યુ.પી.માં સાધુઓની હત્યા, હિંદુત્વના ઠેકેદારો કેમ ચૂપ ?

યુ.પી.માં સાધુઓની હત્યા, હિંદુત્વના ઠેકેદારો કેમ ચૂપ ?

નવીદિલ્હી, તા.28 એપ્રિલ 2020, મંગળવાર

ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં બે સાધુઓની મંદિરમાં હત્યા કરી દેવાઈ એ મુદ્દે સોશિયલ મીડિયા પર લોકોએ ભાજપ અને કહેવાતા સંતો સામે ભારે આક્રોશ ઠાલવ્યો છે. મહારાષ્ટ્રના પાલઘરમાં ટોળાએ બે સાધુની હત્યા કરી ત્યારે ભાજપના નેતાઓએ બહુ દેકારો મચાવ્યો હતો.

 મુસ્લિમોના ટોળાએ હત્યા કરી હોવાનો ખોટો આક્ષેપ પણ કર્યો હતો. આરએસએસ અને અખિલ ભારતીય સંત સમાજે 'હિંદુત્વ પર હુમલો' ગણાવીને આકરાં પગલાંની ચીમકી આપી હતી, મોદીને પત્ર લખીને સીબીઆઈ તપાસની માંગ કરી હતી. હવે ભાજપ શાસિત રાજ્યમાં મંદિરમાં ઘૂસીને બે સાધુની હત્યા કરાઈ ત્યારે હિંદુત્વના ઠેકેદારો ક્યાં ગયા એવો સવાલ લોકો સોશિયલ મીડિયા પર સૌ કરી રહ્યા છે. આ હત્યા સામે ભાજપ, સંત સમાજ કે સંઘ કેમ ચૂપ છે એવી કોમેન્ટ્સનો મારો ચાલી રહ્યા છે. કેટલાકે બંને ઘટનાની તસવીરો મૂકીને 'તુમ્હારા ખૂન ખૂન ઔર હમારા ખૂન પાની' એવી કોમેન્ટ્સ પણ કરી છે.

મોદી હજુ ભાજપના મુખ્યમંત્રીઓથી નાખુશ

નરેન્દ્ર મોદી ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની કોરોના સામેની કામગીરીથી બહુ ખુશ નથી તેનો સંકેત ફરી મળ્યો છે. સોમવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની વીડિયો કોન્ફરન્સિંગ બેઠકમાં મોદીએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કરેલી કામગીરીની પ્રસંશા કરીને તેમને અભિનંદન આપ્યાં. મોદીએ ગેહલોત સરકારે લીધેલાં પગલાં અંગે ચર્ચા પણ કરી. મોદીએ ઓડિશાના મુખ્યમંત્રી નવિન પટનાઈક અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની કામગીરીનો પણ ઉલ્લેખ કરીને તેમને બિરદાવ્યા પણ ભાજપના કોઈ મુખ્યમંત્રીનો ઉલ્લેખ સુધ્ધાં ના કર્યો.

ભાજપ શાસિત રાજ્યોમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં કોરોનાના કેસોની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે. આ રાજ્યો કોરોના સામે લડવા માટે નવી અને અનોખી વ્યૂહરચના અપનાવવામાં નિષ્ફળ નિવડયાં છે એવું મોદીનું માનવું છે. આ રાજ્યો લોકડાઉનના અમલમાં પણ ઉણાં ઉતર્યાં છે તેવી મોદીની છાપ છે એવું સરકારી સૂત્રોનું કહેવું છે.

નિવૃત્તિ વય ઘટશે તેવા રીપોર્ટથી કર્મચારીઓ ચિંતિંત

મોદી સરકારે ડી.એ.માં વધારો સ્થગિત કર્યો પછી હવે શું આવશે તેની ચિંતા સરકારી કર્મચારીઓને સતાવે છે. આ માહોલમાં તેમની ચિંતા વધે એવા અહેવાલ કેટલાક વર્ગમાં ફરતા થયા છે. આ અહેવાલમાં દાવો કરાયો છે કે, મોદી સરકાર સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વયમર્યાદા ઘટાડવા વિચારી રહી છે. અત્યારે કેન્દ્રીય કર્મચારીઓ ૬૦ વર્ષે નિવૃત્ત થાય છે. તેના બદલે હવે તેમને ૫૦ વર્ષે જ નિવૃત્ત કરી દેવાની દરખાસ્ત છે અને આ અંગે બહુ જલદી નિર્ણય લેવાશે એવો દાવો આ અહેવાલોમાં કરાયો હતો. કર્મચારીઓનાં વોટ્સએપ ગ્રુપમાં આ અહેવાલ મોટા પ્રમાણમાં ફરતા થતાં કર્મચારીઓએ તેની સામે આક્રોશ બતાવ્યો હતો.

મોદી સરકારે સ્પષ્ટતા કરી છે કે, આવી કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી અને કોઈ સ્તરે તેની ચર્ચા સુધ્ધાં થઈ નથી. પર્સોનલ બાબતોના પ્રધાન જીતેન્દ્રસિંહે સરકારને બદનામ કરવા આવા ગપગોલા ચલાવાતા હોવાનો આક્ષેપ પણ કર્યો. આ સ્પષ્ટતા પછી પણ કર્મચારીઓમાં ફફડાટ તો છે જ કેમ કે આ સરકાર ક્યારે શું કરે તે નક્કી નથી હોતું.

ફોર્સ રીપોર્ટઃ અધિકારીઓને બલિના બકરા બનાવાયા ?  

કેન્દ્રની આવક વધારવા માટે પચાસ ઈન્કમ ટેક્સ અધિકારીઓના ગ્રુપે કરેલો 'ફોર્સ' રીપોર્ટ ચર્ચામાં છે. આ ગ્રુપે અતિ ધનિકો પર વધારે ટેક્સ, કોવિડ સેસ, ગુગલ ટેક્સ, ઈનહેરિટન્સ ટેક્સ, વેલ્થ ટેક્સ સહિતની ભલામણો સીબીડીટીને મોકલી હતી. આ ભલામણો સોશિયલ મીડિયામાં આવી જતાં મોદી સરકારે સીબીડીટીનો ઉધડો લેતાં સીબીડીટીએ હાથ ખંખેરી નાંખી આ ભલામણોને ફગાવી દીધી છે.

સીબીડીટીએ પ્રશાંત ભૂષણ, પ્રકાશ દુબે અને સંજય બહાદુર એ ત્રણ આઈઆરએસ અધિકારીને સસ્પેન્ડ કરીને તેમની સામે કેસ પણ ઠોકી દીધો છે. સીબીડીટીનો દાવો છે કે, આ અધિકારીઓને કોઈ રીપોર્ટ તૈયાર કરવા કહેવાયું નહોતું.

જો કે અધિકારીઓમાં એવી ચર્ચા છે કે, આ ત્રણ અધિકારીને બલિના બકરા બનાવાઈ રહ્યા છે. મોદીને સારું લગાડવા તેમની જાણ બહાર આ પ્રકારનો રીપોર્ટ બનાવવાની મૌખિક સૂચના અપાઈ હતી. આ ભલામણો બહાર પડી જતાં મોદી બગડયા તેથી સૂચના આપનારાંએ અધિકારીઓને ધરી દીધા હોવાની ચર્ચા ચાલી રહી છે.

ઝોરામથંગાને મોદીની બેઠકમાં  એક પણ શબ્દ ના સમજાયો

નરેન્દ્ર મોદીએ સોમવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ બેઠક કરી. આ બેઠક પછી મિઝોરમના મુખ્યમંત્રી ઝોરામથંગાએ કરેલા નિવેદને રમૂજ ફેલાવી દીધી. ઝોરામથંગાએ બેઠક પછી મીડિયાને કહ્યું કે, આ બેઠકમાં કોણ શું બોલતું હતું તે મને જરાય ના સમજાયું કેમ કે બધા હિંદીમાં બોલતા હતા ને મને હિંદી જરાય આવડતું નથી.

પત્રકારોએ તેમને સવાલ કર્યો કે, તમે બેઠકમાં જ આ મુદ્દો કેમ ના ઉઠાવ્યો ? ઝોરામથંગાએ જવાબ આપ્યો કે, મેં કહેવાનો પ્રયત્ન કરેલો પણ બીજા મુખ્યમંત્રીઓને મિઝો નથી આવડતી ને હું અંગ્રેજીમાં બોલવાનું ભૂલી ગયેલો.

આ બેઠકમાં મોટા ભાગનાં રાજ્યોના મુખ્યમંત્રીઓએ લોકડાઉન લંબાવવાની તરફેણ કરી હોવાનું કહેવાય છે. ઝોરામથંગા પણ લોકડાઉન લંબાવવાની તરફેણમાં છે. 

***

સરહદ સીલ થતાં હરિયાણા-દિલ્હી વચ્ચે સંઘર્ષ વધ્યો

હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રીએ રાજ્યમાં કોરોના ફેલાયો તેનો બધો દોષ દિલ્હીને આપ્યો. હરિયાણાએ દિલ્હીમાં આવતી શાકભાજી અટકાવી દીધી. એ પછી બંને રાજ્યો વચ્ચે સંઘર્ષ વધ્યો છે. સ્વાસ્થ્ય મંત્રીએ દિલ્હી ઉપર આક્ષેપો કર્યા એ પછી દિલ્હીએ પણ વડાપ્રધાનને ટાંકીને જવાબ આપ્યો હતો.

 મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઓફિસમાંથી હરિયાણાને સત્તાવાર જવાબ અપાયો હતો કે જો હરિયાણા કોરોનાના ફેલાવોનો બધો દોષ દિલ્હી ઉપર મૂકતું હોય તો એ વાત સમજી લે કે એ વડાપ્રધાનના વિધાનનો જ ભંગ કરે છે. વડાપ્રધાને કહ્યુેં હતું કે બધા રાજ્યોએ મળીને લડત લડવાની છે. જે રાજ્યોમાં કેસ ઓછા છે અને જે રાજ્યોમાં કેસ વધારે છે તે બધા સહકારથી કામ કરે. જો હરિયાણા એમ ન કરતું હોય તો એ આશ્વર્યજનક છે. દિલ્હી અને હરિયાણા બંને ભારતનો જ હિસ્સો છે એ હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રીએ સમજવું જોઈએ.

હરિયાણાએ આઝાદપુર મંડી સાથેનો સંપર્ક સાવ તોડયો

દિલ્હીની આઝાદપુર મંડીમાં થોડા દિવસ પહેલાં એક વેપારીનું કોરોનાથી મોત થયું હતું. એ પછી મંડી બંધ થાય એવી પણ શક્યતા હતી. જોકે, આ બજાર બંધ થાય તો આખાય ઉત્તર ભારતમાં ફળ અને શાકભાજીની અછત સર્જાય તેમ છે. સતત લોકોની તપાસ થઈ રહી છે. ૨૫૦ લોકોના સેમ્પલ લેવાયા હતા. એ બધા વચ્ચે હરિયાણાએ આઝાદપુર મંડી સાથેનો સંપર્ક સાવ તોડી નાખ્યો છે. હરિયાણાના વાહનો એ બજારમાં આવતા હતા. હરિયાણાની સરહદથી ત્રીસેક કિલોમીટરના અંતરે આવેલી આ બજારમાં આવવા-જવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. હરિયાણાએ વેપારીઓને કહી દીધું છે કે જો આઝાદપુરની બજારમાં કંઈ પણ વેંચવા જશે તો તેની સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કાર્યવાહી થશે.

આગ્રા વુહાન બની શકે છે : મેયરની ચેતવણી

આગ્રાના ભાજપના મેયર નવીન જૈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને રજૂઆત કરી છે કે આગ્રાને બચાવવા યોગ્ય પગલાં ભરો. આગ્રાના મેયરે એવીય દહેશત વ્યક્ત કરી હતી કે જો સમયસર પગલાં ભરવામાં નહીં આવે તો આગ્રા બીજું વુહાન બની જશે. મેયરે મુખ્યમંત્રીને પત્ર લખીને ફરિયાદ કરી છે કે જિલ્લાનું વહીવટીતંત્ર આગ્રામાં કામ કરવામાં નિષ્ફળ નીવડી રહ્યું છે. 

આગ્રાના ભાજપના મેયરે જ રાજ્યના જિલ્લા સરકારી તંત્ર સામે સવાલો ઉઠાવ્યા તે પછી આ મુદ્દો વિપક્ષોએ પણ ઉઠાવી લીધો હતો. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને નવીન જૈનને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે આગ્રાની આ ગંભીર હાલતને મુખ્યમંત્રીએ ધ્યાનમાં લેવી જોઈએ અને તુરંત યોગ્ય નિર્ણયો લેવા જોઈએ.

નર્સ તેના બે વર્ષના બાળક સાથે ક્વોરન્ટાઈન

દિલ્હીમાં એક નર્સ અને તેના બે વર્ષના બાળકને ક્વોરન્ટાઈન કરાયા હતા. એ બંનેનો રીપોર્ટ ૧૯ દિવસ પહેલાં પોઝિટિવ આવ્યો હતો. નર્સને હજુ પણ મુક્ત કરવામાં આવે તેમ નથી. બંનેને થોડા દિવસ વધારે ક્વોરન્ટાઈન રહેવું પડશે. નર્સની મુશ્કેલી એટલી છે કે તેનો બે વર્ષનો દીકરો માત્ર મમ્મા અને પાપા એમ બે શબ્દો જ બોલી શકે છે. હોસ્પિટલમાં બંનેના બેડ નજીક રખાયા છે. જ્યારે બાળક પાપા શબ્દો બોલીને રડે છે ત્યારે નર્સ તેના હસબન્ડને વિડીયો કોલ કરી શકે એવી વ્યવસ્થા કરાઈ છે.

- ઈન્દર સાહની

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો