દિલ્હીની વાત : સ્કૂલ-કોલેજો સપ્ટેમ્બર પહેલાં ચાલુ નહીં થાય


સ્કૂલ-કોલેજો સપ્ટેમ્બર પહેલાં ચાલુ નહીં થાય

નવીદિલ્હી, તા.30 એપ્રિલ 2020, ગુરુવાર

મોદી લોકડાઉન ચાલુ રાખે કે ના રાખે પણ દેશભરમાં શૈક્ષણિક સંસ્થાઓ સપ્ટેમ્બર સુધી ચાલુ નહીં થાય. મોદી સરકારે અંદરખાને આ નિર્ણય લઈ લીધો છે ને તેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરાશે એવું સૂત્રોનું કહેવું છે. સ્કૂલ-કોલેજો ચાલુ કરવાની મંજૂરી અપાય તો કોરોનાવાયરસનો ચેપ ઝડપથી ફેલાય. સરકાર બાળકોને કોઈ રીતે જોખમમાં મૂકવા માંગતી નથી તેથી મોદી હમણાં સ્કૂલ-કોલેજો બંધ રાખવા જ માંગે છે.

વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે એ માટે સરકારે સ્વયંમ પ્રભા ટીવી ચેનલ શરૂ કરી છે ને તમામ ડીટીએચ ઓપરેટર્સને ફરજિયાતપણે આ ચેનલ બતાવવા કહી દેવાયું છે. આ ચેનલ ફ્રી ટુ એર છે તેથી તેના માટે કોઈ વધારાનો ચાર્જ નહીં ભરવો પડે.  

મોદીએ ઉધ્ધવને વિધાન પરિષદનું વચન આપ્યું ?

ઉધ્ધવ ઠાકરેને વિધાન પરિષદમાં નિમવાનો મુદ્દો હવે નરેન્દ્ર મોદી પાસે પહોંચ્યો છે. ઉધ્ધવે મુખ્યમંત્રીપદના શપથ લીધાના છ મહિનામાં વિધાનસભામાં ચૂંટાવું પડે. આ મુદત ૨૭ મેએ પૂરી થાય છે તેથી મહારાષ્ટ્ર કેબિનેટે ઉધ્ધવને વિધાન પરિષદમાં નિમવાની કાર્યવાહી કરવાનો ઠરાવ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મોકલ્યો હતો. રાજ્યપાલ પાસે ૧૨ સભ્યોને નિમવાની સત્તા છે. રાજ્યપાલે નિર્ણય ના લેતાં કેબિનેટે બીજી વાર ઠરાવ મોકલ્યો છતાં નિર્ણય ના લેવાતાં બુધવારે ઉધ્ધવે સીધો મોદીને અને પછી અમિત શાહને ફોન કર્યા

ઉધ્ધવે કોરોના સામે લડાઈના સમયમાં રાજ્યપાલ રાજકારણ રમી રહ્યા હોવાની ફરિયાદ કરી હતી. સૂત્રોનો દાવો છે કે, મોદીએ ઉધ્ધવને વચન આપ્યું છે કે, રાજ્યપાલને ઉધ્ધવને નિમવાની સૂચના આપી દેશે. ઉધ્ધવ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર હોવાથી તેમને કલા ક્ષેત્રની જાણીતી વ્યક્તિ તરીકે નિમી શકાય છે.

શિવસેના શનિવાર સુધી મોદીની સૂચનાની રાહ જોશે. પછી ચૂંટણી પંચને વિધાન પરિષદની નવ બેઠકોની પેટાચૂંટણી કરાવવા પત્ર લખશે. મોદી ને પંચ કંઈ નહીં કરે તો ઉધ્ધવ પાસે રાજીનામું આપીને ફરી શપથ લેવાનો વિકલ્પ જ રહેશે.

સરકારી તંત્રની લાલિયાવાડીમા રીશીની દીકરી અટવાઈ

ફિલ્મ સ્ટાર રીશી કપૂરની દીકરી  રિધ્ધિમા  સરકારી તંત્રની ચલચલાણાની રમત અને કેન્દ્રના ગૃહ મંત્રાલયની અનિર્ણાયકતાના કારણે પિતાનાં અંતિમ દર્શન ના કરી શકી ને અંતિમ સંસ્કારમાં પણ હાજર ના રહી શકી. દિલ્હીના બિઝનેસમેન ભારત સાહનીને પરણેલી રિધ્ધિમા દિલ્હીમાં રહે છે.

રીશીને હોસ્પિટલમાં દાખલ કરાયા પછી રિધ્ધિમાએ બુધવારે રાત્રે જ ચાર્ટર્ડ ફ્લાઈટથી મુંબઈ જવાની મંજૂરી માંગી હતી. દિલ્હી પોલીસે ગૃહ મંત્રાલયનો સંપર્ક કરવા કહેતાં તાત્કાલિક ગૃહ મંત્રાલયનો સંપર્ક કરીને અરજી અપાઈ. ગૃહ મંત્રાલયમાંથી એવો જવાબ મળ્યો કે, આ માટેની મંજૂરી માત્ર ગૃહ મંત્રી અમિત શાહ જ આપી શકે. રાત થઈ હોવાથી શાહનો સંપર્ક ના થઈ શકતાં રિધ્ધિમાને કોઈ ચોક્કસ જવાબ ના મળ્યો ને તેનો પરિવાર અટવાતો રહ્યો.

મોદીએ જયશંકર સામે નમતું જોખવું પડયું

યુ.એન. ખાતે ભારતના કાયમી પ્રતિનિધી સૈયદ અકબરુદ્દીન ગુરૂવારે નિવૃત્ત થઈ ગયા. તેમના સ્થાને વિદેશ મંત્રાલયમાં સચિવ ટી.એ, તિરૂમૂત નિમાયા છે. આ નિમણૂક બુધવારે મોડી સાંજે થઈ ને એ પહેલાં ભારે ખેંચતાણ ચાલી. અકબરુદ્દીને બ્રિટનને પછાડીને જસ્ટિસ ભંડારીને ઈન્ટરનેશનલ કોર્ટમાં જજ નિમવાથી માંડીને મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરાવવા સુધીનાં મિશન સફળતાપૂર્વક પાર પાડેલાં તેથી મોદી તેમને એક્સટેન્શન આપવા માગતા હતા.

જો કે વિદેશ મંત્રી જયશંકર અકબરુદ્દીનને દિલ્હીમાં ઈચ્છે છે. લોકડાઉન પછીની સ્થિતીમાં ભારતે આથક મોરચે બેઠા થવા વિદેશ નીતિમાં મોટો ફેરફાર કરવો પડશે. ભારત માટે બદલાયેલા સંજોગોમાં યુરોપના દેશો, અમેરિકા અને આરબ રાષ્ટ્રો અત્યંત મહત્વનાં છે. આ દેશો સાથે અકબરુદ્દીન જેવા પીઢ અને જરૂર પડે આક્રમક બની શકે તેવા ડિપ્લોમેટ સારી રીતે કામ લઈ શકશે એ વાત જયશંકર મોદીને ગળે ઉતારી શકતાં છેવટે મોદીએ તિરૂમૂતની નિમણૂકને મંજૂરી આપી.

સુશીલ મોદીના વીડિયોથી નીતિશ સરકારની આબરૂના ધજાગરા

બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીના વાયરલ થયેલા એક વીડિયોએ નીતિશ કુમાર સરકારની આબરૂના ધજાગરા ઉડાડી દીધા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બીજાં રાજ્યોમાં ફસાયેલા કામદારોને લાવવાની રાજ્યોને છૂટ આપી છે. વીડિયોમાં એક પત્રકારે આ અંગે મોદીને સવાલ પૂછે છે. મોદી જવાબ આપે છે કે, કેન્દ્ર સરકારે રેલ્વે શરૂ કરવાની મંજૂરી આપી નથી ને અમારી પાસે બસો જ ક્યાં છે કે બધાં રાજ્યોમાં ફસાયેલા કામદારોને લાવી શકીએ ?

બિહારમાં નીતિશ છેલ્લાં દસ વર્ષથી મુખ્યમંત્રી છે અને બિહારનો જોરદાર વિકાસ કરી નાંખ્યાના દાવા કરે છે ત્યારે તે પોતાના ગરીબ કામદારોને લાવવા બસોની વ્યવસ્થા ના કરી શકે એ બહુ શરમજનક કહેવાય એવી કોમેન્ટ્સ લોકો કરી રહ્યા છે. લોકો એવો કટાક્ષ પણ કરી રહ્યા છે કે, ચૂંટણી વખતે કે મોદીની સભા વખતે બિહાર-ઝારખંડથી માણસોને લાવવા બસો આવી જાય છે ને ગરીબો માટે જ બસો નથી ?

બાંગ્લાદેશી પ્રવાસીઓએ અધિકારીઓની ઉંઘ ઉડાડી

કેન્દ્રીય પર્યટન મંત્રાલયે અમિત શાહના ગૃહ મંત્રાલયની ચિંતા વધારી દીધી છે અને અધિકારીઓને દોડતા કરી દીધા છે. પર્યટન મંત્રાલયે રીપોર્ટ મોકલ્યો છે કે, માર્ચ મહિનામાં ૩.૨૮ લાખ વિદેશી પ્રવાસીઓ ભારત આવ્યા હતા. પર્યટન મંત્રાલયે ક્યા દેશના કેટલા પ્રવાસી ભારત આવ્યા તેના આંકડા પણ મોકલ્યા છે ને તેના કારણે અધિકારીઓની ઉંઘ ઉડી ગઈ છે. આ રીપોર્ટ પ્રમાણે વિદેશી પ્રવાસીઓમાંથી ૨૬ ટકા એટલે કે ૮૦ હજાર પ્રવાસી માત્ર બાંગ્લાદેશથી આવ્યા હતા.

આ રીપોર્ટના પગલે ક્યા દેશના કેટલા પ્રવાસી પાછા ગયા તે અંગેનો રીપોર્ટ નાગરિક ઉડ્ડયન મંત્રાલય પાસેથી મંગાવાયો તેમાં બાંગ્લાદેશી પ્રવાસીઓના ડેટામાં આવેલા ને ગયેલા પ્રવાસીઓમાં મોટો ફરક છે. માર્ચમાં જ તબલીઘી જમાતનો જલસો હતો. તેના કારણે સ્થાનિક તબલીઘીઓ સાથે બાંગ્લાદેશીઓ પણ ભારતમાં જ ગાયબ થઈ ગયા હોવાની આશંકા છે. આ બાંગ્લાદેશીઓને ક્યાં શોધવા એ સવાલ અત્યારે તો ગૃહ મંત્રાલયને સતાવી રહ્યો છે.   

***

અન્ય પેશન્ટની સારવારનો મોટો આધાર બનેલા મહોલ્લા ક્લિનિક

કોરોનાની સારવારમાં દિલ્હીની મોટાભાગની મોટી હોસ્પિટલો રોકાઈ ગઈ છે. એ કારણે અન્ય બીમારીથી ત્રસ્ત લોકોને સારવારમાં મોટી હોસ્પિટલોની કોઈ જ મદદ મળતી નથી, પરંતુ મહોલ્લા ક્લિનિકે આ કામ ઉપાડી લીધું છે. નાના ખાનગી ક્લિનિક અને સરકાર દ્વારા સંચાલિત મહોલ્લા ક્લનિક કોરોના સિવાયના પેશન્ટની સારવારનો મુખ્ય આધાર બની ગયા છે. મહોલ્લા ક્લિનિકના એક ડોક્ટરે કહ્યું હતું કે દિવસ દરમિયાન ઓછામાં ઓછાં ૧૮૦થી ૨૦૦ દર્દીઓ સારવાર માટે આવે છે. જે ડાયાબિટિસ, હૃદયયરોગ, આંખ-કાન-નાક, સંધિવા વગેરેથી પીડિત હોય છે. અંદાજે ૫૨માંથી ૪૨ મહોલ્લા ક્લનિક અત્યારે સક્રિય છે. એમાં સરેરાશ ૧૦૦ જેટલાં દર્દીઓને તપાસવામાં આવે છે.

લોકડાઉનમાં પાલતુ શ્વાન-બિલાડાની હાલત દયનીય

દિલ્હીમાં લોકડાઉનના કારણે પાલતુ પ્રાણીઓની સ્થિતિ દયનીય બની ગઈ છે. એનિમલ એક્ટિવિસ્ટના કહેવા પ્રમાણે લોકડાઉન દરમિયાન પાલતુ પ્રાણીઓને સાચવવાનું કામ કપરું બન્યું હોવાથી ઘણાં લોકોએ ક્રૂરતાપૂર્વક તેમને રસ્તે રઝળતા મૂકી દીધા છે.

 આવા સજીવોને એનિમલ કેર સંસ્થાઓએ આશ્રય આપ્યો છે. તેમના ફૂડની વ્યવસ્થા ન થઈ શકતી હોવાથી લોકોએ સજીવોને ત્યજી દીધા છે. બીજું કારણ સજીવોથી કોરોના થતો હોવાની માન્યતાના પગલે પણ લોકોએ પ્રાણીઓને ઘરમાંથી કાઢી મૂક્યા છે. કાર્તિક સત્યનારાયણ નામના એક એક્ટિવિસ્ટે જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન પાલતુ શ્વાન અને બિલાડાને છોડી મૂકવાનું પ્રમાણ ત્રણ ગણું વધી ગયું છે.

પગાર ન અટકે તે માટે સરકાર રાહત આપે : કોંગ્રેસ

પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે કેન્દ્ર સરકાર પાસે માગણી કરી હતી કે પ્રાઈવેટ સેક્ટરમાં કાર્યરત કર્મચારીઓનો એપ્રિલ માસનો પગાર ન અટકે એ માટે સરકાર રાહત પેકેજ જાહેર કરે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ્ે કહ્યું હતું કે લોકડાઉનના કારણે એપ્રિલ માસમાં એક પણ દિવસનું કામ કર્મચારીઓ કરી શક્યા નથી. એવા સંજોગોમાં તેમનો પગાર થાય તેવી શક્યતા નથી. ખાનગી કંપનીઓ ઉપર ભારણ ન પડે એ માટે સરકાર તાત્કાલિક અસરથી તમામ કંપનીઓ માટે રાહત પેકેજ જાહેર કરે. ખાસ તો લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોમાં કાર્યરત કર્મચારીઓની છટણી થાય એવી પણ શક્યતા છે. જે કંપનીઓને કંઈ જ પ્રોડક્શન થયું ન હોવાથી કર્મચારીઓનો પગાર પોષાય તેમ ન હોય એવી કંપનીઓને સરકાર રાહત આપે તે જરૂરી છે. 

સરકારી કર્મચારીઓએ એપ ડાઉનલોડ કરવી ફરજિયાત

સરકારી કર્મચારીઓ માટે નવો નિયમ આવ્યો છે. સરકારી કર્મચારીઓને ઓફિસમાં તો જ પ્રવેશવા દેવાશે કે જો તેમના સ્માર્ટફોનમાં સરકારની આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ હશે. આ એપ કોરોના વાયરસથી બચવા માટે ઉપયોગી હોવાનું સરકારે જણાવ્યું હતું. સરકારી કર્મચારીઓએ આ એપ ડાઉનલોડ કરવી ફરજિયાત છે એવો આદેશ પર્સોનલ એન્ડ ટ્રેઈનિંગ વિભાગે આપ્યો છે. કેન્દ્રીય કર્મચારીઓ ઉપરાંત રાજ્ય સરકારના કર્મચારીઓ અને પબ્લિક સેક્ટરના કર્મચારીઓએ પણ આ નિયમનું પાલન કરવું જોઈએ, એવું સ્ટેટમેન્ટ સરકારે આપ્યું હતું.

- ઈન્દર સાહની

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો