લૉકડાઉનમાંથી બહાર આવવાની સરકારની તૈયારીઓ શરૂ


- છુટછાટ આપવામાં આવ્યા બાદ પણ લોકોએ સંયમ જાળવીને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું પડશે કારણ કે નાની અમથી બેદરકારી પણ કોરોના સામેના જંગમાં મોટી પીછેહઠ સાબિત થશે

લૉકડાઉનનો બીજો તબક્કો પૂરો થવા આડે થોડા દિવસો રહ્યાં છે ત્યારે કેન્દ્ર સરકારે મોટી છૂટછાટ આપતા ગ્રામ્ય અને શહેરી રહેણાંક વિસ્તારોમાં તમામ પ્રકારની દુકાનો ખોલવાની પરવાનગી આપી દીધી છે. જોકે મૉલ અને બજારો હજુ બંધ રહેશે. આ છૂટમાં કેટલીક શરતો પણ છે. જેમકે હોટસ્પોટ અને કન્ટેનમેન્ટ વિસ્તારોમાં આ છુટ લાગુ નહીં પડે. આ વિસ્તારો સંક્રમણના કારણે સીલ કરી દેવામાં આવ્યા છે. જે વિસ્તારોમાં છૂટ આપવામાં આવી છે ત્યાં પણ શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ અંતર્ગત રજિસ્ટર્ડ દુકાનો જ ખૂલી શકશે. જે દુકાનો ખૂલશે એમાં પણ ૫૦ ટકા સ્ટાફ જ કામ કરી શકશે. કામ કરનાર તમામે માસ્ક પહેરવો ફરજિયાત રહેશે અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું પડશે. લૉકડાઉનના કારણે ભારતની અર્થવ્યવસ્થાને લગભગ ૧૨ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે. પરંતુ દેશ હાલ જે કપરા દોરમાંથી પસાર થઇ રહ્યો છે એમાં સૌથી પહેલી પ્રાથમિકતા લોકોના જીવ બચાવવાની છે. એટલા માટે સરકારે ભારે નુકસાન વેઠીને પણ લોકોના જીવ બચાવવાને મહત્ત્વ આપ્યું. કોરોના વાઇરસને ફેલાતો રોકવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને દુનિયાભરના દેશોને સૌથી પહેલી જે સલાહ આપી હતી એ લૉકડાઉન કરવાની જ હતી. સંપૂર્ણ લૉકડાઉન ભારે આકરું પગલું છે પરંતુ એ લાગું કર્યા વિના ચાલે એમ નહોતું. એક રીતે તો ભારત સરકારે મંદીમાં જઇ રહેલી અર્થવ્યવસ્થાને જોખમમાં મૂકીને પણ લોકોના જીવ બચાવવાનો માર્ગ પસંદ કર્યો છે. અર્થશાસ્ત્રીઓના મતે આ મોટું જોખમભર્યું પગલું છે કારણ કે બેત્રણ મહિના બાદ પરિસ્થિતિ યથાવત્ થાય ત્યારે અર્થવ્યવસ્થાને ફરી પાટે ચડાવવી અત્યંત મુશ્કેલ બની રહેશે.

કોવિડ-૧૯ના દર્દીઓની સંખ્યામાં રોજેરોજ વધારો થઇ રહ્યો છે. જોકે સારવાર બાદ ઘણાં લોકો સાજા થઇને પોતાના ધરે પરત પણ ફરી રહ્યાં છે પરંતુ કોરોનાના દર્દીઓનો મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. કોરોના સામેની લડાઇમાં સામાજિક અને વ્યક્તિગત અંતર જાળવવું અનિવાર્ય છે અને એમાં કોઇ પણ પ્રકારની બાંધછોડ ન કરવામાં આવે એ આવશ્યક છે નહીંતર કોરોના સામેના આ જંગમાં હાર મળશે. નાનકડી બેદરકારી પણ કમ્યુનિટી ટ્રાન્સમિશનનું જોખમ વધારી દેશે. અને જો સામુદાયિક સંક્રમણ શરૂ થઇ ગયું તો પછી એને કાબુમાં લેવું આસાન નહીં હોય. લૉકડાઉનનો ઉદ્દેશ જ એ છે કે કોરોનાના સંક્રમણના દુષ્ચક્રને તોડવું અને કોરોનાનું સંક્મણ જ્યાં પહોંચ્યું છે ત્યાં જ અટકાવી દેવું. 

જો ભારતમાં લૉકડાઉન લાગુ ન કરવામાં આવ્યું હોત તો ચિત્ર ક્યાંય વધારે ભયાનક હોત. કોરોના મહામારીને ગંભીરતાથી ન લીધી હોય એવા દેશોમાં લોકો મોટી સંખ્યામાં મર્યા છે અને સંક્રમિતોની સંખ્યા લાખોમાં છે. આ દેશોએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ચેતવણીને અવગણીને લૉકડાઉન લાગુ કર્યું નહોતું. લૉકડાઉને અર્થવ્યવસ્થાને જે રીતે બેહાલ કરી છે એમાંથી બહાર આવતા લાંબો સમય લાગશે. ભારતમાં કરોડો લોકોની રોજીરોટી નાનામોટા વેપાર પર ટકી છે. વીસ કરોડથી વધારે લોકો નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો સાથે જોડાયેલા છે. પાંચથી લઇને પચાસ જણા કામ કરતા હોય એવા લઘુઉદ્યોગોની સંખ્યા સૌથી વધારે છે.

કોરોના મહામારી અને લૉકડાઉનના કારણે લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો ઠપ્પ થઇ ગયા છે. માલસામાનનું ઉત્પાદન થતું નથી. અનેક નાના મોટા એકમોને ત્વરિત સહાયની આવશ્યક્તા છે. જોકે ઉદ્યોગોમાં ઉત્પાદન શરૂ કરવા કરતાયે મોટી સમસ્યા માલસામાન અને સેવાઓની માંગ પેદા કરવાની છે. બજારમાં માંગ ઊભી થાય એટલા માટે સામાન્ય લોકોથી લઇને ખેડૂતો, દુકાનદારો અને નાના અને મધ્યમ કદના વેપારીઓ માટે પેકેજ જાહેર કરવાની જરૂર છે. એટલું જ નહીં બેરોજગારી કે પગારમાં કપાત પણ દેશની અર્થવ્યવસ્થા માટે ભયાવહ સાબિત થઇ શકે એમ છે.

કોરોના મહામારીના કારણે સૌથી મોટો પડકાર બેહાલ ઔદ્યોગિક એકમોને ફરી પાટા પર ચડાવવાનો છે. કોરોનાને પહોંચી વળવા માટે જે લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે એનાથી ઉદ્યોગોની કમ્મર તૂટી ગઇ છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના અનુમાન અનુસાર ઉદ્યોગ જગતને રોજનું ૪૦ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે અને ઉદ્યોગો ઠપ્પ થઇ જવાના કારણે ચાર કરોડ લોકોની નોકરીઓ જોખમમાં આવી ગઇ છે. એસોચેમે તાજેતરમાં જ કહ્યું છે કે અર્થવ્યવસ્થાને ઓછામાં ઓછા ૧૪ લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જરૂર છે.

લૉકડાઉનના કારણે માંગ અને પુરવઠાનું ચક્ર તૂટી ગયું છે. લોકો કમાશે શું અને ખાશે શું એ સવાલ છે. અર્થવ્યવસ્થામાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની ભાગીદારી વધારે છે. સરકારને ટેક્સનો મોટો હિસ્સો આ સેકટરોમાંથી મળે છે. એક રિપોર્ટ અનુસાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર ગેરંટી કાયદો એટલે કે મનરેગા અને બિનસંગઠિત ક્ષેત્રોમાં કામ કરનારા લોકોને લૉકડાઉનના કારણે એક લાખ સોળ હજાર કરોડ રૂપિયાથી વધારેનું નુકસાન થશે. હકીકત એ છે કે મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો પાસે મનરેગાનું કામ પણ નથી. 

ઘરોમાં બેઠા રહીને પણ ક્યાં સુધી ગુજરાન ચાલશે એ પણ સવાલ છે. શહેરોમાં પણ રેંકડી ચલાવીને ચીજવસ્તુઓ વેચતા ફેરિયાઓ ક્યાં સુધી ઘરોમાં રહીને પરિવારનું પેટ ભરશે એ સવાલ પણ વાજબી છે. નાનામોટા કારખાનાઓ અને ફેકટરીઓમાં કામ કરતા લોકો પગાર મળ્યા વગર જીવનનું ગાડું કેમ ખેંચશે? લૉકડાઉનમાં જાન સાથે જહાંનો અર્થ એ જ છે કે જરૂરતમંદોના જીવનનિર્વાહની ગાડી અટકી ન જાય એ પણ જોવું એટલું જ જરૂરી છે. કરોડો લોકો એવા છે જે દિવસ આખો કામ કરીને મહેનતાણુ મેળવે છે અને પરિવારનું ભરણપોષણ કરે છે. આપદાના સમયે સૌથી મોટી કઠણાઈ આવા દહાડિયા મજૂરો માટે જ ઊભી થાય છે. બીજી બાજુ કોલસા, વીજળી, લોખંડ, ઉર્જા જેવા મોટા ક્ષેત્રોમાં પણ ઉત્પાદન ઠપ્પ છે. કારખાના બંધ હોવાના કારણે નિર્માણ ઠપ્પ છે જેના કારણે વીજળીની માંગમાં ભારે ઘટાડો નોંધાયો છે. બીજી બાજુ પર્યટન, હોટલ, રેસ્ટોરન્ટ અને મનોરંજન જેવા ક્ષેત્રો બંધ પડી ગયાં છે. ભારતમાં પર્યટન ઉદ્યોગથી મોટી આવક થાય છે. વિદેશી પર્યટકોના ધસારાના કારણે અનેક લોકોને રોજી મળે છે પરંતુ પર્યટકો ન હોવાના કારણે અનેક લોકો પાસે કામ નથી. પર્યટન સાથે જોડાયેલા હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગો પણ ખાડે ગયા છે.

લૉકડાઉન પૂરું થવા આડે થોડા દિવસો બાકી રહ્યાં છે પરંતુ કોરોના હજુ કાબુમાં આવ્યો નથી એવામાં  સરકારે હવે અર્થવ્યવસ્થાને સંભાળવાના પ્રયાસો શરૂ કરી દીધાં છે. આ ક્રમમાં ગ્રામ્ય ક્ષેત્રોમાં આર્થિક ગતિવિધિ ચાલુ કરવાનો નિર્ણય મહત્ત્વનો છે. જોકે ૧૫ એપ્રિલે લૉકડાઉનનો પહેલો તબક્કો પૂરો થયા બાદ પણ આ ક્ષેત્રમાં કેટલીક છુટછાટ આપવામાં આવી હતી પરંતુ એની અસર જોવા ન મળી. એક કારણ એ પણ છે કે કોરોનાના કેસો હજુ ઘટયા નથી અને રાજ્ય સરકારો વધારે જોખમ લેવા માંગતી નથી. આમ પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદા અનુસાર રાજ્ય સરકારો કેન્દ્ર સરકાર દ્વારા જારી કરેલા નિયમોમાં ફેરફાર કરી શકે એમ નથી.  હકીકતમાં સરકારે લૉકડાઉનમાંથી બહાર આવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઘણાં રાજ્યોની સરકારો શ્રમજીવીઓને પોતાના પ્રદેશમાં લાવવા માટેની વ્યવસ્થામાં પડી છે જે દર્શાવે છે કે સરકારની મંશા વેપારધંધાને ફરી પાટે ચડાવવાની છે. સરકારે લૉકડાઉનમાં ઢીલ આપવાની શરૂઆત ભલે કરી હોય પરંતુ હવે લોકોની એ જવાબદારી બની જાય છે કે તેઓ કોરોના રોકવા માટે જરૂરી મર્યાદાઓનું પાલન કરે. આમ પણ લૉકડાઉનના કારણે ઘરોમાં પૂરાઇ રહેલા લોકોને હવે જીવ બચાવવાની સાથે સાથે જહાન બચાવવાની ફિકર પણ થઇ રહી છે. 

લૉકડાઉન ખોલવાની તૈયારીરૂપે સરકારે ગામડાઓની દુકાનો ખોલવાની પરવાનગી આપી દીધી છે. ફેકટરીઓ ખોલવાના આદેશ તો પહેલા જ આપી દેવામાં આવ્યા છે. શહેરોમાં પણ કોલોનીઓ પાસેની દુકાનો ખોલવાની છૂટ આપી દેવામાં આવી છે. નગરપાલિકાની સીમાની બહારની મોટી ફેકટરીઓ ખોલવાના નિર્દેશ પણ આપી દેવામાં આવ્યા છે. આ ઉપાયો દ્વારા લોકોના જીવનમાં હલચલ શરૂ થવી સ્વાભાવિક છે. જોકે કામકાજ શરૂ થવાની સાથે સાથે બેદરકારી ન આવે એ પણ જોવું જરૂરી છે. કોરોનાને કાબુમાં લેવા લોકોએ પોતાના પર સંયમ રાખવો પડશે અને શિસ્તનું પાલન કરવું પડશે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો