કોરોનાને કારણે એપ્રિલ-જૂનમાં જીડીપી 23.9 ટકા ઘટયો


નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી 26.90 લાખ કરોડ રૂપિયા રહ્યું, જે ગયા વર્ષે સમાનગાળામા 35.35 લાખ કરોડ રૂપિયા હતું

સતત પાંચમા મહિને કોર સેક્ટરના ઉત્પાદનમાં ઘટાડો : જુલાઇમાં કોર સેક્ટરનું ઉત્પાદન 9.6 ટકા ડાઉન  

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 31 ઓગસ્ટ, 2020, સોમવાર

કોરોના મહામારીની વચ્ચે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ કવાર્ટર એટલે કે એપ્રિલથી જૂન સુધીના સમયગાળામાં  ભારતના જીડીપીમાં 23.9 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે તેમ નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ(એનએસઓ) દ્વારા જારી કરાયેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.

કોરોનાને પગલે સરકારે જાહેર કરેલા લોકડાઉનને કારણે ચાલુ વર્ષના પ્રથમ કવાર્ટરમાં જીડીપીમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. કૃષિ સિવાય મેન્યુફેકચરિંગ, કન્સટ્રકશન સહિતના તમામ સેક્ટરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

એનએસઓના આંકડા મુજબ ગયા વર્ષે સમાન ગાળામાં ભારતનો જીડીપી 5.2 ટકા રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણને અટકાવવા માટે ભારત સરકારે 25 માર્ચથી દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી. 

મેન્યુફેકચરિંગ સેક્ટરમાં 39.3 ટકાનો ઘટાડો થયો છે. ગયા વર્ષે સમાન ગાળામાં આ જ સેક્ટરમાં 3 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. બાંધકામ સેક્ટરમાં 50.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં આ જ સેક્ટરમાં 5.2 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. માઇનિંગ સેક્ટરમાં 23.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં આ જ સેક્ટરમાં 4.7 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. 

એનએસઓએ એક નિવેદનમાં જણાવ્યું છે કે 2011-12ના બેઝ પ્રાઇસને આધારે નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ કવાર્ટરમાં જીડીપી 26.90 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે ગયા વર્ષે સમાનગાળામા 35.35 લાખ કરોડ રૂપિયા હતું. જે 23.9 ટકાનો ઘટાડો દર્શાવે છે.

ગયા વર્ષના સમાનગાળામાં જીડીપીમાં 5.2 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.  ચીનના જીડીપીમાં એપ્રિલથી જૂન સુધીના કવાર્ટરમાં 3.2 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે જાન્યુઆરીથી માર્ચ સુધીના કવાર્ટરમાં જીડીપીમાં 6.8 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતોે. 

બીજી તરફ સ્ટીલ, રિફાઇનરી વસ્તુઓ અને સિમેન્ટના ઉત્પાદનમાં ઘટાડો નોંધાતા સળંગ પાંચમા મહિને આઠ કોર સેક્ટરના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. જુલાઇમાં આઠ કોર સેક્ટરના ઉત્પાદનમાં 9.6 ટકાનો ઘટાડો નોંધાયો છે. 

જુલાઇ, 2019માં આછ કોર સેક્ટરના ઉત્પાદનમાં 2.6 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી તેમ વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.  ખાતર સિવાયના સાત સેકટર કોલસા, ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ, રિફાઇનરી વસ્તુઓ, સ્ટીલ, સિમેન્ટ અને વીજળીના ઉત્પાદનમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. જુલાઇ, 2020માં ખાતરના ઉત્પાદનમાં 6.9 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. 

નોટબંધી, જીએસટી, લોકડાઉનથી અસંગઠિત ક્ષેત્ર ધરાશાયી : રાહુલ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે મોદી સરકાર પર દેશના અસંગઠિત સેક્ટરને તોડી પાડવાનો આરોપ મૂક્યો છે. ભાજપે રાહુલની હસી ઉડાવતા જણાવ્યું હતું કે તેમણે જી-23 અંગે વીડિયો જારી કરવાની જરૂર છે. ભાજપે આ ટિપ્પણી કોંગ્રેસ પ્રમુખને પક્ષના પુન:જીવન માટે પત્ર લખનારા 23 નેતોઓના સંદર્ભમાં કરી છે. રાહુલે આજે દેશના અર્થતંત્ર પર જારી કરેલા વીડિયોમાં જણાવ્યું છે કે ભાજપ સરકાર છેલ્લા છ વર્ષથી દેશના અસંગઠિત ક્ષેત્ર પર હુમલા કરી રહી છે. નોટબંધી, ખામીયુક્ત જીએસટી અને લોકડાઉનથી અસંગઠિત ક્ષેત્રને ભારે નુકસાન થયું છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો