિશિષ્ટ સંવાદશૈલી સાથેના અનેક વિવિધ પાત્રો લાંબા સમય સુધી જોવા મળશે, પરંતુ એ આશા ઠગારી નીવડી છે. સ્ટારડમની પાછળ ભાગતી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઇરફાનને એ ખ્યાતિ ન મળી જેના એ અનેકગણા હકદાર હતાં. પરંતુ ઇરફાન આજે હયાત નથી ત્યારે તેમનો બેફિકરો અંદાજ અને ડાયલોગ બોલવાની છટા વારેવારે નજર સમક્ષ તરવરે છે.

ફિલ્મો જોવાના શોખીન લોકોમાં ભાગ્યે જ કોઇ એવું હશે જેને ઇરફાનની વિદાયની ખબર જાણીને હૃદયની ભીતર કશુંક તૂટી ગયાનો અહેસાસ ન થયો હોય. ઇરફાને ભજવેલી ભૂમિકાઓમાંના કોઇ ને કોઇ પાત્ર સાથે દરેકે તાદાત્મય સાધ્યું હશે. 

ફિલ્મોમાં કદી ઇરફાને કહેવાતી સુપરહીરોની ભૂમિકા નથી ભજવી પરંતુ તેમના એક એક પાત્રને સુપરહીરોની તાકાત સાથે સાધારણમાંથી અસાધારણ બનાવી દીધું છે. બિલ્લુ ફિલ્મમાં ઇરફાને જેટલી સહજતાથી ગામડિયાનો રોલ ભજવ્યો છે એટલી જ કાબેલિયતથી હોલિવૂડની જુરાસિક વર્લ્ડમાં ડાયનોસોર પાર્કના માલિકની ભૂમિકા ભજવી છે. 

ઇરફાનના અભિનયની પ્રશંસા કરવી એ તો સૂરજને દીવો દેખાડવા સમાન છે. દરેક ફિલ્મમાં તેમનું કામ જોતાં લાગે જ નહીં કે અભિનય કર્યો છે એટલી સહજતાથી તેમણે દરેક પાત્ર ભજવ્યું છે.

 ઇરફાનની બોલકી આંખો જ અડધો અભિનય કરી દેતી હતી. આંખો દ્વારા જ દર્દ અને ખુશી વ્યક્ત કરી દેનારી ઇરફાન જેવી પ્રતિભા બહુ ઓછા કલાકારોમાં જોવા મળી છે. 

તેમના અભિનયની રેન્જ એટલી વિશાળ હતી કે તેને પામવી જેવાતેવા કલાકારોનું ગજુ જ નહોતું. ગંભીર રોલથી લઇને હાસ્યથી તરબતર કરતી ઇરફાનની અનેક ભૂમિકાઓ સામાન્ય માનવીના જીવનના સંઘર્ષને આલેખે છે. 

હીરોઇઝમ કે લાંબા રોલ પાછળ ભાગવા કરતા ઇરફાને સાવ નોખીઅનોખી કથાઓમાં પોતાના અભિનય વડે પ્રાણ ફૂંક્યો. દરેક પ્રકારની ભૂમિકાને ઇરફાને પોતાના દિલોજાન અને પ્રમાણિકતાથી ભજવી છે. 

ઇરફાનની ફિલ્મો અને તેમણે ભજવેલા પાત્રોને જોતાં એવું જ લાગે કે એ ફિલ્મ કે પાત્ર તેમને ધ્યાનમાં રાખીને જ લખવામાં આવ્યું હશે. અભિનયમાં કોઇ બનાવટ નહીં અને ઓવરએક્ટિંગનું નામોનિશાન નહીં. અદ્ભૂત અભિનયની સાથે સાથે અદ્ભૂત વ્યક્તિત્ત્વ ધરાવતા ઇરફાને ફિલ્મી અને વાસ્તવિક જીવનમાં અનેક લોકોને પ્રભાવિત અને પ્રેરિત કર્યા હશે. 

અત્યંત ભાવવાહી આંખો માટે જાણીતા ઇરફાન સંવાદો બોલતી વખતે સામેના પાત્રની આંખોમાં જોવાના બદલે જાણે શૂન્ય તરફ તાકી રહ્યાં હોય એવું લાગે અને તેમની આ ખૂબી દર્શકોના દિલમાં ઉતરી જતી. ધારદાર લખાયેલા સંવાદો પણ અસરકારક રીતે ન બોલાયા હોય તો વાહિયાત લાગે એ જોતાં ઇરફાન ડાયલોગમાં પણ જે રીતે જીવ ફૂંકતા એના કારણે તેમનો સંવાદ બોલવાનો અંદાજ  દર્શકોને લાગણીશીલ કે પછી હાસ્યથી તરબતર કરી દેતો. દુઃખદર્દને પણ હોઠો પર આછા સ્મિત સાથે આલેખવાનો ઇરફાનનો અંદાજ કદી ભૂલાવાનો નથી. 

ઇરફાનના નિધનના સમાચાર જાણીને બોલિવૂડની હસ્તીઓથી લઇને નેતાઓ તેમજ સામાન્ય લોકો ભારે આઘાતમાં છે. સાહજિક, ગહન અને સંવેદનશીલ અભિનય દ્વારા લાખો લોકોના હૃદયમાં સ્થાન જમાવનાર ઇરફાનને આવનારા સમયમાં એક ઉત્કૃષ્ટ અભિનેતા તરીકે બેશક યાદ કરવામાં આવશે. જીવંત અભિનય દ્વારા લોકોને અભિભૂત કરી દેનાર ઇરફાન આજે આપણી વચ્ચે નથી રહી એ સમાચાર અફવા નહીં પરંતુ હકીકત છે એ નિસાસા સાથે જ જાણે ફિલ્મોનો એક યુગ આથમી ગયાનો અહેસાસ થાય છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો