મૃત્યુ મરી ગયું રે લોલઃ મૃત્યુ પછીના લૌકિક વ્યવહારો પર બ્રેક વાગી છે
પ્રસંગપટ
- સોશ્યલ ડિસ્ટન્સ ફરજીયાત પણે પાંચ-છ મહિના ચાલશે તો રામ બોલો ભાઇ રામ ફેઇમ સ્મશાન યાત્રા ભાગ્યેજ જોવા મળશે...
લોકડાઉને અનેક સમસ્યા ઉભી કરી છે. તો બીજી તરફ લોકડાઉનના કારણે કુટુંબો નજીક આવ્યા છે, લોકો પોતાના પાડોશને ઓળખતા થયા છે, લાંબુ કોમ્યુનિકેશન કરતા થયા છે, પોતાની જાતને પણ ઓળખવા પ્રયાસ કરવા લાગ્યા છે પરંતુ મૃત્યુની વાત સાંભળને ડરવા લાગ્યા છે. કોરોનાના સમયમાં મૃત્યુ થાય એેટલે નથી તો સારી રીતે સ્મશાન યાત્રા કાઢી શકાતી કે નથી તો ત્યાર પછીની કોઇ વિધિ શાંતિથી થઇ શકતી. મૃત્યુ થવાના અનેક કારણો હોય પણ તેને કોરોનાથી થયેલું મૃત્યુ ગણી લેવામાં આવે છે. લોકડાઉનના કારણે અંગત સગાઓ પણ આવી શકતા નથી કે નથી તો બેસણું યોજી શકાતું.
મત્યુ પછીની અનેક વિધિ હોય છે પણ કોરોનાએ દરેકને ધોઇ નાખી છે. બેસણું, અસ્થિ વસર્જન, બારમા-તેરમાની વિધિ, તેનું જમણ,અન્ય લૌકિક વ્યવહારો બંધ કરવા પડયા છે. શાસ્ત્રો પ્રમાણે એમ કહેવાય છે કે બાર દિવસ સુધી આત્મા ઘરની આસપાસ ફર્યા કરે છે માટે સૂતક જેવી વિધી પર ભાર મુકાતો હતો પરંતુ હવે તો તેના પર પણ કાપ મુકાઇ ગયો છે. મૃત્યુપછીની વિધિ દરેક સમાજની અલગ હોય છે પરંતુ કોરોનાએ દરેક સમાજની વિધિને એક સરખીજ બનાવી દીધી છે.
ટાઉન લેવલે તો નનામી ઉંચકનારા પણ મળી આવે છે પરંતુ મેટ્રોસીટીમાં તો ચાર લોકોને ભેગા કરવા પણ મુશ્કેલ બની ગયું છે. લોકો સ્મશાન સુઘી પણ નથી આવી શકતા કેમકે લોકડાઉન આડે આવે છે. આવા સમયે પોડાશી કામમાં આવે છે પરંતુ કોરોના વાઇરસના ડરના કારણે લોકો નનામી બાંધવા કે સ્મશાનમાં તેને ખોલવા માટે પણ બહુ ઉત્સાહ નથી બતાવતા. ધરના લોકોનેજ તે કામ કરવું પડે છે.
સ્મશાનનો માહોલ તો ખુબ કરુણ હોય છે. બે આંગળીના વેઢા ગણાય એટલા લોકો પણ નથી હોતા. દરેકના મોઢા પર માસ્ક હોઇ તેમજ જેટલું બને એટલું વહેલું પતે એમ ઇચ્છતા હોઇ તે સ્મશાનમાં નનામી છોડવા માટે પણ આગળ નથી આવતા. ત્યાર પછી ઘેર પહોંચતા સંબંધીઓને તરત ગરમ પાણીએ સ્નાન કરવાની સૂચના આપી દેવાય છે. સાથે આવેલા પણ ફટોફટ વિદાય લઇ લે છે. સામાન્ય રીતે મૃત્યુ પામનારાના ઘેર તેના સંબંધીઓ-કુટુંબીજનો રહે છે જેથી મૃતકની નજીકના લોકોને કોઇ ડર ના લાગે. પરંતુ કોરોનાના કારણે ઘરમાંથી એક વ્યક્તિ ઓછો થઇ જાય છે છતાં તેનો શોક મનાવી શકાતો નથી.
બેસણા પણ લોકડાઉનમાં શક્ય ના હોવાથી લોકો ખરખરો કરી ને શાંત્વન આપવા આવી શકતા નથી. કેટલાક ઉત્સાહીઓ ટેલિફોનિક બેસણા રાખે છે પરંતુ તેમાં કોઇ ચાર્મ નથી હોતો. આમ પણ, બેસણાની સિસ્ટમ શો પીસ બની ગઇ હતી. છતાં લોકો વ્યવહારમાં રહેવા પ્રયાસ કરતા હોય છે.
મૃત્યુ પછી ખુબ મહત્વની અને સંસાર ચક્ર માટે ઉપયોગી મનાતી અસ્થિ વિસર્જનની સિસ્ટમને પણ કોરોનાએ બાદબાકીની યાદીમાં મુકી દીધી છે. અનેક સ્મશાનોમાં અસ્થિ વિસર્જનની સેવા અપાય છે. તે બધાને ત્યાં અસ્થિના ઢગલાબંધ પેકેટો પડી રહ્યા છે. અસ્થિ વિસર્જનની સિસ્ટમ પર નભતા ચાણોદ સહિતના ધાર્મિક સ્થળો પરના વિધિ કરાવનારોઓ માટે પણ મહા મંદી જેવી સ્થતિ છે.
આત્માને ભાવભિની વિદાય આપવા માટે કરાતી પિંડદાન વિધિ વગેરે પણ બંધ કરી દેવી પડી છે. મૃત્યુ પછીની તમામ વિધિઓ કોરોનાના કારણે અટકી ગઇ છે. મૃત્યુ પછીની વિધિઓ અટકી પડવાથી કોઇ આભ નથી તુટી પડયું. એમ લાગે છે કે કેટલીક વિધિઓથી માણસને ડરેલો રાખવામાં આવતો હતો. આમ નહીં કરાય તો કુટુંબ પરેશાન થશે. ઉદાહરણ તરીકે સૂતક વિશે વિવિધ માન્યતા ઉભી કરવામાં આવતી હતી. દરેક સમાજના ગુરુઓએે મૃત્યુ પછીની લાઇફને બહુ ગંભીર સ્વરુપ આપી દીધું હતું.
મૃત્યુ પામનારની અસ્થિ ઘરમાં રાખી શકાય નહીં કે આત્મા ૧૨ દિવસ ભટકે છે માટે તનેે શાંત કરવો પડે કે પંચકમાં વિદાય લેનાર બીજા પાંચને લેતો જાય છે જેવી વાતોથી લોકોને ડરેલા રાખવામાં આવતા હતા
કોરોના વાઇરસના કારણે ઉભી થયેલી લોકડાઉનની સ્થિતિએ તમામ સમિકરણો બદલી નાખ્યા છે. મૃત્યુને મહત્વ આપવું જોઇએ પરંતુ તેના કારણે ઉભી થયેલી અંધશ્રદ્ધા સમાજ જીવનમાં વધુ દ્રઢ થવા લાગી હતી.
કોરોનાથી મૃત્યુ પામેલાની મૃતદેહની નજીક મૃતકના નજીકના સંબધીઓને પણ સત્તાવાળાઓ જવા દેતા નથી. માત્ર દુરથી હાથજોડીને જયશ્રી કૃષ્ણ કહેવું પડે છે.
જો કોરાના કાળ લાંબો ચાલશે અને સોશ્યલ ડિસ્ટન્સ ફરજીયાત પણે પાંચ-છ મહિના ચાલશે તો રામ બોલો ભાઇ રામ ફેઇમ સ્મશાન યાત્રા ભાગ્યેજ જોવા મળશે. આ વાંચ્યા પછી એમ લાગશે કે મૃત્યુ મરી ગયું રે લોલ....
Comments
Post a Comment