કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીનો દાવો, દિવાળી સુધીમાં કોરોના કંટ્રોલમાં આવી જશે
નવી દિલ્હી, તા. 31 ઓગસ્ટ 2020, સોમવાર
કોરોના વાઈરસને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને દાવો કર્યો છે કે આ વર્ષે દિવાળી સુધીમાં કોરોના વાઈરસ પર કાબૂ મેળવી લેવાશે. ડૉ. હર્ષવર્ધને એક વેબિનાર સીરિઝના ઉદ્ધાટનના કાર્યક્રમમાં આ વાત કરી. તેમનું કહેવું છે કે દેશ આ મહામારી સામે લડવામાં ખુબ આગળ છે.
તેમણે કહ્યું, કોરોના વાઈરસ આ વર્ષે દિવાળી સુધીમાં ઘણો નિયંત્રણમાં આવી જશે. નેતાઓ અને સામાન્ય લોકોએ એક સાથે મળીને આ મહામારી સામે લડવા કામ કર્યું છે. તેમણે કહ્યું કે, ભારતમાં કોરોનાના કેસો આવવાથી ખુબ પહેલા જ સ્વાસ્થ્ય અધિકારીઓએ બેઠક કરી લીધી હતી.
હર્ષવર્ધને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેને લઈને એક સમિતિ પણ બનાવી ચુક્યા છે જેની આગેવાનીમાં કરી રહ્યો છું અને અત્યાર સુધીમાં અમે લોકો 22 વખત મળી ચુક્યા છીએ. ફેબ્રુઆરી સુધીમાં દેશમાં માત્ર એક લેબ હતી જેને હવે વધારીને 1583 કરી દેવામાં આવી છે. તેમાંથી 1 હજારથી વધારે સરકારી લેબ છે. દેશમાં દરરોજના લગભગ દસ લાખ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે, જે આપણાં લક્ષ્ય કરતા પણ વધારે છે.
મેડિકલ ઉપકરણોને લઈને તેમણે જણાવ્યુ કે, પહેલાની જેમ હવે પીપીઈ કિટ, વેન્ટિલેટર અને એન95 માસ્કની અછત નથી. દેશમાં દરરોજ પાંચ લાખ પીપીઈ કિટ બનાવવામાં આવી રહી છે જ્યારે 10 નિર્માતાઓ એન95 માસ્ક બનાવવાનું કામ કરી રહ્યાં છે. 25 કંપનીઓ વેન્ટિલેટર બનાવવાનું કામ કરી રહી છે.
વેક્સિનને લઈને તેમણે કહ્યું કે, વેક્સિનનું ટ્રાયલ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. ત્રણ વેક્સિન પોતાની ક્લિનિકલ ટ્રાયલમાં છે જ્યારે ચાર વેક્સિન પ્રી-ક્લિનિકલ ટ્રાયલમાં ચાલી રહી છે. અમે આશા કરીએ છીએ કે આ વર્ષના અંત સુધીમાં વેક્સિન તૈયાર થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દુરદર્શિતાના કારણે જ આપણે અહીં સુધી પહોંચી શક્યા છીએ.
Comments
Post a Comment