કોરોનાની આફત વચ્ચે પણ પાકિસ્તાનની નાપાક હરકતો

- પાકિસ્તાનમાં જ કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા વધી રહી છે એને કાબુમાં લેવા માટે ન તો પાકિસ્તાની સરકારની દાનત છે કે ન તો પહોંચ છે ઉલટું ભારતની સરહદમાં કોરોનાગ્રસ્ત આતંકવાદીઓ ઘૂસાડીને તે ધરપત મેળવવા માંગે છે


આખી દુનિયા કોરોના સામેના જંગમાં લાગી છે ત્યારે પાકિસ્તાન આવા કપરા સમયે પણ પોતાની નાપાક હરકતોમાંથી બહાર નથી આવતું. ગુપ્તચર ખાતાના રિપોર્ટ અનુસાર પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં આશરે ૩૦૦ જેટલા આતંકવાદીઓ ભારતની સરહદમાં ઘૂસવાની ફિરાકમાં છે. એવી જાણકારી સામે આવી છે કે આ ઘૂસણખોરોમાં કોરોનાગ્રસ્ત આતંકવાદીઓ પણ હોઇ શકે છે જેમનો ઇરાદો ભારતમાં કોરોના વાઇરસ ફેલાવવાનો છે. 

સેનાના રિપોર્ટ અનુસાર આતંકવાદી સંગઠનો હિઝબુલ મુઝાહિદ્દીન અને લશ્કર-એ-તોઇબાના ૩૦૦ જેટલા આતંકવાદીઓ ઘૂસણખોરીની તૈયારીમાં છે. પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ અને પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પાસે ૧૬ લૉન્ચપેડ સક્રિય કર્યા છે. એમાંના કેટલાક નૌશેરા અને ચમ્બની દુર્ગમ પહાડી વિસ્તારોમાં છે. આતંકવાદીઓ આ વિસ્તારમાં થઇને કાશ્મીરના ગુલમર્ગમાં આસાનીથી પ્રવેશી શકે છે. નિયંત્રણ રેખા પર સંઘર્ષ અને અથડામણની સ્થિતિમાં સૈનિકોને મૃતદેહોને અત્યંત સાવધાનીપૂર્વક હેન્ડલ કરવાની તાકીદ કરવામાં આવી છે કારણ કે તેઓ કોરોના વાઇરસથી સંક્રમિત હોઇ શકે છે. 

છેલ્લા એક મહિનાથી પાકિસ્તાની સેના સરહદ પર અનેક વખત યુદ્ધવિરામનો ભંગ કરીને ફાયરિંગ કરી ચૂકી છે. પાકિસ્તાનના અમાનવીય કૃત્યનો એ વાતે પરિચય મળે છે કે ભારત કોરોનાગ્રસ્ત દેશોમાં દવાઓ મોકલી રહ્યું છે ત્યારે પાકિસ્તાન આતંકવાદને સપ્લાય કરવામાં રોકાયેલું છે. કદાચ પાકિસ્તાન એવા ભ્રમમાં લાગે છે કે ભારત કોરોના સામે લડાઇ લડવામાં વ્યસ્ત છે અને પોતાની સરહદોની સુરક્ષા કરવાના મામલે બેધ્યાન હશે. પરંતુ એ પાકિસ્તાનનો ભ્રમ છે અને ભારતીય સેના સંપૂર્ણ ચોકસાઇ સાથે સરહદોની સુરક્ષામાં તૈનાત છે. 

છેલ્લા એક મહિનામાં સુરક્ષા દળોએ વીસ કરતા વધારે આતંકવાદીઓને જુદી જુદી અથડામણોમાં ઠાર માર્યા છે. ઘૂસણખોરી અને અથડામણની વધી રહેલી ઘટનાઓને જોતાં પાકિસ્તાનની અકળામણ અને ભારત પ્રત્યેની નફરતનો ખ્યાલ આવે છે. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ દૂર કર્યા બાદ કાગારોળ મચાવી રહેલા પાકિસ્તાને ભારે કાગારોળ મચાવી પરંતુ  ચોમેરથી નિષ્ફળતા સાંપડયા બાદ તે ભારતમાં આતંકવાદી હુમલાઓ કરાવવાના કાવતરા કરી રહ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાને કાશ્મીર મુદ્દે પોતાની તમામ તાકાત લગાવી દેવાના દાવા કર્યા હતાં અને અણુયુદ્ધ સુદ્ધાંની ધમકી પણ આપી હતી. જોકે લશ્કરી તાકાતમાં ભારત સામે જરાય ટકી શકે એમ ન હોવાના કારણે પાકિસ્તાન ભારતમાં આતંકવાદ ફેલાવવાના કારસા રચી રહ્યું છે. થોડા સમય અગાઉ પણ ઇન્પુટ્સ હતાં કે ચારે તરફથી નિરાશા સાંપડયા બાદ પાકિસ્તાન સરહદપારથી આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવામાં લાગી ગયું છે. 

જમ્મુ-કાશ્મીરમાં લાંબા સમયથી જોવામાં આવે છે કે પરિસ્થિતિ સામાન્ય થવા લાગે કે આતંકવાદી હુમલા દ્વારા સ્થાનિક લોકોને ખાસ સંદેશ આપવાના પ્રયાસ થાય છે. સ્પષ્ટ છે કે આતંકવાદીઓ કાશ્મીરમાં અશાંતિ અને અરાજકતાનો માહોલ કાયમ બનાવી રાખવા માંગે છે કે જેથી કરીને લોકોમાં ભ્રમ બનેલો રહે. આ માટે સરહદપારના આતંકવાદી સંગઠનો તરફથી મદદ મળતી રહે છે. પાકિસ્તાનસ્થિત આતંકવાદી ઠેકાણાઓ દ્વારા આતંકવાદી ગતિવિધિઓનું સંચાલન થતું રહે છે. પાકિસ્તાનને તેની જમીન પરથી કામ કરતા આતંકવાદી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવાની વારંવારની માંગ છતાં કોઇ નક્કર પગલાં લેવાતા નથી. ખરેખર તો આતંકવાદીઓ ઇચ્છતા જ નથી કે કાશ્મીરના લોકો સમાજની મુખ્ય વિચારધારામાં સામેલ થાય. કાશ્મીરના યુવાનોને ભટકાવીને આતંકવાદના માર્ગે ધકેલી દેવા એ જ તેમનો એજેન્ડા છે. 

પાકિસ્તાની સરકાર અને સેના ઉપરાંત સમાંતર સરકાર ચલાવતી ગુપ્તચર સંસ્થા આઇએસઆઇની સમસ્યા એ રહી છે કે તે નીતિગત રીતે આતંકવાદી સંગઠનો અને તેમના આકાઓનો ઉપયોગ કરવો યોગ્ય સમજતી આવી છે. આ આત્મઘાતી વિચારધારાના કારણે જ પાકિસ્તાનમાં મોટા પાયે આતંકવાદી સંગઠનોને પાળવા અને પોષવાનું કામ થતું આવ્યું છે. કોઇ આતંકવાદી સંગઠન ઉપર પ્રતિબંધ મૂકાય ત્યારે દુનિયાને ગેરમાર્ગે દોરવા માટે જ એ સંગઠન અને આતંકવાદના આકાને નવા નામ સાથે નવેસરથી નવું સંગઠન ઊભું કરવાની સુવિધા આપવામાં આવે છે. એ સાથે આતંકવાદની ફેકટરી ચલાવતા મસૂદ અઝહર અને હાફિઝ સઇદ જેવા આતંકવાદીઓ બેરોકટોક સામાન્ય જીવન જીવી શકે છે. ખરેખર તો પાકિસ્તાન સુધરે એવા અણસાર ઓછા છે. ઉલટું દુનિયાની આંખોમાં ધૂળ નાખવા તે એવો ડોળ કરે છે કે તે ખુદ આતંકવાદથી પીડિત છે.

કોઇ આતંકવાદી સંગઠન ઉપર પ્રતિબંધ મૂકાય ત્યારે દુનિયાને ગેરમાર્ગે દોરવા માટે જ એ સંગઠન અને આતંકવાદના આકાને નવા નામ સાથે નવેસરથી નવું સંગઠન ઊભું કરવાની સુવિધા આપવામાં આવે છે. એ સાથે આતંકવાદની ફેકટરી ચલાવતા હાફિઝ સઇદ જેવા આતંકવાદીઓ બેરોકટોક સામાન્ય જીવન જીવી શકે છે. ખરેખર તો પાકિસ્તાન સુધરે એવા અણસાર ઓછા છે. ઉલટું દુનિયાની આંખોમાં ધૂળ નાખવા તે એવો ડોળ કરે છે કે તે ખુદ આતંકવાદથી પીડિત છે. ચીન પાકિસ્તાનના આ ઢોંગનું સાથી બનેલું છે.

દુનિયા પણ જાણી ગઇ છે કે પાકિસ્તાન આતંકવાદીઓનું મનગમતું શરણસ્થાન છે. પાકિસ્તાન આતંકવાદીઓને બેમર્યાદ ફંડ પૂરું પાડે છે. આતંકવાદીઓ અને આતંકવાદ સપ્લાય કરતા આકાઓ પાકિસ્તાનની ધરતી ઉપર સરેઆમ ફરે છે. ભારતને નબળું પાડવા માટે પાકિસ્તાની સેના આતંકવાદીઓને ચાર હાથે મદદ કરે છે. આતંકવાદીઓને ભારતમાં ઘૂસાડવા માટે કાયમ પ્રયાસો કર્યા કરે છે. 

દગાબાજી માટે જાણીતી પાકિસ્તાની સેના સરહદ પર છાશવારે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને ભારતના જાબાંઝ જવાનોના જીવ લે છે. ટેરરિસ્તાનની ઉપમા મેળવી ચૂકેલું પાકિસ્તાન એવી તમામ નાપાક હરકતો કરે છે જે ભારતને નુકસાન પહોંચાડે.

આર્થિક રીતે ખસ્તાહાલ બની ચૂકેલા પાકિસ્તાનને હજુ પણ માનવતા અને શાંતિનો માર્ગ દેખાતો નથી. પાકિસ્તાની સેના અને આઇએસઆઇની છત્રછાયા હેઠળ પાકિસ્તાનમાં અનેક આતંકવાદી કેમ્પો ચાલી રહ્યાં છે. દુનિયાભરમાંથી ભારે દબાણ છતાં પાકિસ્તાનસ્થિત આતંકવાદીઓને ઉની આંચ પણ આવતી નથી. પાકિસ્તાન ઉપર ટેરર ફંડિંગ પર લગામ કસવાનું આંતરરાષ્ટ્રીય દબાણ છે. તાજેતરમાં જ આતંકવાદીઓને મળતી આર્થિક સહાયના મામલે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે પાકિસ્તાનને લપડાક લગાવી છે. હાલ આ સંસ્થાની યાદીમાં પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં છે પરંતુ પૂરેપૂરી શક્યતા છે કે આગામી બેઠકમાં પાકિસ્તાન બ્લેક લિસ્ટમાં આવી જાય. જો એવું થયું તો આર્થિક રીતે પાયમાલ થઇ ચૂકેલા પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય સહાય મેળવવાના તમામ રસ્તા પણ બંધ થઇ જશે.

ચિંતાનો વિષય એ છે કે પાકિસ્તાન પોતાના ભારતવિરોધી વલણને ત્યાગવાની વાત તો દૂર, એમાં મામૂલી ફેરફાર કરવા પણ ઇચ્છુક નથી. તે કાશ્મીરને અશાંત કરવા માટે અને આતંકવાદી પ્રવૃત્તિઓ વધારવા માટે અવનવા પ્રપંચ રચ્યા કરે છે. કાશ્મીરમાં આતંકવાદીઓને મોકલવા ઉપરાંત તે ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર પણ કરે છે. ભારત પણ પાકિસ્તાનની આ ચાલબાજી જાણે છે અને તેનો જોરદાર મુકાબલો કરે છે. ખરેખર તો ભારતે પાકિસ્તાનના આ વલણને નાથવા માટે નક્કર રણનીતિ તૈયાર કરવાની જરૂર છે. 

ભારતની સરહદમાં કોરોનાગ્રસ્ત આતંકવાદીઓ ઘૂસાડીને પાકિસ્તાન ધરપત મેળવવા માંગે છે. પરંતુ પાકિસ્તાનમાં જ કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા વધી રહી છે એને કાબુમાં લેવા માટે ન તો પાકિસ્તાની સરકારની દાનત છે કે ન તો પહોંચ છે. માનવતાની ફરજો સાથે પાકિસ્તાન જેવા બદહાલ દેશને કોઇ નિસ્બત નથી એ તેના કરતૂતોથી સાબિત થાય છે. 

દુનિયાના બીજા દેશોએ પણ તેની આ હરકતોને ધ્યાનમાં લઇને તેને આતંકવાદી દેશ જાહેર કરીને તેની સાથેના તમામ વ્યવહાર બંધ કરી દેવા જોઇએ. હેવાનિયતની તમામ હદો પાર કરતા તેના કૃત્યોને જોતાં મુસ્લિમ દેશો અને ઇસ્લામિક દેશોના સંગઠનોએ પણ પાકિસ્તાનનો પ્રતિબંધ કરવો જોઇએ. 

આ કોઇ સામાન્ય બાબત નથી કે આખી દુનિયા માનવજાતને બચાવવા માટે એવા દુશ્મન સામે લડાઇ લડી રહી છે જેની સામે લડવાની કોઇ દવા કે વેક્સિન હજુ સુધી શોધાઇ શકી નથી. આવા કપરા સમયમાં પાકિસ્તાનની કારસ્તાનીઓને હેવાનિયત જ ગણવામાં આવશે. જોકે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે તમામ તથ્યોની અવગણના કરીને પાકિસ્તાનને આર્થિક સહાય કરવાનો નિર્ણય લીધો છે એ ચોંકાવનારી બાબત છે. સરહદે છમકલા કરીને પાકિસ્તાન ભલે તેના લોકોનું ધ્યાન થોડા સમય માટે ભટકાવવામાં સફળ નીવડે પરંતુ એનું આ નાટક લાંબો સમય ચાલવાનું નથી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો