સરરિયલ ડાલીઃ ચિત્રાત્મક જીવન (લેખાંક-૧)


- દાલી એક પ્રદર્શનમાં મરજીવાનો સૂટ પહેરીને લેક્ચર આપવા ગયા, પૂછ્યું તો કહે, હું મનુષ્યોના સમુદ્રમાં ઊંડો ઊતરી રહ્યો છું!

લાલ વસ્ત્રધારી તસ્કરોની ટોળકી સ્પેનની ટંકશાળ પર ત્રાટકે છે. બધા એક જેવા જ દેખાય છે. એકબીજાને બોલાવવા માટે શહેરના નામથી નામ રાખ્યાં છે. બર્લિન, ટોક્યો, ડેનવેર, મોસ્કો, હેલસિંકી, ઓસ્લો, રિયો, નાઇરોબી. આ ગેન્ગનું નતૃત્વ કરી રહ્યો છે એક પ્રોફેસર. તેમના મતે સંસ્થાઓ લૂંટવામાં કોઈ પાપ નથી. તેમણે પહેરેલા માસ્ક પર દોરેલી આંખો, મોટી-મોટી મૂછો એક ચિત્રકારની યાદ અપાવે છે. ચિત્રકાર સાલ્વાદોર દાલીની. વેબસીરિઝના રસિયાઓને ખબર પડી ગઈ હશે કે આ દૃશ્ય નેટફ્લિક્સ પરની વેબસીરિઝ મની હાઇસ્ટની ચોથી સીરિઝનું છે. આ એ વેબસીરિઝ છે જે જોઈને આયુષ્માન ખુરાનાએ પ્રોફેસરના રોલની માગણી કરેલી.  સ્પેનિશ ભાષામાં બનેલી વેબસીરિઝની વાત પછી ક્યારેક. અત્યારે વાત કરવી છે તેના માસ્ક (આજકાલ માસ્કની બોલબાલા છે) બનેલા ચિત્રકાર વિશે.

દાલી. સ્પેનનો એક એવો પેઇન્ટર બાબુ જેની પાસે સનકી, પાગલ, જિનિયસ આ બધા શબ્દોના અર્થ ઓછા પડે. દાલીને જાણતા પહેલા દાદાઇઝમને જાણવું આવશ્યક. યુરોપમાં દાદાઇઝમ નામે એક આંદોલન થઈ ગયું. ફ્રેન્ચ શબ્દ દાદાનો અર્થ થાય છે, હોબી હોર્સ. રમકડાનો ઘોડો. લકડી કી કાઠી, કાઠી પે ઘોડા એ ટાઇપનો. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ આ આંદોલન થયું. રશિયા આઝાદ થઈ ગયું હતું. કલાકારો કોમ્યુનિઝમ તરફ ઢળવા લાગ્યા હતા. (આપણે ત્યાં એ જરા મોડેથી થયું.) કેટલાક કલાકર્મીઓએ સૌંદર્યના સ્થાપિત પરિમાણોના છોતરાં કાઢવાનો આરંભ કર્યો. આ સમાજ દરેક ચીજમાં લોજિક શોધે છે. ને એ નવલોહિયાને તેની સામે જ વાંધો હતો. તેઓ માનતા કે દુનિયામાં ઘણુંય એવું છે જે લોજિકની પરે છે. આજનું સાયન્સ તર્કાતિત સત્ય સ્વીકારતું થયું છે ત્યારે સમજાય છે કે એ કલાકારો સમયથી કેટલા આગળ હતા. કેટલા સાચા હતા.

તેમની કૃતિને પરંપરાગત કલાકારો અને પરંપરાના ચાહકો નોનસેન્સ કહેતા. અસંગત કહેતા, કિંતુ તેનાથી તેમને કશો ફરક પડતો નહોતો. તેમના આંદોલનનું નામ દાદાઇઝમ કેમ પડયું? રીચર્ડ હ્યુલસેનબેક નામના કલાકારે છરો ઉઠાવ્યો, એક ડિક્શનરી લીધી, તેમાં રેન્ડમ કોઈ પણ પાનું ખોલ્યું અને તેના પર છરો હૂલવી દીધો. છરો જે શબ્દ પર ખૂંચ્યો હતો ત્યાં લખ્યું હતું, દાદા. એટલે નામ પડયું દાદાઇઝમ. દાદાવાદ. સેંકડો કલાકારો દાદાઈઝમમાં જોડાયા. તેના નીર આછરતા જે એક નવી શૈલી આવી તે કહેવાઈ સરરિયલિઝમ. લેખની તસવીરમાં જે ચિત્ર છે તે દાલીનું સરરિયલ ચિત્ર છે.

હવે પ્રશ્ન થાય કે આ સરરિયલિઝમ એટલે શું? એટલે ડ્રીમ રિયાલિટી. પૂરું સ્વપ્ન પણ નહીં, પૂરી વાસ્તવિકતા પણ નહીં એવી સ્થિતિ. અથવા કહો વાસ્તવિકતાથી પણ કશુંક વધારે, અતિવાસ્તવવાદ અથવા પરાવાસ્તવવાદ. આપણી સામે બે દુનિયા હોય છે. એક બાહ્ય દુનિયા એક અંદરની દુનિયા. બહારની દુનિયામાં જ્યારે આપણે કંઈ જોતા હોઈએ ત્યારે અંદરની દુનિયામાં પણ કશુંક ચાલતું હોય છે. 

બહાર જોતી વખતે આપણી અંદર જે ઘટતું હોય છે, જે વિચારોના ઝંઝાવાતમાંથી પસાર થતા હોઇએ છીએ તે તર્કબદ્ધ કે વ્યવસ્થિત હોતા નથી. તે જેવા આવે એવા કોઈ પણ આર્ટ ફોર્મમાં ઢાળી દેવાની કળા સરરિયલિઝમ છે. સરરિયલિઝમે કલાકારોની છુપી કળાઓને, તેના અચેતન મનમાં ઢબુરાયેલી આર્ટને બહાર લાવવાનું કામ કર્યું. કલાકારની ક્ષમતાને વિસ્તારી, હોરીઝોન્ટલ ઊંચાઈ અને વર્ટીકલ લંબાઈ આપી! ૧૦૦ માળની સૂતી ઈમારત બનાવાઈ હોય એવું.

સંજય લીલા ભણસાલીની ફિલ્મ સાવરિયા સરરિયલ છે. પહેલેથી છેલ્લે સુધી નીલવર્ણી સેટ. ઘણા ઠેકાણે ચીજોને ઊલટ-પુલટ દર્શાવવામાં આવી છે. ટ્રેન દરિયામાં તરે અને હોડી પાટા પર ચાલે જાણે કે. રિયલ વર્લ્ડમાં બનતી ઘટનાઓ વચ્ચે સતત એક વિચિત્રતા અને એક  બેચેની જોવા મળે. આટલું સમજ્યા પછી દાલીના ચિત્રોનો અભ્યાસ કરો તો ઘણું ઊઘડી જાય. ક્લિક થઈ જાય.

૧૯૩૬ની સાલ હતી. લંડનના એક મ્યુઝિયમમાં સરરિયલ ચિત્રોનો ફેસ્ટિવલ યોજાઈ રહ્યો હતો. સાલ્વાદોર દાલીને વ્યાખ્યાન આપવા બોલાવાયેલા. પણ ત્યાં તેમના લેકચર કરતા વધુ ચર્ચા તેમના પહેરવેશની થઈ. 

દાલી ત્યાં ડીપ સી ડાઇવિંગ સૂટ પહેરીને પહોંચેલા. મરજીવા પહેરે એવો. હેલ્મેટ પણ પહેરી હતી. શ્વાસ લઈ શકાય એટલા માટે તેમાં કાણું પાડયું હતું. તેમના એક હાથમાં બિલિયર્ડ્સની ક્યૂ (લાકડી) હતી. બીજા હાથમાં વૂલ્ફ હાઉન્ડ્સ નસલના શ્વાનનો પટ્ટો.

તેમને પૂછવામાં આવ્યું, આ બધું શું છે?

હું મનુષ્યોના સમુદ્રમાં ઊંડો ઊતરી રહ્યો છું, તેમણે જવાબ આપ્યો.

આ સરરિયલિઝમ. દાલી હંમેશા સરરિયલ જીવ્યા. ક્યારેક મોંઘા માઇલી ખુલ્લી કારમાં ઠાસોઠાસ કોબી ભરીને પ્રદર્શનમાં એન્ટ્રી મારતા. ક્યારેક પોતાના ઘરે સંભોગનું પ્રદર્શન યોજતા. 

બરાબર ૧૧ દિવસ પછી દાલીનો જન્મ દિવસ આવે છે. ૧૧મી મે ૧૯૦૪ના રોજ તેઓ દુનિયામાં પ્રવેશ્યા. મોટા ભાઈના મૃત્યુના એક્ઝેટ નવ મહિના પછી. ભાઈનું જે નામ હતું એ જ તેને આપવામાં આવ્યું. દાલીએ આ વિશે કહ્યું, અમે બંને એક જ પાણીના બે ટીપાં હતાં. બિલકુલ એક જેવા. બસ નજર આવતા પ્રતિબિંબ જુદાં હતાં. તે મારી પ્રથમ આવૃત્તિ હતો. તેનામાં મારા કરતા બધું જ વધારે હતું.

ભાઈની યાદમાં તેણે એક પેઇન્ટિંગ પણ બનાવેલું. પોટ્રેટ ઑફ માઇ ડેડ બ્રદર. દાલીના પિતાનું નામ રફાયલ. તેઓ એકદમ સખ્ત મિજાજના અને નાસ્તિક હતા. વ્યવસાયે વકીલ હતા. મા દયાળું હતાં. દાલી જ્યારે ૧૬ વર્ષના હતા ત્યારે તેમનું અવસાન થઈ ગયું. પિતા દાલીને શિસ્તમાં રાખવા માગતા હતા, ખૂબ ભણાવવા માગતા હતા. તેનાથી બિલકુલ ઊલટું થયું.

આર્ટ્સનો અભ્યાસ કરવા તેઓ મેડ્રિડ ગયા, પણ ભણી શક્યા નહીં. ક્યારેક વિદ્યાર્થી આંદોલનમાં જોડાઈ જતા તો વળી ક્યારેક પરીક્ષામાં ન બેસવાની જીદ કરતા. દરમિયાન દાદાઇઝમ, ક્યૂબિઝમ, ફ્યુચરિઝમ, સરરિયલિઝમ જેવા પ્રયોગો ચાલતા રહેતા.  એ જ અરસામાં તેમની દોસ્તી કવિ ફેદરિકો ગાર્સિયા લોર્કા સાથે થઈ.

થોડા સમય બાદ બંને અલગ થઈ ગયા. દાલીએ એવું કહ્યું, તેની જાતિય પહેલમાં મને રસ નહોતો. વખત જતા દાલી રાજકીય આંદોલનોથી પણ અલગ થઈ ગયા. તેમણે કહ્યું, કળાએ રાજનીતિથી અલગ રહેવું જોઈએ. તેઓ આંદોલનકારી સાથીઓને ઝાટકવા લાગ્યા. તેમનું એક નિવેદન બહુ જાણીતું બન્યું, ્રી ગૈકકીિીહબી મીાુીીહ જેિિીચનૈજા ચહગ સી ૈજ ારચા ૈં ચસ જેિિીચનૈજા.

એ જ સમયમાં તેમની એક પેઇન્ટિંગ પણ ચર્ચિત થઈ. મેટામોર્ફોસિસ ઑફ નાર્સિસસ.

ટીકાકારોને મોઢા ઊગ્યાં, દાલી આત્મમુગ્ધ બની ગયા છે. હવે તેઓ પ્રગતિશીલ રહ્યા નથી. ડરપોક છે. હિટલરના ઉપાસક છે. ફાસિસ્ટન છે. ફ્રેંકોના સપોર્ટર છે. હિટલર જેવું તો કોઈ ઈતિહાસમાં હતું, એવું આછું-

આછું યાદ આવે છે, પણ આ ફ્રેંકો કોણ? ૨૦મી સદીના ચોથા દશકામાં સ્પેનમાં ઇમ્પ્રોવાઇઝ એક્સ્પ્લોઝીવ ડિવાઇસની જેમ ગૃહ યુદ્ધ ફાટી નીકળેલું. તેમાં એક જૂથનો નેતૃત્વ ફ્રેંકો નામનો નેતા કરી રહ્યો હતો. દાલી સામ્યવાદની તરફેણમાં હતા, કિંતુ ચૂપ રહ્યા. તેમના મૌનને ફ્રેંકોનું સમર્થન માનવામાં આવ્યું. ફ્રેંકોએ તેના કેટલાય વિરોધીઓને મારી નાખેલા. તેમાં એક દાલીનો દોસ્તાર લોર્કા પણ હતો.

દાલી ત્યારે વિદેશ હતા. જ્યારે તેમને ખબર પડી કે તેમના પુરાણા મિત્ર લોર્કાની હત્યા થઈ છે તો તેમનું રિએક્શન હતું, ઓલે. અર્થાત, ખૂબ સારું થયું.

લોર્કા દાલીને વન સાઇડેડ લવ કરતો હતો. દાલીએ તરુણાવસ્થામાં એક વખત મહિલાઓને થતા જાતિય રોગો વિશેનું પુસ્તક વાંચી લીધેલું. તેનાથી તેના મનમાં સહવાસની પરંપરાગત પદ્ધતિઓ પ્રત્યે ભય પેદા થઈ ગયો. થોડા વખત બાદ સિગ્મન્ડ ફ્રોઇડને વાંચ્યા. સેક્સ વિશેના તેમના વિચારો પુનઃ બદલાઈ ગયા. ફ્રોઇડના સેક્સ વિશેના વિચારો પરથી તેણે એક ચિત્ર બનાવ્યું, જે મેડ્રિડની મહેફિલોમાં જબરદસ્ત ગૂંજ્યું.

કવિ પોલ ઇલુઆર્દ તેની પત્ની ગાલા સાથે દાલીનું ચિત્ર પ્રદર્શન જોવા ગયા. એ પેઇન્ટિંગમાં ચાર થીમ દેખાતી હતી. સેક્સ, રિજેક્શન, ડિજેક્શન અને સિડક્શન. દાલીનું ધ્યાન ગાલા સામે હતું. ચારેય થીમ તેમાં ઓગળીને એકરસ થઈ રહી હતી. પોલે પૂછ્યું, પેઇન્ટિંગનું નામ શું રાખ્યું છે? દાલીએ એમ જ માથું ધુણાવ્યું. પોલની અંદરનો કવિ જાગ્યો. તેણે નામ આપ્યું, ધ લુબુગ્રિયસ ગેમ. યાને રોમાંચથી ભરેલો ખેલ. તેના આંખ સામે ચાલી રહેલો રોમાંચ ભરેલો ખેલ કવિરાજને દેખાતો નહોતો.

ગાલા અને દાલી વચ્ચે પ્રેમ પ્રજ્જ્વળી ચૂક્યો હતો. ગાલા તેની મ્યુઝ બની ગઈ. મ્યુઝ માટે પ્રોપર ગુજરાતી શબ્દ મળવો મુશ્કેલ છે, કહો કે, પ્રેરણા, વાસના, પ્રેમ આ બધું મળીને કંઈક. ગાલાને મળ્યા પછી તેને ખ્રિસ્તી મિથમાં રસ પડયો. તેણે એક સુખ્યાત પેઇન્ટિંગ બનાવી, સેક્રેડ હાર્ટ ઑફ જિઝસ ક્રાઇસ્ટ. દાલીએ એક અખબારમાં લખ્યું, મારા માટે આ બધી મજાની પ્રવૃત્તિઓ છે. મજા કોઈ પણ ચીજમાં મળી શકે છે. હું ક્યારેક-ક્યારેક મજા માટે મારી માની તસવીર પર થૂંકું છું.

માણસના મનમાં ઘણી વખત આમતેમ વિચાર આવતા હોય છે, પણ તે દરેક વિચારને અમલમાં મૂકતો નથી. (જો તેમને સમજવામાં ભૂલ ન થતી હોય તો) દાલી એવું કરતા નહોતા. જે વિચારતા એવું જ જીવતા. ગંદા વિચાર આવે તો તેને પણ અમલમાં મૂકી દેતા.  

દાલીના પિતાએ અખબારમાં જ્યારે તેના આવા ઉચ્ચ વિચાર વાંચ્યા તો છંછેડાઈ ગયા. એક તો દીકરો પરિણીત મહિલા સાથે પ્રેમમાં હતો તે વાત તેમને ખટકતી હતી. એમાં માતાની તસવીર પર થૂંકવાની વાત વાંચી તો તેઓ ભડકી ગયા. દાલીને ઘરમાંથી કાઢી મૂક્યા. સંપત્તિથી વંચિત કરી દીધા.

દાલી એક માછીમારના ખોરડામાં રહેવા જતા રહ્યા. જેમ-જેમ પેઇન્ટિંગમાંથી કમાતા ગયા તેમ-એક પછી એક ખોરડાં ખરીદતા ગયા અને છેક દરિયા કિનારા સુધી પહોંચી ગયા ત્યાં સુધીના ખોરડા ખરીદી લીધાં. એવડું મોટું વિલા બનાવ્યું. જોકે પિતાએ બાદમાં દાલી અને ગાલાનો સંબંધ કબૂલી લીધો.

આ આર્ટીકલમાં જે ચિત્ર મૂકવામાં આવ્યું છે, તેનું શીર્ષક છે પર્સીસ્ટન્સ ઑફ મેમરી. આપણા વડવાઓ કહી ગયા, સમય બળવાન છે. આઇન્સ્ટાઇન દાદાએ કહ્યું, સમય સાપેક્ષ છે. દાલીએ કહ્યું, સમય એક બનાવટી ચીજ છે.

દાલીના પેન્ટિંગમાં સમય ઓગળી ગયો છે. કીડીઓ ઘડિયાળને ખાઈ રહી છે. ૧૯૩૧માં બનેલું આ ચિત્ર દાલીનું સૌથી લોકપ્રિય ચિત્ર બન્યું. સમય કટાઈ જાય છે, નથી કટાતા તો સ્મરણો. ક્યારેક એ પણ કટાઈ જાય છે. દાલી બેચેની સાથે જીવતા હતા. તેની કૃતિમાં પણ એ બેચેની જોવા મળતી. ધ ન્યૂયોર્કરે તેના વિશે યોર્કર ફેંકેલો, બરફની જેમ જામી ગયેલા રાતના ખરાબ સપનાંને આ માણસ જાગતી આંખોમાં ઠૂંસી દે છે.     (ક્રમશઃ)

આજની નવી જોક

ટીચર (વિદ્યાર્થીઓને): કાલે હું સૂરજ પર લેક્ચર આપીશ. કોઈ ક્લાસ મિસ ન કરતા.

લલ્લુઃ મેડમ જે  ભણાવવું હોય તે ઓનલાઇન ભણાવો. મમ્મી એટલે બધે  આઘે નહીં આવવા દે.

ટીચરઃ હેં!?

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો