કપૂર ખાનદાનનો ખુલ્લં-ખુલ્લા અભિનય કરનારો ઋષિ

- અગ્નિપથમાં રઉફ લાલાનો અભિનય કરીને ઋષિ કપૂરે નવી પેઢીને પોતાની આવડત દેખાડી હતી. જોકે 2017માં આવેલી તેમની આત્મકથાએ તેમને વધારે ચર્ચાસ્પદ બનાવ્યા


પડદાં પર ઋષિ કપૂરે દેખાવાની શરૂઆત કરી એ પહેલી ફિલ્મ ૧૯૫૫માં આવેવી રાજ કપૂરની શ્રી ૪૨૦ હતી. તેના ગીત પ્યાર હુઆ એકરાર હુઆમાં ઋષિ.. દેખાયા હતા. અલબત્ત, તેને અભિનય ન કહી શકાય. ત્યારે તો હજુ એ ૩-૪ વર્ષના બાળક હતા. રેઈન કોટ પહેરીને નીકળતા બાળ-સેનામાં સૌથી નાના તેઓ હતા.

એક્ટિંગની શરૂઆત ૧૯૭૦ની મેરા નામ જોકરથી કરી. એ તેમની પહેલી નોંધપાત્ર ફિલ્મ. ત્યારે હજુ તો ઋષિ જુવાનીમાં ડગ માંડી રહ્યા હતા. પણ અભિનય દમદાર કર્યો. એટલે એ ફિલ્મ માટે નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો. એ ફિલ્મ ઋષિના પિતા રાજ કપૂરે બનાવી હતી. એવોર્ડ મળ્યો ત્યારે રાજ કપૂરે ઋષિને કહ્યું, જાઓ દાદા (પૃથ્વીરાજ)ને બતાવી આવો.

પૃથ્વીરાજ કપૂરે એવોર્ડ જોઈને કહ્યું કે રાજે, કપૂર ખાનદાનનું કર્જ ઉતારી દીધું. એ વખતે ચાઈલ્ડ એક્ટર તરીકે આ એવોર્ડ મેળવનારા તેઓ બીજા કલાકાર હતા. એમાંય હિન્દી ફિલ્મની વાત કરીએ તો પહેલા કલાકાર હતા. ૧૯૬૭માં અપાયેલો પ્રથમ એવોર્ડ તમિલ કલાકાર બેબી રાનીને મળ્યો હતો. કર્જ ઉતારવાની આ વાત ઋષિ કપૂરે હજુ હમણાં ૨૦૧૭માં લખેલી આત્મકથા 'ખુલ્લં ખુલ્લાં : ઋષિ કપૂર અન્સેન્સર્ડ'માં લખી છે. પહેલી ફિલ્મ જોકર તો છેલ્લી ફિલ્મ ૨૦૧૯માં આવેલી ધ બોડી હતી. એ રીતે ગણીએ તો અડધી સદી સુધી તેમણે અભિનય કર્યો. 

પોણા ત્રણસો પાનાંમાં પથરાયેલી આત્મકથામાં નામ પ્રમાણે જ ઘણી એવી વાતો લખી, જેના કારણે ઋષિ કપૂરની ખેલદીલી કે પછી વટદાર સ્વભાવ કે પછી બંડખોર વૃત્તિ જે કહો એ સામે આવ્યું. એમાં તો તેમણે ઘણું લખ્યું, પણ ખાસ ચર્ચા તેમના પિતા વિશે કરેલા લખાણની થઈ. ઋષિએ લખ્યું કે રાજ કપૂરને ઘણી મહિલાઓ સાથે સબંધો હતા. એ સબંધો પરિવારમાં વિખવાદનું કારણ બનતા હતા. એટલે સુધી કે માતા કૃષ્ણા કપૂરે રાજ કપૂરનું ઘર છોડી દીધું હતું.

રાજ કપૂરના વૈજયંતિ માલા, નરગીસ વગેરે અભિનેત્રીઓ સાથેના સબંધોને કારણે કૃષ્ણા કપૂર એક હોટેલમાં રહેવા જતા રહ્યા હતા. એ પછી તેઓ ચિત્રકૂટ ખાતેના એપાર્ટમેન્ટમાં રહેવા જતા રહ્યા હતા. કૃષ્ણા કપૂરે કોઈ બબાલ કરવાને બદલે શાંતિ જાળવી હતી. પરિણામ એ આવ્યુ કે રાજ કપૂરના જ્યારે અન્ય મહિલાઓ સાથેના સબંધો છૂટી ગયા ત્યારે તેમને ફરી કૃષ્ણા કપૂરની જરૂર પડી. એ વખતે કૃષ્ણાદેવી તેમની સાથે આવ્યા પણ ખરા. 

ફિલ્મી પડદે રોમાન્સના ફૂવારા ઉડાવતા ઋષિ અંગત જિંદગીમાં પણ પ્રેમમાં પડયા હતા અને એમાં વળી ફિલ્મ જેવા જ ટ્વિસ્ટ આવ્યા હતા. નીતુ સિંહ સાથે લગ્ન કર્યા એ પહેલા તેઓ પારસી યુવતી યાસ્મિન મહેતાના પ્રેમમાં હતા. એ વાત પણ આત્મકથામાં તેમણે સ્વિકારી છે.

પરંતુ ત્યારે ઋષિ કપૂરના ડિમ્પલ કપાડિયા અને અન્ય હિરોઈનો સાથેના સબંધોની ચર્ચા થતી રહેતી હતી. એ ચર્ચાને કારણે જાસ્મિન ઋષિથી દૂર થઈ ગઈ. ઋષિએ તેમને મનાવવાની ઘણી કોશિશ કરી પરંતુ એ યુવતી માની નહીં. બાકી તો એ સબંધો વીંટીની આપ-લે કરવા સુધી પહોંચી ગયા હતા.

અમિતાભ વિશે તેમણે લખ્યું હતુ કે બચ્ચને ક્યારે સાથી કલાકારોને ક્રેડિટ નથી. આ અભિપ્રાય બાદ વિવાદ પણ ઉભો થયો હતો. ઋષિએ એમ પણ લખ્યું હતું કે ફિલ્મ લેખકો અને ડિરેક્ટરો પણ અમિતાભની તરફેણ હતા એટલે ફિલ્મમાં તેનો રોલ જ મજબૂત રહેતો હતો.

અમિતાભ અને ઋષિએ કભી કભી, અમર અકબર એન્થની વગેરે ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. એકલા અમિતાભ નહીં, સલિમ-જાવેદ, ગુલજાર, એ જમાનાના અન્ય કલાકારો વિશે પણ ઋષિએ આત્મકથામાં જનોઈવઢ લખ્યું છે.

એવી રીતે પોતે એવોર્ડ મળે એ માટે કઈ રીતે સેટિંગ પાર પાડયા હતા તેનો એકરાર પણ કર્યો છે. બોબી રિલિઝ થઈ એ વર્ષે જ ૧૯૭૩માં અમિતાભની ઝંઝીર આવી હતી. ઝંઝીરને બદલે પોતાને એવોર્ડ મળે એ માટે ઋષિએ એ જમાનામાં માતબર ગણાતી ૩૦ હજારની રકમ ખર્ચી હતી. 

પુત્ર રણબિર અત્યારનો લોકપ્રિય સ્ટાર છે. પરંતુ એ પિતા-પુત્ર વચ્ચેના મતભેદો ઋષિએ ક્યારેય છૂપાવ્યા ન હતા. કપૂર ખાનદાનની પરંપરા પ્રમાણે કેટરિના સાથે રહેવા રણબિર પણ બીજા ઘરે રહેવા જતો રહ્યો હતો. એ વખતે ઋષિએ કહ્યું હતું કે હું તેના નિર્ણયમાં દખલ દેતો નથી, મારા પિતાએ પણ મારા નિર્ણયોમાં દખલ કરી ન હતી. 

પત્ની નીતુ વિશે લખ્યું છે કે મને સાચવવા બદલ તેને એવોર્ડ મળવો જોઈએ. ઋષિએ એક ઈન્ટર્વ્યુમાં એ વાતનો પણ સ્વિકાર કર્યો હતો કે મારી ટ્વિટથી વિવાદ થતો હતો. એટલે નીતુ મને ઘણી વખત કહેતી કે આ બધી જંજાળ પડતી મુકો ને! ખાસ તો મે ૨૦૧૬માં તેમની ટ્વિટ બહુ વિવાદાસ્પદ બની હતી, જ્યારે તેમણે રાહુલ ગાંધી પર સવાલ કર્યો હતો.

તેમણે લખ્યુ હતુ કે કઈ આવડતને કારણે રાહુલને કોંગ્રેસમાં સતત પ્રમોશન મળી રહ્યું છે? ટ્વિટમાં તેમણે વંશવાદની ટીકા પણ કરી હતી. તો વળી ભાજપ સરકારે જ્યારે ગજેન્દ્ર ચૌહાણને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટયૂટના ચેરમેન બનાવ્યા ત્યારે પણ ઋષિએ નિર્ણયની ઝાટકણી કાઢી હતી. જોકે શરૂઆતી સમયમાં તેમણે પોતાની નિષ્ફળતા માટે નીતુને જવાબદાર પણ ઠેરવી હતી. એ સમયે નીતુ ગર્ભવતી હતા, તેમના પેટમાં રિદ્ધિમા હતી. 

શરૂઆતી વર્ષોમાં તેઓ રોમેન્ટિક એક્ટર અને સ્ટાઈલ આઈકોન બની રહ્યા. ટર્ટલનેક ધરાવતી જર્સી, ગળામાં ભરતકામ કરેલું મફલર.. જેવી ફેશન તેમને જોઈને લોકો અપનાવતા થયા. ૧૯૮૦-૯૦ના જુવાનિયાઓમાં એ સ્ટાઈલ ફેવરિટ ગણાતી હતી. ચાંદની, દામીની, કભી કભી.. જેવી ફિલ્મોમાં ઋષિ રંગીન જર્સી સાથે ખીલી ઉઠયા હતા. કારણ એટલું કે જર્સી-સ્વેટર તેમને અંગત રીતે ગમતાં વસ્ત્રો હતા. વળી એ વખતી મોટા  ભાગની ફિલ્મો કાશ્મીરના ઠંડા વાતાવરણમાં શૂટ થતી હતી.

ઋષિએ જર્સી કેમ સાચવવી તેની ટિપ્સ પણ ટ્વિટ કરીને આપી હતી કે જર્સીને ટિંગાડશો નહીં, ગડી વાળીને મુકશો તો જ સારી હાલતમાં રહેશે! તો વળી ૧૯૭૪ની ફિલ્મ ઝહેરીલા ઈન્સાનના ગીત ઓ હંસિનીમાં તેમણે મહિલાનું ટ્રાઉઝર પહેર્યું હતું એ વાતનો એકરાર પણ કર્યો છે.

એ પેન્ટ વળી એમણે લેબનોના શહેર બૈરુતમાંથી ખરિદ્યું હતું. શું પહેરવું, શું શોપિંગ કરવું, ક્યારે પહેરવું વગેરેની તેમને સમજ હતી, માટે બોલિવૂડના ફેશન ડિઝાઈનરો ઋષિની નકલ પણ કરતાં હતા. આજકાલ ફાટેલાં કપડાં પહેરવાની મુર્ખામીભરી ફેશન ચાલે છે, જે પહેરેલા ઘણા તો ભીખારી જેવા પણ દેખાય. તેની ઋષિએ ટ્વિટ દ્વારા ટીકા કરીને લખ્યું હતું કે આવા કપડાં સાથે એક બાઉલ (ભીખ માંગવા કટોરો) મફત આપવો જોઈએ. 

પાછલા વર્ષોમાં તેમની કેટલીક નોંધપાત્ર ફિલ્મો આવી. અગ્નિપથની રિ-મેક બની તેમાં તેમણે રઉફ લાલાનો દમદાર રોલ કર્યો અને આખી ફિલ્મમાં પડદાં પર છવાયેલા રહ્યા. તો વળી ડી-ડે નામની (ઈરફાન ખાન સાથેની) થ્રિલરમાં અન્ડરવર્લ્ડ ડોનનો રોલ પણ કર્યો. ૨૦૧૦ પછી તેમણે ૨૦થી વધારે ફિલ્મો કરી. એટલે કે એક્ટિંગની બાબતમાં ક્યારેય નિવૃત્ત થયા ન હતા. એક નોંધપાત્ર અભિનય ૧૦૨ નોટઆઉટમાં કર્યો. એ ફિલ્મમાં અમિતાભ ૧૦૨ વર્ષના પિતા હતા, તો ઋષિ તેમના ૭૬ વર્ષના દીકરા બન્યા હતા. 

એવુ લાગે છે કે ઋષિ કપૂર કેન્સર હોવા છતાં બહુ શાંતિથી મૃત્યુ પામ્યા હશે. કેમ કે તેમણે કોઈ વાત છૂપાવી રાખવાનું વલણ અપનાવ્યું ન હતું. જે કહેવા જેવું હતુ એ બધુ આત્મકથામાં કહ્યું હતુ. તો વળી સમસાયિક મુદ્દાઓ  પર કંઈ કહેવાનું હોય તો ટ્વિટર પર કહી દેતા હતા. લોકો તેમને ટ્રોલ કરતાં તો પણ પોતોના મતમાં તેઓ ફેરફાર કરતા ન હતા. એટલે અન્યને કેવું લાગશે તેની પરવા કર્યા વગર કહી શકતા હતા. એટલે જ તેમનો આત્મા જ્યાં હશે ત્યાં શાંતિ પામ્યો હશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે