ઓઝોનનું કુદરતી કડિયાકામ


લોકડાઉન શરૂ થયું ત્યારથી દેશના નાગરિકો જુદા જુદા પ્લેટફોર્મ ઉપર પ્રદૂષણ સંબંધિત વિવિધ વિધાનો હવામાં તરતા કરી રહ્યા છે. પ્રદૂષણ એટલું ઘટી ગયું છે કે સરદાર પટેલની ગગનચુંબી પ્રતિમા ઘરની છત પરથી દેખાય છે. એવી વાતો બતાવે છે કે સરેરાશ નાગરિક વાતાવરણની શુદ્ધતા ચાહે છે. પરંતુ આખી દુનિયાની નીતિરીતિ એવી થઈ ગઈ છે કે પ્રદૂષણ વધતું રહે એ સિવાય છૂટકો નથી. જે દેશનો વૈશ્વિક પ્રદૂષણમાં ફાળો વધુ એ દેશ વિકાસના પંથે આગળના ક્રમાંક પર ગણાય છે. ચીન અને અમેરિકા એમાં પ્રથમ ક્રમાંકે બેસવા પડાપડી કરતા હોય છે અને પ્રદૂષણકર્તા દેશોની સૂચિમાં વિકાસશીલ ભારત પણ બીજા દેશોને ટક્કર આપીને આગળ ધપી રહ્યું છે. ઇંધણ, વીજળી અને વસ્તુઓનો બેફામ આડેધડ વપરાશ માણસની જાણે કે પ્રદર્શનયુક્ત શૈલીનો ભાગ બની ગયો છે. કોરોના લોકડાઉને મનુષ્યની પ્રદૂષણકારી પ્રવૃત્તિને 'ઈસ્ટોપ' મોડમાં રાખી દીધું છે.

કોરોના વાયરસ અત્યારે દુનિયાના બધા દેશો માટે સૌથી મોટી આફત છે. જો કોરોના મહામારી ફેલાઈ ન હોત તો થોડાક જ વર્ષો પછી ગ્લોબલ વોમગ બધા જ દેશોને સતાવતું હોત. કોરોના મહામારી જાણે માનવજાત પાસે ભવિષ્યમાં આવનારી અણધારી આફતો સામે સુસજ્જ રહેવા માટે નેટ પ્રેક્ટિસ કરાવી રહી છે. પરંતુ મનુષ્ય જેનું નામ, ભૂલો દોહરાવવી તેના ડીએનએમાં છે. માટે તે જેવો કોરોનાના ત્રાસમાંથી છૂટશે એવો તરત પૃથ્વીને અને એના વાતાવરણને રગદોળવાનું ચાલુ કરશે. માટે લોકડાઉનને કારણે અત્યારે જે વાતાવરણ શુદ્ધિની ચપટીક તસવીરો અને અમુક સમાચારો આબોહવાના ગુલાબી સ્વાસ્થ્યની ઝાંખી કરાવે છે તેને અલ્પજીવી જ ગણવી. છતાં પણ દિલને ટાઢક આપે એવા એક સમાચાર આવ્યા છે કે ઓઝોન વાયુનું ઉત્તર ધ્રુવ પર રહેલું ગાબડું પુરાઈ જવાને હવે થોડાક દિવસોની જ વાર છે. કુદરતે જાતે જ ગાબડાં પૂરવાનું કડિયાકામ હાથ ધરેલું છે.

આપણા રળિયામણા ગ્રહના વાતાવરણની ઉપર ઓઝોન વાયુનું જાડું એક પડ આવેલું છે. મહાન દાનવીર કર્ણના કવચ જેવું એ સુરક્ષાનું આવરણ સૂર્યના પારજાંબલી કિરણોને જમીન ઉપર વરસતા રોકે છે. ચામડીના કેન્સરનું સૌથી મોટું કારણ પારજાંબલી કિરણોનો માનવશરીર ઉપર થતો પ્રહાર હોય છે. જે દેશોમાં ઓઝોન સ્તર પાતળું છે ત્યાં સ્કિન કેન્સરના ઘણા કિસ્સાઓ નોંધાય છે. ઓસ્ટ્રેલિયા એનું જાણીતું ઉદાહરણ છે. 

રેફ્રિજરેટર અને એર કન્ડિશનરમાં વપરાતા કાર્બન મિશ્રિત વાયુઓ ઓઝોન સ્તરમાં ગાબડાં પાડી દે છે. વધતી જતી માનવવસ્તી, તેના પરિણામ સ્વરૂપ વધતા જતા પાક્કા ઘરો અને તેમાં વધતી જતી ભૌતિક-ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પૃથ્વીનું પર્યાવરણ ખરડાવી નાખે છે. ઓઝોન સ્તરના ગાબડાંનો વધતો જતો વ્યાપ ઘણાં વિજ્ઞાાનીઓ અને ઘણા દેશના વડાઓની ચિંતા હતી. જેમાં અલબત્ત ટ્રમ્પનો સમાવેશ નથી થતો અને ચીનના જિનપિંગનો પણ નહીં.

ઓઝોનનું ગાબડું આપોઆપ પોતાને સિલાઈ મારીને સીવી રહ્યું છે તેનું કારણ લોકડાઉન નથી. લોકડાઉનને કારણે હવા ચોખ્ખી થઈ છે એ વાત સાચી છે. ગંગા નદી અને વેનીસ નદીના પાણીમાં ડોલ્ફિન માછલી નિર્ભયપણે જળક્રીડા કરતી જોવા મળે છે એ નયનરમ્ય દ્રશ્યો છે. પરંતુ ઓઝોન ગાબડાંની રિકવરી કુદરતી રીતે થઈ રહી છે. ધ્રુવીય વંટોળને કારણે વીજભાર ધરાવતા પ્રવાહોનું તોફાન ફૂંકાય છે અને જેને લીધે બહુ બધી ઠંડી હવા જમા થતા ઓઝોનનું ગાબડું અદ્રશ્ય થઈ રહ્યું છે. ઓઝોન કવચની આ પુનઃપ્રાપ્તિ હંગામી છે. લોકડાઉન જેવું પૂરું થશે એવું તરત કાર્બન વાયુઓનું પ્રમાણ વધતું જશે. કાર્બન અને મિથેન જેવા વાયુઓ ઓઝોન વાયુના રેણુઓ વચ્ચેનો અનુબંધ તોડી નાખે છે. આપણી વિકાસની પરિભાષાની વ્યાખ્યાનો નકારાત્મક નિચોડ જ એ થાય છે કે વધુમાં વધુ કાર્બન યુક્ત વાયુઓનું હવામાં ઉત્સર્જન કરો.

પર્યાવરણ વિજ્ઞાાનીઓની ચિંતા કંઈક જુદી છે. અત્યારે આકાશમાર્ગે, ભૂમિમાર્ગે અને સમુદ્રમાર્ગે શાંતિ અને સ્થિરતા છે. થોડા મહિનામાં એ બધા જ માર્ગો પહેલા કરતા પણ બમણી તીવ્રતાથી વપરાવા મંડશે. એવે સમયે ગ્લોબલ વોમગ અચાનક વધશે અને પૃથ્વી પર તેની બહુ જ વિપરીત અસર આવી શકે. આમ પણ બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયાના જંગલોના દાવાનળની રાખ હજુ ઠરી નથી. આપણે વિચારી ન હોય એવી કુદરતી આફતો માટે તૈયાર રહેવું પડશે. કારણ કે અગ્નિ, જળ અને વાયુનો પ્રકોપ માનવ જિંદગીને ઠેબે ચડાવે છે. એપ્રિલ અને મે મહિનામાં એકાદ માવઠું તો થતું જ હોય છે. છેલ્લા બે દિવસમાં દેશના છુટક છુટક વિસ્તારોમાં માવઠાં થયા છે. પણ અષાઢી મેઘને વટી જાય એવા તેજીલા તોખાર સમા વરસાદ અને કરા પડયા છે. મોસમો સાથેનો આપણો સંવાદ તૂટી ગયો છે એટલે કોરોના મુક્તિ પછી પણ કષ્ટ તો રહેશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે