મોદી સરકાર કોવિડ સેસ, વેલ્થ ટેક્સ લાદશે


મોદી સરકાર કોવિડ સેસ, વેલ્થ ટેક્સ લાદશે

નવીદિલ્હી, તા.26 એપ્રિલ 2020, રવિવાર

મોદી સરકાર હવે સુપર રીચ એટલે કે અતિ ધનિકો માટેના ઈન્કમ ટેક્સમાં વધારો, કોવિડ રીલીફ સેસ અને વેલ્થ ટેક્સ લાદવા વિચારી રહી છે. સીબીટીડીએ મોદી સરકારની સૂચનાના આધારે ૫૦ યુવા અધિકારીઓ પાસેથી મંગાવેલી ભલામણો મંગાવી હતી. અધિકારીઓએ ફિસ્કલ ઓપ્શન્સ એન્ડ રિસ્પોન્સ ટુ કોવિડ-૧૯ એપિડેમિક (ફોર્સ) ટાઈટલ હેઠળ આ ભલામણો મોકલી આપી છે. મોદી સરકાર હવે તેના પર ગંભીરતાથી વિચારી રહી છે. 

યુવા અધિકારીઓએ ૧ કરોડથી વધુની આવક પર ૪૦ ટકા ઈન્કમટેક્સ તથા ૪ ટકા કોવિડ રીલીફ સેસ લાદવાની ભલામણ કરી છે. કોવિડ સેસ તમામ ઈન્કમટેક્સ ભરનારાં પર લાદવાની ભલામણ છે. 

આ સિવાય ૫ કરોડ કે વધુની સંપત્તિ ધરાવતી વ્યક્તિ પર વેલ્થ ટેક્સ લાદવાની પણ ભલામણ છે. રીપોર્ટમાં કહેવાયું છે કે, આફતના સમયમાં ધનિકોની દેશ પર વિશેષ જવાબદારી હોય છે તેથી આ ત્રણેય ભલામણોનો અમલ કરવો જોઈએ.

મોદીને આ વાત ગમી છે. મંગળવારે નિર્મલા સીતારામન આથક પેકેજની ચર્ચા મોદીને મળે પછી આ જાહેરાત કરાય તેવી પૂરી શક્યતા છે.

હવે નાણાં મંત્રાલય પણ પીએમઓમાંથી જ ચાલશે

નરેન્દ્ર મોદીએ રવિવારે મોટા પાયે અધિકારીઓની બદલી કરી નાંખી. આ બદલીઓમાં સૌથી મહત્વની તરૂણ બજાજની આર્થિક બાબતોના મંત્રાલયમાં સચિવપદે નિમણૂક છે.

હરિયાણા કેડરના બજાજ પીએમઓમાં એડિશનલ સેક્રેટરી હતા ને મોદીના અત્યંત વિશ્વાસુ છે. લોકડાઉન ખૂલે પછી મોદી સરકાર માટે સૌથી મોટો પડકાર અર્થતંત્રની ગાડી પાટા પર લાવવાનો છે. મોદીએ તેની તૈયારીના ભાગરૂપે બજાજને નાણાં મંત્રાલયમાં મોકલ્યાનું મનાય છે. મોદી હવે નાણાં મંત્રાલયને સીધા આદેશો આપશે ને પીએમઓમાંથી જ નાણાંકીય બાબતો અંગેના તમામ નિર્ણયો લેવાશે તેનો આ સ્પષ્ટ સંકેત છે. નિર્મલા મોદીનાં કહ્યાગરાં છે પણ તેમની કામગીરીથી મોદી ખાસ ખુશ નથી તેથી તેમણે બજાજને મૂકી દીધા છે. મોદીના માનીતા ગણાતા એ.કે. શર્માને પીએમઓમાંથી ખસેડીને માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝીઝમાં સેક્રેટરી બનાવાયા છે. રાજકીય વિશ્લેષકોના મતે, મોદી હવે પછી નાના-મધ્યમ ઉદ્યોગો પર વધુ ધ્યાન આપવા માગે છે તેનો આ સંકેત છે.

રાજ્યોએ બસો મોકલતાં લોકડાઉન લંબાવાની શક્યતા

ભાજપ શાસિત રાજ્યોએ બીજાં રાજ્યોમાં ફસાયેલા પોતાના લોકોને લાવવાની વ્યવસ્થા ગોઠવતાં મોદી સરકાર ૩ મે પછી લોકડાઉન લંબાવશે એવી અટકળો તેજ બની છે. મોદીએ આ રાજ્યોને આપેલી સૂચનાના આધારે આ પગલાં ભરાઈ રહ્યાનું મનાય છે. લોકડાઉન લંબાય એ સંજોગોમાં ફસાયેલા લોકોની તકલીફો ના વધે એ માટે આ નિર્ણય લેવાયો છે.

ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, કર્ણાટક અને બિહારે બીજાં રાજ્યોમાં બસો મોકલીને પોતાના માણસોને પાછા લાવવા માંડયા છે. ઉત્તર પ્રદેશે શનિવારે જ બસો મોકલીને શરૂઆત કરી ને પછી અન્ય ભાજપ શાસિત રાજ્યો પણ મેદાનમાં આવી ગયાં. આ હિલચાલની ખબર પડતાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને  પંજાબે પણ બસો મોકલવા માંડી. ગુજરાતે અન્ય રાજ્યોના લોકોને પોતાને ત્યાંથી મોકલવા માટે વ્યવસ્થા ગોઠવી છે.

જો કે સરકારી સૂત્રોના મતે, લોકડાઉન ખૂલે પછી લોકો વતનમાં ભાગવા ધસારો ના કરે એટલે આ પગલાં લેવાઈ રહ્યાં છે. બાકી મોદી સરકારે લોકડાઉન લંબાવવાનો કોઈ નિર્ણય હજુ લીધો નથી.

આઈ.ટી. મિનિસ્ટરની સાઈટ જ હેક થઈ ગઈ

મોદી સરકારના ઈન્ફર્મેશન એન્ડ ટેકનોલોજી પ્રધાન રવિશંકર પ્રસાદ દેશમાં સાયબર સીક્યુરિટી જડબેસલાક હોવાના દાવા કરે છે ત્યારે રવિવારે તેમની પોતાની જ વેબસાઈટ હેક થઈ ગઈ.  સવારે ૧૧ વાગ્યાથી પ્રસાદની અંગત વેબસાઈટ રવિશંકરપ્રસાદ.ઈન ખૂલવાની બંધ થઈ ગઈ. પ્રસાદે પોતાની ટેકનિકલ ટીમને જાણ કરતાં તેમણે તપાસ કરી તો ખબર પડી કે, સાઈટ હેક થઈ ગઈ છે. સાઈટ ખૂલે એ માટે તરત જ મથામણ શરૂ થઈ પણ મોડી સાંજ સુધી સફળતા નહોતી મળી.  બલ્કે સાઈટ કોણે હેક કરી તેની માહિતી સુધ્ધાં નહોતી મળી.

પ્રસાદે બે દિવસ પહેલાં જ આરોગ્ય સેતુ એપ છ કરોડ લોકોએ ડાઉન લોડ કરી હોવાનું એલાન કર્યું ત્યારે આ એપથી લોકોને ડેટા ચોરાશે એ વાતને ખોટી ગણાવી હતી. પ્રસાદે સાયબર સીક્યુરિટીમાં ભારત બીજા દેશોથી આગળ હોવાની ડંફાશ મારી હતી. હેકર્સે તેમની સાઈટ હેક કરીને બે દિવસમાં જ તેમને જવાબ આપી દીધો.

મોદીના માનીતા સિદ્દીકી યોગીની નજરે ચડી ગયા

ભૂતપૂર્વ સાંસદ શાહિદ સિદ્દીકી સામે ખોટી અફવા ફેલાવીને વૈમનસ્ય ફેલાવવા બદલ કેસ નોંધાઈ શકે છે. મુસ્લિમોનો પવિત્ર રમઝાન મહિનો શરૂ થઈ ગયો છે ત્યારે સિદ્દીકીએ ટ્વિટ કરી હતી કે, યોગી સરકારે ઉત્તર પ્રદેશમાં મસ્જિદોમાં અઝાન પર પ્રતિબંધ મૂકી દીધો છે. સિદ્દીકીએ લખેલું કે, રમઝાનમાં અઝાન અત્યંત મહત્વપૂર્ણ છે ને તેના આધારે જ મુસ્લિમો રોઝા ખોલે છે. દુનિયામાં ક્યાંય તેના પર પ્રતિબંધ નથી ત્યારે યુ.પી.માં કેમ પ્રતિબંધ છે ?

આ ટ્વિટ ઝડપથી ફેલાઈ અને સોશિયલ મીડિયા પર આકરાં રીએક્શન આવવા માંડયાં. યોગીને ખબર પડતાં સરકારે સ્પષ્ટતા કરી કે, આવો પ્રતિબંધ મૂકાયો નથી ને સિદ્દીકી ખોટી વાત કરે છે. યોગીએ સિદ્દીકી સામે કેસ નોંધવા ફરમાન કર્યાનું કહેવાય છે.

સિદ્દીકીની ગણના મોદીના માનીતા પત્રકાર અને નેતા તરીકે થાય છે.  ૨૦૧૨માં સિદ્દીકીએ મોદીનો પાનાંનો ઈન્ટરવ્યુ પ્રસિધ્ધ કરેલો. મોદીએ કહેલું કે, હું ૨૦૦૨ના રમખાણો માટે દોષિત હોઉં તો મને ફાંસીએ લટકાવી દેજો. મોદીના આ ઈન્ટરવ્યૂને મુસ્લિમોમાં મોદીની પી.આર. એક્સરસાઈઝ ગણાવીને ટીકા થયેલી. સમાજવાદી પાર્ટીએ સિદ્દીકીને સસ્પેન્ડ કરી દીધા હતા.

રીપોર્ટ નેગેટિવ પણ મૌલાના સાદે હાજર થવા શરત મૂકી

તબલીઘી જમાતના વડા મૌલાના સાદ કંધાલવીનો કોરોના રીપોર્ટ રવિવારે નેગેટિવ આવતાં ક્રાઈમ બ્રાંચે મૌલાનાને સોમવારે હાજર થવા કહ્યું છે. સામે મૌલાનાએ શરત મૂકી છે કે, પોતાની ધરપકડ ના થાય તો પોતે હાજર થવા તૈયાર છે. મૌલાનાએ વકીલ મારફતે પોલીસને એવો મેસેજ મોકલ્યાનું કહેવાય છે કે, પોલીસની પૂછપરછ અને તમામ તપાસમાં સહકાર આપવા પોતે તૈયાર છે પણ પોલીસે એ દરમિયાન પોતાની ધરપકડ નહીં કરવાની ખાતરી આપવી પડશે. પોલીસ કહે ત્યારે હાજર થવાની મૌલાનાએ તૈયારી બતાવી છે.

મૌલાનાનો મામલો સંવેદનશીલ હોવાથી દિલ્હી પોલીસ કમિશ્નર કોઈ ખાતરી આપી શકે તેમ નથી. તેમણે ઉપર એટલે કે ગૃહ મંત્રાલય પાસે આ મુદ્દે માર્ગદર્શન માંગ્યું છે. મોદી સરકાર અત્યારે કોઈ કોમવાદી મુદ્દો ઉભો થાય એવું ઈચ્છતી નથી એ જોતાં મૌલાનાની શરત માની લેવાય એવી પૂરી શક્યતા છે. પોતાની શરત ના માનવામાં આવે તો આગોતરા જામીન કરવાની મૌલાનાની તૈયારી છે.

***

કોરોનાના હાહાકાર વચ્ચે તીડના હુમલાની ભીતિ

કોરોના સામે ભારત એડીચોટીનું બળ લગાવીને લડી રહ્યું છે. સતત કેસ વધી રહ્યાં છે અને કોમ્યૂનિટી ટ્રાન્સમિશનની શક્યતા સતત વધતી જાય છે. લોકડાઉન હટાવાશે, હળવું થશે કે પછી વધશે તે મુદ્દે પણ અટકળો શરૂ થઈ છે. જો લોકડાઉન હટાવાશે તો કોરોના વધે એવી પણ નિષ્ણાતો શક્યતા વ્યક્ત કરી રહ્યાં છે. એ બધા વચ્ચે ફરી પાછો તીડના હુમલાનો ભય ભારત ઉપર મંડરાઈ રહ્યો છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના કહેવા પ્રમાણે ભારતમાં ઉનાળાના મધ્યાહને તીડનું તોળું ફરી હાહાકાર મચાવે તો નવાઈ પામવા જેવું નહીં હોય. જો એવું થશે તો સરકારી તંત્રનો મોટો હિસ્સો અને સમય ઉભો પાક બચાવવાના કામ પાછળ ફાળવવો પડશે.

સાજા થયા પછી દર્દીઓની સ્થિતિ

સાજા થયેલાં દર્દીઓની સ્થિતિ કેવી હોય છે તેનો અંદાજ બહુ ઓછા લગાવતા હશે. સારવાર પછી કોરોના સંક્રમિત દર્દીની સ્થિતિ નોર્મલ થઈ જાય છે. પરંતુ તેમને સતત બેચેનીનો અનુભવ થયા રાખે છે. જે રીતે કોરોના સંક્રમિત સામે સમાજનો દૃષ્ટિકોણ જોવા મળે છે એ અનુભવીને કોરોનાના દર્દીઓ થોડા ચિંતિત જણાય છે. દિલ્હીમાં પહેલો કેસ ૨જી માર્ચે આવ્યો હતો. એ દર્દી રોહિત દત્તાને ૧૪મીએ રજા આપી હતી, પરંતુ એ પછી પણ સતત તેમને સરકારી તંત્રના પૂછપરછ માટે ફોનકોલ્સ આવે રાખે છે. એ ઉપરાંત પણ તેમને સગાં-સંબંધીઓ તરફથી જે પ્રતિભાવ મળે છે એ તેમના માટે વધારે ચિંતાજનક હોય છે. એટલા માટે એ કોઈને મળવાનું ટાળે છે. મોટાભાગે ઓરડામાં બંધ રહેવાનું પસંદ કરે છે. બીજી વખત સંક્રમણની શક્યતા હોવાથી તેમનો શ્વાસ સતત અદ્ધર રહે છે.

કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ અટકાવવા મુદ્દે મોદી સરકાર વિપક્ષના નિશાના પર

સરકાર ઉપર આર્થિક બોજ ન વધે તે માટે કેન્દ્ર સરકારે જુલાઈ ૨૦૨૧ સુધી કેન્દ્રીય કર્મચારીઓને મળનારા ડીએને અટકાવી દેવાની જાહેરાત કરી હતી. મોંઘવારી ભથ્થું પણ ૨૦૨૧ સુધી નહીં મળે. એ મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ મોદી સરકારની ટીકા કરી હતી. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પી. ચિદમ્બરમ્ અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓએ વિડીયો કોન્ફરન્સ કરી હતી. એમાં સરકારના આ નિર્ણયની ઝાટકણી કાઢી હતી. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું કે અત્યારે આ પગલું ભરવાની બિલકુલ જરૂર ન હતી. તેનાથી સરકારી કર્મચારીઓ અને સૈનિકોની મુશ્કેલીમાં વધારો થશે. બીજી તરફ સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને મધ્યમ અને લઘુ ઉદ્યોગોની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોંગ્રેસ પ્રમુખે પત્રમાં મોદીને લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો ફરી ધમધમતા થાય તેવી માગણી કરી હતી. આ બંને મુદ્દે કેન્દ્ર સરકાર આગામી દિવસોમાં પણ વિપક્ષી નેતાઓના નિશાનામાં રહેશે.

લોકડાઉનના કારણે ભારતમાં ઈન્ટરનેટનો વપરાશ વધ્યો

ટેલિકોમ મંત્રાલયના આંકડા પ્રમાણે ભારતમાં ૨૨મી માર્ચથી ઈન્ટરનેટનો વપરાશ વધ્યો છે. ઘરમાં જ રહેવાના કારણે મોબાઈલ ડેટાનો વપરાશ વધ્યો છે. તે ઉપરાંત અસંખ્ય લોકો લોકડાઉન દરમિયાન ઘરેથી કામ કરતા હોવાના કારણેય મોબાઈલ ઈન્ટરનેટનો ઉપયોગ વધારે કરે છે. ટેલિકોમ મંત્રાલયના કહેવા પ્રમાણે લોકડાઉનના સમયગાળામાં ઈન્ટરનેટ ડેટાના વપરાશમાં ૧૩ ટકાનો ઉછાળો આવ્યો છે. અત્યારે ભારતના  ઈન્ટરનેટ યુઝર્સ સરેરાશ દરરોજ ૩૦૮ પેટાબાઈટ્સનો વપરાશ કરી રહ્યાં છે.

તિહાર જેલના કેદીઓએ સેનિટાઈઝર્સનું ઉત્પાદન શરૂ કર્યું

તિહાર જેલમાં બંધ કેદીઓએ સેનિટાઈઝર્સનું ઉત્પાદન શરૂ કર્યું છે. દિલ્હી પોલીસના જવાનો આ સેનિટાઈઝર્સનો ઉપયોગ કરશે. પોલીસ જવાનોને હેન્ડ સેનિટાઈઝર્સની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હી પોલીસના જવાનોને સેનિટાઈઝર્સની અછત ન થાય તે માટે તિહાર જેલના કેદીઓએ આ ઉત્પાદન શરૂ કર્યું છે. પોલીસ ફેમિલી વેલ્ફેર સોસાયટીના કહેવા પ્રમાણે દિલ્હીમાં કાર્યરત પોલીસ જવાનો ઉપર સંક્રમણનો ખતરો વધ્યો છે. સેનિટાઈઝર્સની અછત ન થાય તે માટે તિહાર જેલ ઓથોરિટીનો સંપર્ક કરાયો હતો. જેલ ઓથોરિટીએ કેદીઓની મદદથી હેન્ડ સેનિટાઈઝર્સનું ઉત્પાદન શરૂ કરીને અછત દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

- ઈન્દર સાહની

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો