દિલ્હીની વાત : મોદી સરકાર હવે કર્મચારીઓનું ટી.એ. કાપશે


મોદી સરકાર હવે કર્મચારીઓનું ટી.એ. કાપશે

નવી દિલ્હી,તા. 27 એપ્રિલ 2020, સોમવાર

કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો સ્થગિત કર્યા પછી મોદી સરકાર હવે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ (ટી.એ.) બંધ કરવા વિચારી રહી છે. કર્મચારીને ઘરેથી ઓફિસ અને ઓફિસથી ઘરે જવા માટે ટી.એ. અપાય છે.  લોકડાઉન લાગુ કરાયું પછી માર્ચનું એક અઠવાડિયું અને એપ્રિલનો લગભગ મોટા ભાગનો સમય મોટા ભાગના કર્મચારી ઓફિસે ગયા જ નથી. આ તેમને ટી.એ. ના મળવું જોઈએ એવી નાણાં મંત્રાલયની રજૂઆત મોદીને ગળે ઉતરતાં ટી.એ. પર તલવાર લટકી રહી છે.

કર્મચારીઓને પે લેવલ  અને શહેર પ્રમાણે ટી.એ. અપાય છે. અત્યારે ઓછામાં ઓછું ટી.એ. ૯૦૦ રૂપિયા છે જ્યારે ઉચ્ચ અધિકારીના કિસ્સામાં એ દસેક હજાર થાય. મોદી સરકાર ટી.એ. ના આપે તો મહિને ૩૫૦૦ કરોડ રૂપિયાની બચત થાય. કર્મચારીઓમાં અસંતોષ ઉભો ના થાય એટલે મોદી સરકાર વધારે સમય માટે ટી.એ. ના કાપે તો પણ બે મહિનાના ટી.એ. પર તો કાપ આવી જ જશે એવું સરકારી સૂત્રો કહે છે.

ભાજપ નેતાએ મોદીના 'આગ્રા મોડલ'ના ધજાગરા ઉડાડયા

મોદી સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે થોડા દિવસ પહેલાં કોરોના સામે લડવા માટે 'આગ્રા મોડલ' અપનાવવાની સલાહ આપી હતી. મંત્રાલયના પ્રવક્તા લવ અગ્રવાલે મોટા ઉપાડે આગ્રામાં કઈ રીતે કોરોનાને કાબૂમાં લેવાયો તેની વાતો કરી હતી. તેના પગલે કેરળની સામ્યવાદી સરકારના 'કાસરગોડ મોડલ' અને રાજસ્થાનની કોંગ્રેસ સરકારના 'ભીલવાડા મોડલ' કરતાં 'આગ્રા મોડલ' વધારે અસરકારક હોવાનો દાવો કરીને ભાજપના નેતા મચી પડયા હતા.

આગ્રાના મેયર નવિન જૈને ઉત્તર પ્રદેશ સરકારને પત્ર લખીને કહ્યું છે કે, કોરોનાને રોકવાનાં પગલાં નહીં લેવાય તો આગ્રા ભારતનું વુહાન બની જશે.  જૈન ભાજપના નેતા છે.  તેમણે અત્યંત આકરી ભાષામાં યોગી સરકાર નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ કરીને લખ્યું છે કે, આગ્રાનાં લોકો ભાજપને ગાળો આપી રહ્યાં છે. જૈનનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મોદી સરકારના દાવાના ધજાગરા ઉડી ગયા છે.

'તબલીઘી જમાત પર ગર્વ હૈ' કેમ ટ્રેન્ડ થયું ?

કોરોનાના કેસો વધારવા બદલ ગાળો ખાઈ રહેલી તબલીઘી જમાતનું 'તબલીઘી જમાત પર ગર્વ હૈ' હેશ ટેગ સોમવારે સોશિયલ મીડિયામાં નંબર વન ટ્રેન્ડ કરતું હતું. જે લોકો જમાતને ગાળો આપતા હતા એ જ લોકો તેની પ્રસંશા કરવા લાગી ગયા. કોરોનાવાયરસના ચેપનો ભોગ બનેલા તબલીઘી જમાતના સંખ્યાબંધ દર્દીઓએ સાજા થયા પછી પોતાના પ્લાઝમા દાનમાં આપવાની જાહેરાત કરતાં લોકોના અભિગમમાં રાતોરાત આ પરિવર્તન આવી ગયું. સાજા થયેલા દર્દીઓના પ્લાઝમાના કારણે કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં મદદ મળે છે.  દિલ્હીમાં તબલીઘી જમાતના ૧૪૨ દર્દીમાંથી ૧૨૯ દર્દી સાજા થઈ ગયા છે. આ પૈકી મોટા ભાગના દર્દીઓએ પ્લાઝમા આપવા હા પાડી છે.   

કેન્દ્રની બે એજન્સીના આંકડા અલગ અલગ

મોદી સરકાર દેશમાં કોરોનાવાયરસની સાચી સ્થિતી જાહેર નથી કરી રહી એવી વાતો સોશિયલ મીડિયા પર ચાલે છે. આ વાતો વચ્ચે કેન્દ્રની જ બે એજન્સીઓ દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા અલગ અલગ આપે છે એવો વિવાદ પેદા થયો છે. નેશનલ સેન્ટર ફોર ડીસિઝ કંટ્રોલ (એનસીડીસી) અને ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રીસર્સ (આઈએમસીઆર) બંને કેન્દ્રની એજન્સી છે પણ બંનેના આંકડામાં એક હજાર કરતાં વધારેનો ફરક છે.

આઈએમસીઆરએ ૨૬ એપ્રિલે સવારે ૮ વાગ્યા સુધીમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૨૭૫૮૩ જાહેર કરી હતી તો એનસીડીસીએ ૨૬૪૯૬ કહી હતી. બંનેના આંકડામાં ૧૦૮૭નો તફાવત હતો.  

રવિવારે કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ રાજ્યોના આરોગ્ય સચિવો સાથે બેઠક કરી તેમાં આ મુદ્દો ઉઠાવાયો હતો પણ ગૌબા સંતોછકારક જવાબ ના આપી શક્યા. તેમણે સરકારી રાહે તપાસનું આશ્વાસન આપ્યું તેના કારણે દાળમાં કંઈક કાળું હોવાની શંકા દૃઢ બની છે.

ચૌધરીએ મોદી સરકારને વખાણીને આશ્ચર્ય સર્જ્યું

લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ જુદું વાજુ વગાડીને આશ્ચર્ય સર્જ્યું છે.

ચૌધરીએ કહ્યું કે, કોરોના સામે લડવામાં કેન્દ્ર અને રાજ્ય સરકારો બંનેએ સારું કામ કર્યું છે. ચૌધરીએ ડોક્ટરોની કામગીરીની પણ પ્રસંશા કરી. ચૌધરીએ તો એમ પણ કહ્યું કે, યુરોપ અને અમેરિકાને જોઈએ છે ત્યારે લાગે છે કે આપણે ઘણા આગળ છીએ. મોદી સરકાર આ રીતે જ નક્કર પગલાં ભરતી રહી તો આગામી દિવસોમાં ભારત એક રોલ મોડલ દેશ તરીકે ઉભરી શકે છે.

રાજકીય વિશ્લેષકોના મતે, કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે સંકલન જ નથી તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. કોંગ્રેસના ટોચના નેતાઓ અલગ અલગ સૂર કાઢે ત્યારે કોની વાત સાચી માનવી એ સવાલ લોકોને થાય જ ને તેના કારણે કોંગ્રેસની વિશ્વસનિયતાને નુકસાન થાય છે.

* * *

ઇન્મેટસ અને ડોકટરો વચ્ચે વધતું ટેન્શન

દિલ્હી સરકારની મૌલાના આઝાદ મેડિકલ કોલેજના લગભગ ૧૧૦ ડોકટરો કે જે પીજી સ્ટુડન્ટ છે, એમને શહેરના શેલ્ટર હોમ, ક્વોરેન્ટાઇન સેન્ટર, અને સરકારી દવાખાનાઓમાં ફરજ પર મૂકાયા છે.  એમની ફરિયાદ છે કે એમની પાસે  દર્દીઓની સારવાર માટે દવાઓ, ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓ અને પ્રાથમિક સાધનો નથી એમને સતત દર્દીઓ તરફથી ધમકી મળતી રહે છે. શુક્રવારે, શેલ્ટર હોમમાં રહેતા એક માણસે ફરિયાદ કરી કે એને પેટની નીચેના ભાગમાં ભારે દુઃખાવો થાય છે. થોડા કલાકોમાં એને લોહીની ઊલટીઓ થવા માંડી. આવા દર્દીની સારવાર માટે હોસ્પિટલનું માળખું જોઇએ અને મારી પાસે એની શારીરિક તપાસ માટેના સાધનો પણ નથી, એમ પશ્ચિમ દિલ્હીના શેલ્ટર હોમમાં ફરજ પરના એક તબીબે અનામ રહેવાની શરતે જણાવ્યું.  ડોકટરો કહે છે કે એમની પાસે ફક્ત  પ્રાથમિક  ટ્રીટમેન્ટ પ્લાન છે, જેમાં તાવ, ફલુ અને પેટના દુઃખાવાની દવાઓ છે. અનેક સ્થળોએ એમની પાસે થર્મોમીટર અથવા, બ્લડ પ્રેશર  મોનીટર નથી.

મેના અંત સુધીમાં ચાર કરોડ વપરાશકારો ફોન વિહોણા થશે

ઈન્ડિયન સેલ્યુલર ઈલેક્ટ્રોનિકસ એસોસિએશન (આઈસીઈએ)નો દાવો છે કે  જો હેન્ડસેટ અને સ્પેરપાર્ટના વેચાણ પરનો પ્રતિબંધ ચાલુ રહેશે તો મે માસના અંત સુધીમાં ચાર કરોડ વપરાશકારો મોબાઈલ ફોન વિનાના થઈ જશે.  આઈસીઈએ કહે છે કે એણે વડાપ્રધાન સહિત સરકારી સત્તાવાળાઓનો  કેટલીક વાર સંપર્ક કર્યો છે. 

બહેનની મદદ માટે 2409 કિ.મી.નો પ્રવાસ કર્યો

કોરોનાનું જોખમ ૪૯ વર્ષના દેબેશ્વરી સી એચને કારમાં ચાર દિવસમાં ઈમ્ફાલથી ગુરુગ્રામનું ૨૪૦૯ કિલોમીટરનું અંતર કાપતા રોકી શક્યું નથી. કેન્સરથી પીડાતા એમની બહેનની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે અસ્થિ મજ્જાનું દાન કરવા માટે તેઓ ઈમ્ફાલથી ગુરુગ્રામ દોડી આવ્યા. એમની બહેન સીએચ નિન્ગોગલીને જાન્યુઆરીમાં એક પ્રકારના બ્લડ કેન્સર એવા મ્યેલોઈડ લુકેમિયાની સારવાર માટે ફોર્ટિસ મેમોરિયલ રીસર્ચ ઈન્સ્ટિટયુટ ખાતે દાખલ કરાયા હતા. આ રોગમાં પુખ્ત એવા શ્વેતકણોનું વધુ ઉત્પાદન લોહીના નોર્મલ ઉત્પાદનને વિપરિત અસર કરે છે.

ચાર્જ સંભાળવા માટે 4000 કિ.મી.નો રોડ પ્રવાસ કરતા જજ

અનુક્રમે બોમ્બે હાઇકોર્ટ અને મેઘાલય હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકેનો ચાર્જ લેવા માટે દીવાંકર દત્તાએ કોલકત્તાથી મુંબઇ અને ન્યાયમૂર્તિ સોમેદારે અલ્હાબાદથી શિલોંગનો રોડ-પ્રવાસ કરવો પડયો હતો. ન્યાયમૂર્તિ દત્તાનું પરિવાર મુંબઇ જઇ રહ્યું હોવાથી પુત્ર સાથે વારાફરતી ડ્રાઇવર સીટની પાછળ બેઠા હતા. ન્યાયમૂર્તિ સોમેદાર પહેલા ડ્રાઇવ કરીને અલ્હાબાદથી  કોલકત્તા પહોંચ્યા અને  પછી ત્યાંથી શિલોંગ ગયા. 

લગ્નમાં ફક્ત બે પોલીસ અધિકારી જ અતિથિ

દિલ્હીના ગોવિંદપુરીમાં રહેતા અને પૂજા નામની યુવતી સાથે લગ્ન કરનાર કૌશલ આર્યની જાનમાં ફક્ત બે પોલીસ  અધિકારીઓ જ હતા. આ અધિકારીઓએ કૌશલ અને એના માતા-પિતાને કાલકાજી આર્યસમાજ મંદિર સુધી રક્ષણ પૂરૂં પાડયુ હતું. કન્યાએ એના મહેંદી સહિતનો મેક-અપ જાતે જ કર્યો હતો. પોલીસ અધિકારીઓએ  નવદંપતીને ચુન્ની ભેટમાં આપી હતી અને બદલામાં માસ્ક અને સેનિટાઇઝર મેળવ્યા હતા. લગ્નવિધિ પણ પોલીસના વાહન 'જિપ્સી' માં યોજાઇ હતી. 

- ઈન્દર સાહની

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો