દિલ્હીની વાત : ચીનમાં મોદીની લોકપ્રિયતાના સર્વે સામે સવાલ


ચીનમાં મોદીની લોકપ્રિયતાના  સર્વે સામે સવાલ

નવીદિલ્હી, તા.28 ઓગસ્ટ 2020, શુક્રવાર

નરેન્દ્ર મોદી ભારતમાં જ નહીં પણ ચીનમાં પણ અત્યંત લોકપ્રિય છે અને ચીન સરકારના મુખપત્ર 'ધ ગ્લોબલ ટાઈમ્સ'ના સર્વેમાં ૫૧ ટકા લોકોએ મોદી સરકારની પ્રસંશા કરી છે એવા અહેવાલ ધૂમ મચાવી રહ્યા છે. આ અહેવાલ પ્રમાણે,  લોકોએ ચીન સરકાર સામે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે.

આ અહેવાલથી ભાજપ સમર્થકો ખુશ છે પણ વિશ્લેષકો આ સમાચારની વિશ્વસનિયતા અંગે શંકા સેવી રહ્યા છે. ભારતમાં 'ધ ગ્લોબલ ટાઈમ્સ' ઈન્ટરનેટ પર દેખાતું નથી તેથી તેમાં શું છપાયું તે જોઈ શકાતું નથી. મીડિયામાં ક્યાંય 'ધ ગ્લોબલ ટાઈમ્સ'ના મૂળ સમાચાર બતાવાતા નથી.  આ સમાચાર સૌથી પહેલાં ભારતની એક પે ટીવી ચેનલે પ્રસારિત કર્યા હતા. બીજા મીડિયાએ તેમાંથી આ સમાચાર ઉઠાવ્યા છે. આ ચેનલના માલિક ભાજપની અત્યંત નજીક છે.

ચીનની સામ્યવાદી સરકાર પોતાની સામેની નાની સરખી ટીકા પણ કરનારા લોકોને જેલમાં ધકેલી દે છે. આ સંજોગોમાં પોતાના મુખપત્રમાં પોતાના શાસનની ટીકા કરતા સર્વેને છાપવા દે એ વાત પણ વિશ્લેષકો માનવા તૈયાર નથી.

આદિત્ય ઠાકરે ઉધ્ધવ  કેબિનેટમાંથી રાજીનામું આપશે ?

આદિત્ય ઠાકરે મહારાષ્ટ્રના પ્રધાનમંડળમાંથી રાજીનામું આપી દેશે એવી અટકળો ચાલી રહી છે. આદિત્યે શુક્રવારે પોતાના ટ્વિટર પ્રોફાઈલમાંથી મહારાષ્ટ્ર સરકારના મંત્રી તરીકેનો ઉલ્લેખ દૂર કરી દેતાં આ ચર્ચા શરૂ થઈ છે. આદિત્ય હાલમાં તેમના પિતા ઉધ્ધવ ઠાકરેની સરકારમાં પર્યાવરણ અને પર્યટન વિભાગના મંત્રી છે.

સુશાંત સિંહના રહસ્યમય મૃત્યુના કેસમાં આદિત્યનું નામ ચગ્યું છે. આદિત્યના સુશાંતની ગર્લફ્રેન્ડ રીયા ચક્રવર્તી સાથે સંબંધ છે  એ પ્રકારના અહેવાલો મીડિયામાં આવ્યા છે. સુશાંતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાનના રહસ્યમય મૃત્યુના કેસમાં પણ આદિત્યનું નામ જોડવામાં આવ્યું છે. ભાજપ આ મુદ્દે શિવસેના પર સતત પ્રહારો કરી રહ્યો છે તેથી ઉધ્ધવની હાલત ખરાબ છે. પોતાની સરકારને બદનામીથી બચાવવા ઉધ્ધવે દીકરાને રાજીનામું અપાવવાનો નિર્ણય કર્યો હોવાની શક્યતા છે.

સૂત્રો એવી પણ શક્યતા વ્યક્ત કરી રહ્યાં છે કે, ઉધ્ધવ આદિત્યને પ્રધાનમંડળમાંથી રાજીનામું અપાવીને શિવસેનાનો પ્રમુખ બનાવી શકે છે. ઉધ્ધવ સંગઠન પર ધ્યાન નથી આપી શકતા તેથી કાર્યકરો નારાજ છે. આ નારાજગી દૂર કરવા આદિત્યેને ફુલટાઈમ પ્રમુખ બનાવી શકાય છે.

પાંડેને મોટો હોદ્દો અપાવી ગેહલોતે તાકાત બતાવી

રાજસ્થાનમાં સચિન પાયલોટ અને અશોક ગેહલોત વચ્ચે કોલ્ડ વોર ચાલુ છે. ગેહલોતે હાઈકમાન્ડના કહેવાથી પાયલોટને પક્ષમાંથી કાઢી મૂકવાની માગ છોડી દીધી પણ પાયલોટનું રાજકીય વર્ચસ્વ ખતમ કરવા પૂરી તાકાત લગાવી રહ્યા છે. આ ક્વાયતના ભાગરૂપે તેમણે ગયા સપ્તાહે પાયલોટના મતવિસ્તાર ટોંકના તમામ અધિકારીઓની બદલી કરી હતી. પાયલોટના  માનીતા અધિકારીઓને ગેહલોતે દૂર દૂર ફેંકી દીધા છે.

હવે ગેહલોતે સચિન પાયલોટના જૂના વિભાગ પીડબલ્યુડીમાંથી ૧૧ એડિશનલ ચીફ એન્જીનિયર અને ૧૨૨ એક્ઝીક્યુટિવ એન્જીનિય સહિત ૧૪૦ અધિકારીની બદલી કરી છે. આ તમામની નિમણૂક પાયલોટે કરી હતી.

ગેહલોતે પાયલોટને ફટકો મારતાં  અવિનાશ પાંડેને બિહારમાં ઈલેક્શન સ્ક્રીનિંગ કમિટીના ચેરમેન બનાવડાવ્યા છે. સચિન પાયલોટે બળવો કર્યો ત્યારે તેમણે પ્રભારીપદેથી પાંડેને હટાવવાની માગ મૂકેલી. હાઈકમાન્ડે પાયલોટની વાત માનીને પાંડેને ખસેડી અજય માકનને પ્રભારી બનાવ્યા તો ગેહલોતે પાંડેને વધારે મહત્વની જવાબદારી અપાવીને તાકાત સાબિત કરી છે. ગેહલોત જે રીતે વર્તી રહ્યા છે એ જોતાં ગમે ત્યારે ખુલ્લો જંગ નક્કી છે.

મોદી સંરક્ષણના વેબિનારમાં જાહેરાત વિના પહોંચી ગયા

નરેન્દ્ર મોદીએ ગુરૂવારે ફિક્કીના વેબિનારમાં સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવા મુદ્દે કરેલા પ્રવચનની ચર્ચા છે પણ રસપ્રદ વાત એ છે કે, આ વેબિનારમાં મોદી જાહેરાત વિના જ પહોંચી ગયા હતા.

એક કલાકના આ ઈન્ટરએક્ટિવ સેશનમાં રાજનાથસિંહ મુખ્ય મહેમાન હતા. ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવત તથા અન્ય લશ્કરી અધિકારીઓએ પણ વેબિનારમાં ભાગ લીધો હતો. મોદી આ કાર્યક્રમમાં આવવાના છે એવી કોઈ જાહેરાત નહોતી કરાઈ. મોદીનું નામ આમંત્રિત મહેમાનોમાં પણ નહોતું. કલાકનું નિર્ધારિત સેશન પૂરું થવાનું હતું ત્યારે અચાનક જ જાહેરાત કરાઈ કે, મોદી સંબોધન કરશે. મોદીએ પોણો કલાક સંબોધન કરીને આત્મનિર્ભરતા મુદ્દે વાત કરી.

સૂત્રોના મતે, આત્મનિર્ભરતાનો મંત્ર પોતે આપ્યો હોવાથી તેને લગતો તમામ જશ મોદી પોતે જ લેવા માગે છે. આ કારણે મોદી  આત્મનિર્ભરતા મુદ્દે બોલવાની ને વિશેષ તો પબ્લિસિટીની એક પણ તક મોદી છોડવા નથી માંગતા તેથી આ વેબિનારમાં છેલ્લી ઘડીએ તેમણે એન્ટ્રી મારી. 

ભાજપ નેતાની સલાહ, હવે મોદીના નામે નહીં જીતાય....

ઉત્તરાખંડમાં ભાજપના પ્રદેશ પ્રમુખ બંસીધર ભગતના મોદી વિરોધી નિવેદને  ખળભળાટ મચાવ્યો છે. ભગતે ધારાસભ્યોને સંબોધતાં કહ્યું કે, ૨૦૨૦ની ચૂંટણીમાં મોદી લહેરના સહારે તરી જશો એવું બનવાનું નથી. ધારાસભ્યોએ પોતાના વિસ્તારમાં જઈને કામ કરવાં પડશે. ભગતે એમ પણ કહ્યું કે,  મોદીના નામે લોકો મત આપી દે એવું હવે રહ્યું નથી કેમ કે લોકોએ મોદીના નામે બહુ મત આપી દીધા. હવે ધારાસભ્યોએ પોતે મહેનત કરવી પડશે.

ભગતના નિવેદન સામે ભાજપના નેતા જ ઉકળ્યા છે ને તેમને પ્રમુખપદેથી હકાલપટ્ટીની માગ કરી છે. ભગત આ વર્ષના જાન્યુઆરીમાં જ પ્રદેશ પ્રમુખ નિમાયા હતા. આ ઉપરાંત એ દિગ્ગજ નેતા છે અને છ વાર ધારાસભ્યપદે ચૂંટાયા છે. આ સંજોગોમાં હાઈકમાન્ડ ભગતને દૂર કરે તેવી શક્યતા નથી પણ તેમને ઠપકો ચોક્કસ મળશે.

ભગતના આ નિવેદને કોંગ્રેસને ગેલમાં લાવી દીધી છે. ભાજપ પોતે જ હવે મોદી લહેર રહી નથી એવું સ્વીકારતો થઈ ગયો છે એ આડકતરી રીતે હારનો સ્વીકાર છે એવો પ્રચાર કોંગ્રેસે જોરશોરથી શરૂ કરી દીધો છે.

બિહારમાં ભાજપ-જેડીયુ સ્માર્ટફોન વહેંચશે

બિહારમાં વિધાનસભાની ચૂંટણી જીતવા ભાજપ-જેડીયુ મોટા પ્રમાણમાં મોબાઈલ ફોનની લહાણી કરવાની યોજના બનાવી રહ્યાં છે. ભાજપ એકલો જ એક કરોડ સ્માર્ટફોન વહેંચશે એવું સૂત્રોનું કહેવું છે. તેનું કારણ બિહારમાં ઈન્ટરનેટનો ઓછો વ્યાપ છે.

બિહારની વસતી ૧૦ કરોડની આસપાસ છે અને મતદારોની સંખ્યા ૬ કરોડની આસપાસ છે. બિહારમાં કુલ ૬.૭૨ કરોડ લોકો પાસે મોબાઈલ ફોન છે પણ તેમાંથી ૨.૬૮ કરોડ લોકોના મોબાઈલમાં જ ઈન્ટરનેટ છે.

બિહારમાં ફેસબુક યુઝરની સંખ્યા ૧.૨૨ કરોડ છે ને તેમાંથી લગભગ અડધા યુઝર મોબાઈલ ફોન પર ફેસબુક યુઝ કરે છે. મોટી સમસ્યા એ છે કે, મહિલા ફેસબુક યુઝર તો માત્ર ૨૨ લાખ જ છે.

ભાજપ-જેડીયુનો બધો પ્રચાર ઈન્ટરનેટ ને ખાસ તો ફેસબુક આધારિત હશે તેથી ઈન્ટરનેટનો ઓછો પ્રભાવ સમસ્યા બની શકે એવી રજૂઆત કરાતાં  ભાજપે તેનો ઉકેલ લાવવા માટે મોબાઈલ ખરીદવાનો નિર્ણય જ લઈ લીધો હોવાનું સૂત્રોનું કહેવું છે. આ પૈકીના મોટા ભાગના સ્માર્ટફોન મહિલાઓને અને ખાસ તો યુવા મહિલાઓને અપાશે.

***

મોદી સરકાર સામે વિરોધ પક્ષોનું લોક આંદોલનની તૈયારીઓ

આમ તો જો કે વિરોધ પક્ષો સામે રાજકીય વાતાવરણ અયોગ્ય છે છતાં વિરોધ પક્ષોને નેતાઓએ એવો ઇશારો કર્યો હતો કે મોદી સરકાર સામે લોક આંદોલન કરવા ૨૨ વિરોધ પક્ષના નેતાઓ ટુંક સમયમાં મળશે. ૧૪ સપ્ટેમ્બરથી શરૂ થતાં સંસદના ચોમાસુ સત્ર પહેલાં મોટા ભાગે ઓનલાઇન જ આ બેઠક યોજાશે. કોવિડ-૧૯ ના પ્રતિબંધને ધ્યાનમાં  લઇને આગામી ઝુંબેશનું ઓયાજન કરાયું હોવાનુ મનાય છે. વિરોધ પક્ષોએ કોવિડ- ૧૯ને નિયંત્રણ કરવામાં તેમજ લોકોને રાહત આપવાાં સરકારની નિષ્ફળતાઓ શોધી કાઢી હતી, એમ એક નેતાએ કહેયું હતું.૨૨ મેના રોજ પણ આવી જ એક બેઠક મળી હતી જેમાં કોરોના મહામારી પછી અચાનક જ દેશમાં મોદી સરકારે લાદી દીધેલા લોકડાઉન અને અર્થતંત્રની મુશ્કેલીઓની ચર્ચા કરી હતી. તેમણે મોદીએ જાહેર કરેલા રૂપિયા ૨૦ લાખ કરોડના આર્થિક પેકેજને એક મોટો મજાક ગણાવ્યો હતો. ઉપરાંત વર્તમાન સરકારમાં કેવી રીતે સમયવાયતત્રને ઇરાદાપૂર્વક ભુલાવી દેવાના પ્રયાસો કરવામાં આવી રહયા છે ેતની પણ ટીકા કરી હતી.

વિરોધ પક્ષો એ નાગરિક સંસદની પ્રશંસા કરી

 ૨૬ ઓગસ્ટે પુરી થયેલી અને એક સર્તાહ સુધી ચાલેલી વર્ચ્યુઅલ જનતા સંસદમાં વિરોધ પક્ષોએ વિશાળ એકતા ઊભી કરવા બેઠકમાં પસાર કરેલા ઠરાવના આધારે એક કોમન મિનિમય પ્રોગ્રામનો ડ્રાફટ બનાવવા દરખાસ્ત મૂકવામાં આવી હતી. અન્ય માગ જેનો સમાવેશ કરાયો હતો તેમાં  આધાર તેમજ મૂળ પગાર વગર આરોગ્યના અધિકારી અને  જાહેર વિતરણ વ્યવસ્થાનું એકીકરણ કરવાનો સમાવેશ થતો હતો.કોવિડ-૧૯ સબંધીત મુદ્દાઓ અંગે અર્જન્ટ ચર્ચા કરવા જન સરોકાર નાગરિક સમાજ દ્વારા આ બેઠકનું આયોજન કરાયું હતું. બેઠકની પૂર્ણાહુતી પછી વિરોધ પક્ષના નેતાઓએ આ પહેલની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેઓ બેઠકમાં જે જે વાતો થઇ હતી તેના આધારે એજન્ડા બનાવશે.'એક નાગરિક સમાજ તરીકે વિરોધ પક્ષો માટે એક સમાન એજન્ડા બનાવવા  વિરોધ પક્ષોની મદદ માટે થોડો સમય લાગશે'એમ જન સરોકારના નેતા નિખિલ ડે ે કહ્યું હતું.

પક્ષમાં ચૂંટણી નહીં થાય તો કોંગ્રેસને પચાસ વર્ષ સુધી વિરોધમાં બેસવું પડશઃઆઝાદ

અસંતુષ્ઠ મનાતા અને પત્રમાં સહી કરનારાઓ પૈકીના એક  કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કોંગ્રેસ કારોબારી સમિતિમાં પક્ષમાં, મહત્તવના હોદ્દાની તેમજ જિલ્લા કક્ષાથી લઇ બ્લોક કક્ષા સુધી ચૂંટણીની કરવાની વાત કહી હતી.તેમણે કહ્યું હતું કે આ વાતનો વિરોધ કરનારઓને  હારી જવાનો ભય છે.જો ચૂંટાયેલી સમિતિ જ પક્ષનું નેતૃત્વ કરશે તો પક્ષનું ભવિષ્ય ઉજળું બનશે. તેમણે ચેતવણી આપી હતી કે જો આમ નહીં કરાય તો કોંગ્રેસને પચાસ વર્ષ સુધી વિરોધ પક્ષની પાટલીઓ પર જ બેસવું પડશે. કોંગ્રેસ પક્ષ ગમે તેને રાજ્યમાં  પ્રમુખ તરીકે નિમિ દે છે  અને જેમને હાઇ કમાન્ડ ઇચ્છે છે તેની નિમણુંક કરાય છે.કોંગ્રેસની સર્વ સત્તાધિશ કાહોબારી સમિતિની બેઠક પુરી થયાના ત્રીજા  દિવસે આઝાદે આ વાત કરી હતી.

જીએસટી મુદ્દે રાજ્યો સાથે છેતરપીંડી કરાય છેઃ સિસોદિયા

ચાલુ નાણાકીય વર્ષમાં જેમને જીએસટીનું વળતર મળ્યું નથી એવા રાજયો તેઓ જે ઉઘરાવે છે તે કરની રકમથી રાજ્ય  ચલાવવા મુશ્કેલી અનુભવી રહ્યા છે.' રાજ્યોને જીએસટીનું વળતર આપવામાં કેન્દ્રની નિષ્ફળતા અથવા ઇનકાર સમવાય અને આઝાદ ભારતના ઇતિહાસમાં સૌથી મોટી છેતંરપીંડી છે. રાજ્યોને લાગે છે કે તેમને છતરવામાં આવ્યા હતા, એમ દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનિષ સિસોદિયાએ કહ્યું હતું.

પંજાબના નાણા મંત્રી મન પ્રીત સિંહ પણ ગુસ્સે ભરાયા હતા અને કહ્યું હતું કે બેઠક પહેલાં એજીની નોંધ જારી કરવાની જરૂર હતી. 'શા માટે છેલ્લી મિનિટ સુધી તેને છુપાવીને રાખવામાં આવી હતી'એમ તેમણે કહ્યું હતું. બંગાળના નાણા મંત્રી અમિત મિત્રાએ કહ્યું હતું કે ' મોટા ભાગના રાજ્યો ઉઘાર લેવાની તરફેણમાં નથી.'તેઓ (ભાજપ)બહુમતીમાં હોવાથી એનો અર્થ એ નથી કે તેઓ અમારી ઉપર ગમે તે નિર્ણય થોપી દે'એમ છત્તીસગઢના નાણા મંત્રી ટી.એસ. સિંહ દેવે કહ્યું હતું.

- ઇન્દર સાહની

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો