ટેરર ફંડિંગ રોકવાની પાકિસ્તાનની દાનત જ નથી

- છેલ્લા બે વર્ષથી અમેરિકાએ પાકિસ્તાનને મળતી આર્થિક સહાય અટકાવી દીધી છે અને અમેરિકાના વિદેશ ખાતાના રિપોર્ટમાં પણ પાકિસ્તાનના માથે પસ્તાળ પાડવામાં આવી છે કે પુલવામા હુમલા બાદ પણ તેણે ભારતમાં આતંકવાદ સપ્લાય કરવામાં કોઇ કસર નથી છોડી 


આતંકવાદીઓના શરણસ્થાન પાકિસ્તાનને ફરી વખત ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ના ગ્રે લિસ્ટમાં યથાવત રાખવામાં આવ્યું છે. સંસ્થાનું કહેવું છે કે પાકિસ્તાન લશ્કર-એ-તોઇબા અને જૈશ જેવા આતંકવાદી સંગઠનોને મળતા ફંડિંગ પર લગામ કસવામાં નિષ્ફળ રહ્યું છે. આ અગાઉ ફેબુ્રઆરીમાં પણ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખવામાં આવ્યું હતું. ફેબુ્રઆરીમાં પાકિસ્તાનને જૂન સુધીનો સમય આપવામાં આવ્યો હતો અને તેને ૨૭ પોઇન્ટ એકશન પ્લાન પર કામ કરવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ પાકિસ્તાન ફરી વખત FATFના સૂચનોને અનુસરવામાં નિષ્ફળ રહ્યું છે. FATFના દબાણના કારણે પાકિસ્તાન દેખાડા પૂરતા આતંકવાદીઓ વિરુદ્ધ પગલાં લેવાનો ડોળ કરે છે પરંતુ તેની આ ચાલબાજી લાંબો સમય ચાલતી નથી. 

ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)  એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જેનું કામ દુનિયાભરમાં ચાલી રહેલા મની લોન્ડરિંગ અટકાવવા માટે નીતિઓ ઘડવાનું છે. આ સંસ્થાની સ્થાપના ૧૯૮૯માં જી-૭ દેશોની પહેલ પર થઇ હતી અને તેનું મુખ્યમથક પેરિસમાં છે. આ સંસ્થા આંતરરાષ્ટ્રીય આર્થિક પ્રણાણિને સુધારવા માટે નીતિઓ બનાવે છે અને એ નીતિઓ લાગુ કરવાની દિશામાં કામ કરે છે. વર્ષ ૨૦૦૧માં FATFએ પોતાની નીતિઓમાં આતંકવાદીઓને મળતી આર્થિક સહાયને પણ સામેલ કરી હતી. FATFમાં કુલ ૩૮ સભ્ય દેશો છે જેમાં ભારત, ચીન, અમેરિકા, રશિયા અને બ્રિટન જેવા દેશોનો સમાવેશ થાય છે. 

ટેરર ફંડિંગ એટલે આતંકવાદીઓને મળતી આર્થિક સહાય. આતંકવાદીઓને તેમના નાપાક મનસુબાઓ પાર પાડવા નાણાંની જરૂર પડતી હોય છે. આતંકવાદી સંગઠનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અપરાધી સંગઠનો સાથે જોડાયેલા હોય છે. આવા અપરાધી સંગઠનો માદક પદાર્થો, હથિયારોની તસ્કરી, અપહરણ, ખંડણી અને ગેરકાયદેસર રીતે નાણાં પડાવવાના ધંધામાં સામેલ હોય છે. ટેરર ફંડિંગ કરતા દેશો આવા ગેરકાયદેસર સંગઠનો દ્વારા પણ આતંકવાદી જૂથોને નાણાં પૂરા પાડતા હોય છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવા પાકિસ્તાન દર મહિને કરોડો રૂપિયા પહોંચાડે છે.

આ ફંડ જુદી જુદી રીતે ભારત પહોંચાડવામાં આવે છે. જેમાંની એક રીત છે નકલી ભારતીય ચલણી નોટો છાપીને ભારતમાં ઘૂસાડવી. ઉપરાંત કેટલાક મધ્યપૂર્વના દેશો અને યુરોપી દેશોમાં જેહાદના નામે ફંડ ઉઘરાવવામાં આવે છે. હવાલા અને ડ્રગ્સના વેપારીઓ દ્વારા ધન મોકલવામાં આવે છે.  આજે જે રીતે દુનિયાભરમાં આતંકવાદનો પ્રચાર અને પ્રસાર થઇ રહ્યો છે તે તો ભયજનક બાબત છે જ પરંતુ સાથે સાથે આતંકવાદ માટે ભંડોળ પૂરા પાડવાનું તંત્ર પણ વ્યાપક બનતું જઇ રહ્યું છે. 

આમ જોઇએ તો ટેરર ફંડિંગને રોકવું ભારે મુશ્કેલ છે. એના પાછળનું પહેલું કારણ એ છે કે દુનિયાભરના મોટા ભાગના દેશોમાં લિબરલ એટલે કે મુક્ત બેંકિંગ સિસ્ટમ છે. કેટલીક બેંકો તો એવી છે કે જ્યાં મન ફાવે તેટલા પૈસા જમા કરાવી શકાય કે ઉપાડી શકાય.

આવી બેંકો પોતાના ગ્રાહકોને પૂછતી પણ નથી કે આ પૈસા કાળા નાણાં છે કે ક્યાંકથી લૂંટ કરીને લાવવામાં આવ્યાં છે. બેંકોને તેમના ખાતામાં પૈસા જમા કરાવવાથી ફાયદો થતો હોવાથી તે પૈસાનું માધ્યમ જાણવાની દરકાર સુદ્ધાં કરતી નથી. બીજું કારણ એ છે કે આજે બેંકિંગ સિસ્ટમ એટલી આસાન બની ગઇ છે કે માત્ર મોબાઇલ ફોન દ્વારા લાખો કરોડોની લેવડદેવડ થઇ શકે છે. આમાંના ઘણાં ખરાં પૈસા હવાલા મારફતે આતંકવાદી સંગઠનો સુધી પહોંચી જતાં હોય છે. 

ટેરર ફંડિંગની ખબર એટલા માટે પણ નથી પડતી કે આવા કામ કરતા લોકો કાગળ પર નકલી કંપનીઓ ખોલે છે અને એવું દર્શાવે છે કે તેઓ ફલાણું કામ કરે છે, ફલાણો વેપાર કરે છે. આવી કંપનીઓ કાગળ પર લીગલ કામ કરતી દર્શાવાય છે અને તેમનું તમામ કામકાજ કોર્પોરેટ સિસ્ટમની જેમ જ ચાલતું હોય છે.

પરંતુ અંદરથી તેઓ આતંકવાદીઓ સુધી નાણા પહોંચાડતા હોય છે. આ રીતે બ્લેક મનીને વ્હાઇટ કરવાનું કામ પણ ચાલતું હોય છે. હવે જો આ પ્રકારના ટેરર ફંડિંગમાં કોઇ દેશ જ સામેલ હોય તો પછી તેને રોકવું ઘણું મુશ્કેલ બની જતું હોય છે. આનું સૌથી સારુ ઉદાહરણ છે પાકિસ્તાનની સરકાર અને તેની ગુપ્તચર એજન્સી આઇએસઆઇની સાંઠગાંઠ. 

ટેરર ફંડિંગ કરતા દેશોમાં મુસ્લિમ દેશોનું આગળ પડતું નામ હોવાનું તો વખતોવખત બહાર આવ્યું છે. આ દેશોનો મકસદ છે દુનિયાભરમાં ઇસ્લામનો ફેલાવો કરવો. આવા દેશો જેહાદના નામે મોટું ભંડોળ પૂરું પાડતાં હોય છે પરંતુ તેની પાછળનું મુખ્ય કારણ છે પછાત કહી શકાય તેવા ઇસ્લામી દેશોમાં પોતાની મરજીની સરકાર સ્થાપવી. હવે આવા દેશોમાં આતંકવાદ વધે તો તેમને જ ફાયદો થાય.

બીજી બાજું બિનઇસ્લામિક દેશો પણ ટેરર ફંડિંગમાં જોડાયેલા હોય છે એનું કારણ ઘણાં લોકોને સમજાતું નથી. પરંતુ આવા દેશો ઇસ્લામિક સરકારને પાડવા માટે ફંડ પૂરું પાડતા હોય છે. નવાઇની વાત એ છે કે આ કામ કરતા આતંકવાદીઓને ગુડ ટેરરિસ્ટ ગણવામાં આવે છે.  અગાઉ આ જ રીતે લીબીયામાં કર્નલ ગદ્દાફીનો સફાયો કરવામાં આવ્યો હતો. ઇરાક અને સીરિયામાં કાળો કેર વર્તાવનાર ઇસ્લામિક સ્ટેટને પણ શરૂઆતના દિવસોમાં સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતે આર્થિક મદદ કરી હતી.

કતાર જેવા દેશ ઉપર તો આતંકવાદીઓને મદદ કરવા બદલ ઇસ્લામી દેશોએ મળીને પ્રતિબંધ લગાવ્યાં છે. એટલા માટે એવાં ઘણાં દેશો છે જે એક તરફ આતંકવાદને નાબૂદ કરવાની વાત કરે છે પરંતુ બીજી બાજું ગુડ ટેરરિઝમના ઓઠાં હેઠળ આતંકવાદી સંગઠનોને મદદ પણ કરે છે. એટલા માટે ટેરર ફંડિંગને રોકવું મુશ્કેલ છે કારણ કે તેમાં આવા દેશોના વ્યક્તિગત હિતો સામેલ હોય છે.

ટેરર ફંડિંગ પર લગામ કસવામાં નિષ્ફળ રહેલા પાકિસ્તાનને છેલ્લા બે વર્ષથી FATFના ગ્રે લિસ્ટમાં મૂકી દેવામાં આવ્યું છે. અગાઉ વર્ષ ૨૦૧૨થી ૨૦૧૫ સુધી પણ પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં રહી ચૂક્યું છે. હાસ્યાસ્પદ બાબત તો એ છે કે પાકિસ્તાન પોતે આતંકવાદી સંગઠનો પર લગામ કસવામાં નિષ્ફળ જાય છે એ માટે ભારતને જવાબદાર ઠરાવે છે. ખરેખર તો પાકિસ્તાનને બ્લેક લિસ્ટ થવાની જરૂર છે પરંતુ તેનું જાનીદોસ્ત ચીન હંમેશા તેને બચાવી લે છે.

એ તો દીવા જેવી સ્પષ્ટ બાબત છે કે પાકિસ્તાની સરકાર અને તેની સેનાની મરજી વગર કોઇ આતંકવાદી સંગઠન પોતાની કામગીરી ન કરી શકે. પાકિસ્તાન તો હાફિઝ સઇદને આતંકવાદી માનવાનો પણ ઇન્કાર કરતું આવ્યું છે. પાકિસ્તાની સરકાર અને સેના ઉપરાંત સમાંતર સરકાર ચલાવતી ગુપ્તચર સંસ્થા આઇએસઆઇની સમસ્યા એ રહી છે કે તે નીતિગત રીતે આતંકવાદી સંગઠનો અને તેમના આકાઓનો ઉપયોગ કરવો યોગ્ય સમજતી આવી છે. આ આત્મઘાતી વિચારધારાના કારણે જ પાકિસ્તાનમાં મોટા પાયે આતંકવાદી સંગઠનોને પાળવા અને પોષવાનું કામ થતું આવ્યું છે. 

કોઇ આતંકવાદી સંગઠન ઉપર પ્રતિબંધ મૂકાય ત્યારે દુનિયાને ગેરમાર્ગે દોરવા માટે જ એ સંગઠન અને આતંકવાદના આકાને નવા નામ સાથે નવેસરથી નવું સંગઠન ઊભું કરવાની સુવિધા આપવામાં આવે છે. એ સાથે આતંકવાદની ફેકટરી ચલાવતા હાફિઝ સઇદ જેવા આતંકવાદીઓ બેરોકટોક સામાન્ય જીવન જીવી શકે છે. ખરેખર તો પાકિસ્તાન સુધરે એવા અણસાર ઓછા છે. ઉલટું દુનિયાની આંખોમાં ધૂળ નાખવા તે એવો ડોળ કરે છે કે તે ખુદ આતંકવાદથી પીડિત છે. ચીન પાકિસ્તાનના આ ઢોંગનું સાથી છે.

અમેરિકાના એક રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન આતંકવાદી સંગઠનો માટે સુરક્ષિત શરણસ્થાન છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પુલવામા હુમલા બાદ પણ ભારત કેન્દ્રિત આતંકવાદીની નાબૂદી માટે મામલી પગલાં લીધાં. અમેરિકાના વિદેશ ખાતાએ કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને મળતી આર્થિક સહાય પર જાન્યુઆરી ૨૦૧૮માં પ્રતિબંધ મૂક્યો હતો જે વર્ષ ૨૦૧૯માં પણ લાગુ રહ્યો હતો.

FATFએ પાકિસ્તાનને ટેરર ફંડિંગ પર લગામ કસવા માટે હવે ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે પરંતુ સરહદે હાલ પાકિસ્તાન જે રીતે આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવા માટે હવાતિયા મારી રહ્યું છે એ જોતાં પાકિસ્તાનના નાપાક ઇરાદાનો અંત આવે એવી કોઇ શક્યતા જણાતી નથી.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો