માર્ગ ખંડન મોસમ : ભારતમાં ચોમાસાનું બીજું નામ


માર્ગ ખંડન મોસમ 

ભારતમાં ચોમાસાનું બીજું નામ છે માર્ગ ખંડન મોસમ ! એટલે કે રસ્તાઓને તૂટી જવા માટેની એક વિશેષ પ્રકારની ઋતુ. આ માર્ગ ખંડન મોસમનો ઇતિહાસ બહુ લાંબો છે. તેની શરૂઆત કોંગ્રેસથી થઈ છે. સામાન્ય રીતે રસ્તાઓ તૂટેલા જોઈને લોકો કોન્ટ્રાક્ટર પર નિઃસાસા નાંખે છે, પરંતુ એ નિઃસાસા કુદરતી રીતે પહોંચે છે અધિકારીઓના ઘરમાં. કારણ કે કોન્ટ્રાક્ટરે અધિકારીઓના માર્ગદર્શન પ્રમાણે એમને કટકી આપવી પડે છે. આ કટકીને કારણે જ રસ્તાઓ કટકા-કટકા થઈ જાય છે. તૂટી ગયેલા રસ્તાઓ સામેનો ઊહાપોહ બહુ વ્યાપક છે. અગાઉ વિકાસ પાગલ થયો છે એવું જે લોકસૂત્ર વિખ્યાત થયું હતું, એની શરૂઆત તૂટેલા રસ્તાથી થઈ હતી. પછી તો રાષ્ટ્રીય કક્ષાએ એ સૂત્ર ફેલાઈ ગયું હતું. પેજ પ્રમુખોના હવાઈ નેટવર્કને કારણે ભાજપ કદાચ હજુ પણ બહુમતી મેળવે તો એમાં બહુ નવાઈ નથી, કારણ કે વિરોધ પક્ષો તો નિત્ય નવી મૂર્ખતાઓના પ્રદર્શનમાં વ્યસ્ત છે. જેને કારણે કાણા મામા પર પસંદગી ઠાલવવા મતદારો મજબૂર બને છે. 

એટલે મત ગમે તેટલા મળે પરંતુ લોકો હવે ભાજપને અંદરખાને સખત તિરસ્કારે છે. કારણ કે ભ્રષ્ટાચારના અનેક સ્તરોમાં એમણે 'વિકાસ' કર્યો છે. જેમ કોંગ્રેસમાં આંતરિક લોકશાહીનો અંત આવી ગયો છે, તે જ રીતે ભાજપમાં પણ પક્ષમાં કોઈ પણ પ્રકારની લોકશાહી નથી. પક્ષમાં પૂર્ણતઃ સરમુખત્યારશાહી છે. તે હવે એ હદે પહોંચી છે કે કહેવાતા લોકસેવકો પોતાની મનમરજી પ્રમાણે દેવસ્થાનોના દરવાજા ખોલાવી કે બંધ કરાવી શકે છે. ભાજપના નેતાઓ હવે ધર્મક્ષેત્રના ધારાધોરણોનું પણ હવે સરેઆમ લીલામ કરવા લાગ્યા છે. પ્રજા આ બધું જુએ છે અને એનો પક્ષ પરત્વેનો તિરસ્કાર વધતો જાય છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને ચૂકવવાના થતા દરેક બિલોમાં ઈ. સ. ૧૯૬૦ના અરસામાં એક ટકો લેતા હતા. એ જમાનામાં ગુજરાતમાં રેલવેનું કામ હાથ પર લેનારા કોન્ટ્રાક્ટરો બહુ હતા અને તેઓ ટેન્ડર ભરતા. 

એક જમાનામાં ગુજરાતના કોન્ટ્રાક્ટરોની રાષ્ટ્રીય પ્રતિ હતી. ગુજરાતના એક નાળા થી સાત નાળા સુધીના નદીઓ પરના મજબૂત પુલો ગુજરાતના કોન્ટ્રાક્ટરોએ જ બાંધેલા છે. આજે પણ રેલવેના ટેન્ડરોમાં જે સ્ટાન્ડર્ડ જળવાયેલું છે તેમાં ગુજરાત સરકારે પણ ઊંડા ઊતરવા જેવું છે અને એમાંથી શીખવા જેવું છે. જાપાન પાસેથી મેટ્રો ટ્રેન નહીં શીખો તો ચાલશે પરંતુ ભારતની જ રેલવેની જે બાંધકામ સિસ્ટમ છે, એના ટેન્ડરો અને એના ધોરણો રાજ્ય સરકારે શીખવાની જરૂર છે. ગુજરાત સરકારના ટેન્ડરોમાં સિમેન્ટ, ડામર અને કપચીના ભાવ એક તો દાદા આદમના જમાનાના હોય છે અને એટલા નીચા ભાવ પછી પણ કેટલાક  દુષ્ટ અધિકારીઓ બિલ પાસ કરવા ને ચેક આપવા માટે દસ ટકાની ધરાર ભિક્ષા માંગે છે. જાહેર બાંધકામ અને માર્ગ-મકાન વિભાગ આવા ભિક્ષુકોથી ભરેલા છે. પ્રજાએ ટેક્સરૂપી જે નાણાં ભર્યા છે તે પરસેવાના છે. 

એમાંથી ચોરી કરનારા આવા જે લાંચિયા અધિકારીઓ છે તેઓ હરામના પૈસાથી તેમની અંગત જિંદગીમાં કદી પણ સુખ, શાન્તિ કે નિંરાત પામતા નથી ને ભ્રષ્ટાચારથી જ પોતાની વારસાઈ પેઢીઓને ડૂબાડનારા નીવડે છે એના પણ હજારો દાખલાઓ લોકનજરમાં છે. આમ છતાં બધાને આ લૂણો લાગ્યો નથી. કટકીબાજ ભિખારીઓની વચ્ચે, માત્ર પોતાની મહેનત અને નિાના ફળસ્વરૂપે મળતી પગારલક્ષ્મીથી જ સંતુષ્ટિ પામનારા કેટલાક અધિકારીઓ પણ છે અને તેમની નામના પણ છે. તેમનું પારિવારિક જીવન સુખના શીતળ છાંયે શાન્ત અને નીરોગી શૈલીએ વહેતું રહે છે. તેઓને પણ સહુ ઓળખે છે. તેઓનું મસ્તક ગૌરવથી સદાય ઊંચુ રહે છે. પરંતુ હવે તેઓ લઘુમતિ સંખ્યામાં છે.

આજના લોકસેવકો પણ કીડીખાઉં પ્રાણીની જેમ ગ્રાન્ટખાઉં પ્રાણીઓ બની ગયા છે. પોતાની જાતને રાષ્ટ્રીય સેવક તરીકે ઓળખાવતા તેઓનામાં વાસ્તવમાં પૈસાની ભૂખ સિવાય કંઈ નથી. પ્રજાહિતમાં વાપરવાના પૈસા તેઓ જ્યાં આપે છે તેમાંથી એંસી ટકા તો પાછા લઈ લે છે. આથી તેઓ પોતાની ગ્રાન્ટ એવી એવી જગ્યાએ જ ફાળવે છે જ્યાંથી એનો મહત્ અંશ તેમને પાછો મળી શકે. 

ચિક્કાર પગાર અને ભથ્થાઓ ઉપરાંતની તેમની કમાણીનો તો આ એક માત્ર ઉલ્લેખ છે, આ સિવાયના તેમના ગોરખધંધાઓની યાદી બહુ લાંબી અને જગખ્યાત છે. ભ્રષ્ટાચારીઓ આખા ભારતમાં ફેલાયેલા છે. વળી તેમને એમ લાગે છે કે અમે કેવા ભૂંડા છીએ એની તો લોકોને ખબર જ નથી. ખરેખર તેમની સર્વ દુષ્ટતાઓ સમગ્ર પ્રજા જાણે છે. એક દિવસ એવો આવશે ખરો કે આ લૂંટારા છે તે સેવકોને પોતે બેનકાબ થઈ ગયાની ખુદ જાણ થશે ત્યારે તેમણે છુપાઈને દૂર ટાપુ પર રહેવા જવું પડશે. કારણ કે પ્રજાની વચ્ચે તેઓ રહી શકશે નહીં.

આજે પણ તેઓ ડરવા તો લાગ્યા જ છે. છતાં પણ જે ટેવ પડી ગઈ છે એ ભ્રષ્ટાચાર હજી તેઓ છોડતા નથી. ભારતીય પ્રજાને હવે એક રોબિનહૂડનો ઇંતજાર છે. એક એવો રોબિનહૂડ કે જે લોકોના મનની વાત સાંભળે. જે પોતાના વસ્ત્રોને બદલે રહેવાસીઓના વસ્ત્રોને મહત્વ આપે, લોકોની બચતોને વધારે. ઈતિહાસ તો ગાઈ-વગાડીને કહે છે કે પ્રજાની વહારે રોબિનહૂડ આવતાં જ રહે છે, એ વાત ભ્રષ્ટાચારીઓએ સમજી લેવાની જરૂર છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો