મૃત્યુની ચિંતા માટે સમય ફાજલ પાડશો નહીં !

આંખોમેં આકાશ જૈસી તમન્ના રખકર જીતે હૈં,

બાહોંમેં ફૌલાદ જૈસી તાકત રખકર જીતે હૈં,

મનમેં ચાંદ-સિતારોકી મસ્તી રખકર જીતે હૈ,

દિલમેં સાગર જૈસી ઉમંગે રખકર જીતે હૈં.

આજે ચોતરફ ડર, દહેશત કે મૃત્યનું વાતાવરણ છે. કોઈ ભવિષ્યની ઘટનાના ડરથી ધૂ્રજી રહ્યા છે. કોઇને વર્તમાન પરિસ્થિતિથી ડર લાગે છે અને કોઇને ચોપાસ થતાં મૃત્યુની વાતો સાંભળીને પોતાના મૃત્યુ વિશે ચિંતા જાગે છે.

ભયને આંકડાઓ સાથે ગાઢ સંબંધ છે ! યુધ્ધ ખેલાય ત્યારે આંકડાઓનો જ મહિમા હોય છે ને ! એ આંકડાઓ પર જ હાર-જીતનો નિર્ણય થતો હોય છે. પોતાના પક્ષના એકસો સૈનિકો યુદ્ધમાં ખપી ગયા અને વિરોધી પક્ષના ૧૧૦ને હણી શક્યા એ ગણતરી જ વિજયનો ભાવ જગાડે છે.

આવી જ રીતે કોરોના વાયરસની મહામારીનાં આંકડાઓનો ચિત્ત પર મૂશળધાર વરસાદ ઝીંકાતો રહે છે. પોતાના મહોલ્લાના આંકડા હોય, રાજ્યના કે રાષ્ટ્રનાં આંકડા હોય, દુનિયાના દેશોના આંકડા હોય અને સમગ્ર વિશ્વનો સરવાળો પણ હોય. આ આંકડાઓનો વ્યક્તિ ઊંડો વિચાર કરતો નથી, પરંતુ એના ભયને હૃદયમાં વધુ ને વધુ ઊંડે લઈ જતો હોય છે.

આવે સમયે ભયનું પરિવર્તન સાધવાની કલા શીખી લેવી જોઈએ.

અમેરિકાના પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી સેમ ઉન્ટરમેયરને કોલેજકાળથી જ દમ અને અનિંદ્રાનો રોગ લાગુ પડયો હોવાથી આખી રાત જાગવું પડતું હતું, પરંતુ એમણે પોતાની આ વ્યાધિને વિશેષતામાં પલટાવી નાખવા માટે પથારીમાં પડખાં ફેરવવાને બદલે અભ્યાસ કરવાનું શરૂ કર્યું.

પરિણામે સિટી ઓફ ન્યુયોર્ક કોલેજના તેજસ્વી વિદ્યાર્થી તરીકે પંકાવા લાગ્યા. એ પછી વકીલાત શરૂ કરી અને દમ અને અનિંદ્રાથી થતી અકળામણને ભૂલીને વિચાર્યું કે કુદરત તો એની રીતે મારી કાળજી લેશે, પછી ઓછી ઊંઘની ફિકર શી ? વળી વ્યાધિની ચિંતા કરવાથી શું વળે ? એ એનું કામ કરે અને હું મારું કામ કરું. મારું કામ છે કાયદાઓનો ઊંડો અભ્યાસ કરીને કેસ લડવાનું. બસ, રોગની ચિંતા છોડીને કાર્યમાં ડૂબી જાઉં.

આથી એમણે સખત કામ કરવા માંડયું અને બીજા યુવાન વકીલો ઊંઘતા હોય, ત્યારે સેમ કાયદાશાસ્ત્રનાં પુસ્તકો વાંચતા હોય ! ૨૧ વર્ષની ઉંમરે એ જમાનામાં ૭૫ હજાર ડોલરની રકમ કમાતા હતા અને ઇ.સ. ૧૯૩૧માં તો એમને અમેરિકાના કાનૂની ઇતિહાસમાં કેસ લડવા માટે દસ લાખ ડોલરની રકમ અને તેય રોકડમાં મળી, જે એક વિક્રમરૂપ હતી.

એમ અનિંદ્રાના વ્યાધિને કારણે અડધી રાત સુધી વાંચતા અને પાછા વહેલી સવારે પાંચ વાગે ઊઠીને લખવાનું શરૂ કરી દેતા. બીજા લોકો હજી પથારીમાંથી ઉઠીને દિનચર્યાનો પ્રારંભ કરે, ત્યારે એમનું આખા દિવસનું કામ પૂર્ણ થઈ જતું ! જિંદગીમાં એમને ક્યારેય ગાઢ નિંદ્રા આવી નહીં, તેમ છતાં ૮૧ વર્ષનું તંદુરસ્ત આયુષ્ય ભોગવ્યું. જો અનિંદ્રાની અકળામણથી અશાંત થઇને સતત ચિંતાતુર રહ્યા હોત, તો આટલું લાંબું, સ્વસ્થ અને સફળ જીવન જીવી શક્યા ન હોત.

આ છે ભયને અભયમાં કેળવવાની કલા. જેને પરિણામે વ્યક્તિ પોતાની અશક્તિને શક્તિમાં પરિવર્તિત કરી શકે છે. પરિસ્થિતિનું યોગ્ય વિશ્લેષણ કરીને માર્ગ શોધનારી વ્યક્તિઓ વિજયને પામતી હોય છે. પરિસ્થિતિથી ભયભીત થનાર એના જીવનનો આનંદ તો ગુમાવે છે. પણ એથીય વિશેષ એકાગ્રતા ખોઈ બેસ છે. આવી એકાગ્રતાના અભાવે એ સતત મૃત્યુની ચિંતાથી ઘેરાયેલો રહે છે. એની આ ચિંતા જ એને અંતિમ ચિતા સુધી દોરી જાય છે.

જો એમાં એ પરિવર્તન આણે તો શું થઇ શકે ? એક ગંભીર મોટર અકસ્માતમાં ટોમના બંને પગ છૂંદાઈ ગયા અને કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ. એને શેષ જીવન પથારીમાં રહીને જ વીતાવવું પડે તેમ હતું. ચોધાર આંસુએ રડતી એની પત્નીએ સાંત્વના આપી અને વિચાર્યું કે મારે કોઈ એવો કારોબાર શોધવો જોઈએ કે જે હું પથારીમાં સૂતો સૂતો કરી શકું. ટેલિફોન પર સામયિકો માટેના લવાજમ ઉઘરાવવાનો વ્યવસાય એણે શોધી કાઢ્યો. એના સ્નેહાળ અવાજનેે કારણે અને રમૂજી રીતે વાતચીત કરવાની ખૂબીને કારણે લોકો લવાજમના ઓર્ડર આપવા લાગ્યા.

ટોમ જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે મોટાભાગના એના ટેલિફોન પરના આત્મીય, આનંદી, ઉત્સાહી અવાજથી ઓળખતા હતા. એના મૃતદેહને વિદાય આપવા માટે આખું ગામ ઉમટયું હતું અને સહુના ચહેરા પર 'મધુર અને લાગણીશીલ અવાજ'ના મૃત્યુનો શોક હતો. મોટા ભાગના લોકોએ ટોમને જોયો નહોતો, પરંતુ એની ચાહનાને કારણે નગરવાસીઓમાં એ નગરના મેયર તરીકે ઓળખાતો હતો.

આમ વ્યક્તિ પોતાના જીવન પર તોળાયેલા ભયને યોગ્ય રીતે ચકાસીને એમાંથી બહાર નીકળી શકે છે.

જો ભય કોઠે પડી જાય તો વ્યક્તિને માથે મોટી આફત આવે છે. ભયભીય હોવાથી એ હિંમતભેર નિર્ણય લેવાની શક્તિ ગુમાવી બેસે છે, મનથી ભાંગી પડે છે અને એથી ય વધુ પોતાના ભવિષ્ય અંગે ખોટી ધારણાઓ કરવા માંડે છે. એના મન પર કાળાં ડિબાંગ વાદળો છવાઇ ગયાં હોય તેવી ઉદાસીનતાનો અનુભવ કરે છે. એ જગત આખાની સ્થિતિ વિશે વિચારતો નથી, પરંતુ પોતાનું જીવન કેવું નરકાગાર બની ગયું છે, એના વિચારોમાં એ ડૂબી જાય છે. એનું સ્વાસ્થ્ય કથળતું જાય છે અને એની રાત બેચેન બની જાય છે. આવે સમયે વ્યક્તિને જો કોઇ કાર્ય કે ધ્યેય મળી જાય, તો એનો ભય બાજુએ ખસી જય છે અને તેના પર વિજય મેળવી શકે છે.

ટેલિવિઝન શોની નિર્માત્રી જિલ ઇકેનબરીએ ટેલિવિઝન શો માટેનો પ્રોજેક્ટ તૈયાર કર્યો. એ પ્રોજેક્ટ આગળ વધે તે પૂર્વે બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયું અને એના જીવનમાં મોટો ધરતીકંપ સર્જાઈ ગયો. એક દિવસ પલંગમાં પડી પડી આ અભિનેત્રી હીબકાં ભરતી હતી, ત્યારે એને થયું કે મારે કોઇપણ સંજોગોમાં પ્રોજેક્ટ પૂરો કરવો જોઈએ. વ્યાધિએ મને ઘેરી લીધી છે, પણ એનાથી ય વધુ મહત્વનું મારું કામ છે. તન-મનની પીડા ભૂલીને જિલ ઇકેનબરી એના કામમાં ડૂબી ગઈ. સવારે સેટ પર જાય, બપોરે રેડિયેશન લે. પાછી આવે સાવ લોથપોથ થઈ જાય, પણ બીજે દિવસે સવારે અભિનય કરવા માટે તૈયાર થઈ જાય. આ ટી.વી. ધારાવાહિકમાં ઇકેનબરી કેલ્સી નામની ધ્યેયનિષ્ઠ, સંકલ્પબદ્ધ અને આત્મવિશ્વાસથી પૂર્ણ એવી નારીનું પાત્ર ભજવતી હતી. આ પાત્ર ભજવતાં એનામાં એક પ્રકારની હિંમત આવી ગઈ. કેન્સરનો સામનો કરવાનું સાહસ જાગ્યું અને પાંચેક વર્ષમાં તો એના સંકલ્પબળ અને કર્મઠતાને કારણે એ કેન્સરમુક્ત બની ગઈ.

જિલ ઇકેનબરીએ એના જીવનની આ ઘટના અંગે માર્મિક વાત કરી છે. એણે કહ્યું કે કેન્સરના મોટાભાગના દર્દીઓ અસ્વીકાર અને ઈન્કારની ભૂમિકાથી જીવન જીવતા હોય હોય છે. આવા અસ્વીકારને બદલે સ્વીકારથી અને ઇન્કારને બદલે સાહસથી જીવવાનો નિર્ધાર કરવો જોઇએ.

આમ કરવાથી મોતનો ભય કે રોગનો ડર દૂર થઈ જાય છે, આથી આવે સમયે પહેલી મહત્વની વાત તો ભયનો ઇન્કાર કરવાને બદલે એ ભયનો વાસ્તવિક સ્વીકાર કરવો જોઈએ. ઇન્કાર કરવાથી ભય વધુ ઘેરો બને છે. અને એ ભય સ્વાસ્થ્યને માટે હાનિકારક બને છે અને કેટલાય રોગોને નિમંત્રણ આપે છે. ઘણીવાર તો આવો માનસિક રોગ શારીરિક રોગ કરતાં વધુ સમસ્યારૂપ બની જાય છે. રોગ તો બાજુએ રહે, પણ ચિંતા, ડર કે હતાશા એને ઘેરી વળતા હોય છે અને તેથી શારીરિકને બદલે માનસિક રોગને કારણે એની આવરદા પૂરી થઈ જાય છે. ચિંતાને કારણે વ્યક્તિને બ્લડપ્રેશરથી માંડીને ડાયાબિટિસ જેવી બિમારીઓ થતી હોય છે અને આવી બિમારીઓને કારણે એ ભાંગી પડતો હોય છે. એની ચિંતાની અસર એના ચહેરા પર પડે છે. અને એ સાથોસાથ ક્યારેક એ વ્યક્તિને છેક પાગલપન સુધી પહોંચાડી દે છે.

આવી જ ચિંતાઓને કારણે અમેરિકાના એચ. જે. એન્ગલર્ટનું બ્લડપ્રેશર વધી ગયું. એમાંથી બીજી બીમારીઓ ફેલાવા લાગી. એમ થયું કે હવે પોતે લાંબુ જીવવાના નથી, તેથી ચર્ચમાં જઈને એકલા બેસીને ઈશ્વર પાસે ક્ષમાયાચના કરવા લાગ્યા. એ સમયે ખ્યાલ આવ્યો કે એમણે ભૂતકાળમાં પરિવારની ઘોર અવગણના કરી છે અને તેથી એમના ચિંતાગ્રસ્ત મન પર હતાશા છવાઈ ગઈ. થોડા જ સમયમાં જિંદગીનો અંત આવવાનો હોવાથી પોતાની જાત પર ધિક્કાર અનુભવવા લાગ્યા. વળી વિચાર આવ્યો કે ભલે સાવ ટૂંકી જિંદગી હોય, પરંતુ મોજથી જીવવું અને બીજાને જલસા કરાવું. બધાને ખુશ રાખવા લાગ્યો અને ધીરે ધીરે એનો માનસિક અભિગમ બદલાઇ ગયો. 'થોડા જ સમયમાં મૃત્યુ પામવાનો છું' એમ વિચારી ભયભીત જીવન જીવનારા એન્ગલર્ટ હવે એમ વિચારવા લાગ્યો કે 'હું મારી જિંદગી કેટલી મોજથી પસાર કરું છું !'

એ પછી બે વર્ષ બાદ એન્ગલર્ટ વિચારતા હતા કે જો મેં મારા વિચારો અને વલણો ન બદલ્યાં હોત, તો આજે હું કબરમાં સૂતો હોત.

ચિંતાના સંદર્ભમાં ચીની આક્રમણખોરો અને જર્મનીનો સરમુખત્યાર એડોલ્ફ હિટલર યુદ્ધકેદીઓને ડરાવવા માટે એક ભયાવહ રીત અજમાવતા હતા. તેઓ આ યુદ્ધકેદીઓના હાથ અને પગ બરાબર બાંધી દેતા હતા. કારાવાસની જમીન પર બેસાડતા અને એમના માથા પર ઊંચે પાણીની પોટલી બાંધી રાખતા હતા. આ પાણીની પોટલીના નાના કાણામાંથી પાણીનું ટીપું કેદીઓના માથા પર સતત પડયા કરતું. પાણીના ટીપાંનો ટપ ટપ પડતો આવો અવાજ સતત સાંભળતા હોવાથી કેદીઓના મન પર એની જુદી અસર થવા લાગી. ટપ ટપ અવાજ સાથે માથા પર પડતું પાણીનું ટીપું એમને લોખંડના દસ્તા જેવું લાગવા માંડયું. આવી રીતે સતત રહેવાથી કેદીને ચિત્તભ્રમ થઈ જતો અને આવા ચિત્તભ્રમને કારણે કેટલાક કેદીઓએ આત્મહત્યા પણ કરી હતી. આ રીતે ભયથી નીપજતી ચિંતા ચિત્તની કેવી દશા કરી શકે છે એનું આ ઉદાહરણ છે. આનો અર્થ જ એ કે જેઓ ચિંતાથી ઘેરાઈ જાય છે, તેઓ પોતાના મન અને તનના મૃત્યુને સામે ચાલીને નિમંત્રણ આપતા હોય છે.

આજે કોરોનાની ચિંતાને કારણે માણસ અતિ ચિંતાગ્રસ્ત બન્યો છે. શરીરની વ્યાધિ સાથે મનની પરિસ્થિતિને પણ જોવાની જરૂર છે. ચિંતા, હૃદય કે ફેફસાં પર પોતાનો કબજો જમાવે નહીં તે જોવું જોઈએ. જે વ્યક્તિ પોતાની ચિંતા વિશે ઊંડી વિચારણા કરીને કોઇ નવું મૌલિક આયોજન કરીને જીવવાનું વિચારે છે, તેઓ માટે એમ કહી શકાય કે આવી વ્યક્તિઓ ચિંતાને ઘોળીને પી જાય છે.

પ્રસંગકથા

ચીન: માનવતાનું કલંક

કહે છે કે એકવાર ઈશ્વર અતિ પ્રસન્ન થયા અને એમણે ત્રણ વ્યાપારી દેશોના અગ્રણીઓને બોલાવીને એમના દેશ પર ધનવર્ષા કરવાનું જાહેર કર્યું. આ ધનવર્ષાના લાભાર્થી તરીકે એમણે અમેરિકા, ઇંગ્લેન્ડ અને ચીનને નિમંત્રણ આપ્યું અને પછી કહ્યું કે તમે જેટલું દાન માગશો તેટલું ધન તમને મળશે. હવે માગો.

જીન્સ પહેરેલા અમેરિકાના વ્યાપારપ્રધાને ઉત્સાહથી એક મોટું વર્તુળ કર્યું અને કહ્યું, 'આ મોટા વર્તુળમાં જેટલું ધન પડે તેટલું મારું.'

હૅટ પહેરેલો અંગ્રેજ વ્યાપારમંત્રી દોડી આવ્યો અને એણે એનાથી ય મોટું વર્તુળ બનાવીને ઈશ્વરને વિનંતી કરી, 'આની અંદર જેટલી ધનવર્ષા થાય, તે સઘળું ધન મારું.'

ચીનનો વારો આવ્યો. અમેરિકા અને ઇંગ્લેન્ડના અગ્રણીઓ માનતા હતા કે હવે આની પાસે માગવા જેવું કશું રહ્યું નથી. બિચારો સાવ નિષ્ફળ રહેશે.

ચીનના નેતાએ એક નાનું ટપકું બનાવ્યું અને ઈશ્વરને કહ્યું, 'પ્રભુ, આની બહાર જેટલું ધન પડે, તેટલું મારું !'

- આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે ચીન પોતાનું સામ્રાજ્ય અને આર્થિક પ્રભુત્વ વધારવા માટે આંધળી દોટ મૂકી રહ્યું છે. ચીનની પ્રદેશની વિસ્તારવાદી નીતિનો તો ભારત તિબેટ અને હોંગકોંગ સહિત ઘણા દેશોને વાસ્તવિક ખ્યાલ મળી ચૂક્યો છે. અત્યાર સુધી ચીનની સેના બીજા દેશોની જમીન હડપ કરતી હતી, પરંતુ તાજેતરમાં ચીનની આર્થિક લાલસાએ દુનિયા પર મહા આપત્તિ ખડી કરી છે.

કોરોના વાયરસનું જન્મસ્થાન ચીનની પ્રયોગશાળા બન્યું, કોરોનાની વાત ચીને છૂપાવી, વળી વિશ્વમાં આ વાયરસ આતંક મચાવી રહ્યો છે, તે જોઇને એણે દુનિયાને આ વાયરસ સામે રક્ષણ આપતા માસ્ક, પીપીઇ વગેરે નિકાસ કરીને સહાનુભૂતિભર્યો દેખાવ કર્યો, પણ એનો એ આડંબર ખુલ્લો પડી ગયો. તેણે મોકલાવેલી હલકી કક્ષાની સાધન-સામગ્રી કેટલાય ડૉક્ટરો, નર્સો અને સામાન્ય માનવીના મૃત્યુનું મહામારીથી કારણ બની અને કેટલાય દેશોએ ચીનથી મંગાવેલી આ સામગ્રી એને પાછી મોકલી આપી છે.

એક સમયે 'હિંદી-ચીની ભાઈ-ભાઈ' નો નારો દેશમાં ચાલતો હતો. ચીને ભારત પર આક્રમણ કર્યું અને 'હિંદી - ચીની બાય બાય' કહેવાનો વારો આવ્યો. હવે આખી દુનિયા ચીનને આવા ષડયંત્રો બદલ 'બાય બાય' કરી રહી છે.

આજની વાત

બાદશાહ : બીરબલ, ભારતના શા ખબર છે ?

બીરબલ : જહાંપનાહ, ભારતમાં સોશ્યલ મીડિયાએ કોરોના અંગે રાતોરાત વિદ્વાનો, નિષ્ણાતો, વિચારકો અને અફવાબાજોની ફોજ ઊભી કરી દીધી છે.

બાદશાહ : ક્યા ખૂબ !

બીરબલ : સવારે 'ગૂડ મોર્નીંગ' સાથે કોરોનાથી બચવા માટે લેવાતા કાઢાની વાત કરે છે. ચા પીધા પછી કોરોના અંગેના ઔષધોની નોંધ ફોરવર્ડ કરે છે. ભોજન સમયે શાકભાજીવાળાનો વીડિયો મોકલે છે. સાંજે ટ્રમ્પના નિવેદન પર હાસ્યરસપૂર્ણ પ્રતિક્રિયા આપે છે. અને 'ગૂડ નાઇટ' વખતે કોરોનાના વધેલા પ્રકોપ અંગેના આંકડાઓ મોકલાવે છે. જહાંપનાહ, આજે દેશમાં કોરોના મહામારી અંગેના 'સર્વજ્ઞાો'નો પાર નથી !

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે