દિલ્હીની વાત : લદ્દાખના ઉપરાજ્યપાલની બદલીની શક્યતા


લદ્દાખના ઉપરાજ્યપાલની બદલીની શક્યતા

નવી દિલ્હી, તા. 31 ઓગસ્ટ 2020, સોમવાર

લડાખ સરહદે ચીન સાથે વધેલા તણાવ વચ્ચે લડાખના લેફ્ટનન્ટ ગવર્નર રાધાકૃષ્ણ માથુરને સોમવારે તાત્કાલિક દિલ્હી બોલાવાયા. સત્તાવાર રીતે આ મુલાકાત અંગે કશું કહેવાયુ નથી પણ સરકારી સૂત્રોનો દાવો છે કે, માથુરને લડાખ સરહદે વાસ્તવિક સ્થિતી શું છે તે જાણવા માટે બોલાવાયા છે.

જો કે અંદરખાને એવી વાત ચાલી રહી છે કે, માથુરને લેફ્ટનન્ટ ગવર્નરપદેથી હટાવવામાં આવશે. તેમના બદલે કોઈ નિવૃત્ત લશ્કરી કે ઈન્ટેલિજન્સ અધિકારીને મૂકાશે. તાજેતરમાં જ મોદી સરકારે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરને બદલ્યા છે. અમિત શાહ આરામમાં છે તેથી માથુર રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન જી. કિશન રેડ્ડીને મળ્યા. બંને વચ્ચે એક કલાક કરતાં વધારે સમય સુધી વાતચીત થઈ.

આ મુલાકાત પછી રેડ્ડી નરેન્દ્ર મોદીને  મળવા ઉપડી ગયા હતા. તેના કારણે માથુર જશે એવી અટકળોન વેગ મળ્યો છે. લડાખમાં ચીન સતત સળીઓ કરે છે ત્યારે લશ્કરને નિયમિત પુરવઠો મળવા અંગેની સમસ્યાઓ અંગે લશ્કરી અધિકારીઓએ રાજનાથસિંહનું ધ્યાન દોર્યું હતું. આ કારણે માથુરને રવાના કરાશે એવી અટકળો ચાલી રહી છે.

પ્રમાણિક અધિકારી ખેમકાને ટિકિટની મમતાની ઓફર

પ્રમાણિક અધિકારી તરીકે પંકાયેલા હરિયાણાના આઈએએસ અધિકારી અશોક ખેમકા રાજકારણમાં આવશે એવી અટકળો ચાલી રહી છે. મમતા બેનરજીએ તેમને પશ્ચિમ બંગાળમાંથી ચૂંટણી લડવા ઓફર કરી હોવાની ચર્ચા છે. ખેમકા પરિવાર મારવાડનો છે પણ અશોક કોલકાત્તામાં જન્મ્યા અને રહ્યા હોવાથી કોલકાત્તા તેમના માટે જાણીતું છે.

હરિયાણામાં કોંગ્રેસની સરકાર વખતે રોબર્ટ વાડરાના જમીન કૌભાંડને બહાર પાડીને ચર્ચામાં આવેલા ખેમકા હાલમાં પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગમાં પ્રિન્સિપાલ સેક્રેટરી છે. ખેમકા સીનિયર છે પણ પ્રમાણિકતાના કારણે મહત્વના હોદ્દા મળ્યા નથી. ૨૮ વર્ષની કારકિર્દીમાં ૫૩ વાર તેમની બદલી થઈ છે.

ભાજપ સત્તામાં નહોતો ત્યારે ખેમકાનાં વખાણ કરતો પણ સત્તામાં આવ્યા પછી ભાજપે પણ ખેમકાને બાજુ પર ધકેલીને નગણ્ય વિભાગ સોંપી દીધો છે.

ખેમકા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર સિસ્ટમ સામે પ્રહારો કર્યા કરે છે. સોમવારે સીબીઆઈની કામગીરી પર પ્રહારો કરીને પૂછયું કે, ૮૦૦ કરોડનું વાષક બજેટ હોવા છતાં સીબીઆઈએ અત્યાર સુધી ક્યા મોટા માથાને સજા કરાવી ?

મોદી સરકાર એલપીજી સબસિડી બંધ કરશે ?

મોદી સરકાર ભારત પેટ્રોલીયમનું ખાનગીકરણ કરવા જઈ રહી છે ત્યારે ભારત પેટ્રોલીયમના એલપીજી એટલે કે રાંધણ ગેસના ગ્રાહકોની સબસિડી ચાલુ રાખવી કે બંધ કરવી એ મુદ્દે ખેંચતાણ ચાલુ થઈ છે.

મોદી સરકારે ભારત પેટ્રોલીયમમાં ૫૨.૯૮ ટકા હિસ્સો વેચવા માટે ઓફર મંગાવી છે. આ ઓફરો મોકલી આપવાની તારીખ લંબાવીને ૩૧ જુલાઈ નક્કી કરાયેલી પણ લોકડાઉનના કારણે બધું બંધ હતું તેથી ૩૦ સપ્ટેમ્બર સુધી તારીખ લંબાવી દેવાઈ છે.

સૂત્રોના મતે, નાણાં મંત્રાલયની દલીલ એ છે કે એક વાર ખાનગી કંપની ખરીદે પછી ગ્રાહકોને સબસિડી આપવાની જવાબદારી સરકારની નથી રહેતી. સામે સબસિડી ચાલુ ના રહે તો ખાનગી કંપનીઓને ભારત પેટ્રોલીયમ ખરીદવામાં રસ નથી. સબસિડી ના હોય એ સંજોગોમાં ગ્રાહકો બજાર ભાવે મોંઘો રાંધણ ગેસનો બાટલો ના ખરીદે  તેથી પેટ્રોલીયમ મંત્રાલય સબસિડી ચાલુ રાખવા માગે છે.

સબસિડી સીધી ગ્રાહકના ખાતામાં જમા થાય છે તેથી કોઈ ગરબડની શક્યતા પણ નથી. બંને મંત્રાલયે મોદીને પત્ર લખ્યા છે ને મોદી અંતિમ નિર્ણય લેશે.

શાહ સ્વસ્થ પણ હજુ ઓફિસ નહીં જાય

અમિત શાહ બિલકુલ સાજા થઈ જતાં સોમવારે સવારે તેમને 'એઈમ્સ'માંથી રજા આપી દેવાતાં શાહ ક્યારથી ગૃહ મંત્રાલયની ઓફિસમાં આવવા માંડશે તેની અટકળો તેજ બની છે. 'એઈમ્સ'એ કહ્યું છે કે, શાહ કોરોના પછીની સારવાર લઈને સંપૂર્ણપણે સાજા થઈ ગયા છે અને રોજિંદાં કામો કરવા માટે ફિટ છે.

'એઈમ્સ'ની જાહેરાતના કારણે શાહ તાત્કાલિક કામ કરવાનું શરૂ કરશે એવી અટકળો છે પણ ગૃહ મંત્રાલયનાં સૂત્રો આ શક્યતાને નકારે છે. આ સૂત્રોના મતે, શાહ હજુ એક અઠવાડિયું ઘરેથી જ કામ કરશે. ગૃહ મંત્રાલયના અધિકારીઓને અત્યંત મહત્વની ફાઈલો સાથે બુધવારથી શાહના સત્તાવાર નિવાસસ્થાને આવવાની સૂચના આપી દેવાઈ છે. આ અઠવાડિયા દરમિયાન કોઈ મીટિંગ નહીં રાખવા પણ કહી દેવાયું છે.

શાહ હાલમાં ભાજપ સંગઠનને લગતી બાબતોથી અલિપ્ત છે છતાં ભાજપ મુખ્યાલયને પણ કહી દેવાયું છે કે, ભાજપના નેતાઓ હમણાં પરેશાન ન કરે. શાહ આ વખતે કોઈ ચાન્સ લેવા નથી માંગતા તેથી નિયમિત રીતે ઓફિસે જવાનું શરૂ કરતાં પહેલાં એક વાર રૂટિન ચેક-અપ કરાવી લેશે.

***

રાજદ્વારી સબંધો મજબુત કરવા ભારત વેકસિનનો ઉપયોગ કરશે

ભારત  પોતાના પાંચ પાડોશી અને મિત્રો દેશો  સાથે વેકસિન ડિલોમેસી તરીકે વેકસિનની વહેંચણી કરી તેના પર વધુ ધ્યાન કેન્દ્રીય કરવા પ્રયાસો કરે છે.

વિશ્વના સૌથી મોટા વેકસિન બજાર તરીકે ભારતની સ્થિતી મિત્ર દેશોને મદદ કરશે, એમ આ યોજના ની જાણકારી ધરાવનાર એક અધિકારીએ કહ્યું હતું.' આની પાછળ રાજદ્વારી સબંધોને વધુ મજબુત બનાવવા માટે ભારત વેકસિનની સૌથી મોટી ફેકટરી છે એ બતાવવાનો વિચાર છે.

ભારત તેના નજીકના પાડોશી દેશો તેમજ પશ્ચિમ એશિયા, આફ્રિકા અને ત્યાં સુધી કે લેટિન અમેરિકાના દેશોને પણ મદદ કરશે. આ રણનીતિમાં ભારતના તદ્દનન જીકના   દેશો જેવા કે બાંગ્લાદેશ, અફઘાસ્તિાન અને સાર્કના અન્ય દેશોને ભારત મફતમાં આ  વેકસિન આપશે. વેકસિન સપ્લાય માટે ભારત જે પ્લેટફોર્મ બનાવશે તેને લાયસન્સીંગ કરાર પછી જ અપાશે.

બિહાર ચૂંટણીઃ કોંગ્રેસ હજુ સુધી બિન સક્રિય

તમામ અટકળોને બાજુ એ મૂકી ચૂંટણી પંચે બિહાર રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે માર્ગરેખા જાહેર કરી દીધી હતી. રાજકીય પક્ષોએ ચૂંટણીની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ભાજપના નેતાઓ વર્ચ્યુઅલ રેલીઓ સંબોધે છે. નીતીશ કુમાર મતદારોને આકર્ષવા વિવિધ યોજનાઓ જાહેર કરી રહ્યા છે.

વિરોધ પક્ષના નેતા અને રાજદના તેજસ્વી દાયવ પૂર ગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ રહ્યા છે અને વિવિધ મુદ્દાઓ પણ ઉઠાવી રહ્યા છે. પરંતુ કોંગ્રેસ હજુ સુધી સાયલેન્ટ મોડમાં છે.

મહાગઠબંધનના એક મહત્તવના પક્ષ કોંગ્રેસે લગભગ પંદર વર્ષ સુધી બિહારમાં શાસન કર્યું હતું. પરંતુ હવે તે સક્રિય હોય તેવું દેખાતું જ નથી. બિહાર કોંગ્રેસના નેતાઓ ભાગ્યેજ પૂરગ્રસ્ત લોકોને કે વિસ્તારોમાં જતા હોય તેવું દેખાતું નથી. તેઓ યોજનાનો વિરોધ કરતા હોય તેવું પણ ક્યાય દેખાતું નથી.

- ઇન્દર સાહની

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો