કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં લોકડાઉન લંબાશે, અન્ય વિસ્તારોમાં રાહત
- 24 કલાકમાં 57ના મોત સાથે કુલ મૃત્યુઆંક 930, અત્યાર સુધીમા કેસ 29122, 6647ને સાજા કરાયા
- રેડ ઝોનને ઓરેંજ અને બાદમાં ગ્રીન ઝોનમાં ફેરવવા વડા પ્રધાનની રાજ્યોને સલાહ
નવી દિલ્હી, તા.27 એપ્રિલ 2020, સોમવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાનોની સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરી હતી જેમાં અનેક મુખ્ય પ્રધાનોએ લોકડાઉનને ત્રણ મે બાદ પણ લંબાવવાની માગણી કરી હતી. કેટલાક રાજ્યોએ આ નિર્ણય લઇ લીધા છે જેમાં તેલંગાણાનો પણ સમાવેશ થાય છે. આ પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર પણ રાજ્યોની માગણીને ધ્યાનમાં રાખીને લોકડાઉન લંબાવી શકે છે. લોકડાઉનનું આ અંતિમ સપ્તાહ છે ત્યારે મુખ્ય પ્રધાનોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. વીડિયો કોન્ફરન્સ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાનો વચ્ચે ચર્ચા થઇ હતી. મોદીએ દાવો કર્યો હતો કે લોકડાઉનને કારણે દેશમાં ઘણો જ ફાયદો થયો છે. સાથે તેમણે અર્થતંત્ર અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે આપણે હવે કોરોના વાઇરસની સાથે અર્થતંત્રને વધુ મહત્વ આપવાની વધુ જરુર છે.
દેશમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા વધીને ૨૯૧૨૨ને પાર પહોંચી ગઇ છે. તેવી જ રીતે ૬૬૪૭ દર્દીઓને સાજા કરી લેવામાં આવ્યા છે જ્યારે ૨૪કલાકમાં વધુ ૫૭ લોકોના મોત નિપજ્યા છે અને આ જ સમયગાળામાં કેસોની સંખ્યામાં ૧૬૭૧નો વધારો થયો છે. તો કુલ મૃત્યુઆંક ૯૩૦ પર પહોંચી ગયો છે.
જોકે એવા વિસ્તારોમાં જ લોકડાઉન લંબાવવામાં આવશે કે જે રેડ ઝોન હોય અને જ્યાં કોરોનાના કેસોની સંખ્યા સૌથી વધુ હોય જ્યારે જે ગ્રીન ઝોન છે ત્યાં રાબેતા મુજબ છુટછાટો આપવામાં આવી શકે છે. આ અંગે હજુસુધી કોઇ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી પણ મુખ્ય પ્રધાનોની માગણીને જોતા લાગી રહ્યું છે કે કેન્દ્ર સરકાર તેના પર વિચાર કરી શકે છે. એટલે ત્રણ મે પછી પુરા દેશમાંથી એક જ ઝાટકે લોકડાઉન નહીં હટે અને ધીમી પ્રક્રિયામાંથી પસાર થયા બાદ તેમાંથી મુક્તી મળી શકે છે.
હાલ જે ત્રણ ઝોન રેડ, ઓરેંજ અને ગ્રીન જાહેર કરાયા છે તેમાં ફેરફાર થશે તેના પર લોકડાઉનનો નિર્ણય નિર્ભર રહેશે. વડા પ્રધાન મોદીએ પણ કહ્યું હતું કે રેડ ઝોનને ઓરેંજ અને બાદમાં ગ્રીન ઝોન સુધી લઇ જવાનો છે. તેથી કેસો ઓછા થશે તેમ તેમ લોકડાઉનનની છુટછાટોનો વિસ્તાર પણ વધારવામાં આવશે. આ અંગે અંતિમ નિર્ણયની જાહેરાત આ સપ્તાહમાં જ કરવામાં આવે તેવી શક્યતાઓ છે.
મોદીએ કહ્યું કે જુન-જુલાઇમાં કેસો વધશે : મંત્રીનો દાવો
મોદીએ કહ્યું હતું કે આગામી જુન અને જુલાઇ મહિનામાં કોરોના વાઇરસના કેસોમાં વધારો થઇ શકે છે. મોદીએ આમ કહ્યું હોવાનો દાવો છત્તીસગઢના સ્વાસ્થ્ય પ્રધાન ટીએસ સિંહે કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અગાઉ મોદીએ કહ્યું હતું કે મેના અંતિમ સપ્તાહમાં કોરોનાના કેસો અંતિમ તબક્કામાં અને ટોચ પર હશે જ્યારે હવે તેઓ કહી રહ્યા છે કે જુન જુલાઇમાં કેસો વધવાની શક્યતાઓ વધુ છે.
Comments
Post a Comment