સરકારનું અડધું અડધ બજેટ તૂટેલા રોડ નીચે દટાઇ જાય છે

- સતત તૂટતા રોડ એ સરકાર માટે શરમજનક હોવાની સાથે સાથે તે બાંધનાર કોન્ટ્રાક્ટર માટે પણ બદનામી ભર્યું છે


વરસાદે પોરો ખાધો છે. ખેતરોમાંથી પાણી હજુ ઓસર્યા નથી. ક્યાંક સોના જેવો વરસાદ છે તો ક્યાંક આતંક સર્જ્યો છે. સૌથી ખરાબ દશા માર્ગ વ્યવહારની થઇ છે. તમામ રોડ તૂટી ગયા છે. સરકારનું અડધું અડધ બજેટ રોડ ખાઇ જાય છે. તૂટેલા રેાડ અને તૂટતા રોડથી સરકાર શરમ જનક સ્થિતિમાં મુકાઇ છે. જોકે સરકારને કે કોર્પોરેશનને પોતાના રદ્દી કામની કોઇ શરમ નથી હોતી. વરસાદમાં રોટ તૂટવાની વાત રૂટીન ગણાય છે પરંતુ હવે તો દરેક સિઝનમાં કાયમી સ્તરે રોડ ઉબડ ખાબડ જોવા મળે છે. પત્રકારો તેને  ડિસ્કો રોડ કે મીસ કેરજ રોડની ઉપમાં આપે છે. 

તૂટતા રોડનું સત્તાવાળાઓ પાસે કોઇ સોલ્યુશન નથી તે તો ઠીક પણ કોઇ શરમ પણ નથી. રોડનુ રીસર્ફેસીંગ મોટું કૌભાંડ છે. પહેલાં ખાડા પુરીને રોડને સમતલ બનાવવા જોઇએ પછી રીસર્ફેસ કરવા જોઇએ પરંતુ બધું રાતોરાત ઉભું કરી દેવાય છે. રાત્રે રોડ એટલા માટે બનાવાય છે કે ટ્રાફીકને મુશ્કેલી ના પડે. પરંતુ હકીકત એ છે કે આડેધડ પેવરીંગ કરીને ઉપર રેતી પાથરી દેવાય છે. સવારે લોકો ઉઠે ત્યારે  રોડ તૈયાર જોવા મળે છે. દર ચોમાસે રોડ તૂટે તે કૌભાંડ સિવાય બીજું કશું નથી.  ડામર રોડ બનાવ્યા પછી ત્રણ વર્ષ સુધી તૂટવા ના જોઇએ પરંતુ માત્ર ત્રણ મહિનામાંજ  કપચી ઉખડવા લાગે છે. સોસાયટી વિસ્તારો તેમજ ખાનગી કોલોનીઓમાં સિમેન્ટના રોડ બને છે. જે ભાગ્યેજ તૂટે છે અને પાંચેક વર્ષ સુધી ચાલે છે.

જે લોકોની સ્ટોન ક્વોરી હોય છે તે લોકો રોડ બનાવવાના કામ પણ કરતા હોય છે. ક્વોરીમાંથી નીકળતી કપચીનો ભૂકો અને ડસ્ટ વગેરેનો ઉપોયગ કરીને તે રોડ બનાવે છે. તેમની સાથે રોડ ઇજનેરો પણ જોડાયેલા હોય છે. અનેક કિસ્સામાં એવું બન્યું છે કે રોડ બનતાં પહેલાં તે મજબુત છે તેવું સર્ટીફીકેટ મળી જાય છે અને તેનું બીલ પણ બની જાય છે. કોઇ સરકાર આ સિસ્ટમમાં સુધારો લાવી શકી નથી. ઓનલાઇન ટેન્ડરથી સુધારો આવશે એમ મનાતું હતું પરંતુ રોડ કોન્ટ્રાક્ટરોની સિન્ડીકેટ તેમાં પણ કામની વહેંચણી કરી લે છે.

રોડ તૂટવા પાછળ ચાર પરિબળો જવાબદાર બને છે. જેમકે ભરાઇ રહેલા પાણી , સમયસર રીપેરીંગનો અભાવ, સખત્ત ગરમી અને વધુ પડતા ડામરના ઉપયોગનો સમાવેશ થાય છે. ડામરનો રોડ બંધાતો હોય ત્યારે તે બાંધવાની સિસ્ટમ જોવા ઉભા રહેશો તો ખ્યાલ આવશે કે રોડ શા માટે તૂટે છે? રોડ બનતો હોય ત્યારે સ્થાનિક રાજકારણીઓ ઉભા રહીને કેટલો ડામર નાખવો તેની સૂચના આપતા હોય છે. હકીકત એ છે કે વધુ પડતો ડામર ઉનાળામાં પીગળે છે અને વાહન ચાલકોને મુશ્કેલીમાં મુકી દે છે. 

કેટલાંક રોડ એટલા બધા લીસાં હોય છે જેમકે આગ્રા હાઇવે કે મુંબઇ-પૂણે હાઇવે વગેરે, તેના પર વાહનો સ્લીપ થઇ જાય છે. એટલે ટર્નીંગ પર તેને ખરબચડો રખાય છે. નવી ગાડીઓ આવા સ્મૂથ રોડ જોઇને બનાવાઇ છે. એક સમયના બિહારના સક્રીય રાજકારણી લાલુ પ્રસાદ યાદવ લીસા રોડને હેમામાલિનીના ગાલ સાથે સરખાવતા હતા.

જો કે હવે આવી ઉપમા આપી શકાય એવા રોડ ભાગ્યેજ જોવા મળેે છે. રોડ તૂટે એટલે તેને તાત્કાલીક સ્તરે રીપેર કરવો જોઇએ . કશું ના થાય તો તે ખાડામાં ઇંટોનો ભૂકો ભરીને ખાડો વધુ મોટો થતા અટકાવવો જોઇએ. રોડ કામના એન્જીન્યરોને રોડ પરના મોટા ખાડા માટે જવાબદાર ગણવા જોઇએ. કેમકે તેમની બેદરકારીના કારણેજ રોડ પરના ખાડા મોટા થતા હોય છે. રોડનું બંધારણ કપચી અને ડામરના કારણે ટકેલું હોય છે. રોડ પરનો નાનકડો ખાડો બે ત્રણ દિવસમાં જ મોટો  થઇ જાય છે. ભારે વાહનો રોડને વધુ તોડે છે.

એવા સજેશનો મળે છે કે દરેક રોડ બાંધનાર કે રીસર્ફેસ કરતી કંપનીના સરનામાંના પાટીયાં રોડ પર મુકવા જોઇએ તેમજ સાથે રોડનું કામ પાસ કરનાર સંબંધીત એન્જીન્યરનો ફોન નંબર પણ મુકવો જોઇએ. સતત તૂટતા રોડ એ સરકાર માટે શરમજનક હોવાની સાથે સાથે તે બાંધનાર કોન્ટ્રાક્ટર માટે પણ બદનાવી ભર્યું કામ કહી શકાય.

દરેક જગ્યાએ સિમેન્ટના રોડ શક્ય નથી પરંતુ સરકારે મેઇન રોડ જેવાંકે અમદાવાદના આશ્રમ રોડ કે યુનિવર્સિટી રોડને સિમેન્ટના બનાવવા જોઇએ. નવી આવતી ગાડીઓએ પણ ઉબડ ખાબડ રોડ પર ચાલી શકે એવી ગાડીઓ બનાવવા વિચારવું પડશે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો