રશિયાઃ ઘરના છોકરા ઘંટી ચાટે, અમેરિકાને માસ્ક


- આધ્યાત્મિક રહસ્યવાદથી ઊલટ રાજકીય રહસ્યવાદની વાત કરવામાં આવે તો ઉત્તર કોરિયા અને રશિયા બંને ઉત્તમ ઉદાહરણો છે

કિમ જોન્ગ ઉન ૨૦૧૧માં ૨૭ વર્ષની ઉંમરે ઉત્તર કોરિયાનો સરમુખત્યાર બન્યો. તેની માતા કો યોન્ગ હુઈ મૂળ જાપાનની હતી. કોરિયા અને જાપાન સાપ અને નોળિયા જેવા દુશ્મન હોવાથી તેમને ક્યારેય સાસરિયાનું સુખ મળ્યું નહોતું. કિમ જોન્ગ ઉનના દાદા કિમ ઇલ સંગથી હંમેશા તેને દૂર રાખવામાં આવેલી. આની પાછળ તેના કાકા જાન સોન્ગ થાએક જવાબદાર હતા.

દીકરાએ માતાને થયેલો અન્યાય યાદ રાખ્યો હતો. જેવો કિમ જોન્ગ ઉન સત્તામાં આવ્યો કે પહેલું કામ કાકાનું કાસળ કાઢવાનું કર્યું. તેને જાહેરમાં ઊભા રાખી મશીનગન ચલાવી ચાળણી કરી નાખવામાં આવ્યા. મીડિયામાં કહેવામાં આવ્યું, તેણે દેશદ્રોહ કર્યો છે. કહેવાય છે કે તેના કાકાની હત્યા પછી લાશ કૂતરાને ખાવા માટે આપી દેવામાં આવી હતી. કો યોન્ગ હુઈ ત્યારથી મધર ઑફ કોરિયા કહેવાય છે.

આધ્યાત્મિક રહસ્યવાદથી ઊલટ રાજકીય રહસ્યવાદની વાત કરવામાં આવે તો ઉત્તર કોરિયા અને રશિયા બંને ઉત્તમ ઉદાહરણો છે. શું થાય છે, લશ્કર ક્યા લડે છે ખબર જ ન પડે. કિમ જોન્ગ ઇલના મૃત્યુના બે દિવસ પછી દુનિયાને ખબર પડી કે તે મરી ગયો છે. એય કિમે જાહેરાત કરી ત્યારે. કિમ જોન્ગ અત્યારે બીમાર હોવાનું કહેવાય છે, કિંતુ ડોનલ્ડ ટ્રમ્પનેય આ વિશે ખબર નથી. રશિયા પણ બિલકુલ આવું જ રહસ્યવાદી છે. લશ્કર ક્યાં લડે છે એ ખબર પડે તો પૈસા પાછા. ૨૧મી ડિસેમ્બર ૧૯૯૧ના રોજ રશિયાની સરકારી ટીવી ચેનલ પર બુલેટિન પ્રસારિત થયું, યુનિયન ઑફ સોવિયેત સોશિયાલિસ્ટ રિપબ્લિક હવે નથી રહ્યું. ૨૫મી ડિસેમ્બરે મિખાઈલ ગોર્બાચોવે રાજીનામું આપ્યું. મોસ્કોની ક્રિમલિન બિલ્ડિંગ પરથી ૭.૩૨ વાગ્યે લાલ ઝંડો ઉતારી નાખવામાં આવ્યો. તેની જગ્યા સફેદ, નીલા અને લાલ ત્રિરંગાએ લીધી. રશિયા અને ઉત્તર કોરિયા બંને રહસ્યમય, બંને ક્રૂર. ક્યારે શું થઈ જાય છેલ્લી ઘડી સુધી ગંધ ન આવે.

યુએસએસઆરના વિઘટન પછી પણ રશિયાના દુઃખના દહાડા આથમવાનું નામ લેતા નહોતા. સૌથી મોટી સમસ્યા હતી ખેતરમાં ઊગતા અનાજને બજારમાં પહોંચાડવું. જેણે રશિયાનો નકશો જોયો હોય એ બરાબર સમજી શકે કે માલને એક ઠેકાણેથી બીજે લઈ જવામાં કેટલું લાંબું અંતર કાપવું પડે. ખેત ઉત્પાદનોને બજારમાં પહોંચવામાં એટલો સમય લાગતો કે તે સડી જતા. દુકાનોમાં સડેલું અનાજ મળતું, શાકભાજીની દુકાનમાં સડી ગયેલું શાક મળતું. તોય લોકો ખાતા. ને ન મળે તો પેટ ભરવા ઘરે મરઘા પાળવા લાગેલા.

ખાદ્યાન્ન સંકટ દૂર કરવા માટે શ્રીમાન ગોર્બાચોવે ઘણી બધી સંધિ કરી તેમાંની એક તેમણે અમેરિકા સાથેય કરી. ત્યારે સિનિયર બુશ અમેરિકાના પ્રમુખ હતા.  અમેરિકામાં બ્રેસ્ટ ચિકનની ખૂબ ડીમાન્ડ રહેતી. બ્રેસ્ટ ચિકન એટલે મરઘાનાં પેટ અને છાતીનો હિસ્સો. બાકીનો પગ અને જાંઘનો હિસ્સો પણ ખાસ્સો હતો જે એમ ને એમ પડયો રહેતો. અમેરિકાએ ગોર્બાચેવને તે વેચવાની ઑફર કરી. જોતજોતામાં રશિયાની બજારમાં અમેરિકી ચિકનના લેગ પીસ વેચાવા માંડયા. રશિયનોએ તેને નામ આપ્યું, બુશ લેગ. વખાના માર્યા તેમને બુશ લેગ ખાવા પડતા, પરંતુ તેઓ અમેરિકાએ ફેંકી દીધેલો ટુકડો ખાતા હોવાનો ખટકો તો તેમના મનમાં હતો જ.

૯૦ના દશકો પૂરો થવા આવ્યો ત્યાં સત્તા બદલાઈ. પુતિનનું આગમન થયું. પહેલા તેઓ પ્રધાનમંત્રી બન્યા, બાદમાં પ્રમુખ. રશિયા ગેસ અને ખનીજતેલના વેપાર સાથે સંકળાયેલું હોવાથી તેનું અર્થતંત્ર ઝડપથી ઊંચું આવવા લાગ્યું. અમેરિકા તેનું ૨૨ ટકા ચિકન ખરીદતું હતું તે હવે તેને બેસ્વાદ લાગવા માંડયું. ૨૦૦૨થી રશિયાએ અમેરિકાથી આવતા ચિકનની ગુણવત્તાને પડકારવાનું શરૂ કર્યું. કહ્યું કે, અમેરિકા મરઘાને એન્ટી બાયોટિક દવા આપે છે. ૨૦૧૦માં તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો.

આ આખા ઘટનાક્રમને તો જાણે વર્ષો વિતી ગયા, પણ રશિયાના મનમાં હંમેશા રહ્યું કે વખત આવે ત્યારે અમેરિકાના માથા પર હાથ રાખવો. આમ તો આ ઇચ્છા પુતિનની ઇચ્છા પણ તેની ઇચ્છા એ જ રશિયાની ઇચ્છા. દુનિયા આખીમાં કોરોના ફાટી નીકળ્યો. રશિયામાં પણ અને અમેરિકામાં પણ. પુતિનના મનમાં હજુ એ વાત કે રશિયાની મદદ કરવી.

અમેરિકામાં કોવિડ-૧૯ના દરદીઓનો આંકડો ૧૦ લાખને પાર કરી ગયો છે તો રશિયાની સ્થિતિ કંઈ સાવ સારી નથી. ત્યાંય એક લાખથી તો વધુ છે જ. અને એક લાખેય તેણે જાહેર કરેલા. ન જાહેર કરેલા આંકડા વધુ મોટા હોવાની પૂરી સંભાવના. વાયવ્ય રશિયામાં ફિનલેન્ડની સરહદ નજીક એક શહેર આવેલું છે, મૂરમન્સ્કી. ત્યાં કોવિડ-૧૯ ફાટી નીકળ્યો અને ઇલાજની કોઈ વ્યવસ્થા નહીં. રશિયન પ્રશાસને એક વિમાનને હૉસ્પિટલમાં રૂપાંતરિત કરી ત્યાં મોકલવું પડયું. સાથે ૧૩૦ ડૉક્ટરની ટીમ. રશિયન પ્રશાસન છેક સુધી એવું કહેતું હતું કે અમારે ત્યાં કોરોનાનો ખતરો નથી. અમારે ત્યાં કોરોનાનો ખતરો નથી અને આજે મોસ્કોમાં દરદીઓને દાખલ કરવા જગ્યા નથી. 

ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર તાન્યા ગોલિકોવાએ પોતે કબૂલ્યું, અમે ખાસ ધ્યાન આપ્યું નહોતું. ફેબુ્રઆરી-માર્ચમાં અત્યંત રિલેક્સ રહેલું રંગ રશિયા હવે બેરંગ રશિયા બની ગયું છે. પેનિક મોડમાં આવી ગયું છે. જે વાત કહેવાની છે એ તો હજી સુધી કીધી જ નથી. ઘરના છોકરા ઘંટી ચાટે અને અમેરિકાને માસ્ક એ સ્થિતિ હવે નિર્મિત થઈ. પુતિને પાંચ હજાર કિલો મેડિકલ સપ્લાય અમેરિકા મોકલ્યો. તેમાં વેન્ટિલેટરથી લઈને માસ્ક સુધીની જુદી-જુદી ચીજો હતી. તેમને એમ કે બુશ લેગનું વળતર વાળી દઈએ, પણ વળતર વાળવામાં  લોચો એ થઈ ગયો કે પોતાને ત્યાં જ આ બધી ચીજોની શોર્ટેજ ઊભી થઈ ગઈ. બુશ લેગનું વળતર તેમના ગળાનું હાડકું બની ગયું.

રશિયામાં પહેલી વખત લોકો સડક પર આંદોલન કરવા ઊતરવા લાગ્યા છે. ફ્રંટ ફૂટ પર ફાઇટ આપતા પુતિન બેકફુટ પર આવી ગયા છે. પોતાના સત્તાવાર નિવાસસ્થાનમાંથી બહાર નીકળતા નથી. રોઇટર્સને એક મહિલાએ કહ્યું, હું મેડિકલ સ્ટોરમાં માસ્ક લેવા ગઈ. માસ્ક નહોતા. મે કહ્યું, કદાચ આપણે આપણા હિસ્સાના માસ્ક પણ અમેરિકાને મોકલી દીધા.

રશિયાની જનતાની ધીરજ પહેલા ખૂટશે કે કિમ જોન્ગ ઉનના શ્વાસ એ કહી શકાય એમ નથી. બંને દેશોનું ભવિષ્ય કોવિડ-૧૯ની વિદાય જેટલું જ અનિશ્ચિત છે.

વૈશ્વિક હાઇલાઇટ્સ...

- બ્રાઝિલમાં કોવિડ-૧૯ને કારણે રાજકીય કટોકટી ઊભી થઈ ગઈ છે. નાગરિકો લોકડાઉનના વિરોધમાં સડક પર ઊતરી આવ્યા છે. કેટલાક પ્રદર્શનકારીઓ કોંગ્રેસ અને સુપ્રીમ કોર્ટ બંધ કરવાની તથા દેશનું સુકાન આર્મી પોતાના હાથમાં લઈ લે એવી માગણી કરી રહ્યા છે. તો પ્રમુખ જાઇર બોલ્સોનારો કહે છે, હું જ બંધારણ છું. 

- અમેરિકામાં પણ યુવાનો લોકડાઉનના વિરોધમાં બંદૂક લઈને સડક પર ઊતરી આવ્યા હતા. લોક માગણીને ધ્યાને લઈને કેટલાક રાજ્યોએ લોકડાઉન ખોલ્યો છે. જ્યોર્જિયાએ તો સિનેમા હોલ અને રેસ્ટોરેન્ટ્સ ખોલવાની પણ મંજૂરી આપી દીધી છે.

- સ્પેને પણ બ્રિટન અને ફ્રાંસના નક્શ-એ-કદમ પર ચાલતા લોકડાઉન લંબાવ્યું છે. તેણે યુરોપમાં સૌથી લાંબું નવમી માર્ચ સુધીનું લોકડાઉન જાહેર કર્યું છે.

- ચીનના હેલન્ગોજિયાંગ પ્રાન્તની બોર્ડર રશિયા સાથે મળે છે. રશિયા કોવિડ-૧૯ તાંડવ મચાવી રહ્યો છે. તેની અસર ચીનના આ પ્રાન્તને ન થાય તે માટે કડક સુરક્ષા જાપ્તો ગોઠવી દેવામાં આવ્યો છે.

- હોંગકોંગની પોલીસે લોકશાહીની માગણી કરી રહેલા ૧૫ આંદોલનકારીઓની ધરપકડ કરી છે. ચીને હોંગકોંગના કાયદામાં ઉંદરકામા શરૂ કરી દીધા છે. અત્યારે આમેય ચીનનો કાન પકડે એવું કોઈ નથી. તેથી તેને મોકળું મેદાન મળી ગયું છે.

- કિમ જોન્ગ ઉન તેના દાદા કિમ સંગ ઇલની જન્મ જયંતીની ઉજવણીમાં સામેલ ન થતા તે બીમાર હોવાની અટકળો તેજ બની છે. તે બ્રેઇન ડેડ હોવાનું કહેવાઈ રહ્યું છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો