જીવન એ કંઇ રેસકોર્સ કે ઘોડદોડની રમત નથી


સૌરાષ્ટ્રની એક શાળામાં ઇનામ વિતરણ સમારોહ હતો. દરેક ધોરણમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને ઇનામ આપવાનું હતું. ધો. ૧૦ અને ૧૨માં પણ જે વિદ્યાર્થી પ્રથમ ક્રમે આવ્યો હોય, એને નવાજવામાં આવ્યો. કોઇને રોકડ રકમ આપવામાં આવી, તો કોઇને કંઇક શિલ્ડ કે મેડલ અપાયું અને કોઇને માત્ર પ્રમાણપત્ર અપાયું. 

હવે  આવા સમારંભો અવારનવાર સંખ્યાબંધ શાળા અને કોલેજોમાં યોજાય છે. એક કોલેજમાં એકાદ હજાર વિદ્યાર્થીની સંખ્યા અને એમાંથી ૩૦૦ જેટલા  વિદ્યાર્થીઓને જુદા જુદા  કારણસર ઇનામો અપાયાં. ઇનામો જેમને હાથે આપવાના હતા, એમના હાથ દુઃખી  ગયા અને પગ અકડાઇ ગયા પણ આ ક્રમ બેએક કલાક સુધી ચાલતો જ રહ્યો. પેલા શાળાના સમારંભમાં જે વિદ્યાર્થીને ઇનામ મળતું  હોય એ ભારે ખુશ થઇને સ્ટેજ પર આવતો હતો.

પણ જેને ઇનામ નહોતું મળ્યું એ બધામાંથી કેટલાકના ચહેરા પરની નિરાશા  વાંચી શકાતી હતી. એ લોકો એક પ્રકારની ખિન્નતા અનુભવતા   હોય એમ લાગ્યું. કદાચ એ દિવસે એમને ઘરે જઇને જમવાનું નહીં ભાવ્યું હોય, કે રાત્રે ઊંઘ પણ નહીં આવી હોય, એમાંથી કોઇકને ચોક્કસ એમ થયું હશે કે મને કોઇ ઇનામ નથી મળ્યું, એટલે હું  સાવ નકામો છું. મારામાં  કોઇ પ્રતિભા જ નથી. હું જીવનમાં બિલકુલ નિરૂપયોગી વ્યક્તિ છું. પેલા રમેશને તો એક સાથે ત્રણ - ત્રણ  ઇનામ મળ્યા ત્યારે મને તો કશું જ ન મળ્યું.

ઇનામ અને પ્રથમ, દ્વિતિયનું આ ચક્કર હવે એટલું બધું આગળ વધ્યું છે કે, દરરોજ શિક્ષણ હોય કે સાહિત્ય, રમતગમત હોય કે નાટકચેટક હોય, કોઇ પહેલું આવ્યું,  કોને ક્યું ઇનામ મળ્યું, કોનું કંઇ રીતે સન્માન થયું એની જ ચર્ચા થાય છે.  અખબારોમાં હવે તો દરરોજ એકાદ પાનું એમાં જ રોકાય છે. 'શહેરનું ગૌરવ', 'સંસ્થાનું ગૌરવ' અને 'દેશનું ગૌરવ' જેવા મથાળા સતત  જોવા મળે છે.   ફલાણાભાઇની અભિનયની બધાએ વાહવાહ કરી ફલાણા ગાયકે તો વિદેશ જઇને શ્રોતાઓનાં દિલ ડોલાવી દીધા, ફલાણા સંગીતકારે પોતાના સંગીતથી શ્રોતાઓને મુગ્ધ કરી દીધા, જેવા શબ્દો તો વારંવાર વપરાતા રહે છે.

મોટેભાગે આવા સમાચાર એ અભિનેતા, ગાયક કે સંગીતકાર પોતે જ અખબારો સુધી પહોંચાડે છે! ઉપરથી એમાં એ ભાઇ કે  બહેન કંઇ રીતે  કંઇ બાબતમાં પ્રથમ  છે, એનું વર્ણન પણ હોય છે. પહેલાં કોઇ પીએચ.ડી. એનું બહુ મહત્વ હતું. સ્નાતકનો અભ્યાસ પણ બહુ ઓછા લોકો કરતા, અને પીએચ.ડી. તો યુનિવર્સિટીઓમાં આખા વર્ષમાં   બે - પાંચ જણ જ થાય,  એટલે એક મોટી સિદ્ધિ   ગણાતી. હવે  તો દરરોજ બે - પાંચ જણ પીએચ.ડી.  થાય છે,   અને આ ડીગ્રી મેળવવી એ બિલકુલ સામાન્ય વાત થઇ ગઇ છે.

પણ, અખબારમાં ફોટા અને  જાતજાતના  વિશેષણો તો ચાલુ જ રહ્યાં છે. ઉપરથી, હવે   એમ.ફીલ.નો અભ્યાસ શરૂ થયો છે, એટલે હવે એમ.ફીલ. થનારાના ફોટાથી અખબારો ઉભરાય છે.  પછી એમાં ફલાણા  વિષયમાં એમ.ફીલ થનાર તેઓ પ્રથમ છે, અથવા તો 'ફલાણા ગામમાં આ ડીગ્રી મેળવનાર  તેઓ પ્રથમ છે.' કે પછી 'ફલાણી જ્ઞાાતિમાં આ ડીગ્રી         મેળવનાર તેઓ પ્રથમ છે' એવી વિશેષ  સિધ્ધિ પણ એમાં ઉમેરાય છે. આ બધું ઠીક પણ તદ્દન સામાન્ય બાબતમાં પણ પોતાનો ઢંઢેરો પીટવાની અને સામેથી પોતાનાં વખાણ કરાવવાની હવે   તો ફેશન શરૂ થઇ છે.

કોઇ સેમિનારમાં ભાગ લેવા માટે કોઇ જાય તો એમાં કોઇ નવી નવાઇ નથી રહી, સિવાય કે એ કોઇ ખૂબ અગત્યનો આંતરરાષ્ટ્રીય પરિસંવાદ હોય, પણ લોકો તો હવે આવી સાધારણ બાબતમાં પણ સ્વપ્ન સિદ્ધિ કરવાની તક ચૂકતા નથી. વિદેશમાં  કોઇ પરિસંવાદ યોજાય, એની ક્યાંક માહિતી મળે, એટલે હું એ લોકોને પત્ર લખું અને એમાં ભાગ લેવાની ઈચ્છા દર્શાવું અને એ લોકો મને સેમિનારમાં આવવાનું નિમંત્રણ પાઠવે. અકસ્માત એવો થાય કે દેશમાં આવી માહિતી મને જ મળી હોય, કે આવો પત્ર મેં જ લખ્યો હોય, અને પછી હું એવો દાવો કરૂં કે આખા દેશમાંથી આ સેમિનારમાં ભાગ લેવા માટે મારી એકલાની જ ખાસ પસંદગી થઈ છે, તો એમાં કેટલું ઔચિત્ય?

અને નંબર અને ક્રમની વાત તો હવે એવી અંતિમવાદી તબક્કે પહોંચી છે કે શાળામાં બાળક ભણતું હોય ત્યારથી એના મગજમાં એવું ઠાસી જાય છે કે જીવનમાં પહેલો કે બીજો નંબર લેવામાં જ સાર્થક્ય છે. એ સિવાય આપણું જીવન નકામું છે. આવો નંબર ન આવે એટલે એના મનમાં બાળપણથી જ એક પ્રકારની ઘેરી હતાશા ઘર કરી જાય છે. ઉપરથી, એમાં વિક્રમો અને વિશ્વ વિક્રમોનું ચક્કર ચાલ્યું એટલે કોઈને કોઈ રીતે ગિનેસ બુકમાં નામ નોંધાવવાની હરિફાઈ શરૂ થઈ ગઈ. એક મિત્ર પોતાની દીકરીને લઈને જયારે આવે ત્યારે એક જ વાત કરે કે એનો પરીક્ષામાં પ્રથમ નંબર જ આવવો જોઈએ. મેં એમને સમજાવ્યા કે પરીક્ષામાં તો કોણ શું અને કેવું લખે છે, અને કેવા પ્રશ્નો પૂછાય છે એના પર બધો આધાર છે. એ કંઈ આખા જીવનને કે વ્યક્તિત્વને માપવાનો ગજ નથી. તમે તમારા બાળક પાસેથી એ સારા ગુણ મેળવે એવી અપેક્ષા જરૂર રાખો, પણ પ્રથમ નંબરે જ આવવો જોઈએ એવો આગ્રહ કે જીદ તો એને જ નુકસાન કરે. જીવનમાં દરેક તબક્કે એ એવું જ ધ્યેય રાખે કે હું તો પ્રથમ જ હોઉં. એ ધંધામાં પડે તો એમાંપણ બીજા કરતાં આગળ રહેવા માટે એ પછી કાવાદાવા પણ કરશે.

પ્રતમ અને દ્વિતીય ક્રમ માટે જે વાત સાચી છે એ જ એવોર્ડ અને પારિતોષિક માટે પણ સાચી છે. કોઈ માણસ સારી સાહિત્યકૃતિ લખે, સારૂં નાટક લખે, સારો અભિનય કરે કે સારી રમતગમત કરે, પણ એની પ્રતિભાને માપવાનો એક માત્ર માપદંડ એવોર્ડ કે પારિતોષિક નથી. જેને એવોર્ડ મળે એ કૃતિ ઉત્તમ અને બાકીની બધી નકામી, એમ માની લેવાની જરૂર નથી. સ્પર્ધાઓની આપણી ઘેલછા એટલી આગળ વધી કે હવે તો સૌંદર્યની પણ સ્પર્ધા થાય છે. 

કહેવાનો અર્થ એ નથી કે બધા એવોર્ડો કે માન સન્માન નકામા છે કે માણસે કદી કોઈ સ્પર્ધામાં ભાગ જ ન લેવો. પ્રતિભા પ્રોત્સાહન માટે આ બધુંં જરૂરી છે. પણ એ પ્રતિભા પ્રોત્સાહનને કે માન્યતાને બદલે અહમ્ પ્રૅોત્સાહનનું સાધન બની જાય અને ઘેલછામાં ફેરવાઈ જાય અને એને ન મળે ત્યારે માણસને નિરાશામાં ધકેલે ત્યારે એ એક જોખમી ચીજ બની જાય છે.

નોબેલ ઈનામ મળ્યું એના કરતાં જેને નથી મળ્યું એવા વિશ્વના મહાન લેખકોની યાદી ખૂબ લાંબી છે. ટોલસ્ટોય કે બાલ્ઝાકને નોબલ ઈનામ મળ્યું ન હતું. ગાંધીજીએ શાંતિ અને અહિંસા માટે જાન ગુમાવ્યો, પણ એમને શાંતિનું કોઈ વિશ્વકક્ષાનું મરણોત્તર ઈામ પણ મળ્યું નહી. અને, એની સામે મુત્સ્દીગીરી અને ચાલાકી વડે આરબ ઈઝરાઈલ વચ્ચે શાંતિનું રાજકારણ ખેલનારા કિસીન્જરને શાંતિનું ઈનામ મળ્યું. સાર્વત્રને નોબલ ઈનુામ મળ્યું ત્યારે એણે હિંમતથી એને ઠુકરાવી દીધું હતું. બધા માણસો સાત્રર ન બની શકે, અને બનવાની જરૂર પણ નથી. પણ એનાથી સામા છેડે જઈને ઈનામ અકરામ પાછળ જ શક્તિ ખર્ચી નાખવાની પણ જરૂર નથી. દરેક માણસ ફિલસૂફ બની શકે નહીં અને દરેક માણસ અનાસક્તિ ભાવ કેળવી શકે નહીં. પણ, ઈનામ જ જીવનનું ધ્યેય છે અને એ સિવાય બદું નકામું છે એવું ગણિત અપનાવવાની જરૂર નથી.

માન, સન્માન કે એવોર્ડમાં પણ ધોરણો ન જળવાય તો એનું કોઈ મહત્વ જ રહેતું નથી. કોઈ ચોક્કસ વ્યક્તિને ચોક્કસ સિધ્ધિ માટ ેએવોર્ડ અપાય ત્યારે એ જ ક્ષેત્રમાં બીજા અનેક લોકો માટે એક પ્રશ્નાર્થ ખડો થાય છે. એ બધાં કરતાં પેલી વ્યક્તિને આપણે ઉંચા આસને બેસાડીએ ત્યારે આપણું એ કૃત્ય ન્યાયી અને યોગ્ય છે એની પ્રતીતિ કરાવવી જોઈએ. કોઈ પણ એવોર્ડ આપતી વખતે એની યોગ્ય વિધિ કરવી જોઈએ. જાહેરાત કરવી જોઈએ. જેમના નામ આવે એવી અધિકારી વ્યક્તિ અને નિર્ણાયક બનાવીને ચકાસણી કરવી જોઈએ અને પછી જ આવું કોઈ પણ સાહસ કરવું જોઈએ એના વગર આ એક ક્રિયાંકાંડ જ બની જાય છે.

ગાંધીજીએ આઝાદીની લડત ખેલી એ કંઈ નોબલ શાંતિ પુરસ્કાર માટે ખેલી નહોતી.

જીવન એ કંઈ રેસકોર્સ નથી, એ ઘોડદોડની હરીફાઈ નથી,એ કંઈ પહેલા અને બીજા નંબરની હારજીતનું મેદાન નથી, એ કંઈ ચોપાટ નથી કે જુગાર નથી જેમાં જીતે એ જ સાચો અને હારે એ નકામો. જીવનને આટલું યાંત્રિક કે કૃત્રિમ બનાવવાને બદલે એને સાહજિક રીતે માણવું જોઈએ. દરેક વાતમાં બીજાની સાથે તુલના કરીને પોતે હરખાવાની કે દુઃખી થવાની જરૂર નથી. બલ્કે પોતાના વ્યક્તિત્વને પોતાનું જ ગણીને, પોતાના રસ અને રુચિ મુજબ એને જીવી જવામાં જ સાર્થકતા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો