ડિપ્થેરિઆની મહામારીની દહેશત ફેલાઈ ગઈ

- સ્લેજ ડોગની વિરોચિત કહાની - ભાગ-5

- આજે કોરોનાની રસી નથી, તેમ એ જમાનામાં ડિપ્થેરિઆની રસી શોધાઈ નહોતી

- ડિપ્થેરિઆના દર્દીઓની સારવાર કરતા ડૉક્ટર વેલ્ચ નિ:સહાયતા અનુભવતા હતા'


વર્ષ ૧૯૧૭નો એક કેસ ડોકટરને બરાબર યાદ હતો. તે વખતે જો કે ડોકટર વેલ્ચ  નોમમાં નહોતા પણ  થોડે દૂરના કેન્ડલ નામના ટાઉનમાં પ્રેકટીસ કરતા હતા. ત્યારે એક દિવસ બોબી બ્રાઉન નામના એક માણસને સ્લેજ ગાડીમાં નાંખીને  ચાર-પાંચ જણ દવાખાને આવ્યા હતા. તે માણસને  ઇન્ટરનલ બ્લિંડિંગ થતું હતું અને તેનો એક પગ  લગભગ કપાઇ ગયો હતો. સોનાની ખાણમાં ફરજ દરમિયાન તેને આ ગંભીર ઇજા થઇ હતી. ડોકટર એને બચાવી તો નહોતા શક્યા, પણ તેના સગા-સંબંધીઓ હોસ્પિટલ આવી પહોંચે ત્યાં સુધી એ દર્દીના શ્વાસ ટકાવી શક્યા હતા. 

૧૯૧૮-૧૯માં ઇન્ફલુએન્ઝાની મહામારી ફેલાઇ હતી. એ વખતે ખુદ વેલ્ચે ડોકટર તરીકે પોતે લાચારી અનુભવી હતી અને ઘણાં લોકોને મૃત્યુની ગોદમાં જતા ડોકટર પોતે બચાવી શક્યા નહોતા. 

આ વર્ષે નોમના ગ્રામજનોએ મંગાવેલી જીવનજરૂરી ચીજવસ્તુઓનો જથ્થો  ઊતારીને છેલ્લું જહાજ નોમના બંદરેથી રવાના થઇ ગયું તે પછી ડોકટર પાસે ટોન્સિલાઇટિસના એક પછી એક કેસો આવવા માંડયા. સૌ પહેલો કેસ નજીકના હોલી ક્રોસ ગામના એક ઓસ્કિમો  પરિવારના બે વર્ષના બાળકનો હતો. જેનું હોસ્પિટલમાં દાખલ થયાના બીજા જ દિવસે મૃત્યુ થયું હતું. 

ડિસેમ્બરની ૨૪મી તારીખે બીજા એક માંદા બાળકનો કેસ આવ્યો. ૭ વર્ષની માર્ગારેટ સોલ્વે નામની બાળકીને થોડો તાવ હતો અને ગળામાં સખત દુ:ખાવાની  તેની ફરિયાદ હતી. 

છોકરીને જોઇ ડોક્ટરને લાગ્યું કે તેને કદાચ 'ફોલિક્યુલર ટોન્સિલાઇટિસ'થયુ હશે. પણ ગ્રામ્ય વિસ્તારની આ છોકરીની મા અંધશ્રધ્ધાળુ હતી. માર્ગારેટને ડોક્ટર વેલ્ચ તપાસે એમ તે નહોતી ઇચ્છતી. છોકરીનો પિતા બિઝનેસ માટે બીજા રાજ્યમાં ગયો હતો.

ડોક્ટરે છોકરીની માને સલાહ આપતા કહ્યું કે આને આરામની જરૂર છે, થોડા દિવસ અહીં હોસ્પિટલમાં તેને આરામ માટે દાખલ કરી દઉં.

'ફોલિક્યુલર ટોન્સિલાઇટિસ' માં દર્દીનું ટેમ્પરેચર ૧૦૨ થી ૧૦૪ ડિગ્રી સુધી પહોંચી જાય છે. અને બીજી બાજુ દર્દીને ઠંડી પણ ચઢી જાય છે, તેને સખત માથું દુ:ખે છે, શરીરના હાડકામાં પણ દુ:ખાવો ઉપડે છે. દર્દીની ભૂખ મરી જાય છે. છ કે બાર કલાક પછી દર્દીમાં ટોન્સિલના લક્ષણો દેખાવા માંડે છે.

બેક્ટેરિઆ કે વાયરસથી થતો આ રોગ ચેપી છે. અને એક દર્દીમાંથી બીજાને તેનો ચેપ લાગે છે. વાયરસથી થતો ટોન્સિલાઇટિસ ૭ થી ૧૦ દિવસ દરમિયાન બીજાને ચેપ લગાડે છે. જ્યારે બેક્ટેરિઆથી થતો ટોન્સિલાઇટિસ બે અઠવાડિયા સુધી ચેપ ફેલાવતો રહે છે.

ડોક્ટરે માર્ગારેટને આરામની સલાહ આપી, પણ દિવસો વીતતા તેની તબિયત વધારે બગડવા માંડી. નોમમાં તા.૨૫ ડિસેમ્બરે આનંદ ઉલ્લાસથી ગ્રામજનોએ ક્રિસમસની ઊજવણી કરી તેના ત્રીજા જ દિવસે તા.૨૮મી ડિસેમ્બરે માર્ગારેટે છેલ્લો શ્વાસ લીધો.

ડોક્ટર વેલ્ચે વિચાર્યું કે માર્ગારેટની 'ઓટોપ્સી' કરવાથી તેના રોગનું ચોક્કસ નિદાન કહી શકાશે, પણ માર્ગારેટની માએ ડોક્ટરને 'ઓટોપ્સી' કરવાની ચોખ્ખી ના પાડી દીધી. દીકરીના મૃતદેહને પણ પુરૂષ ડોક્ટર અડકે તે એની માને કદાચ પસંદ નહોતું.

માર્ગારેટના કેસથી ડોક્ટરની ચિંતા વધી ગઇ. ડોક્ટરે તેમની ડાયરીમાં નોંધ કરી, 'માત્ર ટોન્સિલાઇટિસથી જવલ્લે જ દર્દીનું મોત થાય છે. જો કે ક્યારેક આ રોગ પણ દર્દીનો ભોગ લઇ લે છે.''

માસુમ બાળકી માર્ગારેટનું તા.૨૮મી ડિસેમ્બરે મૃત્યુ થયું તે પછી વર્ષ ૧૯૨૫ના જાન્યુઆરીમાં તો ડોક્ટરને વધુ ચિંતાજનક ખબર મળવા માંડી. નોમના બે છોકરા બહાર રમતા રમતા જ મૃત્યુ પામ્યા હોવાની ખબર સાંભળીને તો ડોક્ટર વેલ્ચને કાંઇક બહુ જ અમંગળ થવાના ભણકારા સંભળાવા માંડયા.

'તે પછી તા.૨૦મી જાન્યુઆરીને મંગળવારે બીજી વધારે માઠી ઘટના બની. બે અઠવાડિયા અગાઉ હોસ્પિટલમાં દાખલ કરેલા ત્રણેક વર્ષની ઉંમરના બિલી બાર્નેટ નામના એક બાળકને તપાસતી વેળા ડોક્ટર ચોંકી ઊઠયા.

લગભગ બાર-ચૌદ દિવસ અગાઉ માતા-પિતા એમના વ્હાલસોયા માસુમ દીકરા બિલીને લઇ ડોક્ટર પાસે આવ્યા હતા. બિલીને ગળામાં દુ:ખાવો થતો હતો. એને તાવ હતો. છોકરાને ખૂબ નબળાઇ પણ આવી ગઇ હતી.

પણ બે અઠવાડિયા પછી ૨૦મીએ ડોક્ટરે તેને તપાસ્યો ત્યારે એ છોકરામાં નવા ચિંતાનજક લક્ષણોએ દેખા દીધી હતી. ગળામાં ભૂખરા રંગના જાણે છાલા પડી ગયા હતા. નાકની અંદરની ચામડી પણ બહુ આળી થઇ જવાથી છોકરો સતત દુ:ખાવાથી પીડાતો હતો.

બિલીના કાકડા પર પણ ભૂખરા રંગના ચાંદા પડી ગયા'તા. જેના પર થોડું લોહી પણ જામી ગયુ હતું. તેના મોઢાની ચામડી પણ આળી થઇ જવાથી તેને દુ:ખાવો થયા કરતો હતો.

ડોક્ટરના મનમાં મોટો ધ્રાસ્કો પડયો.. અરે, આ લક્ષણો તો નાના બાળકોનો ભોગ લેતા, સદીઓ જૂના રોગ ડિપ્થેરિઆના છે..! અને ડિપ્થેરિઆની દવાનો સ્ટોક તો આરોગ્ય અમલદારની વડી કચેરીએ લખાવા છતાં અહીં આવ્યો જ નથી! આ રોગ મેડિકલની પરિભાષામાં 'ડિપ્થેરિઆ' તરીકે ઓળખાય છે, પણ લોક ભાષામાં તે 'સ્ટ્રેન્ગલર' તરીકે પ્રચલિત છે.

ડિપ્થેરિઆમાં બાળકોના ગળામાં એટલો બધો સોજો આવી જાય છે કે, તેને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડે છે, અને આખરે શ્વાસ નહીં લઇ શકવાથી બાળકનું મોત નીપજે છે.

અંગ્રેજી શબ્દ 'સ્ટ્રેન્ગલ' નો અર્થ, કોઇનું ગળું દબાવીને મારી નાંખવું', એવો થાય છે. અને સ્ટ્રેન્ગલ પરથી શબ્દ બન્યો 'સ્ટ્રેન્ગલર' અર્થાત 'કોઇનું ગળું દબાવીને મારી નાંખનાર', આ મારી નાંખનાર કોઇ માણસ પણ હોઇ શકે, પણ અહીં મેડિકલની પરિભાષામાં બાળકનો શ્વાસ રૂંધી નાખનાર કોઇ માણસ નહીં પણ જીવલેણ બેક્ટેરિયા છે. એટલે જૂના જમાનામાં લોક બોલીમાં આ રોગનું નામ 'સ્ટ્રેન્ગલર' પડી ગયું હતું.

ડિપ્થેરિઆ હવામાં તરતા એક પ્રકારના બેક્ટેરિઆથી થતો ચેપી રોગ છે. આ જીવલેણ બેક્ટેરિઆ ખાસ કરીને બાળકના ગળા અને નાકની ભીનાશવાળી ચામડી પર અડ્ડો જમાવીને ત્યાં ઝડપથી વૃધ્ધિ પામે છે. પછી એ બેક્ટેરિઆ બાળકના ગળા અને નાકના અંદરના ભાગમાં (વિશિષ્ટ રોગનું કારણભૂત) વિષ (ટોક્સિન) છોડે છે.

બેકટેરિઆ જેટલી ઝડપે વધે તેટલા વધુ પ્રમાણમાં બેકેરિઆનું વિષ એ બાળકના ગળા અને નાકમાં પ્રસરતું રહે છે. જેના કારણે  બાળક વધુને વધુ અશક્ત, માંદલું અને એકદમ સુસ્ત તેમજ ઉદાસીન બનતું જાય છે. બે - ચાર દિવસમાં એ બાળકમાં વધુ ઘાતક લક્ષણો દેખા દે છે : પહેલા તાવ આવે છે, અને પછી  ગળા અને મોઢાના અંદરના ભાગમાં લાલ- લાલ ચાંદા પડે છે.

બેક્ટેરિઆની વૃધ્ધિ જેમ જેમ થતી જાય, તેમ એ વધુને વધુ પ્રમાણમાં વિષ (ટોક્સિન) છોડતા રહે છે. પરિણામ એ આવે છે કે બાળકના ગળા અને મોઢામાં પડેલા ચાંદા વધતા જવાથી ત્યાં મૃત કોષો, થીજી ગયેલા લોહીના ગઠ્ઠા, તેમજ મૃત ચામડીનું આખું પડ રચાઈ જાય છે. આ પડ પછી વિસ્તરતું જાય છે અને છેવટે શ્વાસનળીમાં તેનો ભરાવો થવાથી બાળકને શ્વાસ લેવામાં ભારે ગુંગળામણ થાય છે, જે અંતે બાળક માટે જીવલેણ પુરવાર થાય છે.

બાળક માટે આ ધીમું પણ અત્યંત દુ:ખદાયી અને પરિવારજનોને અત્યંત ગભરાવી મુકે તેમજ આઘાત પહોંચાડે તેવું મૃત્યુ છે. ડિપ્થેરિઆ મોટા ભાગે એકથી દશ વર્ષના બાળકોનો જ ભોગ લે છે.

ડોકટર વેલ્ચ લખે છે કે અગાઉ એક વખત ડિપ્થેરિઆનો રોગચાળો ફાટી નીકળ્યો હતો, એ વખતે જે બાળકોને ચેપ લાગ્યા હતા, એ બાળકોમાં ચેપ વધુ વિસ્તરે અને તેને શ્વાસ લેવામાં અત્યંત તકલીફ પડે તે વેળા બાળક ખૂબ પીડાઈને તરફડિયા મારતા હતા. એ દ્રશ્યો ખુદ ડોકટરોને પણ હલબલાવી નાંખે એટલા દુ:ખદાયક હતા.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે