ચીને ત્રણ જગ્યાએ છીનવી જમીન, PM સાચુ બોલો, કાર્યવાહીમાં અમે તમારી સાથેઃ રાહુલ ગાંધી


નવી દિલ્હી, તા. 26 જૂન 2020, શુક્રવાર

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત ચીન વિવાદને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. લદ્દાખની ગાલવાન ઘાટીમાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા ત્યારથી સ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ છે. રાહુલ ગાંધીએ શુક્રવારે એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં કહ્યું હતું કે, પીએમ ડર્યા વગર, ગભરાયા વગર સાચું બોલો કે ચીને જમીન લીધી છે અને અમે કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ. આ સ્થિતિમાં આખો દેશ તમારી સાથે ઉભો છે. 

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, આખો દેશ એક થઈને સેના અને સરકારની સાથે ઉભો છે. ત્યારે એક જરૂરી સવાલ ઉઠ્યો છે કે થોડા દિવસ પહેલા આપણા વડાપ્રધાને કહ્યું હતું હિંદુસ્તાનમાં કોઈ નથી આવ્યું, કોઈએ આપણી જમીન નથી લીધી. પરંતુ સેટેલાઈટ તસવીરોમાં દેખાઈ રહ્યું છે, સેનાના પૂર્વ જનરલ કહી રહ્યા છે અને લદ્દાખના લોકો કહી રહ્યા છે કે ચીને આપણી જમીન એક નહીં પણ ત્રણ જગ્યાએ છીનવી છે. 

કોંગ્રેસી નેતાએ કહ્યું કે, વડાપ્રધાન તમારે સાચું બોલવું પડશે, ગભરાવાની જરૂર નથી. જો તમે કહેશો કે જમીન નથી ગઈ અને ચીને જમીન લીધી હશે તો ચીનને ફાયદો થશે. આના સામે આપણે મળીને લડવાનું છે અને તેમને ખદેડવાના છે. આપણા શહીદ જવાનોને હથિયાર વગર બોર્ડર પર કોણે અને શા માટે મોકલ્યા?

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર ચીન મુદ્દે હુમલો કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ અગાઉ પણ જવાનો હથિયાર વગર સરહદ પર કેમ ગયા તેવો સવાલ કર્યો હતો જેનો વિદેશ મંત્રી એસ. જયશંકરે જવાબ આપ્યો હતો. 

ઓલ પાર્ટી મીટિંગમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ચીને ઘૂસણખોરી નથી કરી જેને લઈ વિપક્ષે સવાલ કર્યા હતા. જો કે ત્યાર બાદ વડાપ્રધાન કાર્યાલય દ્વારા સફાઈ આપવામાં આવી હતી કે વડાપ્રધાને ફક્ત અથડામણ થઈ તે જગ્યાની વાત કરી હતી. 

સોનિયા-પ્રિયંકાએ પણ સંદેશો જાહેર કર્યો

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ આ મુદ્દે એક સંદેશો જાહેર કર્યો હતો. સોનિયા ગાંધીએ જણાવ્યું કે, આજે જ્યારે ભારત અને ચીનની સરહદ પર સંકટની સ્થિતિ છે તો કેન્દ્ર સરકાર પોતાની જવાબદારીથી પાછીપાની ન કરી શકે. વડાપ્રધાન કહે છે કે આપણી સરહદમાં કોઈ ઘૂસણખોરી નથી થઈ પણ બીજી બાજુ સંરક્ષણ મંત્રી અને વિદેશ મંત્રાલય મોટી સંખ્યામાં ચીની સૈનિકોની ઉપસ્થિતિ અને ઘૂસણખોરીની ચર્ચા કરે છે. 

સોનિયા ગાંધી ઉપરાંત કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ વીડિયો સંદેશ જાહેર કર્યો હતો. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાનજી સતત ચીનના નેતાઓ સાથે મિત્રતા કરી રહ્યા હતા પરંતુ ચીને આપણને દગો આપ્યો છે. પ્રિયંકાએ પોતાની ટ્વિટમાં લખ્યું હતું કે, આપણી ફોજના બહાદુર સૈનિકો દેશની અખંડતા અને દેશની રક્ષા માટે શહીદ થયા. તેમનું બલિદાન વ્યર્થ નથી જવા દેવાનું. દેશની એક ઈંચ જમીન પણ જવા નહીં દઈએ. દેશ સત્ય જાણવા માંગે છે. 

હકીકતે મે મહીનાથી જ સરહદ પર ચીન સાથે વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ 15મી જૂનના રોજ ગાલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થઈ ગયા ત્યાર બાદ સ્થિતિ બગડી ગઈ હતી. જાણવા મળ્યા મુજબ ગાલવાન ઘાટી, પૈંગોંગ લેક પાસે ચીને પોતાના સૈનિકોની સંખ્યા વધારી છે અને સાથે જ કેટલુંક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઉભું કર્યું છે. 

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો