કોરોના હજી સુધી નથી થયો તો હવે નહીં થાય તેમ ન માનશો : વડાપ્રધાન
નવી દિલ્હી, તા. 26 એપ્રિલ 2020, રવિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે 'મન કી બાત' મારફત દેશને સંબોધન કર્યું અને કોરોના અંગે લોકોને અતિ-આત્મવિશ્વાસથી બચવા ચેતવણી પણ આપી. કોરોના વાઈરસના કેર વચ્ચે તેમના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતમાં કોરોના વાઈરસ વિરુદ્ધની લડાઈ દેશની જનતા લડી રહી છે. જોકે, આપણે અતિ આત્મવિશ્વાસમાં ન રહેવું જોઈએ, કારણ કે સાવધાની હટી તો દુર્ઘટના ઘટી.
વડાપ્રધાનના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ની ૬૪મી આવૃત્તિમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે બધાએ બે ગજનું અંતર જાળવી રાખવાનું છે અને કોઈ ઘરમાંથી બહાર ન નીકળે. હું તમને આગ્રહ કરું છું કે આપણે અતિ આત્મવિશ્વાસમાં ન રહેવું જોઈએ. આપણે એમ ન વિચારવું જોઈએ કે આપણા શહેરમાં, આપણા ગામમાં, આપણી ગલીમાં, આપણી ઓફિસમાં હજી સુધી કોરોના વાઈરસ નથી પહોંચ્યો તો હવે તે નહીં પહોંચે. આવી ગેરસમજ ન રાખવી જોઈએ. દુનિયાનો અનુભવ આપણને ઘણું બધું કહી રહ્યો છે અને પાણે ત્યાં વારંવાર કહેવાય છે કે - સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. આ સાથે વડાપ્રધાને બદલાતી સ્થિતિમાં માસ્કને આપણા જીવનનો ભાગ બનાવવા કહ્યું હતું. તેમણે ઉમેર્યું આગામી સમયમાં માસ્ક સભ્ય સમાજનું પ્રતિક બની જશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપણે વિશ્વના જરૂરિયાતમંદ દેશો સુધી દવાઓ પહોંચાડીને માનવતાનું કામ કર્યું છે. ભારતના આ માનવતાપૂર્ણ કાર્ય અંગે વિશ્વના નેતાઓ કહે છે - થેન્ક્યુ ઈન્ડિયા. તેઓ આમ કહે ત્યારે દેશ માટે ગર્વ થાય છે. તેમણે ડોક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, સ્વાસ્થ્ય કર્મચારીઓ અને દેશને કોરોના મુક્ત બનાવવા દિવસ-રાત કામ કરતા લોકો પર હુમલાઓની ટીકા કરી હતી અને કહ્યું હતું કે કોરોના યોદ્ધાઓ પર હુમલા કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે. તેમણે ઉમેર્યું કે કોરોના સામેની લડતમાં દેશનો દરેક નાગરિક પોતાના સામર્થ્ય મુજબ મદદ કરી રહ્યો છે. દેશમાં આ લડત ખરા અર્થમાં પીપલ ડ્રીવન છે.
Comments
Post a Comment