નેટવર્ક : લોકડાઉનનો વ્યથાસાર

- સાધુઓની સેના સામે જૂનાગઢના નિઝામની સેના હારવા લાગતા તેણે સંધિનું નાટક કરીને દગો કરેલો... ભોજન માટે બોલાવી ઝેર આપી દીધેલું


એપ્રિલ એટલે ઘઉં ભરવાની સિઝન, મસાલા તૈયાર કરવાની સિઝન, કેરી, કૈડા, ગુંદા આથવાની સિઝન, વેફર પાડવાની સિઝન, ગોદડા-ગાદલા તપાવવાની સિઝન. કોરોના આમાંથી મોટા ભાગની મોસમો ઝૂંટવી ગયો છે. આ બધું થાય છે, પણ કોઇક કોઈક કરે છે. તક મળે તે. એકલ-દોકલ. છુટૂછવાયું. આ સમયે ફેસબુક પર એક વીડિયો વાઇરલ બન્યો છે. એક આધેડ સંન્નારી જાનપદી શૈલીમાં તેમના કંઠેથી લોકગીતની અમૃતધારા વહાવી રહ્યા છે. તેઓ ગારિયાધાર પાસેના હોવાનું કહેવાઈ રહ્યું છે. પાંચ-છ બહેનો (કોરોના હોવાથી અલગ-અલગ બેસીને) ઘઉં સાફ કરી રહી છે.  ને લોકનારી ગીતનો ઉપાડ કરે છે.

અમને અડશો મા કોરાનો આવશે,

પછી ન્હાવાને ક્યાં જાશો?

સ્વાઇન ફ્લૂ ને ડેન્ગ્યુ આવ્યો, ચિકન ગુનિયે અજવાળી

કોરાનો તો વિશ્વમાં વ્યાપ્યો, હાહાકાર મચાવ્યો

અમને અડશો મા કોરાનો આવશે

સૂરતવાસી ભાઈ ને બહેનો દેસમાં પાછા આવો

દેસવારાએ ડેલા ખુલ્લા મેલ્યા સે, સંપીને સહુ રેજો રે

અમને અડશો મા કોરાનો આવશે

ગીત તો હજુ ઘણું લાંબું છે. એ વીડિયો તમારા સુધી ફરતો-ફરતો પહોંચે તો સાંભળજો. આ કોરાનાએ તો દી દીધા, પણ લોકગીતની આ જ મજા છે. તેમાં દુઃખની વાત પણ ઉમંગ સાથે કરવામાં આવે છે. પછી ન્હાવાને ક્યાં જાશું...? આ પંક્તિમાં સૌરાષ્ટ્રની પાણીની સમસ્યા કેવી હળવેકથી મૂકી દીધી છે. કોઈને ખબર ન પડે એ રીતે. એ હળવાશનો ભાર ઝીલવાનું કાચાપોચાનું ગજુ નહીં.

પહેલી વખત એવું બન્યું કે ગુજરાત પ્રગતિ કરી રહ્યું છે અને દુઃખ થઈ રહ્યું છે. કોવિડ-૧૯ના કેસની બાબતમાં આપણે ૧૦મા ક્રમેથી બીજા ક્રમે પહોંચી ગયા. આ પ્રગતિ નથી જોવાતી. ભગવાન આવો વિકાસ કોઈને ન દેખાડે. આપણે જે જોઈ રહ્યા છી એ જોતા લાગે છે કે કોવિડ-૧૯ સામેની લડાઈમાં આપણે મક્કમ બન્યા વિના છૂટકો નથી.

કોરોના વખતે બે સમાચાર ધ્યાન ભંગ કરે એવા છે.નિહંગોએ એએસઆઈ પોલીસ જવાનનો હાથ કાપી નાખ્યો એ અને પાલઘરમાં બે સાધુઓનું મોબ લિન્ચિંગ થયું એ. બંને ઘટનાઓ બહુ જ પીડાદાયક.

એક સાધુ ૩૫ વર્ષના સુશીલ ગીરી હતા અને બીજા ૭૦ વર્ષના ચિકણે મહારાજ કલ્પવૃક્ષગિરિ. તેઓ જૂના અખાડાના સાધુ હતા. આ જૂના અખાડા સાથે સૌરાષ્ટ્રનું જૂનું કનેક્શન છે. આઠમી સદીમાં શંકરાચાર્યે દશનામી સંપ્રદાયની સ્થાપના કરી. દેશની ચાર દિશામાં ચાર મઠ સ્થાપ્યા. 

૧. ઓડિશામાં ગોવર્ધન મઠ. તેના મુખિયા બન્યા શ્રી પદ્મપાદાચાર્યા.

૨. કેરળમાં શ્રુંગેરી શારદા મઠ. તેના મુખ્યા બન્યા સુરેશ્વરાચાર્ય.

૩. ઉત્તરાખંડમાં જ્યોતિર્મઠ. તેના નેતૃત્વની જવાબદારી ટોટકાચાર્યને સોંપાયેલી.

૪. દ્વારકા મઠ. તેના અધિપતિ બન્યા હસ્તમાલાકાચાર્ય.

શંકરાચાર્યના ચાર શિષ્યોથી શરૂ થયેલી આ પરંપરા વખત જતા નવી શાખા-પ્રશાખાઓમાં વિસ્તરતી ગઈ.  ગિરિ, ભારતી, તીર્થ, સાગર, અરણ્ય, સરસ્વતી, પુરી, આશ્રમ, બાણ અને પર્વત. આ દસ શાખાઓને કારણે સાધુઓનો આ સંપ્રદાય દશનામી સંપ્રદાય કહેવાયો.

મુખ્ય સાત અખાડા કહેવાય છે. નિરંજની, જૂના, આનંદ, મહાનિર્વાણી, અટલ, આહ્વાન અને અગ્નિ. જૂના અખાડાના નામકરણ પાછળ એક પીડાદાયક વાર્તા છુપાયેલી છે. આઠમી સદીમાં જૂનાગઢમાં ભૈરવ અખાડાની શરૂઆત થઈ. અખાડાના સાધુઓ શસ્ત્ર ધારણ કરતા. તેમણે અનેક વખતે યુદ્ધમાં લોકોનો જીવ બચાવવા બલિદાન પણ આપેલું. 

મોગલકાળમાં જૂનાગઢના નિઝામે જનતા પર અત્યાચાર શરૂ કર્યો. સાધુઓથી તેમની પીડા ન જોવાતા તેમણે નવાબની સેનાને લલકારી. રણભૂમિમાં નવાબની તેને ભો ભેગી કરી દીધી. નિઝામે જોયું કે સાધુઓ સામે તેની સેના જીતી શકે તેમ નથી. તેણે સંધિનો પ્રસ્તાવ મોકલ્યો. રાત્રિનું ભોજન નિઝામને ત્યાં કરવાનું સાધુઓને નિમંત્રણઆપ્યું. સાધુ કોને કહે? પળમાં રિઝી જાય. શત્રુવટ ન રાખે. નિઝામે તેમના આ સાધુપણાનો ગેરલાભ ઉઠાવ્યો. રાત્રીના ભોજનમાં ઝેર નાખી દીધું.  મુખ્ય પૂજારી, કોઠારી અને બીજા કેટલાક સાધુઓ હજુ જમ્યા નહોતા. તેઓ બચી ગયા. બીજા સાધુઓનું મૃત્યુ થઈ જતા તેઓ ત્યાંથી જીવ હથેળીમાં લઈને નાસ્યા. બીજા અખાડાઓમાં જઈને શરણ લીધું. બીજા સાધુઓએ તેમને પૂજ્યું, ભૈરવ અખાડા તો ખતમ હો ગયા. આપ કૌન સે અખાડે સે હો?

હમ ઉસી જૂના (પુરાના) અખાડે સે હૈ, તેમણે જવાબ આપ્યો. ત્યાંથી ભૈરવ અખાડાનું નામ પડયું, જૂના અખાડા. હાલ જૂના અખાડા ભારતનો સૌથી મોટો અખાડો છે. તેમાં ચાર લાખ નાગા સાધુઓ જોડાયેલા છે.

કોઈ વ્યક્તિ સાધુ બનવા માગે તો તેને સૌપ્રથમ ૧૨ વર્ષનો સંકલ્પ પૂરો કરવો પડે છે. આ દરમિયાન તે અખાડાના નિયમો અને પરંપરા શીખે છે. પહેલા ૧૨ વર્ષ તે વસ્ત્રધારી બ્રહ્મચારી કહેવાય છે. ૧૨ વર્ષનો સંકલ્પ પૂરો થાય ત્યારે તે નાગા સાધુ બને છે. તેમની નાગા સાધુ તરીકેની દિક્ષા કુંભમેળામાં થાય છે. 

મહિલાઓને પણ અખાડાનો હિસ્સો બનાવાય છે, કિન્તુ તેઓ નાગા સંન્યાસીઓથી અલગ માઇવાડામાં રહે છે. તેઓ વસ્ત્રત્યાગ કરતાં નથી. જોકે મહંત, મંડલેશ્વર અથવા મહામંડલેશ્વરનું પદ જરૂર ધારણ કરી શકે છે.  સાધુ બનવા માટે બે શરત અનિવાર્ય છે. ન પરિવાર, ન વ્યાપાર. શરૂઆતના ૧૨ વર્ષમાં જો કોઈ પાછું ફરવા ચાહે તો ફરી શકે છે. તેમના પર પ્રતિબંધ હોતો નથી. 

પાલઘરમાં બે સાધુઓ પર સ્થાનિકોએ કોઈ પણ કારણસર હુમલો કર્યો હોય, તે સ્વીકાર્ય હોઈ શકે નહીં. છેલ્લા બે-અઢી વર્ષથી ભારતમાં મોબ લિન્ચિંગની ઘટનાઓ ઘટી રહી છે. ત્યારે જમણેરીઓ તેનો અસ્વીકાર કરતા હતા. કહેતા કે લિન્ચિંગ શબ્દ જ વિદેશી છે. શબ્દ ભલે વિદેશી હોય, પરંતુ આ વૃત્તિ દેશી બની ચૂકી છે. કમસેકમ હવે તો આંખ ઉઘાડો? ન સાધુ, ન સામાન્ય માણસ કે ન અપરાધી, કોઈનું લિન્ચિંગ શા માટે થવું જોઈએ? કોઈ ખરેખર અપરાધી જાણાય તો તેને પોલીસને હવાલે કરવો જોઈએ.

 નાગરિકો જ જો ન્યાય કરવા લાગશે તો ભારતનું અફઘાનિસ્તાનીકરણ થઈ જશે. લોકશાહી પડી ભાંગશે. જજોને ઘરે બેસી જવું પડશે. સમાજ કબીલામાં ફરવાઈ જશે. શું આપણે રીવર્સ ગીઅરમાં ગાડી ચલાવવાની છે? 

સાધુઓના હત્યારાઓને દેહાંતદંડ થવો જોઈએ અને અત્યાર સુધીમાં દેશમાં જેટલા પણ મોબ લિન્ચિંગ થયા છે તે બધા કેસમાં કડક હાથે કામ થવું જોઈએ. જો ઢીલી નીતિ રાખવામાં આવશે તો આ દૂષ્ચક્ર ફરતું ફરતું ક્યારે આપણા સુધી આવી પહોંચશે એની ખબર સુદ્ધા પડશે નહીં. ને આ બધા પણ આપણામાંના જ એક છે એ કેમ ભૂલીએ?

હવે થોડીક વાત નિહંગની. આ એક સરસ સંપ્રદાય કેટલાક બદમાશોને કારણે વિવાદાસ્પદ બન્યો. ગુરુ શબદ રત્નાકર મહાન કોશ પ્રમાણે નિહંગ એટલે તલવાર, કલમ, ઘોડો, મગરમચ્છ. અહીં મગરમચ્છથી અભિપ્રેત છે.  આ શબ્દ ફારસીમાંથી આવેલો છે. મોગલોની સેનામાં શીખ યોદ્ધાઓનો કોઈ મુકાબલો નહોતો. તેમને પરાજિત કરવા અસંભવ હતા. પાણીમાં મગરનો મુકાબલો અસંભવ છે. તેથી આ યોદ્ધાઓને નિહંગ વિશેષણ આપવામાં આવ્યું.

શીખ સંપ્રદાયના છઠ્ઠા ગુરુ હરગોવિંદ સિંહે શીખ સંપ્રદાયમાં સૈન્ય શિક્ષણ પર ભાર મૂક્યો. તેમણે અકાલીઓની સેના તૈયાર કરી. તેઓ પોતે પણ એક ઉત્તમ યોદ્ધા હતા. ૫૨ યોદ્ધાઓની ફોજ હંમેશા તેમની સાથે રહેતી. એ સમય સાલ ૧૬૦૦ની આસપાસનો હતો. અત્યારે જેવા નિહંગ જોવા મળે છે તેનો પ્રારંભ શીખ સંપ્રદાયના ૧૦મા ગુરુ ગોવિંદસિંહથી થયેલો. તેમના ચાર દીકરા હતા. અજીતસિંહ, જુઝાર સિંહ, જોરાવરસિંહ અને ફતેહસિંહ. ફતેહસિંહ સૌથી નાના હતા.

એક દિવસ ત્રણે ભાઈઓ યુદ્ધનો અભ્યાસ કરી રહ્યા હતા. ફતેહસિંહે કહ્યું, મને પણ અભ્યાસમાં સામેલ કરો.

ત્રણેએ ઇનકાર કર્યો. કહ્યું, તું હજુ બહુ નાનો છે. તેમને દુઃખ થયું. દોડીને ઘરમાં ગયા. નિલા રંગનું અંગરખું પહેર્યું. માથા પર ૧૦ ગજની પાઘડી બાંધી, કિરપાણ ઊઠાવ્યું, ભાલો ઉઠાવ્યો ને પહોંચી ગયા ભાઈઓની વચ્ચે. પૂછ્યું, હવે તો હું નાનો નથીને?

આ સમગ્ર ઘટનાક્રમ જોઈ રહેલા ગુરુ ગોવિંદસિંહ તેમના નાના પુત્રને ભેટી પડયા. નિહંગોનો આજનો જે પોશાક છે તે ફતેહસિંહના પોશાક પર આધારિત છે. તેમનું કામ માત્ર લડવાનું નથી. તેઓ રોજ ગુરબાનીનો પાઠ કરે છે. બીજાને પણ તેના વિશે વાત કરે છે. મજબૂર ગરીબ કે કમજોર પર ક્યારેય હાથ ઉઠાવતા નથી. ઊલટું તેમની રક્ષા કરે છે.

તેઓ ગુરુગ્રંથસાહેબની સાથોસાથ દશમ ગ્રંથસાહેબ અને સાહબલોથમાં પણ માને છે.  તેમની બોલી બીજા કરતા વિશિષ્ટ હોય છે. કેટલાક રેફરન્સનો ઉપયોગ કરે છે. હમને દૂધ પી લિયાને બદલે કહે છે, હમને સમુંદર પી લિયા. કોઈને ઓછું સંભળાતું હોય તો કહે છે, યે ચૌમાલે (ચોથા માળે) પે બેઠા હૈ.

નિહંગોનો એક સમુદાય બ્રહ્મચર્યનું પાલન કરે છે, જ્યારે બીજો ગૃહસ્થ હોય છે. તેઓ એક સ્થળે પગ વાળીને બેસતા નથી. સાધુ તો ચલતા ભલા. હંમેશા વિચરતા રહે છે. ગુરબાનીનો પાઠ કરતા રહે છે.

કસોટીનો કાળ હોય ત્યારે અણધારી ઘટનાઓ ઘટતી હોય છેે. આવા સમયે ધીરજ રાખવી ખૂબ આવશ્યક છે. કાયદો દોષિતોને સજા કરે એ જરૂરી, પણ એક મનુષ્ય તરીકે આપણે કોઈ પ્રત્યે નફરતનો ભાવ કેળવીએે તે જાતને સજા આપવા બરાબર છે એ જ લોકડાઉનનો વ્યથાસાર છે.

આજની નવી જોક

છગન (લીલીને): આપણા લગન થયા ત્યારે તું કેટલું મર્યાદામાં રહીને બોલતી હતી. હવે તડ ને ફડ બોલે છે.

લીલીઃ પહેલા હું રામાયણ જોતી હતી. હવે ક્રાઇમ પેટ્રોલ જોવું છું.

છગનઃ હેં!?

જીકે જંકશન

- ૧૬મી સદીના મધ્યકાળથી શ્રીલંકા પર ડચનું શાસન હતું. કેન્ડી ટાપુ તેમાંથી બાકાત હતો. પ્રાચીન શ્રીલંકાની પ્રથમ રાજધાની અનુરાધાપુરા. એ સામ્રાજ્ય અનુરાધા સામ્રાજ્ય કહેવાતું. 

- ભારતથી બુદ્ધના કેટલાક અવશેષ અનુરાધાપુરા લાવવામાં આવ્યા હતા. ત્યારથી લંકાના લોકો બુદ્ધના અનુયાયી બની ગયા છે. 

- દક્ષિણના રાજાએ હુમલો કરીને અનુરાધા સામ્રાજ્યનો અંત કર્યો હતો. તેમણે નવી રાજધાની રચેલી, પોલોનારુવા. 

- બ્રિટિશરો તમિલિયનોને ચા, કોફી અને નારિયેળના ખેતરમાં મજૂરી કરવા શ્રીલંકા લઈ ગયા હતા. બ્રિટશરોને કારણે સ્થળાંતરિત થયેલા ભારતીયોને ખૂબ ભોગવવું પડયું છે પછી તે આફ્રિકામાં વસેલા ભારતીયો હોય કે શ્રીલંકામાં.

- ડચ શાસકો પાસેથી અંગ્રેજોએ શ્રીલંકા પડાવી લીધેલું. તેને ૧૯૪૮માં આઝાદી મળી. ૧૯૭૨ સુધી શ્રીલંકાનું નામ સીલોન હતું. તેનો આકાર આંસુ જેવો છે. આથી તેને હિંદ મહાસાગરનું મોતી પણ કહેવામાં આવે છે.

- તેની જીડીપી છે ૧૪૩ બિલિયન ડોલર. તે માથા દીઠ જીડીપી પ્રમાણે એશિયાનો બીજો સૌથી સમૃદ્ધ દેશ છે.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો