મહિલા આશ્રયધામ સંકટ .


તંત્રની બેદરકારીને કારણે આશ્રયધામમાં રહેતી બહેનોના શોષણની દુર્ઘટનાઓ એક કરતા વધુ વખત બની ચૂકી છે. રાત્રિના ગાઢ અંધકારમાં એમના નિઃસાસા સાંભળનાર કોઈ હોતું નથી. ભૂલોમાંથી શીખવું એ આપણા પ્રશાસનની તાસીરમાં નથી માટે આપણે ગમખ્વાર વૃત્તાંતો સાંભળવા માટે તૈયાર રહેવું પડે છે. કાનપુરના એક સરકારી આશ્રયધામમાં રહેતી સત્તાવન જેટલી બહેનો કોરોનાથી સંક્રમિત થઈ છે.

આ દુર્ઘટનાનો અર્થ એ કે તંત્રના ઉપલા સ્તરથી નીચેના સ્તર સુધી સરકાર અને એના જુદા જુદા ખાતાઓ વચ્ચે બેદરકારીનો સિલસિલો ચાલુ જ રહે છે. છેલ્લા ત્રણ મહિના તો દેશને બંધ રાખવામાં આવ્યો હતો. લોકોને સામુદાયિક રીતે એકત્રિત થવા પર પ્રતિબંધ હતો. જાહેર જગ્યાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી. લોકડાઉનનું પાલન પણ કડક રીતે કરાવવામાં આવ્યું હતું છતાં પણ આટલી મોટી સંખ્યામાં ચેપ કેમ ફેલાયો? આશ્રયસ્થાનોમાં શિસ્તનું સખત પાલન કરાવવામાં આવે છે એવો દાવો હજુ પણ કરવામાં આવી રહ્યો છે.

કાનપુરના આશ્રયસ્થાનમાં પોણા બસ્સો જેટલી યુવાન દીકરીઓ રહે છે. એમાંથી એક બહેનની તબિયત ખરાબ થઈ તો તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. શંકા જતા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો જેનું પરિણામ પોઝિટિવ આવ્યું. પછી આશ્રયસ્થાનની બધી જ બહેનોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો તો સત્તાવન બહેનોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા. ચેપગ્રસ્ત બહેનોમાંથી બે-ત્રણ બહેનો સગર્ભા હતી અને એક યુવતી એચઆઈવી પોઝિટિવ અર્થાત એઇડ્સનો શિકાર હતી. જે જગ્યા પર ફક્ત બહેનો રહેતી હોય ત્યાં આવી પરિસ્થિતિ કઈ રીતે સંભવી શકે? આ હકીકતો ન કહેવાની ઘણી કરૂણાન્ત અને દિલધડક દાસ્તાન કહી જાય છે. સ્વાભાવિકપણે સ્થાનિક સ્તર ઉપર રાજ્ય સ્તર ઉપર બહુ બધા સવાલો ઉઠયા. એ આશ્રયસ્થાનમાં બહેનોને કેવી સ્થિતિમાં સાચવવામાં આવે છે અને તેની સાથે કેવો વર્તાવ કરવામાં આવે છે તેની ઉલટતપાસ કરતા સવાલોનો મારો ચલાવવામાં આવ્યો. સત્તાધીશો પાસે એક પણ સવાલનો સંતોષકારક જવાબ નથી.

ગર્ભવતી બહેનો વિશે એવું જાહેર કરવામાં આવ્યું કે તેઓ અહીં દાખલ થઈ તેની પહેલાથી જ ગર્ભવતી હતી. રજિસ્ટરોમાં દાખલ તારીખ અને સ્થિતિ વચ્ચે સંસ્થાએ આપેલા જવાબો પુરવાર થતા નથી. શક્ય છે કે આ જ હકીકત હોય. પણ તેને લીધે તંત્રની બેદરકારી ઓછી થઈ નથી જતી. એક જગ્યાએ મોટી સંખ્યામાં બહેનો રહેતી હોય જેમાંથી કોઈ સગર્ભા કે કોઈ એચઆઈવી પોઝિટિવ હોય અને ત્યાં કોરોનાનો ચેપ ફેલાય તે અભૂતપૂર્વ અને દુઃખદાયક દુર્ઘટના છે.

આવી સ્થિતિ માટે જવાબદાર જે પણ હોય તેને કડક સજા થવી જોઇએ તેવી માંગણી કરવામાં આવી છે પણ આવા કિસ્સામાં દોષિત પકડાય કે નહીં તે સવાલ છે. આમ પણ મોટા ભાગની ઘટનાઓ લાંબા સમય સુધી યાદ રાખવામાં આવતી નથી. માનવઅધિકાર આયોગને આ ઘટના બહુ જ ખેદજનક લાગી. માટે આયોગે ગંભીરતાપૂર્વક પગલાં ભર્યા અને ઉત્તરપ્રદેશ સરકારને નોટિસ મોકલી. આયોગે ચાર અઠવાડિયાની અંદર સમગ્ર ઘટનાનો સંપૂર્ણ અહેવાલ, અત્યાર સુધી થયેલી કાર્યવાહી અને બીમારના ઉપચાર સંલગ્ન થઈ રહેલી પ્રક્રિયાઓ વિશે સ્વતંત્ર તાપસ કરવા માટે સ્વતંતે એજન્સીની નિમણૂક થાય તેવી અરજી કરી છે.

લોકડાઉન ખુલી ગયા પછી કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે સરકારના ઉચ્ચસ્તર ઉપર તો દોડધામ દેખાય છે પરંતુ તેનો અમલ નીચલા સ્તર ઉપર કેમ નથી થતો? બેદરકારીની પરાકાષ્ઠાને કારણે જ આજે ઘણી બહેનોનું ભવિષ્ય જોખમમાં છે. આવા સંજોગોમાં કોને દોષી ગણવા? સાથે સાથે એ વાત પણ નજર સામે આવે કે દેશના જુદા જુદા અનાથાશ્રમો કે આશ્રયગ્રહોમાં બહેનો સાથે અમાનવીય વર્તનથી લઈને શોષણ થયું હોય તેવા કિસ્સાઓ પણ ઘણી વાર બહાર આવે છે.

તેને લઈને રાષ્ટ્રીય સ્તર ઉપર તીખા સવાલો ઉઠતા હોય છે. બિહારના મુઝફ્ફરપુરના એક આશ્રયસ્થાનમાં છત્રીસ બહેનોનું શારીરિક શોષણ કરી તેની પર અત્યાચાર ગુજારવામાં આવતો એવી ખબર પણ ભૂતકાળમાં ધ્યાનમાં આવી છે. સંવેદનશીલ લોકો ધ્રુજી ઉઠે એવી ઘટનાઓનો વણથંભ્યો સિલસિલો અટકતો નથી તે વધુ ચિંતાજનક બાબત છે.

ઉત્તરપ્રદેશના દેવરિયા ખાતેના એક આશ્રયસ્થાનમાં તો બહેનો પાસે દેહવિક્રયની પ્રવૃત્તિ કરાવાતી. આવા જઘન્ય અપરાધો ભવિષ્યમાં ન થાય અને બીજી કોઈ નિર્દોષ બહેનો આવા કૃત્યનો ભોગ ન બને એને લઈને કોઈ પગલાં લેવામાં આવ્યા હોય એવું ધ્યાનમાં આવતું નથી. સરકાર આવા મામલામાં ગંભીર છે કે કેમ તે પણ સવાલ ઉઠે. શું આવા આશ્રયસ્થાનમાં રહેતી બહેનો મોટાભાગે ગરીબ પરિવારમાંથી કે અસહાય સ્થિતિમાંથી આવતી હોય છે માટે તેની લાચારીનો ગેરઉપયોગ થાય છે? 

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો