ગૃહમંત્રી અમિત શાહના ‘અજ્ઞાત વાસ’થી અનેક તર્ક-વિતર્કો, મોદી સાથે મતભેદ હોવાની ચર્ચા


- વડાપ્રધાન અને ગૃહમંત્રી વચ્ચે મતભેદ હોવાની પણ ચર્ચાઓ : નરેન્દ્ર મોદી હવે કટોકટીની સ્થિતિમાં અજીત ડોભાલને જ મેદાનમાં ઉતારે છે 

નવીદિલ્હી, તા. 26 એપ્રિલ 2020, રવિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકારણની 'શતરંજ' અત્યંત ચતુર ખેલાડી છે તેમાં બેમત નથી. એક કુશળ ચેસ પ્લેયરની જેમ જ કયા મહોરાને ઉતારવાથી તેમને ક્યારે વધારે ફાયદો થશે તેનાથી સારી રીતે વાકેફ છે. ઘણી વખત તો એવી ચતુરાઇપૂર્વક 'ચાલ' રમી જાય છે કે સામેવાળી વ્યક્તિને ઘણા સમય બાદ એ વાતનો અહેસાસ થાય છે કે તે વડાપ્રધાન દ્વારા 'ચેક મેટ' થઇ ગયા છે. આ જ બાબત હવે  કેન્દ્રિય ગૃહ મંત્રી અને 'નંબર-૨' એવા અમિત શાહ સાથે પણ થઇ હોય તેમ જણાય છે. 

ગત વર્ષે લોકસભાની ચૂંટણીમાં ભાજપના પ્રચંડ વિજય બાદ ગૃહ મંત્રી અમિત શાહ સરકારમાં 'નંબર-૨' તરીકે પ્રસ્થાપિત થઇ ગયા હતા. તેઓ 'ફ્રન્ટ ફૂટ'માં આવી નિર્ણયો લેવામાં, મીડિયામાં ઇન્ટરવ્યૂ આપવામાં, સંસદમાં અત્યંત મહત્વના બિલ રજૂ કરવામાં તેઓ આગળ પડતા રહ્યા હતા અને કેન્દ્ર સરકારના ચહેરા તરીકે ઉભરી આવ્યા હતા. જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત  પ્રદેશ જાહેર કરવાના ઐતિહાસિક નિર્ણયમાં પણ મહત્વની ભૂમિકા અદા કરી હતી. આ પછી અમિત શાહની સરખામણી સરદાર પટેલ સાથે પણ થવા લાગી હતી. સરદાર પટેલનું સ્વપ્ન સાકાર કરવા બદલ  ભાજપના કેટલાક નેતાઓ અમિત શાહને 'છોટે સરદાર' તરીકે પણ  બોલાવવા લાગ્યા હતા. અમિત શાહે ત્યારબાદ નાગરિક સંશોધન બિલ પસાર કરાવ્યું હતું અને એનઆરસીની પહેલ કરી હતી.  જેનાથી વિવાદનો મધપૂડો પણ છેડાયો હતો અને સમગ્ર દેશમાં ધરણા પ્રદર્શન થવા ઉપરાંત હિંસાની પણ ઘટનાઓ બની હતી. આમછતાં અમિત શાહ તેમના સ્થાનમાં યથાવત્ રહ્યા અને સાથે તેમણે એવો પડકાર પણ ફેંક્યો કે, 'આ બિલ કોઇ પણ સંજોગોમાં પરત નહીં જ ખેંચાય અને જેમને તેની સામે વિરોધ કરવો હોય તે કરી શકે છે.' તેમણે દિલ્હી ખાતે પ્રદર્શનકારીઓ સાથે બેઠક કરવાનો પણ ધરાર ઇન્કાર કરી દીધો હતો. 

આ દરમિયાન અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના અતિથિ બનવાના હતા તે જ અરસામાં દિલ્હીમાં થયેલી કોમી હિંસામાં ૫૦થી વધુ વ્યક્તિના મૃત્યુ થયા હતા. તમામ આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ ટ્રમ્પની ભારત મુલાકાત કરતાં દિલ્હીમાં થયેલી કોમી હિંસાને જ વધારે પ્રાધાન્ય અપાયું હતું. આ તમામ ઘટનાઓથી નારાજ થયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના ખૂબ જ વિશ્વાસુ એવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને મેદાનમાં ઉતારવા પડયા હતા. વડાપ્રધાનની સૂચના અનુસાર અજીત ડોભાલે રમખાણગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી, પોલીસ-અન્ય નાગરિકો સાથે બેઠક કરીને સ્થિતિને નિયંત્રણમાં લાવી દીધી હતી. 

આ પ્રથમ એવી ઘટના હતી જેમાં ગૃહ મંત્રી અમિત શાહ 'ફ્રન્ટ સીટ'માં નહીં પણ પડદા પાછળ હતા. આ ઘટના બાદ ેઅમિત શાહનો 'અજ્ઞાાત વાસ' યથાવત્ રહ્યો છે. ગૃહ મંત્રાલયની મહત્વની બેઠકમાં પણ તેઓ પડદા પાછળ જ જોવા મળી રહ્યા છે અને વડાપ્રધાનની સૂચના અનુસાર તેમાં તમામ નિર્ણય અજીત ડોભાલ દ્વારા જ લેવાઇ રહ્યા છે. અમિત શાહનું આ રીતે અચાનક જ પડદા પાછળ આવી જવાથી દિલ્હીના સરકારી બાબુઓ, મીડિયાના વર્તુળોમાં એવી ચર્ચાએ વેગ પકડયો છે કે વડાપ્રધાન અને નંબર-૨ વચ્ચે હવે મતભેદ ચરમે પહોંચી ગયા છે કે કેમ? 

જોકે, બંને વચ્ચે મતભેદ વધારે ગંભીર સ્થિતિમાં પણ નથી. હકીકત એ છે કે વડાપ્રધાને સમગ્ર સ્થિતિ પોતાના  નિયંત્રણ હેઠળ લઇ લીધી છે. જેના લીધે તેઓ અથવા તો પીએમઓમાંથી અજીત ડોભાલ જેવા તેમના વિશ્વાસુ દ્વારા સ્થિતિ પર નિયંત્રણ મેળવવામાં આવે છે. હાલમાં મહામારી કોરોનાને લીધે લોક ડાઉન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ જેવા નિર્ણયો જાહેર કરવામાં આવ્યા તેમાં પણ ગૃહ મંત્રી ક્યાંય ચિત્રમાં જોવા મળ્યા નહોતા. સામાન્ય રીતે દેશમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ પસાર કરવામાં આવે ત્યારે સમગ્ર વહિવટી કામગીરી માટે ગૃહ બાબતના મંત્રાલયની કામગીરી મહત્વની થઇ જાય છે. જેનાથી વિરોધાભાસ ગૃહ મંત્રી હોવા છતાં અમિત શાહ ભાગ્યે જ ક્યાંય જોવા મળે છે. કોરોના સંદર્ભે તેમના દ્વારા ના કોઇ નિવેદન અપાયું છે અને ના તેમણે મીડિયામાં કોઇ ઇન્ટરવ્યુ આપેલો છે. વડાપ્રધાન દ્વારા બોલાવવામાં આવતી મીટિંગમાં તેઓ ક્યારેક જોવા મળે છે. પરંતુ આ મીટિંગના ફોટામાં તેમની બોડી લેંગ્વેજ સંપૂર્ણ અલગ દેખાય છે. 

અધૂરામાં પૂરું તબ્લિગી જમાતનો મુદ્દો સામે આવ્યો ત્યારે અમિત શાહે નહીં પણ અજીત ડોભાલે સ્થિતિ સંભાળી હતી. સરકારના અત્યંત નિકટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે 'અમિતભાઇ છેલ્લા કેટલાક સમયથી લો પ્રોફાઇલ છે તે વાતમાં તથ્ય પણ છે. પરંતુ તેઓ શા માટે લો પ્રોફાઇલ છે તેનો તાગ મેળવી શકાતો નથી. તેમણે જાતે જ લો પ્રોફાઇલ રહેવાનું સ્વિકારી લીધું છે કે પછી તેમની સત્તા પર કાપ મૂકાઇ ગયો હોવાથી તેઓ પડદા પાછળ જ રહે છે. આ વાત પરથી તો આવનારા સમયમાં જ પડદો ઉંચકાશે. '


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો