સમય બદલાય એટલે બધું બદલાઈ જાય છે


- યુએઇ અને ઇઝરાયલને વેર ભૂલીને એક કરવાનો ડોનલ્ડ ટ્રમ્પને જબરદસ્ત ફાયદો મળશે, શામાટે?

- જે આરબ રાષ્ટ્રો ઇઝરાયલને ભરી પીવા તૈયાર હતા તેઓ હવે તેની તરફ મૈત્રીની મીટ માંડીને બેઠા છે

- ઇરાન ચીનના ખોળામાં બેસી ગયું છે એ સમયે યુએઈ-ઇઝરાયલનું એક થવું આપણા માટે લાભદાયી

યુરોપમાં મંદી આવવી, અમેરિકામાં ડોનલ્ડ ટ્રમ્પનું સત્તામાં આવવું, વૈશ્વિક મહામારી કોરોનાનું અણું બોમ્બની જેમ ફાટવું આ બધી એવી મહાઘટના છે જેણે વર્લ્ડ ઑર્ડરને બદલવાની શરૂઆત કરી. એ વર્લ્ડ ઓર્ડર જે બીજા વિશ્વયુદ્ધ પછી સ્થપાયો હતો. જૂથો બદલાઈ રહ્યા છે. પોતાના દેશનું પોઝિશનિંગ પ્રોપર થઈ રહ્યું છે કે નહીં એ જોવા માટે ડિપ્લોમેટ્સે આંખો ફટાર રાખવી પડે એવા દિવસો છે આજકાલ. સમાચાર આવ્યા છે યુએઈ અને ઈઝરાયલે બાપ-દાદાનું વેર ભુલાવીને સમાધાન કરી લીધું છે. આ સમજૂતિથી ઈરાનના પેટમાં (ખનિજ)તેલ રેડાયું છે તો ભારત-અમેરિકાએ હરખભેર આવકારો આપ્યો છે. યુએઇને ઇઝરાયલ સાથે આમ કંઈ ડાયરેક્ટ દુશ્મનાવટ નથી. તો અત્યાર સુધી શું વાંધો હતો તે સમજવા માટે થોડોક ફ્લેશબેક.

૧૯૪૮માં ઇઝરાયલની સ્થાપના થઈ ત્યારે  જ તેની ચારેકોર ઘેરાયેલા આરબ દેશોએ તેને અલગ-થલગ કરી દીધેલું. તેમની માગણી હતી, જ્યાં સુધી ઇઝરાયલની અડોઅડ આવેલા પેલેસ્ટાઇનને એક નોખા દેશ તરીકે માન્યતા નહીં મળે ત્યાં સુધી ઇઝરાયલ સાથે સંબંધ રાખવામાં આવશે નહીં. આરબ દેશો અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધો પણ થયા તેનો અલગ ઈતિહાસ છે. બાદમાં ઇજિપ્ત અને જોર્ડન ઇઝરાયલ વિરોધી અરબી જૂથબંધીમાંથી છુટ્ટા પડી ગયા. ૧૯૭૯માં ઇજિપ્તે ઇઝરાયલ સાથે ઔપચારિક સંબંધોની શરૂઆત કરી. ૧૯૯૪માં જોર્ડને પણ એ જ કર્યું. હવે યુએઇનું પણ આ જ માર્ગે ચાલવું બહુ મોટી ઘટના છે. કારણ કે આરબ વિશ્વની રાજનીતિમાં યુએઇનું કદ મોટું છેે. થોડા દિવસો પહેલાં ડોનલ્ડ ટ્રમ્પે આ વિશે જાહેરાત કરી અને ત્યારબાદ તરત જ ઇઝરાયલ અને યુએઇના વડાએ આ વિશે પુષ્ટિ કરી. બંને દેશોના વિદેશ મંત્રીએ આપણા વિદેશ મંત્રી એસ. જયશંકરને ફોન કરીને ખબર આપ્યા અને ભારતે પણ આ સંબંધને કંકુ-ચોખાથી વધાવી લીધો. 

આ વર્ષે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં પ્રધાનમંત્રી બેન્જામીન નેતન્યાહુએ લોકોને વચન આપેલું કે તેઓ વેસ્ટ બેંક વિસ્તારને પોતાના કબજામાં લઇ લેશે. વેસ્ટ બેંક એક વિવાદિત ભૂમિ છે. ઇઝરાયલે ત્યાં લાખો યહૂદીઓને વસાવ્યા છે, તો સામા પક્ષે ૨૦ લાખથી વધુ પેલેસ્ટિયન ત્યાં  પહેલેથી રહે છે.  પેલેસ્ટાઇન પૂર્વ જેરુસલેમ ઉપરાંત ગાઝા પટ્ટી તથા વેસ્ટ બેંક પર પણ પોતાની દાવેદારી કરે છે. જ્યારે ઇઝરાયલ આ વિસ્તારો પર પોતાની દાવેદારી કરી રહ્યું છે. બીજી વખત વડાપ્રધાન બન્યા પછી ગત ૨૮મી મેના રોજ નેતન્યાહુએ ઘોષણા કરેલી કે ઇઝરાયલ જુલાઇ મહિનાથી વેસ્ટ બેંકને પોતાના કબજામાં લઇ લેશે. આ સમાચાર મળતાં સાથે જ સંયુક્ત આરબ અમિરાતના રાજ્યકર્તાઓએ ઇઝરાયલ સાથે વાતચીત આરંભી. યુએઇની સરકારે ઇઝરાયલની જનતાનો મૂડ બદલવાની પણ કોશિષ કરી. અમેરિકામાં ફરજ બજાવતા યુએઇના રાજદૂત યુસેફ અલ અતેઇબાએ ઇઝરાયલના પ્રમુખ અખબારમાં આર્ટીકલ લખ્યો. તેમણે વેસ્ટ બેંક પર કરવામાં આવનારા કબજામાં ઇઝરાયલ માટે ખતરનાક ગણાવ્યો. 

હિબુ્ર ભાષામાં પ્રકાશિત થયેલા એ આર્ટિકલમાં તેમણે લખ્યું, ઇઝરાયલ યુએઇ તથા અન્ય અખાતી રાષ્ટ્રો સાથે સુરક્ષા, સાંસ્કૃતિક તથા આર્થિક ક્ષેત્રે સંબંધો સુધારવાના પ્રયાસો કરી રહ્યું છે એ પ્રયાસોને વેસ્ટ બેંક પર કબજો જમાવવાથી ફટકો લાગશે. જ્યારે અરબ પણ ઇઝરાયલને લઇને પોતાનો વર્ષો જૂનો અભિગમ બદલવાના પ્રયત્નો કરી રહ્યું છે ત્યારે તો આ બિલકુલ યોગ્ય નથી. અરબ સાથેના ઇઝરાયલના સંબંધો સૂધરશે તો તેને વધારે સુરક્ષા અને મોટું બજાર મળશે. સાથોસાથ મુસ્લિમ દેશોમાં તેની સ્વીકૃતિ પણ વધશે. વેસ્ટ બેંક પર કબજો જમાવવાથી મુસ્લિમ દેશો સાથેના સંબંધો બહેતર બનશે નહીં ઉલટા તેઓ વધુ ઉશ્કેરાશે.  

આ આર્ટીકલના જબરદસ્ત પડઘા પડયા. બંને દેશના અધિકારીઓએ ડોનલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરી. યુએઇએ શરત  મૂકી કે ઇઝરાયલ વેસ્ટ બેંક પર કબજો જમાવવાનો વિચાર મૂકી દે તો અમે તેની સાથે રાજદ્વારી સંબંધ સ્થાપવા તૈયાર છીએ. ટ્રમ્પે મધ્યસ્થી કરી અને નેતન્યાહૂએ યુએઇની શરત માન્ય રાખી લીધી.  તેઓ લાંબા સમયથી ભ્રષ્ટાચારનો સામનો કરી રહ્યા છે. રાષ્ટ્રવાદી નીતિને અનુસરવા છતાં છેલ્લી બે સામાન્ય ચૂંટણીથી તેમને પૂર્ણ બહુમત પ્રાપ્ત થઇ રહ્યો નથી. આથી યુએઇ સાથેના સંબંધો સુધારવાનો અવસર તેમના માટે પોતાની છબિ સુધારવાનો પણ અવસર હતો.    કોરોના સામેની લડતમાં પણ નેતન્યાહુની સરકાર મોંભેર પટકાઇ છે. માત્ર ૮૮ લાખની વસ્તી ધરાવતા આ દેશમાં એક લાખ કેસ સામે આવ્યા છે.

ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ માટે આ સમજૂતિ એક જુગાર જેવી છે. એક એવો જુગાર જેના બધા જ પત્તા પોતાની ફેવરમાં હોય. આ સમજૂતિથી યુએઇની સ્થિરતાને કોઇ અસર થવાની નથી. વળી અમેરિકામાં તેને પોતાની સારી છબિ બનાવવામાં મદદ મળશે, જે યમન યુદ્ધમાં ભાગ લેવાને કારણે ખરડાઇ હતી. યુએઇ વર્ષોથી અમેરિકાના એફ-૩૫ યુદ્ધ વિમાનોની માગણી કરી રહ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સે અત્યાધુનિક ટેકનોલોજીવાળા આ વિમાનો પોતાના યુરોપિયન મિત્રો ઉપરાંત માત્ર તુર્કી, દક્ષિણ કોરિયા, જાપાન અને ઇઝરાયલને જ આપ્યા છે. મધ્ય પૂર્વમાં ઇઝરાયલની સૈન્ય મજબૂતી યથાવત રાખવા અમેરિકા યુએઇ તથા સાઉદી અરબને આ વિમાન આપી રહ્યું નથી.

યુએઇ ઇઝરાયલની નજીક ગયું તેનું એક કારણ ઇરાન પણ માનવામાં આવે છે ને આ કારણ બિલકુલ વાજબી હોવાનો પુરાવો પણ મળી ગયો છે. બંને વચ્ચે કૂટનીતિક સંબંધો સ્થપાતા સૌથી વધુ દેકારો ઇરાને કર્યો છે. ઇરાનની શક્તિ પ્રતિદિન વધી રહી છે. ઇઝરાયલ અને યુએઇ બંને તેના પરમાણુ કાર્યક્રમના વિરોધમાં છે. ઇરાનની શક્તિ વધવાથી વેસ્ટ એશિયામાં અસ્થિરતા ઉભી થવાના જોખમથી ઇઝરાયલ-યુએઇ બરાબર વાકેફ છે. આમ જે લેટેસ્ટ ડેવલોપમેન્ટ આવ્યું છે તેને ઇરાનની વધતી સૈન્ય ક્ષમતા સામે યુએઇ અને ઇઝરાયલે સાધેલી એકતા તરીકે જોવું જોઇએ. યુએઇ સાથે સમજૂતિ બાદ જરૂર પડે તો ઇઝરાયલની સેના ઇરાનના ઉંબરા સુધી પહોંચી શકે છે. ઇરાનને એનો જ ભય છે અને ઇરાન ઉપરાંત બીજા અરબ દેશો માટે એ જ અભય વચન છે. કેટલાક વિશેષજ્ઞાો એવું કહે છે કે આ નિર્ણય યુએઇ તથા સાઉદી અરેબિયાએ મળીને કર્યો છે. આ બંને દેશોને ડર હતો કે જો ઇઝરાયલ વેસ્ટ બેંક પર કબજો કરી લેશે તો ઇરાનને ઇઝરાયલ અને અમેરિકા વિરુદ્ધ મુસ્લિમ દેશોને સંગઠિત કરવાનો મોકો મળી જશે.  જો એવું થાય તો ઇરાનને ફાયદો થાય અને સાઉદી અરેબિયા તથા યુએઇ એકલા પડી જાય.

ઇરાનના રાજનેતા અને પૂર્વ સાંસદ અલી મોતીહારીએ ટ્વીટ કરી છે કે યુએઇના શાસકોએ તો વિશ્વાસઘાત કર્યો જ છે, તદઉપરાંત આપણે પણ તેમના સંબંધો માટે જવાબદાર છીએ. આપણે આરબોને ભયભીત કરીને તેમને ઇઝરાયલ પાસે પહોંચાડી દીધા છે. તેમનો આ ભય ખતમ થવો જોઇએ. રાષ્ટ્રપતિ હસન રુહાનીએ ચેતવણી આપી જો આ સમજૂતિથી મધ્ય પૂર્વમાં ઇઝરાયલનો પ્રભાવ વધશે તો સ્થિતિ બદલાઈ જશે અને તેનો સામનો અલગ રીતે કરવાનો થશે. ઇરાનના મેજર જનરલ મોહમ્મદ બકેરીએ કહ્યું, જો ફારસની ખાડીમાં કંઇ પણ થાય છે અને ઇરાનની સુરક્ષા સામે ખતરો પેદા થાય છે તો અમે આના માટે સંયુક્ત આરબ અમિરાતને જ દોષિત ઠરાવીશું, અને તે બિલકુલ સહન કરીશું નહીં. 

આ નવો અધ્યાય યુએઇ અને ઇઝરાયલ ઉપરાંત ડોનલ્ડ ટ્રમ્પ માટે પણ લાભદાયી છે.  ચૂંટણી માથા પર છે ત્યારે કહેવાઈ રહ્યું છે કે આનાથી અમેરિકાના યહૂદી તથા ઇવેન્જેલિકલ સમુદાયમાં ટ્રમ્પનું વર્ચસ્વ વધશે. તેનો સીધો ફાયદો તેમને મતરૂપે મળશે. અમેરિકાની એક પરંપરાવાદી શાખા છે ઇવેન્જેલિસ્ટ. ઇવેન્જેલીસ્ટ ખ્રિસ્તીઓની વસ્તી યુએસમાં ૯ કરોડ છે.  ૨૦૧૬ની ચૂંટણીમાં તેમણે ટ્રમ્પને પ્રમુખ બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવેલી.  એક સર્વેક્ષણમાં બહાર આવેલું કે ઇવેન્જેલિકલ સમુદાયના ૮૧ ટકા મતદારોએ ટ્રમ્પને મત આપેલો અને કેવળ ૧૬ ટકા મત હિલેરીના પક્ષમાં પડેલા. ટ્રમ્પને આટલું સમર્થન પ્રાપ્ત થવાનું કારણ ઇઝરાયલ જ હતું. તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન ઇવેન્જેલિકલ્સને વચન આપેલું કે તેઓ રાષ્ટ્રપતિ બનશે તો જેરુસલેમને ઇઝરાયલની રાજધાની ઘોષિત કરશે.

ડોનલ્ડ ટ્રમ્પના સલાહકાર અને તેમના જમાઇ જેરેડ કુશનરે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે સમાધાન કરાવવાના હેતુથી એક સમજૂતિ તૈયાર કરેલી. પેલેસ્ટાઇને તે એવું કહીને ફગાવી દીધેલી કે, તેમાં પેલેસ્ટાઇન સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે અને મોટાભાગનો વિવાદિત વિસ્તાર ઇઝરાયલને આપી દેવાની વાત કરાઇ છે. જેરેડ યુએઇ અને ઇઝરાયલ વચ્ચેના સંબંધો દ્વારા પેલેસ્ટાઇનને શાનમાં સમજાવવા માગે છે. જો પેલેસ્ટાઇન અમેરિકાનો પ્રસ્તાવ નહીં સ્વીકારે તો પેલેસ્ટાઇનને અત્યારે સાથ આપી રહેલા મુસ્લિમ રાષ્ટ્રો ધીમે-ધીમે સરકતા જશે અને ઇઝરાયલના પક્ષમાં જતા રહેશે. એક ન્યૂઝ એવા પણ ચાલી રહ્યા છે કે ઓમાન અને બહરીન પણ ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો સ્થાપવાનું વિચારી રહ્યા છે.  

ઇઝરાયલ અને યુએઇનું નજીક આવવું ભારત માટે ફાયદાકારક છે. ઇરાનના જે-જે પ્રોજેકટમાં ભારત ભાગીદાર હતું ત્યાં હવે ચીન ઘૂસી ગયુ છે. અમેરિકાનો સાથ આપવા માટે આપણે જાણીજોઇને તેની સાથેના સંબંધો બગાડેલા, એવામાં ઇઝરાયલ અને યુએઇના નજીક આવવાથી આપણા માટે નવી તકો ખુલશે. ચીન ઇરાનની મદદથી વેસ્ટ એશિયામાં પોતાનું પ્રભુત્વ વધારી રહ્યું છે ત્યારે ભારત માટે પણ શક્તિ સંતુલન બનાવી રાખવું જરૂરી છે. ચાબહાર બંદર હવે આપણા હાથમાંથી છટકી ગયુ છે ત્યારે આપણા વ્યાપારી હિતોને સલામત રાખવા તથા વધારે મજબૂત બનાવવા નવું સરનામું શોધવાનું છે. ભારત યુએઇ અને ઇઝરાયલ બંને સાથે સારા સંબંધો ધરાવે છે ત્યારે આ સરનામું સરળતાથી મળી જશે એવી આશા વધારે પડતી નથી. 

પાકિસ્તાને કાશ્મીર મુદ્દો ઉઠાવવા બહુ જ પ્રેશર કર્યા પછી પણ સાઉદી અરેબિયા અને યુએઇ તૈયાર થયા નથી તે દર્શાવે છે કે હવે જૂના ગાણાતિક સૂત્રો બદલાઈ ચૂક્યા છે. પાકિસ્તાને સાઉદી અરેબિયાને અલગ ઇસ્લામિક સંગઠન રચવાની ધમકી મારી તો સાઉદી અરેબિયાએ તેની સહાય પાછી માગી લીધી. આનાથી વધુ બીજું શું હોય?

આજની નવી જોક

લીલી (છગનને) : રેગિંગ એટલે શું?

છગનઃ તું જન્મદિવસ, એનિવર્સરી, તહેવાર એમ જાત-જાતના બહાના કરીને પરાણે જે ગિફ્ટ માગે છેને એને જ રેગિંગકહે છે.

લીલીઃ હેં!?

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો